કાશ્મીર : SMS સેવા શરૂ થઈ ખરી?

મોબાઇલ સેવા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે

"સરકારે ગઈ કાલે જાહેરાત કરી હતી પણ અડધી રાત સુધી મને જિયોના મારા નંબર પર કોઈ જ એસએમએસ મળ્યો નથી. મેં વિચાર્યું હતું કે એસએમએસથી મને નવા વર્ષની શુભેચ્છાઓ મળશે, પણ એવું ન થયું"

"આજે હું સ્થાનિક બૅન્કમાં ગયો અને મને જણાવાયું કે માત્ર બીએસએનએલની સેવા શરૂ કરવામાં આવી છે. હું નિરાશ છું, સરકાર કહે છે કંઈક અને કંઈક બીજું જ કરે છે."

શ્રીનગરના સીડી હૉસ્પિટલમાં આવેલા ઝફર અહમદના આ શબ્દો છે.

જમ્મુ-કાશ્મીરમાં 1 જાન્યુઆરી 2020થી કાશ્મીરમાં તમામ એસએમએસ સેવાઓ શરૂ કરી દેવાશે એવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

ઝફર અહમદ કહે છે, "સરકાર જુઠ્ઠું બોલી. જો એસએમએસની સેવા શરૂ થઈ ગઈ હોત તો મને થોડી રાહત મળી શકી હોત."

"એસએમએસ પણ બંધ છે એટલે અમે માનિસક રીતે રોગી થઈ ચૂક્યા છીએ. મને આશા હતી કે એસએમએસ શરૂ થઈ જશે પણ હકીકતમાં કંઈ જ નથી થયું."

line

ઇન્ટરનેટ સેવા પણ શરૂ નથી થઈ?

ડૉક્ટર નવીદ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર નવીદ કહે છે કે તેમના વિભાગમાં હજી ઇન્ટરનેટ શરૂ થયું નથી.

સરકારના પ્રવક્તા રોહિત કંસલે કહ્યું હતું કે મોબાઇલ એસએમએસ સાથેસાથે સરકારી હૉસ્પિટલોમાં ઇન્ટરનેટ પણ શરૂ કરવામાં આવશે.

આ સેવાઓ 5 ઑગસ્ટ, 2019થી એટલે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ના વિશેષાધિકાર હઠાવ્યા એ પછીથી બંધ છે.

આ પછી સરકારે સૌથી પહેલાં લૅન્ડલાઇન ફોન સેવા શરૂ કરી હતી અને એ પછી પોસ્ટપેડ મોબાઇલની સેવા શરૂ કરવામાં આવી હતી.

સીડી હૉસ્પિટલના ચેસ્ટ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર નવીદ કહે છે કે ઇન્ટરનેટ બંધ હોવાથી ઘણી બધી એકૅડેમિક અને પ્રશાસનિક સમસ્યાઓ સર્જાઈ શકે છે.

તેમણે બીબીસીને કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે 5 ઑગસ્ટથી અમે કોઈને કોઈ રીતે હૉસ્પિટલનું સામાન્ય કામકાજ ચાલુ રાખ્યું છે."

"જોકે ઇન્ટરનેટ ઘણી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. ઇન્ટરનેટ ન હોવાથી એકૅડમિક અને પ્રશાસનિક કામકાજ પર અસર થાય છે. ઇન્ટરનેટ થકી આપણે ઑનલાઇન દવાઓ ખરીદીએ છીએ."

તેઓ કહે છે, "હવે સરકારે સરકારી હૉસ્પિટલોમાં બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે હજી મારી ફૅકલ્ટીમાં શરૂ થયું નથી."

"ઇન્ટરનેટ પૂર્વવત્ કરવા માટે અમે અમારી સંખ્યા જણાવી હતી. હજી સુધી અમારી હૉસ્પિટલમાં ઇન્ટરનેટ નથી. મને આશા છે કે તે પૂર્વવત્ થઈ જશે."

અન્ય એક જિયોના ગ્રાહક પરવેઝ અહમદ કહે છે કે તેમને એસએમએસ મળી પણ નથી રહ્યા અને જઈ પણ નથી રહ્યા અને તેમણે સરકારની જાહેરાતને મજાક ગણાવી હતી.

તેઓ કહે છે, "આ કેવી સરકાર છે? સરકાર માત્ર જુઠ્ઠું બોલે છે, જો તેમણે દરેક માટે એસએમએસ શરૂ કર્યા હોત તો દરેકને ખબર પડી ગઈ હોત કે એસએમએસ પૂર્વવત્ થઈ ગયા છે."

"સરકારે કહ્યું હતું કે હૉસ્પિટલમાં ઇન્ટરનેટ શરૂ કરાશે પણ ક્યાં છે ઇન્ટરનેટ. હું સરકારી હૉસ્પિટલનો કર્મચારી છું પણ મેં સવારથી ઇન્ટરનેટ શરૂ થયાનું જાણ્યું નથી."

line

'સરકાર જુઠ્ઠું બોલે છે'

બીએસએનએલ સેવા

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, BSNL ટેલિકૉમ સેવાના નંબરો પર SMSની સેવા પૂર્વવત્ થઈ ગઈ છે.

બશીર અહમદ (નામ બદલ્યું છે) બીબીસીને કહે છે, "મેં આજે સવારે જ મારા મિત્રને અને અને મારી પત્નીને એસએમએસ મોકલવાનો પ્રયાસ કર્યો પણ હું નિરાશ થયો."

"મારી પત્નીને એસએમએસ ન મળ્યો. એનો અર્થ એવો છે કે સરકાર જુઠ્ઠું બોલી રહી છે."

એક કામદાર ઝહૂર અહમદે અમને મોબાઇલમાં એસએમએસ દેખાડતાં કહ્યું કે તેમના તમામ એસએમએસ ફેલ થઈ ગયા.

તેઓ કહે છે, "મેં અન્ય નૉન-બીએસએનએલ મોબાઇલથી કોશિશ કરી પણ એ વખતે પણ આવું જ થયું. નૉન-બીએસએનએલ નંબરથી કોઈ એસએમએસ જઈ નથી રહ્યો."

એક બીએસએનએલ ગ્રાહકે પોતાનું નામ ન આપવાની શરતે અમને એક એસએમએસ દેખાડ્યો, જે તેમને મળ્યો હતો.

તેઓ કહે છે, "હું ચોંકી ગયો જ્યારે પાંચ મહિના પછી મને મોબાઇલ પર એસએમએસ મળ્યો. આ એક રોમાંચક અનુભવ હતો. આજે સવારે હું ઊઠ્યો તો મેં જોયું કે મારા ઇનબૉક્સમાં મૅસેજ હતો પણ મારો બીજો જિયો નંબર શાંત છે."

માત્ર બીએસએનએલની એસએમએસ સેવા જ શરૂ કરવામાં આવી છે, અન્ય સેવાઓ કેમ નહીં? આ અંગે સરકારનો પક્ષ જાણવા માટે જ્યારે અમે સરકારના પ્રવક્તા રોહિત કંસલને ફોન કર્યો ત્યારે તેમણે ફોનનો જવાબ ન આપ્યો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો