Good Bye 2019 : અંબાણી માંડ જેલ જતા બચ્યા અને રાહુલ ગાંધીને માગવી પડી માફી, સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક વર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રમેશ મેનન
- પદ, વરિષ્ઠ પત્રકાર
ભારતીય ન્યાયપાલિકા માટે 2019નું વર્ષ અત્યંત ખાસ વર્ષ બની રહ્યું. વર્ષોથી લંબાતા રહેતા ઐતિહાસિક કેસોની સુનાવણીની સાથે-સાથે ચુકાદા પણ આપવામાં આવ્યા.
ભારતીય ન્યાયપાલિકાએ આ કેસોનો નિકાલ લાવવાની સાથે એ જટિલતા તથા અરાજકતાની ઓળખ પણ કરી, જે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સાથે રહી છે.
આ કેસોમાં બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ કેસ, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મામલો, મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતની કસોટી, કાશ્મીરમાં કલમ 370નો અમલ પાછો ખેંચી લેવાનો નિર્ણય, રફાલ સોદો, વડા ન્યાયમૂર્તિની ઑફિસને આરટીઆઈ હેઠળ આવરી લેવાનો ફેંસલો અને બળવાખોર વિધાનસભ્યોને ચૂંટણી લડવાની પરવાનગી આપવા જેવા કેસોનો સમાવેશ થાય છે.
તેની સાથે આ વર્ષે લાખો લોકોને મફત કાયદાકીય સહાયતા પણ મળી હતી.
આપણા પૈકીના ઘણા લોકો માને છે કે અદાલતે ઉપરોક્ત કેસોમાં યોગ્ય ચુકાદો આપ્યો હતો. જોકે, અદાલતના ચુકાદા થોડા સમય પછી જ એ સંબંધે પુનર્વિચારની અરજીઓ કરવામાં આવી હતી.
તેને કારણે એવું લાગ્યું હતું કે આ મુદ્દાઓ વિશેનો રાજકીય તથા સામાજિક વિચાર-વિમર્શ આગામી સમયમાં પણ જટિલ બની રહેશે.
2019માં સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ વિશે સૌથી વધુ ચર્ચા થઈ તેના પર એક નજર કરીએ.

અયોધ્યાઃ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ જેવા વર્ષોથી લંબાતા રહેલા કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટે 2019માં આપ્યો હતો.
અદાલતે વિવાદાસ્પદ જમીન રામમંદિર ન્યાસને સોંપવાનો આદેશ આપ્યો હતો, જેથી તેના પર રામમંદિરનું નિર્માણ થઈ શકે. આ એ જ જમીન છે, જેના પર 1528માં બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
1992ની 6, ડિસેમ્બરે હિંદુત્વના ઝંડાધારીઓએ બાબરી મસ્જિદને તોડી નાખી હતી. સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો.
આ અત્યંત મહત્વનો કેસ હતો, કારણ કે એ પાછલાં 164 વર્ષથી ચાલી રહ્યો હતો. એ મુદ્દાને કારણે કોમી રમખાણ થયાં હતાં અને તેમાં 2,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં, સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા અને અનેક બાળકો અનાથ થયાં હતાં.
આ મામલાને કારણે સમાજમાં તિરાડ પડી હતી તથા ક્રોધ, કડવાશ અને રાજકીય ખાઈ સર્જાઈ હતી. એ ઘટના પછી બન્ને પક્ષોને થયેલા નુકસાનનો સિલસિલો આજે પણ ચાલુ છે.
કોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે મંદિરના દેવતાને એક ન્યાયિક વ્યક્તિ ગણ્યા હતા અને જણાવ્યું હતું કે 2.77 એકર જમીન પર મંદિરના દેવતાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલા મામલાઓમાં આ કેસ સૌથી વધુ વિચિત્ર હતો.
ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ 90ના દાયકાની શરૂઆતમાં દેશભરમાં રથયાત્રા કાઢી હતી અને લોકોને જણાવ્યું હતું કે જે સ્થળે મસ્જિદ બનાવવામાં આવી છે એ રામ લલાનું જન્મસ્થાન છે. ત્યાં જે મંદિર હતું તેને તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી.
અડવાણીની આ રથયાત્રાએ રામમંદિર મુદ્દાને વધુ ચર્ચિત બનાવ્યો. એ આંદોલને હિંદુ સમાજમાં ઉન્માદ પેદા કર્યો હતો અને તેના પરિણામે ભાજપનો ઉદય થયો હતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી સ્પષ્ટ થઈ ગયું કે વૈચારિક રીતે આ મુદ્દો આટલો જલદી શમવાનો નથી. ચુકાદા બાદ સુન્ની વક્ફ બોર્ડે કહ્યું હતું કે હિંદુ પક્ષને જમીનનો કબજો સોંપવાના નિર્ણયથી એ અમે સંતુષ્ટ નથી.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે જોડાયેલા કમાલ ફારુકીએ કહ્યું હતું કે ન્યાય નથી મળ્યો.
બીજી તરફ, મસ્જિદ બનાવવા માટે જમીન આપવાના કોર્ટના આદેશ સામે વાંધો લેતાં જમણેરી સંગઠન અખિલ ભારતીય હિંદુ મહાસભાએ જણાવ્યું હતું કે એવું કરવાની કોઈ જરૂર ન હતી.

કાશ્મીરમાં અનુચ્છેદ 370 રદ

ઇમેજ સ્રોત, Getty Images
અનુચ્છેદ 370ને પ્રભાવવિહિન બનાવ્યા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત બનાવવાની જાહેરાત પણ કરી દીધી.
એ ઉપરાંત લદ્દાખને એક રાજ્ય બનાવી દેવાયું. એ પછી સરકારના આ નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી દાખલ કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટ હાલ એ અરજીઓની સુનાવણી કરી રહી છે અને આગામી વર્ષની શરૂઆતમાં આ મામલાને સાત ન્યાયમૂર્તિઓની એક ખંડપીઠને મોકલવામાં આવે એવી શક્યતા છે.
એ અરજીઓમાં આવ-જા પર પ્રતિબંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ અને અખબારી સ્વાતંત્ર્ય તથા જમ્મુ-કાશ્મીરમાં સંચાર સુવિધા પર બંધી જેવા અનેક મુદ્દાઓ સામેલ છે.
સરકારની દલીલ એવી છે કે તમામ પગલાં આ ક્ષેત્રના વિકાસ તથા વિવાદાસ્પદ મુદ્દાઓના નિરાકરણના હેતુસર લેવામાં આવ્યાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર આઝાદીથી અત્યાર સુધી શત્રુતાનું કેન્દ્ર બની રહ્યું છે.

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. સબરીમાલાસ્થિત અય્યપન મંદિરમાં મહિલાઓને પ્રવેશવાનો અધિકાર સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં આપ્યો છે.
માસિક ધર્મમાંથી પસાર થતી મહિલાઓને આ મંદિરમાં પ્રવેશવાની છૂટ નથી.
કોર્ટના આ નિર્ણય પછી બીજેપીએ કેરળમાં આ મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવવા માટે કહ્યું હતું કે આ એક બહુ પુરાણી પરંપરા છે અને તેની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ થવી ન જોઈએ.
આ મુદ્દે કેરળના સામાન્ય લોકસમાજનું વલણ પણ આવું જ હતું અને બીજેપીએ તેને ટેકો આપતાં પોતાના માટે ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને તેનો કોઈ ફાયદો થયો ન હતો.
ચૂંટણી પછી લોકોએ આ વિશે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે અને આજે પણ આ મંદિરમાં મહિલાઓને પ્રવેશવાની છૂટ નથી.
ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેળની પાંચ જજોની ખંડપીઠે આ મુદ્દે ચુકાદો આપ્યો ત્યારે કેરળમાં હલચલ થઈ હતી.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પરંપરા વિરુદ્ધનો ચુકાદો સર્વાનુમતે આપ્યો હતો, પણ માત્ર એક ન્યાયમૂર્તિ ઇંદુ મલ્હોત્રાએ વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોર્ટ પોતાનાં મૂલ્યોને આસ્થાના વિષયો પર થોપી શકે નહીં.
એ પછી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુનર્વિચારની 48 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
દીપક મિશ્રાની નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ બનેલા રંજન ગોગોઈએ કેરળ સરકારને આદેશ આપ્યો છે કે સબરીમાલા મંદિરના વહીવટ માટે 2020ના અંત સુધીમાં નવો કાયદો બનાવો.
હવે આ મામલો સાત ન્યાયમૂર્તિઓની ખંડપીઠને સોંપવામાં આવ્યો છે. આ ખંડપીઠ અગાઉના ચુકાદા પછી સામે આવેલા ધાર્મિક મુદ્દાઓની ફરી તપાસ કરશે. અદાલત વ્યાપક દૃશ્ય જોવાનો પ્રયાસ કરશે, કારણ કે આ કેસ જેવા જ બીજા મામલાઓ કોર્ટમાં વિચારણામાં છે.
એ મામલાઓમાં મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશ, બિન-પારસી યુવકો સાથે પરણતી પારસી મહિલાઓને પારસીઓના પવિત્ર અગ્નિસ્થળ અગિયારીમાં પ્રવેશ તથા મુસ્લિમ મહિલાઓનાં ખતના જેવા મામલાઓ સામેલ છે.

મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા

ઇમેજ સ્રોત, Getty Images
2019માં સુપ્રીમ કોર્ટ સામે મહારાષ્ટ્ર સરકારની રચનાનો રાજકીય નાટકીય મામલો પણ આવ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી સ્પષ્ટ બહુમતીના અભાવે તમામ રાજકીય પક્ષો સરકાર બનાવવા તમામ પ્રકારના તરકીબો અજમાવતા જોવા મળ્યા હતા.
બીજેપી અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા, પણ ચૂંટણી પછી શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદ આપવાની માગણી કરી હતી, પણ બેઠકો બીજેપીને વધુ મળી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી સ્પષ્ટ બહુમતીના અભાવે તમામ રાજકીય પક્ષો સરકાર બનાવવા તમામ પ્રકારની તરકીબો અજમાવતા જોવા મળ્યા હતા.
આ પરિસ્થિતિમાં બીજેપી શિવસેનાની શરત માનવા તૈયાર ન થઈ, પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકાય એટલું સંખ્યાબળ બીજેપી પાસે ન હતું. એ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું.
એ પછી શિવસેના, નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કૉંગ્રેસ વચ્ચે સરકાર રચવા સહમતી સધાઈ હોવાના સંકેત મળવા શરૂ થયા હતા, પણ એ ત્રણેય પક્ષો સરકાર રચવાનો દાવો કરવાના હતા તેના એક દિવસ અગાઉ જ વહેલી સવારે રાષ્ટ્રપતિશાસન હઠાવી લેવાયું હતું અને બીજેપીને એનસીપીના કેટલાક વિધાનસભ્યોને ટેકા વડે સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જે કાયદાની મદદ વડે વડાપ્રધાન કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિશાસન હઠાવી શકાય એ કાયદાનો સહારો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન હઠાવવા માટે લેવામાં આવ્યો હતો.
એ સંજોગોમાં એક સવાલ ઉભો થયો હતો કે શું આ એવી પરિસ્થિતિ હતી કે જેમાં કટોકટીના સમયના ઉપાયનો સહારો લઈને બીજેપીની સરકાર રચવામાં આવે?
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને અદાલતે આદેશ આપ્યો હતો કે વિધાનસભામાં બહુમતનું પરીક્ષણ થવું જોઈએ અને તેમાં ગુપ્ત મતદાનની વ્યવસ્થા ન હોવી જોઈએ.
કોર્ટના આ નિર્ણય પછી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન તરીકે જેમણે સોગંદ લીધા હતા એ અજિત પવારે રાજીનામાં આપ્યાં હતાં.
કોર્ટે બહુમતના પરીક્ષણ માટે વધુ સમય આપ્યો હોત તો કર્ણાટકની માફક મહારાષ્ટ્રમાં પણ વિધાનસભ્યોનું ખરીદ-વેચાણ થવાનું નિશ્ચિત હતું.
કર્ણાટકમાં જનતા દળ-સેક્યુલર (જેડીએસ) અને કૉંગ્રેસને છોડીને બીજેપીમાં સામેલ થયેલા વિધાનસભ્યોને બીજેપી સરકારમાં ઉંચા હોદ્દા તથા બીજી સુવિધાઓ મળી છે. તેઓ હાલમાં જ બીજેપીમાં પ્રવેશ્યા હોવા છતાં તેમને આ લાભ મળ્યા છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની બહુમતવાળા ગઠબંધન આખરે સરકાર રચવાની તક મળી હતી.
આ કેસમાં ફડણવીસને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું એ રાજ્યપાલનો આદેશ અને વિધાનસભ્યોના ટેકાનો પત્ર એમ બે દસ્તાવેજ કોર્ટે માગ્યા હતા. ફડણવીસ બહુમતી ધરાવે છે એ પૂરવાર કરવા બન્ને દસ્તાવેજો જરૂરી હતા.
શિવસેનાએ કોર્ટમાં જણાવ્યું હતું કે ચૂંટણી પછી રચાયેલા તેમના ગઠબંધન પાસે બહુમતી છે, પરંતુ રાજ્યપાલ બીજેપીની દોરવણી અનુસાર કામ કરી રહ્યા છે.
રાજ્યપાલ શાસન હઠાવવા માટે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજાય અને એ પછી પ્રસ્તાવને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે એ કાયદાકીય રીતે જરૂરી હતું.
જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી કામકાજના નિયમ ક્રમાંક 12નો ઉપયોગ કર્યો હતો. એ નિયમ હેઠળ કટોકટીની સ્થિતિમાં કૅબિનેટ તરફથી નિર્ણય લેવાની શક્તિ મળી જાય છે.
મહારાષ્ટ્રમાં કટોકટીભરી સ્થિતિ હોત તો પણ રાષ્ટ્રપતિ તેનું અધ્યયન કરી શક્યા હોત અને આ યોગ્ય પગલું છે એવું સુનિશ્ચિત કરી શક્યા હોત, પરંતુ જે રીતે રાતોરાત આ બધું કરવામાં આવ્યું તેનાથી શંકા સર્જાઈ હતી.

કર્ણાટકઃ બળવાખોરોને પેટાચૂંટણી લડવાની છૂટ

ઇમેજ સ્રોત, Getty Images
જેડીએસ અને કૉંગ્રેસ ગઠબંધનના 17 વિધાનસભ્યોએ રાજીનામાં આપી દીધાં ત્યારે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર તૂટી પડી હતી.
સ્પીકરે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ એ વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ વિધાનસભાની ટર્મ 2023માં પૂર્ણ થશે ત્યાં સુધી એ વિધાનસભ્યો ગેરલાયક ગણાશે. તેનો અર્થ એ થયો કે વિધાનસભ્યો એ પહેલાં કોઈ ચૂંટણી લડી નહીં શકે.
વિધાનસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકરના વિધાનસભ્યોને અયોગ્ય ઠરાવતા આદેશને માન્ય રાખ્યો હતો, પણ તેમની અયોગ્યતાની અવધિને ખતમ કરી નાખી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સ્પીકર પાસે કોઈ વ્યક્તિને ચૂંટણી લડતી રોકવાની સમયમર્યાદા નક્કી કરવાની સત્તા નથી.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે બળવાખોર વિધાનસભ્યોને પેટાચૂંટણી લડવાની તક મળી હતી, કારણ કે સ્પીકરના નિર્ણય બાદ તેમની બેઠકો ખાલી થઈ ગઈ હતી.

રફાલ સોદા સામે રિવ્યૂ પિટિશન

ઇમેજ સ્રોત, DASSAULT
મોદી સરકારે ફ્રાંસની દસોં એવિએશન સાથે 30 રફાલ યુદ્ધવિમાનો ખરીદવાનો સોદો ફાઇનલ કર્યો ત્યારે એ મુદ્દે રાજકારણ વેગીલું બન્યું હતું કે આ નિર્ણયમાં સાચી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
વિમાનની ખરીદીમાં વડાપ્રધાનની ઑફિસ હસ્તક્ષેપ કરી રહી છે અને પોતાના પ્રભાવનો જરૂર કરતાં વધુ ઉપયોગ કરી રહી છે તેવું જણાવતી જાહેરહિતની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે આ મામલામાં એ હસ્તક્ષેપ નહીં કરે.
અદાલતે સંરક્ષણ સામગ્રીની ખરીદીમાં હસ્તક્ષેપના આક્ષેપોને પણ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે સરકાર તેની પ્રત્યેક સ્તરે ચકાસણી કરે છે અને કંઈ ખોટું થયું હોય તો અદાલત સમક્ષ તેના પુરાવા રજૂ કરો.
વિમાનની કિંમત, વિમાન ઉત્પાદનમાં કોઈ અનુભવ ન ધરાવતા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીની ભૂમિકા અને જે રીતે કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા થયા એ બધી બાબતો વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયમાંથી લીક થયેલા ગણાવાયેલા દસ્તાવેજોનો હવાલો પણ સમીક્ષા અરજીમાં આપવામાં આવ્યો હતો. એ દસ્તાવેજો અનુસાર, સોદાની વાતચીત દરમિયાન વડાપ્રધાનની ઑફિસે સંરક્ષણ મંત્રાલયને તેમાં સામેલ કર્યું ન હતું.
વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અધ્યક્ષપદ હેઠળની ત્રણ જજોની ખંડપીઠે જણાવ્યું હતું કે આ સોદા બાબતે કોઈ તપાસની જરૂર નથી, કારણ કે સમીક્ષા અરજીમાં દમ નથી.
કૉંગ્રેસનું કહેવું હતું કે આ સોદો એક ગોટાળો છે અને સંયુક્ત સંસદીય સમિતિએ તેની નોંધ લેવી જોઈએ.

વડા ન્યાયમૂર્તિનું કાર્યાલય પણ આરટીઆઈ હેઠળ

ઇમેજ સ્રોત, Getty Images
શું દેશના વડા ન્યાયમૂર્તિની ઑફિસને પણ માહિતીના અધિકારના દાયરા હેઠળ આવરી લેવી જોઈએ? આ સવાલ સર્વોચ્ચ અદાલતને લાંબા સમયથી પરેશાન કરતો રહ્યો હતો, કારણ કે તેના પર પારદર્શકતા સાથે કામ નહીં કરવાના આક્ષેપ થયા હતા.
આખરે સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું હતું કે ન્યાયિક સ્વતંત્રતા અને ન્યાયિક ઉત્તરદાયિત્વ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. વળી જનહિતની માહિતી જણાવવાથી દૂર રહેવાથી સર્વોચ્ચ અદાલતની શાખને નુકસાન થશે.
એક બંધારણીય ખંડપીઠે બંધારણના અનુચ્છેદ-124ને ટાંકીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ એક જાહેર સત્તા છે. તેથી તેમાં ભારતના વડા ન્યાયમૂર્તિ અને જજનો પણ માહિતીઅધિકારમાં સમાવેશ થાય છે.
દિલ્હી હાઈકોર્ટે 2010માં જણાવ્યું હતું કે ભારતના વડા ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટ જાહેર સત્તા છે. તેથી તે આરટીઆઈ કાયદાના દાયરામાં આવશે.
સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે આ ચુકાદાને પડકારતાં જણાવ્યું હતું કે જજોની નિમણૂક સહિતના સુપ્રીમ કોર્ટના વહીવટી નિર્ણયો આરટીઆઈના દાયરામાં આવી જશે તો તેનાથી સમસ્યાઓ સર્જાશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો. વડા ન્યાયમૂર્તિ ગોગોઈના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ખંડપીઠના એક સભ્ય જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે કોને, કઈ યોગ્યતાના આધારે જજ બનાવવામાં આવે છે એ માહિતી જાહેર થાય તે જનહિતમાં છે.

વડા ન્યાયમૂર્તિ સામે જાતીય સતામણીનો કેસ

ઇમેજ સ્રોત, Reuters
વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ બહાર આવ્યો ત્યારે ન્યાયતંત્ર ખળભળી ઉઠ્યું હતું.
આ કેસમાં ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ ખુદનો બચાવ કર્યો ત્યારે મામલો વિવાદાસ્પદ બન્યો હતો, કારણ કે કોઈ જજનું નામ કોઈ કેસમાં સંડોવાયેલું હોય તો એ જજ ચુકાદો આપનારી ખંડપીઠમાં સામેલ થઈ શકતા નથી.
વડા ન્યાયમૂર્તિએ જસ્ટિસ બોબડેના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિ બનાવી હતી અને અદાલતની જ એક ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ કરેલા આક્ષેપોની તપાસનું કામ એ સમિતિને સોંપવામાં આવ્યું હતું.
મહિલાએ કરેલા આક્ષેપોને જસ્ટિસ બોબડેએ ફગાવી દીધા હતા. જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે આક્ષેપોને ક્યા આધારે ફગાવી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તે જણાવવાની જરૂર નથી. જસ્ટિસ બોબડે હાલ દેશના વડા ન્યાયમૂર્તિ છે.

આર્થિક રીતે નબળા લોકોને મફત કાયદાકીય સહાય

ઇમેજ સ્રોત, Getty Images
હજારો જરૂરતમંદ અને આર્થિક રીતે નબળા લોકો માટે 2019નું વર્ષ એક સારા સમાચાર લઈને આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે આવા લોકોને સુપ્રીમ કોર્ટમાં હવે મફત કાયદાકીય સહાય મળશે.
દેશના વડા ન્યાયમૂર્તિની સલાહ અનુસાર બનાવવામાં આવેલા નવા નિયમ મુજબ, 5 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકોને કાયદાકીય સલાહ મફત મળશે.
આ એક મહત્વનો નિર્ણય હતો, કારણ કે આ પહેલાં સવા લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને જ મફત કાયદાકીય સલાહ મળતી હતી.

લિવ-ઈન રિલેશનશીપમાં બળાત્કારનો આરોપ

સુપ્રીમ કોર્ટે મહત્વના એક ચુકાદામાં જણાવ્યું હતું કે લિવ-ઇન પાર્ટનર્સ વચ્ચે સંમતિથી શારીરિક સંબંધ બંધાય તો તેને માત્ર એ કારણસર બળાત્કાર ન કહેવાય કે પુરુષને કોઈ કારણસર મહિલા સાથે લગ્ન ન કરી શક્યો.
આ ચુકાદો મહારાષ્ટ્રની એક નર્સે દાખલ કરેલા કેસમાં આપવામાં આવ્યો હતો. નર્સે તેના લિવ-ઇન પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

સેક્સ સિલેક્શનની પરવાનગી નહીં

ઇમેજ સ્રોત, Thinkstock
સુપ્રીમ કોર્ટે પ્રોહિબિશન ઑફ સેક્સ સિલેક્શન ઍક્ટ-1994ની બંધારણીયતાને યથાવત રાખી હતી અને ડૉક્ટરોની એક સંસ્થાએ આ કાયદા સામે કરેલી અરજીને ફગાવી દીધી હતી.
અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે આ કાયદાનું યોગ્ય રીતે અમલ કરાવવામાં આવતો નથી અને કાયદાના ઝીણવટભરી જોગવાઈ સંબંધી નાની-મોટી ભૂલોને કારણે ડૉક્ટરોને સજા કરવામાં આવી રહી છે.
અરજદાર ભારતના પ્રસૂતિ અને સ્ત્રી રોગ સંબંધી સંઘે પ્રિ-કન્સેપ્શન અને પ્રિ-નૅટલ ડાયગ્નોસ્ટિક ટૅક્નિક્સ (પ્રોહિબિશન ઑફ સેક્સ સિલેક્શન ઍક્ટ) કાયદાની કલમ ક્રમાંક 23(1) અને 23(2)ની બંધારણીય યોગ્યતાને પડકારી હતી.
કલમ ક્રમાંક 23(2) લિંગ પરીક્ષણ કરતા ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન રદ્દ કરવાની સત્તા સ્ટેટ મેડિકલ કાઉન્સિલને આપે છે.
ડૉક્ટરો તેમના અલ્ટ્રાસાઉન્ડ મશીનોનો ઉપયોગ કરીને મા-બાપને તેમના ભાવિ બાળકનું લિંગ જણાવી દેતા હતા. તેથી આ કાયદો કન્યા ભ્રૂણ હત્યા રોકવા માટે બનાવવામાં આવ્યો હતો.
સરકારની દલીલ એ હતી કે કાયદાનો હેતુ જન્મ પહેલાં ભ્રૂણના લિંગની તપાસ રોકવાનો છે, કારણ કે તેના કારણે ભ્રૂણ હત્યાઓ કરવામાં આવી રહી છે.
એડિશનલ સોલિસિટર જનરલ પિંકી આનંદે જણાવ્યું હતું કે દેશના અનેક જિલ્લાઓમાં 1000 છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ 800થી પણ ઓછું છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે પુરુષોની સરખામણીએ મહિલાઓનું ઓછું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે.
આ અરજીની સુનાવણી કરી રહેલી જસ્ટિસ અરુણ મિશ્રા અને વિનીત સરનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કન્યા ભ્રૂણ હત્યાની છૂટ આપવાથી મોટું પાપ અને અનૈતિક તથા અસામાજિક કામ બીજું કોઈ ન હોઈ શકે.

જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images
2019ની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે અબજોપતિ બિઝનેસમેન અનિલ અંબાણી (જેઓ એ સમયે રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન પણ હતા) અદાલતની અવમાનનાના દોષી છે, કારણ કે એરિક્સન ઈન્ડિયાને 5.5 અબજ રૂપિયા પાછા આપવાનું કોર્ટને આપેલું વચન તેમણે પાળ્યું નથી.
કોર્ટે બન્ને વચ્ચેના વિવાદના નિરાકરણ માટે આ વચન લીધું હતું અને અંબાણીને આદેશ આપ્યો હતો કે તેઓ માર્ચ-2019 સુધીમાં 4.53 અબજ રૂપિયા ચૂકવી દે અથવા ત્રણ મહિના માટે જેલમાં જવા તૈયાર રહે.
જોકે, અનિલ અંબાણીએ જેલમાં જવું ન પડ્યું, કારણ કે તેમના ભાઈ અને દેશના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીએ તેમને બચાવી લીધા હતા.
ભારતમાં 2019નું વર્ષ ન્યાયપાલિકા માટે એક અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ વર્ષ રહ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













