એ વિજ્ઞાની જેણે યુરોપને ગાલિબ અને મીર તકી મીરનું ઘેલું લગાડ્યું

ગાલિબની તસવીર

ઇમેજ સ્રોત, BBC URDU

    • લેેખક, સકલૈન ઈમામ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક અફઘાની વિજ્ઞાની ચોખાની એવી જાત વિકસાવે છે, જે તેને કરોડપતિ બનાવી દે છે અને એ વિજ્ઞાની તેની દોલતનો અરધોઅરધ હિસ્સો મીર તકી મીર તથા મિર્ઝા ગાલિબની શાયરીનો અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે દાનમાં આપી દે છે તથા એ કામ જર્મન ડૉક્ટર એન મેરી શિમલ પૂરું કરે છે.

એક રિસર્ચર જોન કે. બેટન જણાવે છે કે એ અફઘાન વિજ્ઞાની અતાઉલ્લાહ ખાન ઓઝાઈ દુર્રાની પેટ્રો કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવા એક વિદ્યાર્થી તરીકે 1923માં અમેરિકા ગયા હતા.

જોન કે. બેટન કહે છે, "તેમની મુલાકાત ડૉ. એન મેરી શિમલ સાથે ક્યારેય થઈ ન હતી અને અતાઉલ્લાહ ખાન પોતે મીર તકી મીર કે મિર્ઝા ગાલિબની શાયરીને સમજી શકતા હતા એ પણ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી."

line

વન મિનિટ રાઈસ

અતાઉલ્લાહ

ઇમેજ સ્રોત, SMITHSONIAN INSTITUTION

અફઘાનિસ્તાનના હિરાત પ્રાંતના અતાઉલ્લાહ ખાનનો જન્મ 1897માં થયો હતો.

એક સાધારણ પરિવારમાં જન્મ્યા હોવાને કારણે તેમણે થોડો સમય અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને પછી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.

તેમનું લક્ષ્ય પેટ્રો કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવાનું હતું, જેથી તેઓ પેટ્રોલિયમ ઉદ્યોગમાં કામ કરી શકે, પરંતુ કુદરતની કોઈ બીજી જ યોજના હતી.

તેઓ અમેરિકા પહોંચ્યા ત્યારે એક જાણકાર ડૉ. હર્બર્ટ બેકરે (જેઓ બાદમાં કેન કંપનીના અધ્યક્ષ બન્યા હતા) અતાઉલ્લાહ ખાનને ઘરે ભોજન કરતી વખતે અતાઉલ્લાહ ખાને બનાવેલા ચોખાના વખાણ કર્યાં હતાં અને અતાઉલ્લાહ ખાનને સલાહ આપી હતી કે ચોખાની એ જાતની ઓળખ અમેરિકાને મોટા પાયે કરાવવી જોઈએ.

અતાઉલ્લાહ ખાનને એ સલાહ ગમી અને તેમણે એ સંબંધે કામ શરૂ કર્યું.

તેમણે ચોખા ઉગાડ્યા, અનેક પ્રયોગ કર્યા અને દસ વર્ષના સંશોધન પછી તેઓ એ મંઝિલ પર પહોંચ્યા, જેના માટે તેમણે પેટ્રો કેમિસ્ટ્રીનો અભ્યાસ છોડ્યો હતો.

તેમણે 1939માં ચોખાની એક એવી જાત શોધી હતી, જે એક મિનિટમાં જ રંધાઈ જતી હતી.

એટલું જ નહીં, અતાઉલ્લાહ ખાને પ્રવાસીઓ માટે નાનકડા ચૂલાની ડિઝાઈન પણ તૈયાર કરી હતી. અતાઉલ્લાહ ખાને શોધેલા ચોખા નાનકડા વાસણમાં એ ચૂલા પર મૂકીને તેના પકાવવામાં માત્ર એક મિનિટનો સમય લાગતો હતો.

line

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ

ભાતની તસવીર

ઇમેજ સ્રોત, RETROADS.NET

એકાદ વર્ષ પછી અતાઉલ્લાહ ખાન તેમણે બનાવેલા ચોખાના એક પેકેટ અને ચૂલા સાથે ન્યૂ યોર્કમાં જનરલ ફૂડ્ઝ કોર્પોરેશનની ઑફિસમાં પ્રવેશ્યા. તેમણે કંપનીના એક ઉચ્ચ પદાધિકારી ક્લેરેન્સ ફ્રાંસિસને જણાવ્યું કે તેઓ માત્ર એક મિનિટમાં ચોખા રાંધી શકે છે.

એ સમયે કંપનીએ એક મિનિટમાં સાબુદાણા રાંધવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

અતાઉલ્લાહ ખાન એક વૈજ્ઞાનિક શોધકર્તા તરીકે ઓળખાતા હતા.

તેમણે જનરલ ફૂડ્ઝની ઑફિસમાં કંપનીના ડિરેક્ટર અને બીજા અધિકારીઓ સમક્ષ પ્રવાસી ચૂલાની કિટ ખોલી અને એક જ મિનિટમાં ચોખા ખરેખર રંધાઈને તૈયાર હતા.

અતાઉલ્લાહ રોયલ્ટી લઈને કંપનીની ઓફિસમાંથી પોતાનો સામાન ઉઠાવીને રવાના થઈ ગયા.

એ પછી પ્રવાસી ચૂલા તથા ચોખાની કિટનું ઉત્પાદન ધડાધડ શરૂ થઈ ગયું હતું અને અતાઉલ્લાહ ખાનને રોયલ્ટી મળવા લાગી હતી.

કહેવાય છે કે 'વન મિનિટ રાઈસ'ને કારણે એટલા મોટા પ્રમાણમાં ચોખાનું વેચાણ થયું કે અમેરિકામાં ખેતીનું પ્રમાણ વધી ગયું હતું.

શરૂઆતમાં એવી ધારણા હતી કે આ કિટ અને ચોખાનો ઉપયોગ ઘરોમાં જ થશે, પણ ટૂંક સમયમાં એ કિટ માટે નવું માર્કેટ કંપનીના ધ્યાનમાં આવ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાના સૈનિકોને જુદા-જુદા મોરચે લડવા માટે મોકલવામાં આવતા હતા.

જનરલ ફૂડ્ઝ કોર્પોરેશને 'વન મિનિટ રાઈસ'ની આ કિટ સૈનિકોને વેચવાનું શરૂ કરી દીધું હતું. એ કિટ દરેક સૈનિકના આહારસામગ્રીનો હિસ્સો બની ગઈ હતી.

જનરલ ફૂડ્ઝને પણ તેમાંથી બહુ કમાણી થઈ હતી અને અતાઉલ્લાહ ખાન પણ કરોડપતિ બની ગયા હતા.

line

અતાઉલ્લાહ ખાનનો ભારતીય મુસલમાન દોસ્ત

તસવીર

ઇમેજ સ્રોત, DANISH KHAN, BLOGGER

અતાઉલ્લાહ ખાન એક વિજ્ઞાની હતા અને કરોડપતિ થવા છતાં તેઓ બદલાયા ન હતા. તેમને વાંચવા-લખવાનો બહુ શોખ હતો. તેઓ તેમના જેવા શોખ ધરાવતા લોકોની સોબતમાં રહેતા હતા.

1920ના દાયકાની શરૂઆતમાં તેમની મુલાકાત સૈયદ હુસૈન નામના એક ભારતીય મુસલમાન સાથે થઈ હતી.

સૈયદ હુસૈન એ સમયે ભારતની આઝાદી માટે અમેરિકામાં લોકોનો ટેકો મેળવવા પ્રચાર કરતા હતા. પછી તેઓ ઇજિપ્તમાં ભારતના રાજદૂત પણ બન્યા હતા.

કેટલાક સંશોધકો લખે છે કે ઓઝાઈ દુર્રાની અને સૈયદ હુસૈન વચ્ચેની દોસ્તીનું પાયાનું કારણ બન્નેનો શાયરી પ્રત્યેનો પ્રેમ હતો.

કેટલાક સંશોધકો એવું જણાવે છે કે હુસૈન સાથેની દોસ્તીને કારણે જ ઓઝાઈ દુર્રાની મીર તથા ગાલિબની કવિતાના પ્રેમમાં પડ્યા હતા.

સચ્ચાઈ ભલે ગમે હોય, પણ ઓઝાઈ દુર્રાની અને સૈયદ હુસૈનની દોસ્તી ગાઢ બની ગઈ હતી.

ઓઝાઈ દુર્રાનીએ સૈયદ હુસૈનની સ્મૃતિમાં મીર તથા ગાલિબના સર્જનનો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો હતો.

સૈયદ હુસૈન ભારતની આઝાદીની લડાઈના નેતા મોહનદાસ કરમચંદ ગાંધીથી બહુ પ્રભાવિત હતા.

ભારતીય પત્રકાર અને લેખક સઈદ નકવીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે જવાહરલાલ નહેરુનાં બહેન વિજયાલક્ષ્મી પંડિતને સૈયદ હુસૈન પ્રેમ કરતા હતા, પણ હિન્દુ-મુસ્લિમ ભાઈભાઈની નારાબાજી છતાં તેમને લગ્નની મંજૂરી મળી ન હતી.

દાનિશ ખાન નામના એક બ્લૉગરના જણાવ્યા અનુસાર, 1949માં સૈયદ હુસૈનના મૃત્યુ વખતે 'મિયામી ડેઈલી' નામના અખબારે તેમના આ સંબંધનું વર્ણન આ રીતે કર્યું હતું. ''(વિજયાલક્ષ્મી પંડિતને) અમેરિકામાં રાજદૂત બનાવવાની જાહેરાતનાં થોડા સપ્તાહ પહેલાં સૈયદ હુસૈનનો મૃતદેહ (કૈરોની) વિખ્યાત શેફર્ડ હોટેલના એક કોર્નર રૂમમાંથી મળી આવ્યો હતો. તેમના દોસ્તોનું કહેવું હતું કે સૈયદ હુસૈન તૂટેલા હૈયાં સાથે મોતને ભેટ્યા હતા.''

અમેરિકાનાં અનેક અખબારોએ સૈયદ હુસૈનને તંત્રીલેખો લખીને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં, એક અખબારે તો સૈયદ હુસૈનને રવિન્દ્રનાથ ટાગોર પછીના ભારતના સૌથી મોટા બુદ્ધિજીવી ગણાવ્યા હતા.

સૈયદ હુસૈનના આવા વિખ્યાત વ્યક્તિત્વથી ઓઝાઈ દુર્રાની પ્રભાવિત થાય એ સ્વાભાવિક હતું. સૈયદ હુસૈનના મોતથી બીજા દોસ્તોની માફક ઓઝાઈ દુર્રાની પણ દુખી હતા.

line

ઓઝાઈ દુર્રાનીનું વસિયતનામું

ઓઝાઈની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દોસ્તના મોતનું દુઃખ ઓઝાઈ દુર્રાનીના હ્રદયમાં હંમેશા સળગતું રહ્યું હતું. 1964માં ઓઝાઈ દુર્રાની બીમાર પડ્યા ત્યારે તેમણે તેમનું વસિયતનામું બનાવડાવ્યું હતું.

તેમણે તેમના દસ લાખ ડોલરમાંથી અડધોઅડધ નાણાં સૈયદ હુસૈન ટ્રસ્ટને આપ્યાં હતાં. એ નાણાં 19મી સદીના ઉર્દૂ ભાષાના બે મહાન શાયરો મીર તકી મીર તથા મિર્ઝા અસદુલ્લા ખાન ગાલિબના સર્જનનો અંગ્રેજીમાં અનુવાદ કરાવવના હેતુસરનાં હતાં.

ઓઝાઈ દુર્રાનીએ એક અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો, પણ એ લગ્ન લાંબું ટક્યાં ન હતાં.

ઓઝાઈ દુર્રાનીએ પોતાની અંગત લાઇબ્રેરી ઉપરાંત 30,000 ડૉલર લુઈઝિયાના યુનિવર્સિટીને દાનમાં આપ્યા હતા, જેથી યુનિવર્સિટી ચોખાની સંસ્કૃતિ વિશે સંશોધન કરાવી શકે.

ઓઝાઈ દુર્રાનીના વસિયતનામા અનુસાર, ત્રણ લાખ ડોલર તેમણે તેમનાં પહેલાં પત્ની લુઈઝા એબ્ઝ અને પુત્રી માટે આપ્યા હતા.

ઘણા સંશોધકોએ લખ્યું છે કે ઓઝાઈ દુર્રાનીએ 1950માં અલીગઢ યુનિવર્સિટીને પણ મીર તથા ગાલિબની શાયરીના અંગ્રેજીમાં અનુવાદ માટે એક લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા.

એ સમયે ડૉ. ઝાકિર હુસૈન અલીગઢ યુનિવર્સિટીના કુલપતિ હતા અને ઓઝાઈ દુર્રાનીએ આપેલાં નાણાં ત્યાં વર્ષો સુધી પડ્યા રહેવા છતાં કોઈ હલચલ થઈ ન હતી.

ઓઝાઈ દુર્રાનીના મૃત્યુ પછી તેમના વસિયતનામા અનુસાર પાંચ લાખ ડૉલર સૈયદ હુસૈન ટ્રસ્ટને મીર તથા ગાલિબના સર્જનના અંગ્રેજીમાં અનુવાદ માટે આપવામાં આવ્યા ત્યારે અમેરિકાના વકીલોની ટીમે કહ્યું હતું કે તેમને ફારસી ભાષાનું પૂરતું જ્ઞાન ન હતું.

અલબત, એક વકીલે કહ્યું હતું કે આ બન્ને શાયરોનો સબંધ ફારસી ભાષા સાથે છે અને એ 19મી સદીમાં ભારતમાં બોલવામાં આવતી હતી તેની મને ખાતરી છે.

line

મીર અને ગાલિબ પાકિસ્તાની શાયરો?

તસવીર

ઇમેજ સ્રોત, US PATENTS OFFICE

ન્યૂ યોર્ક ટાઈમ્સમાં 19 જૂન, 1964ના રોજ પ્રકાશિત એક સમાચાર અનુસાર, એ વકીલોએ વસિયત અનુસાર મીર તથા ગાલિબના સર્જનને શોધવાનું શરૂ કર્યું હતું.

તેમણે સૌથી પહેલો પત્ર ન્યૂ યોર્ક સ્થિત ભારતીય કાઉન્સિલને લખ્યો હતો. પત્રના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે આ સંબંધે તમારે પાકિસ્તાનીઓ પાસેથી માહિતી મેળવવી જોઈએ.

અખબારના જણાવ્યા અનુસાર, થોડી તરતપાસ બાદ કાઉન્સિલને માહિતી મળી હતી કે ગાલિબની શાયરી રૉમેન્ટિક અને ફિલસૂફીભરી હતી, જ્યારે મીર તકી મીરની શાયરી ધાર્મિક પ્રકારની હતી. તેમાં ઇસ્લામના શિયા સંપ્રદાયનું વર્ચસ જોવા મળે છે.

કોલંબિયા યુનિવર્સિટીના ઈરાની અધ્યયનના તત્કાલીન પ્રોફેસર ડૉ. અહસાન યાર શાતરીએ વકીલોને જણાવ્યું હતું કે એ શાયરોએ હાલના પાકિસ્તાનમાં જીવન પસાર કર્યું હતું.

ફારસી સંસ્કૃતિના સંદર્ભમાં જોઈએ તો મીર અને ગાલિબ બહુ મોટા શાયર નથી, પણ પાકિસ્તાન માટે એ બન્ને ખાસ છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ડૉ. શાતરીએ જણાવ્યું હતું કે મીરની સરખામણીએ ગાલિબના સર્જનને વધુ ખ્યાતિ મળી છે.

ન્યૂયોર્ક ટાઇમ્સની તસવીર

ઇમેજ સ્રોત, NY TIMES

તેઓ ફારસી અને ઉર્દૂ બન્નેમાં શાયરી લખતા હતા. ઉર્દૂ, ફારસીનો પ્રભાવ ધરાવતી એક ભારતીય ભાષા છે, એમ જણાવતાં ડૉ. શાતરીએ ઉમેર્યું હતું કે ગાલિબની શાયરીમાં સુરીલાપણું અને સુફિયાના પ્રભાવ છે.

ન્યૂ યોર્કની લાઈબ્રેરીમાં આ બન્ને શાયરો વિશેનાં બબ્બે પુસ્તકો હાલ મોજુદ હોવાનું પણ અખબારે જણાવ્યું હતું.

અખબારના જણાવ્યા મુજબ, ગાલિબના સમગ્ર સર્જનનું પ્રકાશન લાહોરમાં 1928માં અત્યંત સુંદર રીતે કરવામાં આવ્યું હતું. તેમાં 19મી સદીના બ્રિટિશ ચિત્રકાર રોસિટી કે બ્રાન જોન્સથી પ્રભાવિત એક ચિત્રકારે દોરેલું મિનિએચર પેઈન્ટિંગ પણ હતું.

મીર તકી મીર બાબતે અખબારે લખ્યું હતું કે ન્યૂ યોર્કની લાઈબ્રેરીમાં મીરના સર્જનનું એક ભારેખમ પુસ્તક છે.

મીર તકી મીરના સર્જનના જે અંશો ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે 2014માં પ્રકાશિત કર્યા હતા એ ચાર પુસ્તકોમાં સૌથી નાનું પુસ્તક મીરની શાયરીના ફ્રેન્ચ ભાષામાં અનુવાદનું હતું. તેમાં ખરાબ શાયરોને સલાહ આપવામાં આવી હતી અને એ જ શાયરીનો વિષય હતી.

તેમાં લખવામાં આવ્યું છે કે બેવકૂફ લોકો શાયરી કરતા રહે છે ત્યારે તેઓ લોકો દ્વારા અપમાનનો ભોગ બનવા ઉપરાંત તેમના ટોણાંનો ભોગ પણ બને છે.

ઓઝાઈ દુર્રાનીએ તેમની વસિયતમાં જણાવ્યું હતું કે બન્ને શાયરોના સમગ્ર સર્જનના અનુવાદનો હેતુ તેમના દોસ્તની સ્મૃતિને ચિરંજીવ રાખવાનો છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, સૈયદ હુસૈન 1920 અને 1930ના દાયકામાં સતત આવતા અને લેક્ચર આપતા રહ્યા હતા.

1921માં અમેરિકાની પહેલી મુલાકાત વખતે તેમનો પરિચય તેમને ઔલાદ-એ-રસૂલ કહીને કરાવવામાં આવ્યો હતો.

line

ડૉ. એન મેરી શિમલ અને ઉર્દૂ સાહિત્ય

ગાલિબની તસવીર

ઇમેજ સ્રોત, GHALIB ACADEMY

સૂફીવાદ તથા ઇસ્લામ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતાં જર્મનીનાં ડૉ. એન મેરી શિમલ જર્મન ઉપરાંત અંગ્રેજી, તુર્કી, ફારસી અને ઉર્દુ ભાષાના પણ નિષ્ણાત હતાં. એ દૌરમાં તેઓ તેમના જ્ઞાનને કારણે પ્રતિષ્ઠા પામી ચૂક્યાં હતાં.

પહેલાં તેઓ જલાલુદ્દીન રૂમીથી પ્રભાવિત રહ્યાં હતાં. પછી તેઓ અલ્લામા ડૉક્ટર મહોમ્મદ ઇકબાલ ભણી વળ્યાં હતાં.

અનેક શોધપત્રો અને પુસ્તકોનાં લેખિકા હોવાને કારણે ડૉ. એન મેરી શિમલ ઈસ્લામ, સૂફીવાદ તથા તુર્કી, ફારસી અને ઉર્દૂના સ્કોલર તરીકે વિખ્યાત હતાં.

અલ્લામા ઇકબાલમાં ઊંડો રસ હોવાને કારણે તેમણે 1950ના દાયકાથી જ પાકિસ્તાન આવવા-જવાનું શરૂ કરી દીધું હતું. તેમાં મળેલી એક તક તેમને હાર્વર્ડ યુનિવર્સિટી લાવી હતી.

ધ હાર્વર્ડ ગેઝેટમાં જણાવ્યા અનુસાર, 1965માં તેઓ કેલિફોર્નિયામાં ધર્મોના ઈતિહાસ વિશેની એક કોન્ફરન્સમાં હાજરી આપવા ગયાં ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર વિલ્ફ્રેડ કેનબેલ સ્મિથે તેમનો સંપર્ક કર્યો હતો.

વિલ્ફ્રેડે તેમને સવાલ કર્યો હતો કે 'વન મિનિટ રાઇસ'ના શોધકે અનુવાદના પ્રોજેક્ટ માટે મોટી રકમનું દાન કર્યું છે. એ પ્રોજેક્ટમાં તમને રસ છે?

ડૉ. એન મેરી શિમલે ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ ઉર્દૂ ભાષાનાં નિષ્ણાત ન હોવાથી ખુદને આ પ્રોજેક્ટને લાયક ગણતાં નથી.

ડૉક્ટર એન મેરી શિમલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર એન મેરી શિમલ

જોકે, પ્રોફેસર સ્મિથ અને હાર્વર્ડના બીજા પ્રોફસરોએ ડૉ. એન મેરી શિમલને રાજી કરવાના તમામ પ્રયાસ ચાલુ રાખ્યા હતા અને આખરે તેમને હાર્વર્ડ લાવ્યા હતા. ડૉ. એન મેરી શિમલે ત્યાં મીર તથા ગાલિબની કૃતિઓના અનુવાદનું કામ શરૂ કર્યું હતું.

1968માં તેમણે ઉર્દૂના ત્રણ મોટા શાયર સૌદા, મીર અને ગાલિબની કૃતિઓના કેટલાક અંગ્રેજીમાં અનુવાદિત અંશોના પુસ્તકની પ્રસ્તાવના લખી હતી.

એ પુસ્તકનું પ્રકાશન હાર્વર્ડ યુનિવર્સિટીએ કર્યું હતું, જ્યારે કૃતિઓનો અનુવાદ બ્રિટનના રોલ્ફ રસેલ અને ખુર્શીદુલ ઇસ્લામે કર્યો હતો.

ડૉ. શિમલ 1992માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયાં હતાં.

મુસ્લિમ વિદ્વાનોએ પણ જે વિષયો બાબતે ઊંડાણપૂર્વક લખ્યું ન હતું એવા વિષયોના પુસ્તકો ડૉ. શિમલે લખ્યાં હતાં.

માત્ર અમેરિકામાં જ નહીં, મધ્ય-પૂર્વના દેશો ઉપરાંત ડૉ. શિમલના વતન જર્મનીમાં પણ તેમને વખાણવામાં આવ્યાં હતાં.

તેમને ડૉક્ટરેટની અનેક માનદ પદવીઓ આપવામાં આવી હતી. તેમણે કુલ 100થી વધુ પુસ્તકો લખ્યાં હતાં.

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, OUP

એક અફઘાન વિદ્યાર્થીએ હિરાતથી પોતાની જીવનયાત્રા શરૂ કરી ત્યારે તેણે વિચાર્યું નહીં હોય કે એ પોતાની સફળતા અને શાયરી પ્રત્યેના પ્રેમને કારણે એક દિવસ એવાં શિખર પર પહોંચશે કે વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી તથા પોતાના સમયનાં સૌથી મોટાં વિદૂષી દ્વારા અનુવાદિત મીર તેમજ ગાલિબની કૃતિઓની ભેટ પશ્ચિમના દેશોને પોતાના એક દોસ્તની સ્મૃતિ સ્વરૂપે આપી જશે.

અતાઉલ્લાહ ઓઝાઈ દુર્રાની, સૈયદ હુસેન અને ડૉ. એન મેરી શિમલનાં નામ તેમની હેસિયત સ્વરૂપે અમર થઈ ચૂક્યાં છે એટલું જ નહીં, મીર તથા ગાલિબની કૃતિઓને કારણે તેઓ અંગ્રેજી ભાષામાં અજરાઅમર પણ બની ગયાં છે.

હવે એ કામ વિશ્વની અલગ-અલગ સંસ્કૃતિઓનું સંયોજક બની ગયું છે.

ડૉ. શિમલે તેમના પ્રિય જર્મન કવિ ફેડ્રેશ રોક્રેટ વિશેના એક વકતવ્યમાં કહ્યું હતું, "વૈશ્વિક કવિતા વૈશ્વિક સંવાદિતાનું જ એક નામ છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો