એ અભિનેત્રી જેમણે WiFiને જન્મ આપ્યો

હોલીવૂડના 1940ના દાયકાનાં વિખ્યાત અભિનેત્રી હેડી લમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1940ના દાયકાનાં હોલીવૂડનાં વિખ્યાત અભિનેત્રી હેડી લમાર
    • લેેખક, ડેવિડ રોબસન
    • પદ, બીબીસી વર્કલાઇફ

એક અભિનેત્રી અને પિયાનોવાદક ન હોત તો જીપીએસ તથા વાઈફાઈનું અસ્તિત્વ જ ન હોત.

હેડી લમાર 1930ના દાયકાના અંતિમ અને 1940ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં હોલિવૂડની વિખ્યાત વ્યક્તિ હતી.

જોકે, હેડી લમારને જાતજાતની શોધ કરવાનો શોખ હતો એ વાત એ સમયે બહુ ઓછા લોકો જાણતા હતા.

હેડી લમારે તેમના પ્રેમી અને ઉડ્ડયન ક્ષેત્રના દિગ્ગજ હાવર્ડ ડ્યુજેસ માટે એક આલીશાન વિમાન ડિઝાઇન કર્યું હતું.

જાતજાતનાં સંશોધન કરવાનો પોતાના જેવો જ શોખ હેડી લમારને જૉર્જ એંથિલમાં દેખાયો હતો.

એંથિલ પિયાનોવાદક, સંગીતકાર અને નવલકથાકાર હતા. એ ઉપરાંત તેમને એન્જિનિયરિંગમાં પણ રસ હતો.

હેડી લમાર

ઇમેજ સ્રોત, Getty Images

આ બન્નેને લાગતું હતું કે તેમના રેડિયો સંદેશાઓને કેટલીક દુશ્મન શક્તિઓ રોકી રહી છે. તેથી તેમણે તેનું નિરાકરણ શોધવાનું શરૂ કર્યું હતું.

એ મહેનતનું પરિણામ સિગ્નલ ટ્રાન્સમિશન સ્વરૂપે આવ્યું હતું, જેને 'ફ્રિક્વન્સી-હોપિંગ સ્પ્રેડ સ્પેક્ટ્રમ' નામે ઓળખવામાં આવે છે.

આ સંશોધનનું પેટંટ હેડી લમારના વિવાહિત નામ 'માર્કી'થી કરવામાં આવું હતું. આજે પણ વાયરલેસ ટેક્નૉલૉજીમાં તેનો ઉપયોગ થાય છે.

હેડી લમાર અને જૉર્જ એંથિલને પોલીમૅથ અથવા બહુજ્ઞાની કહી શકાય.

અમુક લોકો એક સાથે અનેક ક્ષેત્રોમાં સિદ્ધિ કેવી રીતે મેળવી લેતા હોય છે? એક નવા સંશોધનમાં તેના મદદગાર લક્ષણો ઓળખી શકાયાં છે.

સંશોધનના તારણ અનુસાર, એકથી વધુ વિષયમાં રસ લેવાના ઘણા ફાયદા છે. તેમાં જિંદગીથી સંતોષ, ઉત્પાદકતા અને સર્જનાત્મકતામાં વૃદ્ધિનો સમાવેશ થાય છે.

આપણાંમાના મોટાભાગના લોકો હેડી લમાર કે જૉર્જ એંથિલને મળેલી સફળતાની બરાબરી ભલે ન કરી શકે, પણ આપણી વિશેષતાના વર્તુળની બહાર થોડો વધારે સમય પસાર કરવાથી આપણને ફાયદો જરૂર થશે.

line

શું હોય છે પોલીમૅથ?

આઇનસ્ટાઈન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પોલીમૅથની પરિભાષા વ્યાપક ચર્ચાનો વિષય છે. આ શબ્દનું મૂળ પ્રાચીન ગ્રીસમાં છે.

એક સાથે અનેક વિષયોની જાણકારી ધરાવતી વ્યક્તિ માટે આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમવાર 17મી સદીની શરૂઆતમાં થયો હતો.

અલબત, કોઈ વ્યક્તિ કેટલાં વિષયોમાં અને કેટલી નિષ્ણાત છે તે પોલીમૅથ કહેવાય એ નક્કી કરવાનો કોઈ ચોક્કસ માપદંડ નથી.

સંશોધકોનું કહેવું છે કે કોઈ વ્યક્તિ સાચો પોલીમૅથ હોય તો તેમણે કમસેકમ બે અલગ-અલગ વિષયોમાં ઔપચારિક સિદ્ધિ મેળવી હોય એ જરૂરી છે.

આ વર્ષે પ્રકાશિત કરવામાં આવેલા વકાસ અહમદના પુસ્તક 'ધ પોલીમૅથ'માં આ બાબતે વિગતવાર વિચારણા કરવામાં આવી છે.

તેમના માટે આ વિષય અમુક અંશે અંગત બાબત છે. વકાસ અહમદની કારકિર્દી અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી રહી છે. તેઓ અર્થશાસ્ત્રના ગ્રૅજ્યુએટ છે અને ઇન્ટરનેશનલ રિલેશન્સ તથા ન્યુરોસાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવે છે.

વકાસ અહમદ પત્રકાર અને પર્સનલ ટ્રેનર તરીકે કામ કરી ચૂક્યા છે. પર્સનલ ટ્રેનરનું કામ તેઓ બ્રિટિશ સૈન્ય પાસેથી શીખ્યા હતા.

આજકાલ તેઓ વિશ્વનાં સૌથી મોટાં કળા સંગ્રહાલયો પૈકીના એકના આર્ટ ડિરેક્ટર છે અને પ્રૉફેશનલ કળાકાર તરીકે પણ કાર્યરત્ છે. આટલી સિદ્ધિઓ છતાં વકાસ અહમદ ખુદને પોલીમૅથ ગણતા નથી.

પોલીમૅથ લોકોની યાદીમાં માત્ર એ લોકોનાં નામો સામેલ છે જેમણે કમસેકમ ત્રણ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય.

તેમની યાદીમાં કળાકાર, સંશોધક અને માનવશરીરવિદ્ લિયોનાર્દો દા વિંચી; વનસ્પતિશાસ્ત્રી, ભૌતિક વિજ્ઞાન અને ખનીજ વિજ્ઞાનના અભ્યાસી યોહાન વુલ્ફગાંગ ફાન ગેટે અને આધુનિક નર્સિંગનાં સંસ્થાપક, આંકડાશાસ્ત્રી અને ધર્મવિજ્ઞાની ફ્લોરેન્સ નાઈટિંગલનો સમાવેશ થાય છે.

આ લોકોની જીવનકથાઓ અને મનોવૈજ્ઞાનિક સાહિત્યની સમીક્ષા બાદ વકાસ અહમદે તેમના ગુણોની ઓળખ કરી હતી. એ ગુણોને કારણે ઉપરોક્ત ત્રણેય મહાન ગણાય છે.

સરેરાશ કરતાં વધુ મેઘાવી હોવાથી નિશ્ચિત રીતે જ ફાયદો થાય છે. એ કારણે વધુ શીખવાની લાગણી સર્જાય છે.

દિમાગનું ખુલ્લાપણું અને જિજ્ઞાસા પણ બહુ જરૂરી હોય છે. તમને કોઈ ઘટનામાં રસ હોય છે, પણ તમારી શોધ કઈ દિશામાં આગળ વધી રહી છે તેની અને એ તમને કોઈ અપરિચિત ક્ષેત્રમાં લઈ જાય તો પણ તમે ચિંતા કરતા નથી.

line

બહુજ્ઞાની કઈ રીતે બનવું?

વકાસ અહમદ માને છે કે કમસેકમ ત્રણથી વધુ ક્ષેત્રમાં યોગદાન આપે તેવા લોકો જ પોલીમેથ હોઈ શકે.

ઇમેજ સ્રોત, ADRIAN FISK

ઇમેજ કૅપ્શન, વકાસ અહમદ માને છે કે કમસેકમ ત્રણથી વધુ ક્ષેત્રમાં યોગદાન આપે તેવા લોકો જ પોલીમેથ હોઈ શકે.

લમાર, એંથિલ વિંચી અને ગેટે જેવા પોલીમૅથ આત્મનિર્ભર હતા. તેઓ જાતને અભ્યાસ કરાવીને ખુશ હતા. તેઓ વ્યક્તિવાદી હતા અને વ્યક્તિગત સંતોષને મહત્ત્વ આપતા હતા.

આ ખૂબીઓ સાથે તેઓ વિશ્વને એક સર્વગ્રાહી દૃષ્ટિકોણથી નિહાળતા હતા.

વકાસ અહમદ કહે છે, "આ લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં, અલગ-અલગ વિષયો પર ધ્યાન આપતા હતા. એટલું જ નહીં તમામ વિષયો બાબતે અંતરદૃષ્ટિ મળે એ કારણસર તેમને તેની સાથે મૌલિક રીતે જોડાવાનું પણ ગમતું હતું."

દરેકની પર્સનાલિટીની માફક પોલીમૅથની આવી લાક્ષણિકતાનો કોઈ નિશ્ચિત આનુવાંશિક આધાર જરૂર હશે, પરંતુ પોલીમૅથ આપણા પરિવેશમાંથી પણ આકાર પામતા હોય છે.

ઘણાં બાળકોને અલગ-અલગ વિષયોમાં રસ હોય છે પણ આપણી સ્કૂલો, યુનિવર્સિટી તથા રોજગાર તેમને એક ખાસ વિશેષજ્ઞતા ભણી દોરી જાય છે.

પોલીમૅથ બનવાની ક્ષમતા ઘણા લોકોમાં હોય છે, પરંતુ તેમને યોગ્ય દિશામાં આગળ વધારવામાં આવે ત્યારે જ તેઓ પોલીમૅથ બની શકે છે.

જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી આધુનિક પોલીમૅથ્સ સંબંધી અભ્યાસ માટે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂકેલાં એન્જેલા કોટેલેસા પણ આવું માને છે.

પોલીમૅથ માટેના કોટેલાસાના માપદંડ અહમદથી થોડા નરમ છે. કળા તથા વિજ્ઞાન એમ બે ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી ચૂકેલા અને ખુદને પોલીમૅથ માનતા લોકોને કોટેલેસાએ તેમના અભ્યાસના ઇન્ટરવ્યૂઝમાં સામેલ કર્યા હતા.

અહમદની માફક કોટેલેસાને પણ જાણવા મળ્યું હતું કે જિજ્ઞાસા જેવાં લક્ષણો જરૂરી છે. એ ઉપરાંત અન્યોની અપેક્ષાના દબાણનો સામનો કરવાની સાથે ખુદની રુચિને સંતોષવાનો સંકલ્પ પણ હોવો જરૂરી છે.

કોટેલેસા કહે છે, "તેનું કારણ એ છે કે વિશેષજ્ઞતાનો આગ્રહ રાખતા સમાજમાં આપણે રહીએ છીએ. જોકે, પોલીમૅથ્સ એવું નથી કરતા. તેઓ પોતાનો માર્ગ જાતે જ કંડારે છે."

ઘણા લોકો પાસે આ માપદંડો સામે લડવાનું આત્મબળ હોતું નથી.

line

બીજા વિષયોથી લાભ

જોહાન ગોથેની પ્રતિમા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, જોહાન ગોથેની પ્રતિમા

અનેક રુચિને સંતોષવામાં આપણે શા માટે ખચકાઈએ છીએ, તેનાં કેટલાંક સજ્જડ કારણો પણ છે. આપણને ડર હોય છે કે આપણે એકસાથે અનેક ક્ષેત્રમાં રસ લઈશું તો ખાસ કશું કરી શકીશું નહીં.

વાસ્તવમાં એ વાતના પુરાવા મળ્યા છે કે વિવિધ વિષયોમાં રુચિ વિકસાવવાથી રચનાત્મકતા અને ઉત્પાદકતા બન્નેમાં વધારો થાય છે.

બીજી અને ત્રીજી રુચિના ક્ષેત્રમાં આગળ વધવાનું ભલે વિક્ષેપકર્તા લાગે, પણ વાસ્તવમાં એ મૂળ ક્ષેત્રમાંની તમારી સફળતામાં વધારો કરી શકે છે.

ડેવિડ એપસ્ટીને તેમનાં પુસ્તકોમાં લખ્યું છે કે સરેરાશ વિજ્ઞાનીઓની સરખામણીમાં પ્રભાવશાળી વિજ્ઞાનીઓ વિવિધ વિષયમાં રુચિ ધરાવતા હોય એવી શક્યતા વધુ છે.

નોબેલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાનીઓ નાચતા, ગાતા કે અભિનય કરતા હોય એવી શક્યતા સરેરાશ વિજ્ઞાનીઓની સરખામણીએ 25 ગણી વધારે હતી.

તેમનામાં દૃશ્યકલાના નિર્માણની શક્યતા 17 ગણી, કવિતા લખવાની સંભાવના 12 ગણી અને સંગીતકાર હોવાની શક્યતા ચાર ગણી હોય છે.

અહમદ અને આ ક્ષેત્રમાં કાર્યરત્ અન્ય લોકોનું કહેવું છે કે એ પરપરાગનયન (ક્રોસ-પોલિનેશન)ની માફક કામ કરે છે. મતલબ કે એક ક્ષેત્રના વિચારો બીજા ક્ષેત્રમાં નવી શોધોની પ્રેરણા બને છે.

એંથિલે પહેલાં પિયાનોની સ્વરલિપિ પર કામ કર્યું હતું. પછી તેમણે અને લમારે એ યંત્રોના મિકેનિઝમનો ઉપયોગ વાયરલેસ યંત્ર બનાવવા માટે કર્યો હતો.

ઇતિહાસના મહાન પોલીમૅથની જીવનકથાઓમાં અહમદને પણ આ વાત જોવા મળી હતી. તેઓ કહે છે, "આ રચનાત્મકતાનો સર્વોત્તમ માર્ગ છે, કારણ કે એ માટે ખુદના અનુભવો અને જ્ઞાનમાં વૈવિધ્ય લાવવું જરૂરી હોય છે."

લિયોનાર્દો દા વિંચી જેવી વિલક્ષણ પ્રતિભાના સંદર્ભમાં આ વાત સ્પષ્ટ છે કે શરીરવિજ્ઞાન, ગણિત અને ભૂમિતિના જ્ઞાને તેમનાં ચિત્રોને અજોડ બનાવી દીધાં હતાં તથા તેમની દૃશ્ય કલ્પનાએ મિકૅનિકલ એન્જિનિયરિંગમાંની તેમની રચનાત્મકતાને સમૃદ્ધ કરી હતી.

અહમદ કહે છે, "આ બાબતો એકમેકનું પોષણ કરતી હોય છે."

line

ભેજામારી ન કરો, વિષય બદલો

નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રાંસેસ આર્નોલ્ડ રસાયણ ક્ષેત્રે સંશોધન કરવાની સાથે-સાથે પિયાનો, ગિટાર અને પાઈપ-ઓર્ગન પણ વગાડી જાણે છે.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રાંસેસ આર્નોલ્ડ રસાયણ ક્ષેત્રે સંશોધન કરવાની સાથે-સાથે પિયાનો, ગિટાર અને પાઈપ-ઓર્ગન પણ વગાડી જાણે છે.

તમે પોલીમૅથ બનવા ઇચ્છતા હો તો અહમદનું સૂચન એ છે કે વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા માટે તમારા સમયનો કુશળતાપૂર્વક ઉપયોગ કરો.

કોઈ જટિલ પ્રયાસમાં ધ્યાન કેન્દ્રીત કરવાને કારણે દિમાગ ઘણી વખત સેચ્યુરેશન પૉઇન્ટ પર પહોંચી જતું હોય છે. એ પછી ધ્યાન કેન્દ્રીત કરી શકાતું નથી અને એવું ધરાર કરવાથી કોઈ ફાયદો થતો નથી.

તેને બદલે તમે કોઈ બીજું કામ હાથ પર લો તો પહેલું કામ કરવાની કોઈ બીજી તરકીબ તમને મળી શકે છે. એ રીતે તમારી સમગ્ર ઉત્પાદકતામાં વધારો થાય છે.

તેના પુરાવા શિક્ષણ ક્ષેત્રે થયેલા સંશોધનમાંથી મળ્યા છે.

શિક્ષણથી માંડીને રમતગમત અને સંગીત સુધીના અલગ-અલગ વિષયોના વિદ્યાર્થીઓ પરના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે એક નિશ્ચિત પ્રમાણમાં અભ્યાસ કર્યા બાદ આપણે પ્રભાવી રીતે કશું શીખવાનું છોડી દઈએ છીએ.

આપણે કૌશલ્ય કે વિષયને નિયમિત રીતે બદલતા રહીએ તો આપણા સમયનો સદુપયોગ કરી શકીએ.

કોઈ સમસ્યાના નિવારણ માટે વધુ સમય ખર્ચવાને બદલે કંઈક બિલકુલ અલગ કામ કરીએ તો એ સમસ્યાના નિવારણના એકથી વધુ વિકલ્પો મળી શકે.

પોલીમૅથ બનવા ઇચ્છુક લોકો તેમની પસંદગીના કામો વારાફરતી હાથ ધરીને તેનો લાભ મેળવી શકે છે. તેમાં દિમાગનો પૂરો ઉપયોગ થાય અને કોઈ નિરાકરણ ન મળે ત્યારે નિરર્થક પ્રયાસો નહીં કરવા એ ધ્યાનમાં રાખવાનું.

અહમદ કહે છે, "તમે એક સ્તર સુધી પહોંચતાં પહેલાં ઘણા પ્રોડક્ટિવ હોવ છો, પણ એ પછી તમારે તમારી ગતિવિધિ બદલવી જરૂરી હોય છે."

આલ્બર્ટ આઇન્સ્ટાઇન ભૌતિકવિદ્ હોવાની સાથે-સાથે કુશળ વાયોલિનવાદક અને પિયાનોવાદક પણ હતા. તેમણે આ બધાનો ઉપયોગ કર્યો હતો.

આઇન્સ્ટાઇન ભૌતિકશાસ્ત્ર કે ગણીતની કોઈ સમસ્યામાં અટવાઈ જતા ત્યારે સંગીતનો સહારો લેતા હતા અને "મને જવાબ મળી ગયો" એવું કહીને મોટાભાગે સંગીત બજાવવાનું બંધ કરતા હતા.

આ સમસ્યાના નિરાકરણ માટે વધુ માથાકૂટ કરવાને બદલે સમયનો બહેતર ઉપયોગ હતો.

line

તમારી અંદરના પોલીમૅથને પોષો

આઇનસ્ટાઈન

ઇમેજ સ્રોત, Alamy

પોલીમૅથ બનવાની ક્ષમતા ઘણા લોકોમાં હોય છે. લિયોનાર્દો દા વિંચીએ હાંસલ કરેલી ઊંચાઈને ભલે ન સ્પર્શી શકીએ, પણ આપણી દિલચસ્પીનો વ્યાપ વધારીને આપણે તેનો લાભ જરૂર લઈ શકીએ.

અગાઉની સરખામણીએ આજે સુવિધાઓ ઘણી વધારે છે. ઇન્ટરનેટ પર અનેક વિષયોની અભ્યાસસામગ્રી મફતમાં ઉપલબ્ધ છે.

સ્કાઇપ જેવી ઍપ્લિકેશન મારફત આપણે હજારો કિલોમિટર દૂર બેઠેલા નિષ્ણાતો સાથે જોડાઈ શકીએ છીએ.

રિયો ડી જેનેરોની પોટિફિકલ કૅથલિક યુનિવર્સિટીમાં પોલીમૅથ વિશે સંશોધન કરી રહેલા માઇકલ અરાકી કહે છે, "આપણી પાસે પોલીમૅથ બનવાની વિશેષ તક છે, ખાસ કરીને એવાં ક્ષેત્રોમાં કે જેમાં અગાઉ આવું શક્ય ન હતું."

અહમદનું કહેવું છે કે આ સમય એ શક્યતાઓને અપનાવવાનો છે. જળવાયુ પરિવર્તન જેવી સમાજની અનેક મુખ્ય સમસ્યાઓ માટે એક રચનાત્મક નિરાકરણની જરૂર છે.

એ નિરાકરણ શોધવામાં પોલીમૅથ સૌથી બહેતર સાબિત થઈ શકે.

અહમદ કહે છે કે ઘણા લોકો અનેક વિદ્યામાં પ્રવીણતાને પુનર્જાગરણ સાથે જોડે છે, જે આજના સમયમાં અગાઉ કરતાં સૌથી વધારે પ્રસ્તુત છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો