TOP NEWS : ભારતના આ રાજ્યમાં દરેક દુલ્હનને 10 ગ્રામ સોનું મફત મળશે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

NDTVમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આસામ સરકારે દરેક દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની જાહેરાત કરી છે.

તેની માટે શરત એટલી છે કે દુલ્હનની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય, તે 10 પાસ હોય અને લગ્નની નોંધણી થઈ હોય.

રાજ્યના નાણામંત્રી હિમંતા બિશ્વા શર્માના જણાવ્યા પ્રમાણે અરુંધતિ ગોલ્ડ સ્કીમનો લાભ ઉઠાવવાની બીજી પણ કેટલીક શરતો છે અને આ સ્કીમ માટે સરકારી તિજોરીમાંથી 800 કરોડ રૂપિયા વપરાશે.

તેમણે માહિતી આપી છે કે આ સ્કીમ આ જાન્યુઆરીથી શરૂ કરાશે.

તેઓ કહે છે, "જે લગ્નની નોંધણી થઈ હોય તેવી દરેક દુલ્હનને અમે 10 ગ્રામ સોનું આપીશું. અમારો ઉદ્દેશ વોટબૅન્ક ઊભી કરવાનો નથી. અમારો ઉદ્દેશ એ છે કે લગ્નની નોંધણી થાય."

નાણામંત્રી ઉમેરે છે, "આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે જરૂરી છે કે દુલ્હનનાં પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતા ઓછી હોય. મને આશા છે કે આ સ્કીમ શરૂ થયા બાદ લગ્નની નોંધણીનો આંકડો બેથી અઢી લાખ પર પહોંચશે."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"આ સ્કીમનો લાભ લેવા છોકરીની ઉંમર 18 અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે. તેનાથી બાળલગ્ન પર રોક લાગશે. આ સિવાય આ સ્કીમ 10 પાસ છોકરીઓ માટે જ છે, એટલે તેનાથી છોકરીઓનાં શિક્ષણ પર પણ લોકો વધારે ભાર આપશે."

"લગ્નની નોંધણી અને વેરિફિકેશન થયા બાદ સરકાર તેમનાં ખાતામાં 30 હજાર રૂપિયા ઉમેરશે. ત્યારબાદ દુલ્હને તેનું સોનું ખરીદીને તેની રસીદ રજૂ કરવાની રહેશે. આ રકમનો બીજો કોઈ ઉપયોગ કરી શકાતો નથી."

સરકારની શરત પ્રમાણે આ સોનું માત્ર તે જ દુલ્હનોને અપાશે, જેમનાં પહેલી વખત લગ્ન થયાં હોય અને સ્પેશિયલ મૅરેજ ઍક્ટ 1954 અંતર્ગત તેની નોંધણી થઈ હોય.

મહત્ત્વનું છે કે આસામમાં દર વર્ષે આશરે 3 લાખ લગ્ન થાય છે પરંતુ 50-60 હજાર લગ્નની જ નોંધણી થાય છે.

line

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદનો આદેશ

પ્રદિપસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, FACEBOOK/PRADIPSINH JADEJA

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ ફોજદારી કેસ નોંધવાનો અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ કર્યો છે.

આ આદેશ 2007માં બનેલી લોક પ્રતિનિધિત્વ કાયદાના ભંગની ઘટના બાબતે આપવામાં આવ્યો છે.

2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસારવામાં પ્રદીપસિંહ જાડેજાએ નવરાત્રિની ઊજવણીમાં એમના અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના ફોટાવાળી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

પ્રદીપસિંહ તે વખતે ધારાસભ્ય હતા અને તેમણે વિતરણ કરેલા સાહિત્યમાં મુદ્રક કે પ્રકાશકનો ઉલ્લેખ નહોતો કર્યો.

આ મામલે તે વખતે શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજ શાહે ચૂંટણી અધિકારી અને કલેકટરને ફિયાદ કરી હતી.

આ કેસમાં અદાલતે ક્રિમિનલ કેસ માટે પૂરતા પુરાવાઓ હોવાનું જણાવી ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.

line

દેશને મળ્યા સેનાની ત્રણેય પાંખના પહેલા વડા

બિપિન રાવત

ઇમેજ સ્રોત, Getty Images

જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા છે.

સોમવારે મોડી સાંજે રક્ષા મંત્રાલયે નિવેદન જાહેર કરી તેની ઔપચારિક ઘોષણા કરી. જનરલ બિપિન રાવત સરકારના નવા આદેશ સુધી આ પદ પર યથાવત રહેશે.

જનરલ બિપિન રાવત 65 વર્ષની ઉંમર સુધી આ પદ પર રહી શકે છે.

મહત્ત્વનું છે કે વર્ષ 2016માં પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન તેઓ સહસેના પ્રમુખ હતા અને તેમણે પણ એ સર્જિકલ સ્ટ્રાઇકમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

line

6 મહિનામાં બંધ થઈ શકે છે ઍર ઇન્ડિયા

ઍર ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે દેવા હેઠળ દબાયેલી સરકારી કંપની ઍર ઇન્ડિયાને જો કોઈ ખરીદદાર નહીં મળે, તો તે જૂન મહિનામાં બંધ થઈ શકે છે.

ઍર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે અવ્યવસ્થિત રીતે કોઈ કંપનીને લાંબા ગાળા સુધી ચલાવી શકાતી નથી.

વિમાન કંપનીના ભવિષ્ય મામલે અનિશ્ચિતતા છે, ત્યારે અધિકારીએ કહ્યું છે કે 12 નાના વિમાનોનું પરિચાલન ફરી શરૂ કરવા માટે પણ રકમની જરૂર છે.

વિમાન કંપની પર હાલ 60 હજાર કરોડનું દેવું છે અને સરકાર હાલ તેને વેચવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે.

અધિકારીએ ચેતવણી આપતા કહ્યું છે કે જો જૂન મહિના સુધી ઍર ઇન્ડિયાને કોઈ ખરીદદાર નહીં મળે, તો તેનો હાલ પણ જેટ ઍરવેઝ જેવો થઈ જશે.

line

શાલીનતા ભંગ કરવાના આરોપસર સાઉદીમાં 200 લોકોની ધરપકડ

સાઉદી કિંગ

ઇમેજ સ્રોત, EPA

સાઉદી અરેબિયાએ 'સાર્વજનિક શાલિનતા' ભંગ કરવાના આરોપસર 200 કરતા વધારે લોકોની ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે તેમાંથી કેટલાક લોકોની 'અભદ્ર પહેરવેશ' અને 'શોષણ' મામલે ધરપકડ થઈ છે.

રિયાદ પોલીસનું કહેવું છે કે જેમણે આવું કર્યું છે, તેમણે સજા ભોગવવી પડશે.

સાઉદી અરેબિયામાં 'અભદ્ર' પશ્ચિમી પહેરવેશ અને સાર્વજનિક સ્થળોએ પ્રેમાલાપ પ્રતિબંધિત છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો