દાનિશ કનેરિયા : ઇમરાન ખાન પણ મદદ ન કરી શકે એ ભેદભાવ નહીં તો શું છે?

દાનિશ કનેરિયા

ઇમેજ સ્રોત, DANISH KANERIA/YOU TUBE GRAB

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ હિંદુ હોવાને લીધે થયેલા કથિત ભેદભાવના વિવાદમાં કહ્યું છે કે જો "વડા પ્રધાન ઇમરાન ખાન મને મદદ ન કરી શકતા હોય તો આ ભેદભાવ છે."

પાકિસ્તાનની ટીમમાં લઘુમતી દાનિશ કનેરિયા સાથે ભેદભાવ થયો હોવાનુ નિવેદન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખતરે આપ્યું હતું.

શોએબ અખતરે આપેલા નિવેદન પછી દાનિશ કનેરિયાએ ભેદભાવ થયો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

એ મુદ્દે વિવાદ થતાં અનેક ક્રિકેટરોએ ટીકા-ટિપ્પણી કરી હતી. શોએબ અખતરે પણ આ મુદ્દે ખુલાસો આપ્યો હતો.

હવે આ વિવાદમાં દાનિશ કનેરિયાએ પોતાની યૂટ્યૂબ ચેનલના માધ્યમથી સ્પષ્ટ કહ્યું કે ''જો વડા પ્રધાન ઇમરાન ખાન મને મદદ ન કરી શકતા હોય તો આ ભેદભાવ છે. ''

એ વીડિયોમાં કનેરિયાએ કહ્યું કે ''જે લોકોએ મારો સટ્ટેબાજો સાથે પરિચય કરાવ્યો તે લોકો કોણ હતા?''

line

દાનિશ કનેરિયાએ શું કહ્યું?

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

''મીડિયામાં ઘણી વાતો આવી રહી છે કે તમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આરોપ લગાવ્યો. વાત શરૂ થઈ હતી શોએબ અખતરના નિવેદનથી, જેનો મે જવાબ આપ્યો.''

''એના પર સવાલો ઊભા કરાયા કે તમે 10 વર્ષ ભેદભાવ વગર પાકિસ્તાન માટે રમ્યા. મેં સ્પષ્ટ કહ્યું છે કે હું એ તમામ બાબતોની અવગણના કરીને મહેનત કરીને રમતો રહ્યો. મેં મારું રિપ્લેસમૅન્ટ ન આવવા દીધું. મે સ્પષ્ટ કહ્યું કે મને મારા સિનિયરો અને કૅપ્ટને સહયોગ આપ્યો.''

''એ પણ સવાલ ઊભો કરવામાં આવ્યો કે ફિક્સિંગનો જે કેસ છે તે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડમાં છે નહીં કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં. મેં એવું પણ સ્પષ્ટ કહ્યું છે કે મે પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) પર આરોપ નથી મૂક્યો. તેમ છતાં મીડિયામાં ઘણી વાતો આવી રહી છે.''

''જ્યારે ઇંગ્લૅન્ડમાં મારા પર આરોપ લાગ્યો અને પ્રતિબંધ લાદવામાં આવ્યો તો મેં વ્યક્તિગત રીતે આઈસીસીને ઇમેલ મોકલ્યો હતો.''

''આઈસીસીએ મને જવાબમાં કહ્યું કે તમે પાકિસ્તાની ક્રિકેટર છો અને તમારી પાસે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે એટલે એ એમની જવાબદારી છે કે તેઓ તમારી તરફથી વાત રજૂ કરે.''

''આઈસીસીએ મને કહ્યું કે અમારી પાસે કોઈ ખેલાડી વ્યક્તિગત રીતે પોતાના કેસની વાત ન કરી શકે.''

''આ મુદ્દે મેં અનેક વિનંતી કરી પણ મને કોઈ જવાબ ન મળ્યો.''

''જ્યારથી પ્રતિબંધ લાગ્યો અને મેં તેનો સ્વીકાર કર્યો ત્યારથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ, પૂર્વ પાકિસ્તાની વડા પ્રધાનોને મેં વારંવાર વિનંતી કરી પરંતુ કોઈએ મારા પર ધ્યાન ન આપ્યું. તાજેતરમાં મેં વડા પ્રધાન ઇમરાન ખાનને પણ વિનંતી કરી, અનેક ચેનલો પર જઈને વાત કરી.''

''મને વારંવાર એવો અનુભવ થયો કે મારી સાથે ભેદભાવ કરવામાં આવ્યો. પહેલાં જ્યારે મેં વિનંતી કરી તો મને કહેવામાં આવ્યું કે હું ધાર્મિક કાર્ડ રમી રહ્યો છું.''

''હું કોઈ ધાર્મિક કાર્ડ નથી રમી રહ્યો પરંતુ મારી સાથે જે રીત અપનાવવામાં આવી તેનાથી હું સમજું, આ ભેદભાવ નથી તો શું છે? હું હજી પણ વિનંતી કરું છું પરંતુ વારંવાર ધાર્મિક કાર્ડની વાત કરવામાં આવે છે.''

''હું મારો હક માગુ છું. એક પાકિસ્તાનના નાગરિક તરીકે અને એક ક્રિકેટર તરીકે દેશ માટે મેં જે પ્રદર્શન કર્યું છે એના માટે તો મારું સન્માન કરો. મારી પાસે ઘર છે, મારો પરિવાર છે, મારી પાસે રોજગાર નથી, બાળકો છે, એમને સારું ભણતર આપી શકું અને અને ક્રિકેટને મારા અનુભવથી ફરી કંઈ આપી શકું.''

''હું વારંવાર ક્રિકેટ બોર્ડ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન જેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પેટ્રન ચીફ પણ છે એમને વિનંતી કરું છું. તેઓ જે હોદ્દા પર છે જ્યાંથી તે મને મદદ કરી શકે છે. જો તેઓ પણ મદદ ન કરી શકતા હોય તો આ ભેદભાવ છે.''

line

બોર્ડને કેમ કરે છે અપીલ?

દાનિશ કનેરિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દાનિશ કનેરિયા

આનાથી અગાઉ એક યૂટ્યૂબ વીડિયોમાં દાનિશ કનેરિયાએ કહ્યું કે, દાનિશ નામ એમના પિતાના એક મિત્ર આપ્યું હતું. એમણે સૌથી પહેલાં એમની લેગ-સ્પિનની પ્રતિભાને ઓળખી હતી.

આ વીડિયોમાં દાનિશ કહે છે કે આ એક ફારસી નામ છે.

તેઓ સ્પષ્ટ કરે છે કે 2010માં જ્યારે એમના પર આરોપ લાગ્યો ત્યારે એમણે સૌથી પહેલો ફોન પીસીબીને કર્યો હતો અને પીસીબીએ જવાબ આપ્યો કે આ આપનો વ્યક્તિગત મામલો છે તમે જ નિપટાવો.

''મને આશા હતી કે પીસીબી મારી પડખે ઊભું રહેશે. મારું ભણતર વધારે નથી. મારી પાસે જે છે એ ક્રિકેટ છે. મારી પાસે લેગ-સ્પિનની આર્ટ છે જેને હું આગળ વધારી શકું છું.''

''મે પીસીબીને આગ્રહ કર્યો કે હજી મારી પડખે ઊભું રહે. જેમ કે અગાઉ ત્રણ ક્રિકેટર અને હમણાં જ શારજિલ ખાને આરોપ સ્વીકાર કર્યો અને હવે તે ફરીથી ઘરેલું ક્રિકેટ રમી શકે છે.''

''આમ થાય તો કમસેકમ હું આજીવિકા રળી શકું. હું આજે પણ પીસીબી પાસે આશા રાખું છું, જો પીસીબી હજી પણ મારો સાથ નથી આપતું તો હું શું વિચારું?''

line

દાનિશે સટ્ટાબાજ વિશે શું કહ્યું?

દાનિશ કનેરિયા પુત્ર સાથે 2010માં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દાનિશ કનેરિયા પુત્ર સાથે 2010માં

દાનિશે કહ્યું કે ''મારા પર આરોપ હતો કે મે સાથી ખેલાડીઓને ઉશ્કેર્યા અને મારે કારણે રમતમાં વિવાદ થયો. મે બેઉ આરોપ સ્વીકારી લીધા.''

''અહીં તો લોકોએ પોતાના મુલ્કને વેચ્યો છે, જેલમાં ગયા છે. મે મારું વતન નથી વેચ્યું. એ છતાં એ લોકોનું ટીમમાં સ્વાગત કરવામાં આવ્યું. એમને મોટા પદો આપવામાં આવી રહ્યા છે પણ મારા કેસને તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે.''

આ વીડિયોમાં દાનિશ કહે છે કે ''જે લોકોએ મને એ વ્યક્તિ સાથે મળાવ્યો હતો એ લોકો કોણ હતા? પાકિસ્તાનની આખી ટીમ એને જાણતી હતી. અધિકારીઓ જાણતા હતા અને એ વ્યક્તિ સત્તાવાર રીતે પાકિસ્તાન આવતી-જતી રહેતી હતી.''

''પીસીબીએ એમને બોલાવ્યા એ અગાઉ હું એમને નહોતો ઓળખતો. આ હિંદુ છે, તમે પણ હિંદુ છો એમ કહીને મને મળાવવામાં આવ્યો.''

''હું પાકિસ્તાન માટે ખૂબ ઇમાનદારીથી 10 વર્ષ ક્રિકેટ રમ્યો છું. હું એક દિવસમાં 30-40 ઑવરો ફેંકતો હતો. મારી આંગળીઓથી લોહી નીકળતું હતું. ''

''મારી ઉપર ફિક્સિંગના આરોપ નથી લાગ્યા. મારી મહેનત દેખાતી હતી અને એ વખણાતી હતી.''

line

દાનિશ સાથે શું થયું હતું?

દાનિશ કનેરિયા સપૉટ ફિક્સિંગ કેસમાં એમની કાઉન્ટી ટીમ ઍસેક્સના ખેલાડી મ્રવેન વેસ્ટફિલ્ડે સ્વીકાર કર્યો હતો કે એક ઑવરમાં 12 રન આપવા માટે એમણે 7,862 અમેરિકન ડૉલર લીધા હતા.

દોષિત ઠર્યા પછી એમને બે મહિનાની જેલની સજા થઈ.

એમને લંડનની બૅલમાર્શ જેલમાં રાખવામાં આવ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો