Welcome 2020 : મંદીના માર ઉપરાંત ભારતીય અર્થતંત્ર આ પડકારોને પહોંચી વળશે?

ચલણી નોટો

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE

ઇમેજ કૅપ્શન, ભારત સામે હાલમાં ઘણા પડકારો રહેલા છેઃ ધીમું પડેલું અર્થતંત્ર, બેરોજગારીનો ઊંચો દર, આકરી બનેલી નાણાકીય ખાધ.
    • લેેખક, અરુણોદય મુખરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું ભારત 4.5% ટકાના દરે આગળ વધી રહ્યું છે, જે દર છેલ્લાં છ વર્ષમાં સૌથી નીચો છે.

નવા વર્ષની શરૂઆતે નાણાંમંત્રીએ દેશમાં 102 લાખ કરોડની પરિયોજનાઓ લાગુ કરવાનું માળખું રજૂ કર્યું છે જેમં 24 ટકા હિસ્સો ફકત વીજળી ક્ષેત્રનો છે.

2019ના છેલ્લા મહિનામાં નાણામંત્રી સંસદમાં ભારપૂર્વક એવું કહ્યું કે દેશની અર્થતંત્રની ગતિ ધીમી પડી હશે, પણ મંદીની કોઈ શક્યતા નથી.

2019નું વર્ષ પૂર્ણ થયું અને 2020 તરફ સૌની દૃષ્ટિ છે ત્યારે સરકાર સામે કયા મુખ્ય આર્થિક પડકારો છે?

અર્થશાસ્ત્રીઓ એ વાતે સહમત થઈ રહ્યા છે કે મુશ્કેલીમાં રહેલા અર્થતંત્ર માટે સામાજિક અને રાજકીય સ્થિરતા જરૂરી બની છે.

ભારત સામે હાલમાં ઘણા પડકારો રહેલા છેઃ ધીમું પડેલું અર્થતંત્ર, બેરોજગારીનો ઊંચો દર, આકરી બનેલી નાણાકીય ખાધ.

2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બજેટ રજૂ કરશે, ત્યારે તેમણે આ બધાં જ પરિબળોને ધ્યાનમાં લઈને નવી નીતિઓ ઘડવી પડશે, જૂની સુધારવી પડશે.

line

વિકાસની ધીમી ગતિ

બીએસઈ

ઇમેજ સ્રોત, NurPhoto

ઇમેજ કૅપ્શન, ભારતનો વિકાસ દર છેલ્લાં છ વર્ષમાં સૌથી નીચે ગયો છે.

વૈશ્વિક અર્થતંત્ર માટે પણ ગયું વર્ષ પડકારભર્યું હતું અને તેની અસરો ભારતના અર્થતંત્ર પર પણ વર્તાઈ રહી છે.

ત્રીજા ત્રિમાસિક ગાળાનો વૃદ્ધિદર ઘટીને 4.5% થઈ ગયો અને બજારની અપેક્ષા કરતાં સતત છઠ્ઠા ક્વાર્ટરમાં વિકાસ મંદ પડ્યો.

ભારતનો વિકાસ દર છેલ્લાં છ વર્ષમાં સૌથી નીચે ગયો છે. ખાનગી માગ અને મૂડીરોકાણની સાથે નિકાસ પણ બહુ ઓછી થઈ ગઈ છે.

સ્થાનિક ઉપભોગ સૌથી ચિંતાનું કારણ છે, કેમ કે ભારતના જીડીપીમાં તેનો 60% ફાળો છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 2019ના વર્ષમાં અભૂતપૂર્વ રીતે પાંચ વાર ધિરાણ પરના વ્યાજદરો ઘટાડ્યા, પણ તેની અસર હજી જોવા મળી નથી.

સરકારે કેટલાંક પગલાં લીધાં છે ખરાં, પણ અર્થશાસ્રીઓ માને છે કે તે પૂરતાં નથી.

ભારતમાં મંદીની સ્થિતિમાં હોવાનું જણાવીને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે (આઈએમએફ) ચેતવણી આપી છે કે 2020ના વર્ષ માટે તેમણે ભારતના વિકાસદરની ધારણામાં 'મહત્ત્વપૂર્ણ ઘટાડો' કરવો પડશે.

ગ્રાહકોના હાથમાં વાપરવા માટે વધારે પૈસા વધે તે માટે આઈએમએફે ધિરાણદરોમાં વધુ ઘટાડો કરવાની સાથે ફુગાવા પર નજર રાખવા માટેની ભલામણ આરબીઆઈને કરી છે.

અર્થશાસ્ત્રી વિવેક કૌલ માને છે કે આરબીઆઈ હજી દરોમાં થોડો ઘટાડો કરી શકે છે; પણ તેની અસર આગળ વધે તે જરૂરી છે, એમ તેઓ કહે છે.

તેઓ કહે છે, "વ્યાજદરોમાં ઘટાડો બૅન્કોએ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ, પણ આરબીઆઈની આશા પ્રમાણે એવું થયું નથી".

સરકારે નાણાકીય ખાધ અને સરકારી બૅન્કોમાં સુધારાની બાબતને પણ હાથમાં લેવી જરૂરી બનશે.

line

2020ના બજેટનો ઇંતેજાર

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

"જવાબદારી નિર્ધારિત કરવા માટેનાં પગલાં લેવા સાથે વેપારી ધોરણે નિર્ણયો લેવાની પ્રક્રિયા લાવી શકાય" તે માટે આવું કરવું જરૂરી છે એમ આઈએમએફના એશિયા પેસિફિક ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર રાનીલ સાલગાડો કહે છે.

સરકારે ધિરાણના દરો ઘટાડવા સાથે કૉર્પૉરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવા જેવાં પગલાં લીધાં છે, પણ તે પૂરતાં નથી એમ પ્રોફેસર અરુણ કુમાર કહે છે.

"આરબીઆઈએ વ્યાજદરો ઘટાડ્યા છે, તો પણ મૂડીરોકાણનો દર ઘટ્યો છે."

"વેપારી ધિરાણ 88% જેટલું ઘટીને માત્ર 10% રહી ગયું છે. આ બહુ મોટો ઘટાડો છે અને ગ્રાહકો બહુ ઓછી લોન લઈ રહ્યા છે".

તેમને લાગે છે કે કૉર્પૉરેટ સૅક્ટર પરથી બોજો ઓછો કરવાના બદલે સરકારે તળિયાના સ્તરે ખરીદશક્તિ વધારવાની જરૂર છે.

"કુલ રોકાણનું માત્ર 5% રોકાણ વિદેશી મૂડીરોકાણ છે ત્યારે તેના પર બહુ ભાર મૂકવાની જરૂર નથી. સ્થાનિક મૂડીરોકાણને પ્રોત્સાહન આપ્યા પછી બહારથી મૂડીરોકાણ લાવવાના પ્રયાસો કરવા જોઈએ".

આ ચિંતાને દૂર કરવા માટે સરકારે જાહેરાત કરી છે કે માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ પાછળ 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારમાં આ રોકાણથી લાંબાગાળે ફાયદો થઈ શકશે એમ અર્થશાસ્ત્રીઓને લાગે છે.

જોકે, એ જોવાનું રહે છે કે આટલું જંગી મૂડીરોકાણ સરળતાથી આગળ વધતું રહે છે કે કેમ અને નાણામંત્રી નિર્મલા સિતારમણ તેમના ફેબ્રુઆરી 2020 બજેટમાં બીજા કોઈ વધારાના લાભોની જાહેરાત કરે છે કે કેમ.

line

બેરોજગારીની સમસ્યા

જુલાઈ 2017થી જૂન 2018 દરમિયાન બેરોજગારીનું પ્રમાણ 6.1 ટકાએ પહોંચ્યું

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, જુલાઈ 2017થી જૂન 2018 દરમિયાન બેરોજગારીનું પ્રમાણ 6.1 ટકાએ પહોંચ્યું

મે, 2019માં સરકારે સ્વીકાર્યું હતું કે ભારતમાં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ હતો - જુલાઈ, 2017થી જૂન, 2018 દરમિયાન બેરોજગારીનું પ્રમાણ 6.1 ટકાએ પહોંચ્યું હતું.

શહેરી યુવાનોમાંથી 7.8 ટકા નોકરી વિનાના હતા.

"અર્થતંત્ર મુશ્કેલીમાં હોય ત્યારે રાજકીય અને સામાજિક બાબતો પણ માથું ઊંચકે છે. બેરોજગારીનો મુદ્દો રાજ્યોની ચૂંટણીઓમાં ચગતો રહેશે," એમ અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમાર કહે છે.

તેમને લાગે છે કે દેશમાં રોજગારી આપવામાં 94% જેટલો ફાળો આપતા અને જીડીપીમાં 45% હિસ્સો ધરાવતા બિનઆયોજિત ક્ષેત્રમાં સૌથી વધુ અસર થઈ છે.

સૌથી મોટો પડકાર એ છે કે બિનઆયોજિત ક્ષેત્રના આંકડા સરકાર સુધી પહોંચતા નથી.

દર પાંચ વર્ષે એકવાર આંકડા એકઠા થાય છે અને તેથી એવું માની લેવાય છે કે આયોજિત ક્ષેત્ર જેટલો જ વિકાસ અહીં થઈ રહ્યો છે.

પ્રોફેસર કુમારને લાગે છે કે ભારતનો વિકાસ દર સત્તાવાર રીતે દર્શાવવામાં આવી રહ્યો છે તેનાથી પણ હકીકતમાં ઘણો નીચે છે.

નોટબંધીની આડઅસરો બિનઆયોજિત ક્ષેત્રને ત્રણ વર્ષ પછી પણ નડી રહી છે અને તેના કારણે રોજગારી ઓછી થઈ રહી છે.

અર્થતંત્રના બહુ અગત્યના ક્ષેત્રમાં સરકારી ઉપાયોની અસર પહોંચી નથી.

line

ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારની જરૂરિયાત

બજેટ

ઇમેજ સ્રોત, Getty Images

અર્થશાસ્ત્રી વિવેક કૌલ ટ્રૅન્ડ પર ઝીણી નજર રાખી રહ્યા છે અને તેઓ વર્તમાન સ્થિતિને સંદર્ભમાં મૂકી આપે છે.

"આર્થિક વિકાસના ઇતિહાસ પર તમે નજર નાખશો તો ખ્યાલ આવશે કે મોટા ભાગના દેશો પોતાના શ્રમિકોને ખેતીમાંથી બાંધકામ તરફ વાળી શક્યા છે. "

"બાંધકામમાં ઓછી લાયકાત ધરાવનારા લોકો માટે પણ પૂરતું કામ મળી રહી છે. ભારતમાં તેવું થઈ રહ્યું નથી. "

"ભારતમાં તેવું ના થવાનું કારણ એ છે કે રિઅલ એસ્ટેટ સૅક્ટર મુશ્કેલીમાં મૂકાયું છે.".

બાંધકામ ક્ષેત્રનો વૃદ્ધિ દર છેલ્લાં દસ વર્ષમાં 12.8%થી ઘટીને 5.7% થઈ ગયો છે અને વિકાસમાં તેનો ફાળો 13.4%થી ઘટીને માત્ર 6.5% ટકા થઈ ગયો છે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે સરકાર 2020માં જાહેર ક્ષેત્રમાં મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરી શકે છે.

ગ્રામીણ વિસ્તારમાં માળખાકીય સુવિધા અને કૃષિમાં રોકાણ વધારવા પ્રયાસો થઈ શકે છે.

મૂડીરોકાણના કારણે આખરે વધારે રોજગારીઓ ઊભી થઈ શકે છે.

line

ફુગાવો

માર્કેટ યાર્ડમાં ડુંગળી

ઇમેજ સ્રોત, Mint

ઇમેજ કૅપ્શન, ડુંગળીનો ભાવ માર્ચની સરખામણીએ 400% ટકા વધી ગયેલો હતો.

ખાદ્ય પદાર્થોનો ફુગાવો છ વર્ષની ટોચે પહોંચ્યો છે. વેપાર મંત્રાલયના આંકડા અનુસાર 16મી ડિસેમ્બરે ડુંગળીનો ભાવ માર્ચની સરખામણીએ 400% ટકા વધી ગયેલો હતો.

શાકભાજીના ભાવોમાં વધારાના કારણે છુટક ભાવાંક નવેમ્બરમાં વધીને 5.54% થયો હતો, જે ઑક્ટોબરમાં 4.62% હતો. ત્રણ વર્ષમાં સૌથી ઊંચો દર છે.

જોકે, ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારા માટે નિષ્ણાતો કુદરતી પરિબળોને જવાબદાર ગણે છે.

ચોમાસામાં મોડું થયું હતું અને કેટલાક વિસ્તારોમાં દુકાળના કારણે પુરવઠા પર અસર થઈ હતી.

2019નું ચોમાસું પણ રાબેતા મુજબનું રહ્યું નથી અને તેના કારણે ભાવો કાબૂમાં આવી શક્યા નહોતા.

આ વર્ષે ઊલટાનો છેલ્લા બે દાયકાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે અને તેના કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે. તેના કારણે રવિ વાવેતરમાં પણ મોડું થયું છે.

જોકે, આગામી થોડા મહિનામાં સ્થિતિમાં સુધારો થશે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ જોઈ રહ્યા છે.

રવિ પાક બજારમાં આવે તે પછી ભાવોમાં સ્થિરતા આવશે.

આમ છતાં ફુગાવા પર નજર રાખવી જરૂરી બનશે, કેમ કે ખાદ્ય પદાર્થોના ભાવોમાં વટઘટની અસર આરબીઆઈની નાણાકીય નીતિ પર પડે છે.

તેના કારણે આરબીઆઈ વ્યાજ દરોમાં ઘટાડો કરતા અચકાય છે.

મંદી છતાં ડિસેમ્બરમાં આરબીઆઈએ ધિરાણના દરો યથાવત્ રાખ્યા તેના કારણે ઘણા નિષ્ણાતોને આર્શ્ચય થયું હતું.

આરબીઆઈએ કબૂલ્યું હતું કે દરોમાં થોડો ઘટાડો કરવાની મોકળાશ છે ખરી, પણ નિકટના ભવિષ્યમાં ફુગાવા વિશે તેને ચિંતા છે તેમ જણાવ્યું હતું.

line

નાણાકીય ખાધ

આરબીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images INDRANIL MUKHERJEE

ઇમેજ કૅપ્શન, આરબીઆઈએ ઑગસ્ટ 2019માં સરકારી તીજોરીમાં 1.76 લાખ કરોડ જમા કરાવ્યા તે પછીય આવકમાં ખાધ રહી છે.

આગામી વર્ષમાં સરકાર સામે સૌથી મોટો પડકાર હશે નાણાકીય ખાધને જાળવી રાખવાનો. 2019ના વર્ષમાં કરવેરાની આવક ધારણા કરતાં ઓછી રહી છે.

કૉમ્પ્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સના આંકડા અનુસાર ભારતની નાણાકીય ખાધ ઑક્ટોબર 2019માં 7.2 લાખ કરોડ (ટ્રિલિયન) રૂપિયા હતી.

સરકારે કોર્પોરેટ ટૅક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો તેના કારણે આવકમાં 1.45 લાખ કરોડની નુકસાની થઈ હતી.

2019-20માં સરકારી ખર્ચ લગભગ 29 લાખ કરોડ રૂપિયાનો રહેશે તેવી શક્યતા છે.

આરબીઆઈએ ઑગસ્ટ 2019માં સરકારી તિજોરીમાં 1.76 લાખ કરોડ જમા કરાવ્યા તે પછીય આવકમાં ખાધ રહી છે.

સંદેશ સ્પષ્ટ છે કે સરકારે આવક વધારવા માટે કોશિશ કરવી પડશે.

તેનો એક ઉપાય હાલના વેરા માળખાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે એમ જાણકારો કહે છે. પ્રોફેસર કુમારનું સૂચન છે કે "ધનિક લોકો પર વેરો વધારવો જોઈએ."

હકીકતમાં આ અને બીજા આવાં સૂચનો સરકાર પાસે પડ્યાં છે અને ઊંચી આવક ધરાવનારા પર વધુ વેરો નાખવાની શક્યતા ચકાસાઈ રહી છે.

તેની સાથે કૉર્પૉરેટ ટેક્સમાં થયો તે રીતે વ્યક્તિગત આવક વેરામાં ઘટાડાની શક્યતા પણ ચકાસાઈ રહી છે.

પ્રોફેસર કુમાર કહે છે કે વેરાથી ઊભી થયેલી આવક ગ્રામીણ ક્ષેત્રમાં ખેડૂતોને સહાયરૂપ થવા માટે વાપરવી જોઈએ, જેથી વિકાસને વેગ મળે અને રોજગારીની તકો ઊભી થાય.

મુશ્કેલ સ્થિતિમાં હોવા છતાં સરકારે જીએસટીના દરોમાં વધારો કર્યો નથી.

એનડીટીવીને હાલમાં આપેલી એક મુલાકાતમાં ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયમે કહ્યું કે "એક તરફ તમે જીએસટીમાં દરો વધારો અને બીજી બાજુ આવકવેરામાં ઘટાડો વિચારો તેવું કરી શકો નહી."

"જીએસટીના દરોમાં વધારાની સીધી અસર ઉપભોગ પર થશે."

"લોકોના હાથમાં વધારે પૈસા બચે તેવું કરવા માટેનો સૌથી સરળ રસ્તો વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો કરવાનો છે," એમ અર્થશાસ્ત્રી વિવેક કૌલ કહે છે.

જોકે, કૌલ સાવધ પણ કરે છે કે વેરાની આવક વધારવા માટે વેરા અધિકારીઓ નાગરિકોની હેરાનગતિ કરે તેવું પણ થવું જોઈએ નહીં.

કરવેરા સિવાય બીજી એક બાબતમાં તેઓ સૂચન આપે છે. તેઓ કહે છે કે સરકારે ડીઇન્વેસ્ટમેન્ટ (સરકારી ક્ષેત્રના ખાનગીકરણની) યોજનામાં ઝડપ કરવાની જરૂર છે.

એર ઇન્ડિયા અને બીપીસીએલનું ખાનગીકરણ કરવાની યોજનામાં વિલંબ થઈ રહ્યો છે અને તેના કારણે સરકારની આવકના અંદાજમાં 40,000 કરોડની ખાધ ઊભી થઈ છે.

વિવેક કૌલ માને છે કે જે સરકારી એકમો સારી કામગીરી ના કરતા હોય તેને વેચી નાખવા સરકાર માટે જરૂરી છે.

આ સરકારી એકમો "મૂડી ખતમ કરી રહ્યા છે અને તેના પર કોઈ સારું વળતર આપી રહ્યા નથી.

સરકારે એની યાદી પણ તૈયાર કરવી જોઈએ કે સરકારી એકમો પાસે કેટલી જમીન છે અને તેનો ઉપયોગ કરીને કેવી રીતે વધારાની આવક મેળવી શકાય," એમ કૌલ કહે છે.

2018 સુધી ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર હતું અને વિકાસદર 2016માં 9.4% સુધી પહોંચી ગયો હતો.

તેની સામે 2020ના વર્ષ માટે ખાસ કોઈ આશા નથી તેમ અર્થશાસ્ત્રીઓને લાગે છે, કેમ કે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની ખાસ કોઈ અસર દેખાઈ નથી.

નિષ્ણાતો વધુમાં જણાવે છે કે અર્થતંત્રને હજીય 2016ની નોટબંધીની આડઅસરો થઈ રહી છે.

તે પછી જીએસટી દાખલ કરવામાં આવ્યું અને વૈશ્વિક આર્થિક માહોલને કારણે પણ નુકસાન થયું.

20 ડિસેમ્બરે એસોચેમની વાર્ષિક પરિષદને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકારે ભારતના અર્થતંત્રમાં શિસ્ત આણી છે

અને 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરવા માટેનો મજબૂત પાયો નાખ્યો છે.

પણ શું ભારત ખરેખર તે લક્ષ્ય હાંસલ કરી શકે ખરું?

તે વિશે આખરે વિવેક કૌલ કહે છે, "સરકારે સમસ્યા છે તેનો સ્વીકાર કરવો પડે અને તો જ સ્થિતિમાં સુધારો થઈ શકે."

"આગળ શું થશે તેનો જવાબ હવે બજેટ 2020માં જ મળશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો