ભાજપ અને RSS પ્રયોગો માટે ગુજરાતને જ કેમ પસંદ કરે છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભાજપને જયારે દેશભરમાંથી લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી ત્યારે તે બેમાંથી એક બેઠક ગુજરાતમાં મળી હતી.
મહેસાણાના ડૉ એ.કે પટેલ ભાજપના ગુજરાતમાંથી પ્રથમ સાંસદ બન્યા હતા.
એ સમયથી ગુજરાત ભાજપ અને આરએસએસ માટે રાજકીય લિટમસ ટેસ્ટ કરવાની લૅબોરેટરી બન્યું છે એમ નિષ્ણાતોનો એક વર્ગ માને છે.

ઇમેજ સ્રોત, Hindustan Times
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલમાં ગુજરાતમાં જે રીતે મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી અને આખું મંત્રીમંડળ બદલી નાખ્યું એ નો રિપીટ થિયરી પણ ભાજપનો એક નવો રાજકીય પ્રયોગ છે.
અને ભાજપે ગુજરાતને જ નો રિપીટ થિયરીના પ્રયોગ માટે પસંદ કર્યું છે.
ભાજપની હિંદુત્વની લૅબોરેટરી ગણાતા ગુજરાતમાં પાર્ટીને સત્તામાં 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે.
આમ તો ભાજપે મુખ્ય મંત્રી બદલ્યા હોય એવો આ પ્રથમ પ્રયોગ નથી. ગુજરાત પહેલાં ભાજપે કર્ણાટક અને ઉત્તરાખંડમાં પણ સરકારના શીર્ષ નેતૃત્વને બદલી નાખ્યું હતું, પરંતુ મુખ્ય મંત્રી સાથે આખું મંત્રીમંડળ બદલી નાખવાનો આ પ્રથમ પ્રયોગ છે.
ભાજપ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રભાવની વાત નવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષો સુધી ભાજપમાં રહેલા ભાજપના ભૂતપૂર્વ સાંસદ કનકસિંહ માંગરોળાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "ભાજપમાં 80ના દાયકામાં આવા નિર્ણયો નહોતા લેવાતા, પણ જેમજેમ ભાજપની પાસે સત્તા આવતી ગઈ તેમ-તેમ આરએસએસ ભાજપ પર હાવી થવા લાગ્યું અને અનેક નિર્ણયો અલગ રીતે લેવાના શરૂ થયા."

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP/GETTY
1997માં ભાજપ છોડી ચૂકેલા કનકસિંહ માંગરોળાએ શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા, પછી સમાજવાદી પાર્ટીમાં પણ જોડાયા. 2012માં તેમણે ફરી ભાજપનો હાથ પકડ્યો હતો.
તેમણે કહ્યું કે, "ગુજરાતમાં 1987માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ભાજપના હાથમાં આવ્યું ત્યારે એવું લાગવા લાગ્યું હતું કે હવે ભાજપનો ઉદય થશે."
"એ સમયે ભાજપના નિર્ણયો લેવામાં સંઘની મોટી ભૂમિકા નહોતી, પરંતુ 1990માં જ્યારે ભાજપ પ્રભાવશાળી અને સત્તા નજીક પહોંચતો દેખાવા લાગ્યો ત્યારથી પાર્ટીના નિર્ણયોમાં આરએસએસની છાપ દેખાવા લાગી."
"એ પહેલાં ગુજરાત ભાજપમાં તમામ નિર્ણયો કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા અને ડૉક્ટર એ.કે. પટેલ લેતા હતા જે તમામને સ્વીકાર્ય હતા."

ભાજપ સત્તા નજીક પહોંચતો ગયો અને સંઘની દખલગીરી વધતી ગઈ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
ગુજરાત ભાજપના જૂના કાર્યાલય મંત્રી જનક પુરોહિત બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આરએસએસ ગુજરાતમાં પહેલેથી કામ કરી રહ્યું હતું. દુર્ગાવાહિની, બજરંગદળ, વનબંધુ યોજના જેવાં કામ થઈ રહ્યાં હતાં. 1972થી પ્રવૃત્તિ ચાલતી હતી. ખુદ નરેન્દ્ર મોદી વનબંધુ યોજનામાં કાર્યકર રહી ચૂક્યા છે. પણ જેમ-જેમ ભાજપ સત્તા તરફ વધતો ગયો એમ મીડિયામાં તેની નોંધ લેવાતી ગઈ."
તેઓ આગળ કહે છે કે, "1986માં ભાજપમાં ટેકનૉક્રેટ, બ્યુરોક્રેટ, ડૉક્ટર અને વકીલને જોડવાનું કામ વધારે જોરમાં ચાલવા લાગ્યું, પરંતુ એ સમયે આરએસએસ દ્વારા કોઈ દખલગીરી કરવામાં આવતી નહોતી."
"1989ની ચૂંટણીમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એ સમયે ટીવી સુપરસ્ટાર તરીકે લોકપ્રિય એવાં રામાયણનાં પાત્રો ભજવતા દીપિકા ચીખલિયા, અરવિંદ ત્રિવેદી અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા મહેશ અને નરેશ કનોડિયાને પાર્ટીમાં લાવવામાં આવ્યા."

ઇમેજ સ્રોત, Shailesh Raval/The The India Today Group/ Gett
તેઓ કહે છે કે, "ત્યારબાદ 1990 પછી થયેલા ફેરફારો સમયે મેં સ્વેચ્છાએ ભાજપ કાર્યાલય મંત્રીનું પદ છોડ્યું હતું. એ સમયે પાર્ટીમાં સંઘનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું."
આ સમયને યાદ કરતા ભાજપના જૂના કૉર્પોરેટર અને ભાજપ છોડી શંકરસિંહ વાઘેલા સાથે રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં ગયા પછી અત્યારે કૉંગ્રેસનાં નેતા જયશ્રી પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "1990ના સમયમાં ભાજપમાં આરએસએસની દખલગીરી વધી ગઈ હતી. એ સમયે ભાજપનો સૂરજ ધીમે-ધીમે મધ્યાહને પહોંચી રહ્યો હતો."
"ચીમનભાઈ પટેલ સાથે સરકાર બનાવી અને પછી સંઘના પ્રયોગો વધવા લાગ્યા. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ જેવી ભગિની સંસ્થાઓ મજબૂતીથી બહાર આવી રહી હતી. એ સમયગાળામાં 25 સપ્ટેમ્બરે લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી રામ રથયાત્રા શરૂ કરી અને સંઘનો ગુજરાત ભાજપમાં પગ વધારે મજબૂત થયો."
તેઓ આગળ કહે છે કે"આ એવો સમય હતો જ્યારે મંડળપ્રમુખના નામે જૂના કાર્યકર્તાઓની બાદબાકી થઈ અને નવા ચહેરાના નામે નવા લોકોનો સમાવેશ થયો."

મોદીને મહામંત્રી પદ પરથી હઠાવાયા હતા

ઇમેજ સ્રોત, G KISHAN REDDY
કનકસિંહ માંગરોળા એ સમયને યાદ કરતા કહે છે કે "એ સમયે જૂના કાર્યકર્તાઓને હઠાવવાના નિર્ણય સામે ભારે આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. નરેન્દ્ર મોદીને મહામંત્રીપદ પરથી થોડા સમય પછી હઠાવી લેવાયા હતા. ચીમનભાઈએ કૉંગ્રેસનો હાથ પકડ્યો ત્યારે જનતાદળમાંથી 30 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર હતા."
"ખાડિયામાં અશોક ભટ્ટની આગેવાનીમાં એ જનતાદળના ધારાસભ્યોને ખાડિયામાં કૅમ્પ કરાવડાવ્યો હતો. એમને એક શરત મૂકી હતી કે જો ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હોય તો ભાજપમાં જોડાશે, પરંતુ ધારાસભ્યોની તોડફોડ નહીં કરવાનો સંઘનો નિર્ણય હતો અને અટલ બિહારી વાજપેયી એમાં સહમત હતા કે ભાજપને ભલે ગુજરાતમાં થોડો સમય રાહ જોવી પડે પણ સરકાર બનાવવા ધારાસભ્યોને તોડવામાં નહીં આવે. ત્યારબાદ કાશીરામ રાણાએ એ સમયે મોદીને મહામંત્રી પદેથી હઠાવ્યા અને ભાજપના સંમેલનમાં ઊહાપોહ થયો હતો.
જયશ્રી પટેલ આ વાત સાથે સહમત થતાં કહે છે કે, "આ પહેલી વખત બન્યું હતું કે ભાજપમાં ગેરશિસ્ત જોવા મળી હોય. ત્યારબાદ 1995ની ચૂંટણી સમયે અચાનક સાંસદો વિધાનસભા ચૂંટણી નહીં લડી શકે એવો નિર્ણય લેવાયો, જેના કારણે સાંસદો નારાજ થયા હતા."

'કાશીરામનું પત્તું કાપવામાં સંઘનો હાથ'

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA
બીબીસી ગુજરાતીએ વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલ સાથે વાત કરી હતી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે 1990ના દાયકમાં ભાજપમાં સંઘનું વર્ચસ્વ વધ્યું.
તેઓ કહે છે કે "નવા પ્રયોગોના નામે ભાજપમાં સંઘનું વર્ચસ્વ વધતું ગયું. એ સમયે સંસદસભ્યો વિધાનસભા ચૂંટણી ન લડી શકે એ નિર્ણય ખરેખર શંકરસિંહ વાઘેલા અને કાશીરામ રાણા જેવા નેતાઓની ગોઠવણ કરવા માટેનો પેંતરો હતો, પરંતુ શંકરસિંહ વાઘેલા પહેલાંથી પ્યાદાં ગોઠવી ચૂક્યા હતા."
વિક્રમ વકીલ કહે છે કે, "એમણે પોતાના સમર્થકોને ધારાસભ્ય તરીકે ટિકિટ અપાવી દીધી અને તેનું પરિણામ એ આવ્યું કે કેશુભાઈના 1995ના મંત્રીમંડળમાં એમના સમર્થકો વધારે હતા."
"આ સમય પહેલાં ખજુરાહોકાંડ થયો અને એ સમયે કાશીરામ રાણાને મુખ્ય મંત્રી બનાવવાનું નક્કી થયું પણ સંઘના આદેશને કારણે સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા. આ સમયગાળો એવો હતો કે ભાજપમાં આરએસએસના નિર્ણયો મહત્ત્વના બનવા લાગ્યા હતા."

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
અમદાવાદના ડૉન લતીફ સામે ચૂંટણી લડનાર ભાજપનાં ભૂતપૂર્વ કૉર્પોરેટર ભામિની પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "એ ગાળો એવો હતો કે ભાજપમાં અચાનક નિર્ણય લેવાતા હતા."
જોકે હજી ભાજપ સસ્પેન્સ જાળવી રાખવામાં માહેર મનાય છે, મુખ્ય મંત્રી અને મંત્રીમંડળ જે રીતે રાતોરાત બદલાઈ જાય છે અને એકદમ નવો ચહેરો જે ચર્ચામાં પણ ન હોય તેને ટોચનું પદ સોંપી દેવામાં આવે છે.
ભામિની પટેલ કહે છે કે "સંગઠન હોય કે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી હોય જૂના લોકોને બદલીને દરેક નેતા પોતાના જૂથને સાચવી લેવામાં લાગેલા હતા. સંઘના નામે બાકી લોકોને ચૂપ કરાવી દેવામાં આવતા હતા. આ રાજકારણમાં મારે પડવું નહોતું એટલે મેં ભાજપ જ નહીં સંપૂર્ણ રાજકારણનો જ ત્યાગ કર્યો હતો."

ગુજરાત સંઘ અને ભાજપની પ્રયોગશાળા બનવાનો સમય

ઇમેજ સ્રોત, Getty Images
1995માં કેશુભાઈ ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના પહેલા મુખ્ય મંત્રી બન્યા ત્યારે એ પ્રજા અને પત્રકારો સૌ માટે એક કૌતુકનો વિષય હતા.
ભારતભરમાં પણ ભાજપની આ પહેલવહેલી સરકાર હતી. પાંચ દાયકાના કૉંગ્રેસ અને મિશ્ર સરકારોના શાસન પછી જાણે દેશે પડખું ફેરવ્યું હતું.
જોકે શંકરસિંહ વાઘેલાના બળવા પછી 1995માં કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારબાદ સુરેશ મહેતા ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા. 1996માં તેમણે રાજીનામું આપ્યું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું.
સુરેશ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે "ભાજપમાં 1990ના દાયકાથી સત્તા નજીક આવતો ગયો તેમતેમ નવા પ્રયોગોના નામે જૂના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓને તડકે મૂકવાનું કામ શરૂ થયું."
"2001માં પછી સંઘના નામે પ્રયોગો શરૂ થયા. એમાં સફળતા મળતા ગુજરાત રાજકીય પ્રયોગોના લિટમસ ટેસ્ટ માટેની પ્રયોગશાળા બની ગયું."

નો રિપીટ : થિયરી કેશુભાઈથી 2021 સુધી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સુરેશ મહેતાનું કહેવું છે કે "નો રિપીટ થિયરી પહેલાં કેશુભાઈના સમયમાં ઉપયોગમાં લેવાઈ જ્યારે કેશુભાઈ પટેલના સમર્થનમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલા લોકોને ઍન્ટી ઇન્કમ્બન્સીના નામે ટિકિટ ન અપાઈ, જેથી તેમનું રાજકારણ પૂરું થાય."
"કાશીરામ રાણા આ નો રિપીટ થિયરીનો ભોગ બન્યા હતા. ભાજપને ઊભો કરવામાં ફાળો આપનાર અશોક ભટ્ટને મંત્રીમંડળમાં નંબર ટુનું સ્થાન ન આપવું પડે એટલે સ્પીકર બનાવી દીધા હતા."
હાલમાં ગુજરાતમાં રાતોરાત સરકાર બદલાવીને નો રિપીટ થિયરીનો પ્રયોગ કરીને ભાજપે બધાને ચોંકાવી દીધા. પ્રશ્ન એ થાય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પ્રયોગ કરીને ભાજપે રિસ્ક લીધું છે કે કેમ?
સુરેશ મહેતાનું કહેવું છે કે "જો આ પ્રયોગમાં ભાજપ સફળ થશે તો પશ્ચિમી રાજ્યોમાં તેનો અમલ કરાશે, કેમ કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વોટિંગ પૅટર્ન ઘણી રીતે મળતી આવે છે."
તેઓ વધુમાં કહે છે કે "જ્યાં ભાજપ નબળો પડતો હોય ત્યાં પાવર સેન્ટર બનાવાય એટલે કે એ જિલ્લામાંથી વધારે મંત્રી રાખવા, જેથી ફાયદો મળી શકે."

મનોવૈજ્ઞાનિક દબાણ અને અસુરક્ષા ઊભી કરવાની રીત?

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN
નરેન્દ્ર મોદીની વડા પ્રધાન બનવાની સફરમાં દેશ સામે ગુજરાતને મૉડલ સ્ટેટ ગણાવવામાં આવ્યું હતું તથા રાજ્યના વિકાસનું મૉડલ પીરસવામાં આવ્યું હતું.
જો આ વખતે રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતના ઇતિહાસમાં આખેઆખું મંત્રીમંડળ બદલી નાખવાનો પ્રયોગ પ્રથમ વખત થયો છે અને આમ કરીને અન્ય રાજ્યોની સરકારને પણ એક ઇશારો આપી દેવામાં આવ્યો છે.
વરિષ્ઠ પત્રકાર દક્ષેશ પાઠક કહે છે કે, સંઘ નું વર્ચસ્વ વધ્યા પછી ગુજરાતને મૉડલ સ્ટેટ બનાવી અહીં થયેલા તમામ અખતરાંને અન્ય રાજ્યમાં અપનાવાય છે.
તો વધુમાં કહે છે કે, ગુજરાતમાં આખેઆખું મંત્રીમંડળ બદલવાથી એક સંદેશ બધે પહોંચી ગયો કે કોઈ સલામત નથી માટે ગોડફાધર રાખવા પડશે. જેના કારણે લોકોમાં મનોવૈજ્ઞાનિક રીતે અસલામતીની ભાવના રહ્યા કરે અને દબાયેલા રહે.

'સંઘનો અજેન્ડા નહીં, નવા લોહીને કામ કરવાની તક આપવાની વાત'

ઇમેજ સ્રોત, Twitter
જોકે ભાજપના નેતાઓ આને માત્ર નવા અને યુવા નેતૃત્વને કામ કરવાની તક તરીકે રજૂ કરે છે.
ભાજપના નેતા અને લાંબા સમયથી કૉર્પોરેટર પહેલા ખાડિયાના ભૂતપૂર્વ કૉર્પોરેટર મયુર દવે કહે છે કે પરિવર્તન નિયમ છે. હું ત્રણ ટર્મથી કૉર્પોરેટર હતો અને ભાજપ પક્ષે આદેશ આપ્યો કે ત્રણ ટર્મથી વધારે ચૂંટાયેલા નેતાઓને ટિકિટ નહીં આપવી તો મને ટિકિટ ન મળી અને હું તેનાથી નારાજ પણ નથી.
હું પણ માનું છું કે જે લોકો 15-20 વર્ષથી ભાજપ સાથે કામ કરે છે એમને તક મળવી જોઈએ. ભાજપમાં નરેન્દ્ર મોદી નવા લોકોને તક આપવા માગે છે. એમને 1990માં મંડળ પ્રમુખની રચના કરીને શરૂઆત કરી હતી, આમાં કંઈ ખોટું નથી.
તેઓ વધુમાં કહે છે કે જો નવા કાર્યકર્તાઓઓને તક મળે તો પક્ષમાં નવું જોમ આવે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. આમાં સંઘનો કોઈ અજેન્ડા નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












