CAA : ગુજરાતમાં સમર્થન અને વિરોધની પરવાનગીમાં પોલીસ ભેદભાવ કરે છે?

caaના સર્મથનમાં રેલી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ને લઈને દેશભરમાં વિરોધપ્રદર્શનો યોજાઈ રહ્યાં છે અને તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. જોકે, ગુજરાતમાં પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્રદર્શનોની મંજૂરી આપવામાં તંત્ર દ્વારા બેવડી નીતિઓ અપનાવાઈ રહી છે.

પ્રદર્શનકારીઓ આક્ષેપ કરે છે સંબંધિત કાયદાઓના વિરુદ્ધમાં જાહેરસભા યોજવાની પરવાનગી નથી અપાઈ રહી, જ્યારે તેના સમર્થનમાં કાર્યક્રમ યોજવા માટેની મંજૂરી અપાઈ રહી છે.

સીએએ પર કાયદાની મહોર લાગી એ બાદ રાજ્યમાં સૌ પહેલું વિરોધપ્રદર્શન અમદાવાદમાં આવેલી સરદાર બાગ નજીક યોજાયું અને એ બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં પ્રદર્શનો યોજાયાં.

જોકે, આ પ્રદર્શનો દરમિયાન 19 ડિસેમ્બરે અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં હિંસા થઈ અને એ બાદ શહેરમાં સબંધિત મુદ્દે વિરોધપ્રદર્શનની પરવાનગી મળતી લગભગ બંધ જ થઈ ગઈ.

line

વિરોધપ્રદર્શનને મંજૂરી કેમ નહીં?

caaના સર્મથનમાં રેલી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, ચિત્રની આ એક જ બાજુ થઈ. બીજી બાજુ એ છે કે અમદાવાદમાં જ આવેલા ગાંધીઆશ્રમ વિસ્તારમાં સંબંધિત કાયદાના સમર્થનમાં એક વિશાળ રેલી યોજવા માટે પોલીસવિભાગ દ્વારા પરવાગી આપી દેવાઈ.

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ધર્મેન્દ્ર શર્માએ કહ્યું:"આ માટે પોલીસની પરવાનગી મેળવવા માટે જ્યારે અમારી સમક્ષ અરજી આવી ત્યારે તપાસ કરીને અમે પરવાનગી આપી હતી."

જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગાંધીઆશ્રમનો વિસ્તાર રાજ્ય સરકારે 'શાંત વિસ્તાર' જાહેર કર્યો હોઈ ત્યાં લાઉડસ્પીકરની પરવાની કઈ રીતે આપી શકાય? ત્યારે ડી.સી.પી.એ જણાવ્યું, "અમે મૌખિક સૂચના આપી હતી કે લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખવો."

ગત રવિવારે ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા કનોરિયા આર્ટ્સ સેન્ટર ખાતે યોજાયેલા વિરોધપ્રદર્શનમાં પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી. એ વખતે ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એમ. વ્યાસ સાથે પણ બીબીસીએ આ મુદ્દે વાત કરી હતી.

વ્યાસને પૂછવામાં આવ્યું કે સંબંધિત કાયદાના સમર્થનમ રેલી યોજવા માટે સહેલાઈથી પરવાનગી આપી દેવાઈ હતી, જ્યારે વિરોધપ્રદર્શનને પોલીસ મંજૂરી કેમ નથી આપતી?

ઇન્સ્પેક્ટર વ્યાસે આ મામલે કશું પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ જ મામલે બીબીસીએ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ કમિશનર પ્રેમવીરસિંહને પૂછ્યું તો તેમણે પણ કંઈ કહેવાની ના પાડી દીધી હતી.

પોલીસ સહકાર નથી આપતી?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ મામલે પોલીસ બેવડી નીતિ અપનાવી રહી હોવાનો સામાજિક કાર્યક્રર અને વકીલ શમશાદ પઠાણ આરોપ લગાવે છે.

પઠાણે બીબીસી ગુજરાતને જણાવ્યું, "પોલીસતંત્ર રાજકીય દબાણને વશ થઈને સીએએ વિરુદ્ધના કાર્યક્રમોને પરવાનગી નથી આપી રહ્યું."

પઠાણે લગાવેલા આ આરોપ મામલે સ્પષ્ટીકરણ મેળવવા માટે બીબીસીએ ગુજરાત રાજ્યનાં ગૃહસચિવ સંગીતાસિંહનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો.

તેમને આ મામલે મોબાઇલ મૅસેજ પણ મોકલવામાં આવ્યો. જોકે, આ લખાય છે ત્યારસુધી તેમણે મૅસેજનો કોઈ જવાબ આપ્યો નથી. જવાબ મળ્યે અહીં અપડેટ કરવામાં આવશે.

સીએએ વિરોધ પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સીએએના વિરુદ્ધમાં પ્રદર્શન યોજવા માટે પડી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવતા સ્વાતિ ગોસ્વામી આ મામલે પોલીસ પર સહકાર ન આપવાનો આરોપ લગાવે છે.

સ્વાતી ગોસ્વામીના જણાવ્યા અનુસાર વિરોધપ્રદર્શનની મંજૂરી મેળવવા માટે તેમને પોલીસચોકીથી પોલીસ કમિશનરના કાર્યાલય સુધી વારંવાર ધક્કા ખાવા પડ્યા હતા.

બીબીસી ગુજરાતીને સ્વાતીએ જણાવ્યું, "પોલીસ સ્ટેશનમાંથી અમને કહેવામાં આવ્યું કે અજાણી વ્યક્તિ કાર્યક્રમમાં ન આવવી જોઈએ એટલે અમે કહ્યું કે ઓળખીતા લોકોને જ બોલાવીશું. જોકે, એમ છતાં પણ આખરે મંજૂરી ન જ મળી."

આ અંગે વાત કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એમ. વ્યાસે જણાવ્યું, "સંબંધિત વિરોધકાર્યક્રમ યોજવા માટે પરવાનગીની અરજી અમે સ્પેશિયલ બ્રાન્ચને મોકલી આપી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લેતાં મંજૂરી નહોતી અપાઈ."

રવિવારે યોજાયેલા વિરોધપ્રદર્શનમાં હાજર રહેનારા સ્નેહ ભાવસાર જણાવે છે, "પોલીસ પ્રદર્શનકારીઓનો અવાજ દબાવવા માગે છે અને એટલે જ પરવાનગી નથી આપતી. 19 ડિસેમ્બર બાદ એક પણ વિરોધપ્રદર્શનની મંજૂરી નથી અપાઈ."

line

પ્રદર્શનની પરવાનગી કેવી રીતે મળે?

caa વિરુદ્ધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે જ્યારે પોલીસ વડાએ કલમ 144 અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હોય ત્યારે કોઈ પણ પ્રદર્શન માટે પોલીસખાતામાંથી પરવાનગી મેળવવી ફરજિયાત છે.

અમદાવાદમાં શહેરના પોલીસકમિશનર વતી સ્પેશિયલ બ્રાન્ચ આ અંગેની પરવાનગી આપતી હોય છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રિટાયર્ડ ડી.જી.પી. ચિતરંજન સિંહ જણાવે છે:

"આ મામલે અરજી સ્પેશિયલ બ્રાન્ચને મળવી જોઈએ, કારણ કે આ શાખા જ પરવાનગી આપતી હોય છે."

"સ્પેશિયલ બ્રાન્ચને અરજી તેમની કચેરીમાં આપી શકાય છે અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી શકાય છે."

"જો અરજી પોલીસ સ્ટેશનમાં જાય તો ત્યાંથી તેને સ્પેશિયલ બ્રાન્ચમાં મોકલવામાં આવે છે અને તે કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા વગેરે જેવા પાસા ધ્યાનમાં લઈને પરવાનગી આપવી કે ન આપવી તે નક્કી કરાતું હોય છે."

"જો અરજી સીધી સ્પેશિયલ બ્રાન્ચમાં આપવામાં આવે તો અરજીને જે-તે પોલીસ સ્ટેશનમાં અભિપ્રાય માટે મોકલવામાં આવતી હોય છે અને ત્યાર બાદ નિર્ણય લેવાતો હોય છે."

સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ કમિશનર ઑફ પોલીસ પ્રમવીર સિંહ જણાવે છે કે કાર્યક્રમના કેટલા દિવસ પહેલાં અરજી કરવી એનો કોઈ ચોક્કસ સમય નક્કી નથી કરાયો. જોકે, આ મામલે નિર્ણય લેવા માટે પોલીસને પુરતો સમય મળવો જોઈએ.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો