ગુજરાતના નવા મંત્રીમંડળ સામે હશે આ પાંચ પડકારો

ગુરુવારે ગુજરાતમાં 24 સભ્યોવાળા મંત્રીમંડળના શપથસમારોહ બાદ એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં ગુજરાત સરકારનું આખું સંયોજન બદલાઈ ગયું.

ગુજરાતમાં નવા મંત્રીમંડળે હવે જ્યારે કારભાર સંભાળી લીધો છે ત્યારે રાજકીય વિશ્લેષકો, માધ્યમો અને લોકોની મીટ નવા મંત્રીમંડળની નીતિઓ અને તેની શાસન કરવાની રીત તરફ મંડાયેલી છે.

ગુજરાતનું નવું મંત્રીમંડળ

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara

ઇમેજ કૅપ્શન, ગુજરાતનું નવું મંત્રીમંડળ

ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ભાજપના મોવડીમંડળે ગુજરાતમાં આગામી ચૂંટણીમાં દેખાતા કેટલાક પડકારોનો સામનો કરવા માટે આ બદલાવ કર્યા છે.

આ અંગે વિસ્તારપૂર્વક જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક અનુભવી રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.

line

ગુજરાતમાં પુન: ભાજપની સત્તા સ્થાપવી

નીતિન પટેલ સહિત અનેક નેતાઓની કરાઈ હતી બાદબાકી

ઇમેજ સ્રોત, NITIN PATEL FB

ઇમેજ કૅપ્શન, નીતિન પટેલ સહિત અનેક નેતાઓની કરાઈ હતી બાદબાકી

ગુજરાતમાં નવા મંત્રીમંડળ સામે સૌથી મોટો પડકાર હશે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સત્તા પુન: સ્થાપિત કરવાનો.

ગુજરાતના રાજકારણનું નિકટથી અવલોકન કરનારા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ પણ આ વાત સાથે સંમત થાય છે.

તેઓ કહે છે કે, "હું માનું છું કે ભાજપને પુન: સત્તા પર લાવવો એ નવા મંત્રીમંડળ માટે સૌથી મોટો પડકાર હશે. તેમજ અગાઉની સરકારમાં રહેલા ચહેરાઓ જેવી લોકપ્રિયતા આ સરકારના ચહેરા ભોગવતા નથી એ વાત સાથે પણ હું સંમત છું. પરંતુ તેમ છતાં આ અંગે હાલ કોઈ નિષ્કર્ષ પર આવવું એ ઉતાવળ કહેવાશે."

શાહ જણાવે છે કે, "ભાજપને ગુજરાતમાં સૌથી મોટો એ લાભ છે કે તેમની સામે લોકોને સારો વૈચારિક વિકલ્પ લાગે તેવો કોઈ પક્ષ સ્પર્ધામાં નથી. તેમજ અહીં માત્ર વિકલ્પ ન હોવાની જ વાત નથી. પરંતુ લોકોને પ્રભાવિત કરી શકે તેવા વૈકલ્પિક વિચારવાળા વિપક્ષનો અભાવ છે."

line

પાટીદાર સમાજની સમસ્યા

પાછલા અમુક સમયથી ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપ સરકાર માટે અવારનવાર પડકાર બનીને સામે આવ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાછલા અમુક સમયથી ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપ સરકાર માટે અવારનવાર પડકાર બનીને સામે આવ્યો છે

પાછલા અમુક સમયથી ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપ સરકાર માટે અવારનવાર પડકાર બનીને સામે આવ્યો છે.

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ માને છે કે, "મને લાગે છે કે પાટીદાર સમાજના સમૃદ્ધ લોકો ભલે ભાજપ ગમે તેનો ચહેરો લઈ આવે પરંતુ તેમની સાથે જ રહેવાના છે. કારણ કે તેમના કેટલાંક સ્થાપિત હિતો છે. તેમજ પાટીદાર સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના મત જુદા-જુદા પક્ષો વચ્ચે વહેચાઈ શકે છે."

તેઓ કહે છે કે, "પાટીદાર સમાજ હંમેશાંથી ભાજપના પક્ષે રહ્યો છે. તેથી આ બાબતમાં મને નથી લાગતું કે નવા મંત્રીમંડળને ભાજપના પૉપ્યુલર સપૉર્ટને રીઝવવામાં કોઈ તકલીફ પડશે. પરંતુ જે લોકોએ સહન કરવું પડ્યું છે તેમના મતો જરૂર ફંટાશે."

line

આપ, બેરોજગારી અને ઉદ્યોગોની સમસ્યા

ગુજરાતમાં સુરતના પાટીદાર સમાજના અમુક અગ્રણીઓ આપ સાથે આવ્યા છે
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સુરતના પાટીદાર સમાજના અમુક અગ્રણીઓ આપ સાથે આવ્યા છે

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવવી અને કોરોનાના કારણે પડી ભાંગેલા ઉદ્યોગો અને બેરોજગારીની સમસ્યા સામે સફળ થવું એ આ મંત્રીમંડળ માટે સૌથી મોટો પડકાર હશે.

રાજકીય વિશ્લેષક બલદેવ આગજા માને છે કે, "ગુજરાતમાં આપને રાજકીય વિકલ્પ બનતો અટકાવવો એ ખરા અર્થમાં ભાજપ માટે પડકારજનક રહેશે. તેથી જ સમગ્ર મંત્રીમંડળમાં સૌથી વધુ મહત્ત્વ સુરતને આપવામાં આવ્યું છે. કારણ કે ત્યાં આપનું સમર્થન પંચાયતની ચૂંટણીમાં વધતું જોવા મળ્યું હતું."

આ સિવાય તેઓ કહે છે કે, "કોરોનાના કારણે ઘણા લોકોએ બેરોજગારી અને ઉદ્યોગોમાં મંદી જેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. પરંતુ લોકો આ બધું ખૂબ જલદી ભૂલી જાય છે. તેથી મને નથી લાગતું આ સમસ્યાઓની યાદો લોકોનાં મનમાંથી ભૂસી નાખવી એ આ મંત્રીમંડળ માટે મોટો પડકાર હશે."

line

સત્તાવિરોધી લહેરનો સામનો

ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, TWITTER/BHUPENDRAPATEL

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલના વડપણવાળી ગુજરાત સરકાર ભાજપ સામેની સત્તાવિરોધી લહેર સામે ટકી શકશે?

ગુજરાતમાં પાછલાં ઘણાં વર્ષોથી ભાજપનું શાસન છે. તેથી કેટલાક જાણકારોનું માનવું છે કે આટલા લાંબા શાસનને કારણે ગુજરાતના અમુક ભાગોમાં સત્તાવિરોધી લહેર જોવા મળશે. જેનો સામનો કરવો આ નવા મંત્રીમંડળ માટે ખૂબ મોટો પડકાર હશે.

આ અંગે ઘનશ્યામ શાહ જણાવે છે કે, "લાંબા શાસન અને કેટલાક નિર્ણયોના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં સત્તાવિરોધી લહેર જોવા મળી શકે છે. આ પડકારનો સામનો કરવા માટે જ આ નવા ચહેરા લાવવામાં આવ્યા છે."

"સત્તાવિરોધી લહેરને ખાળવા માટે ગુજરાતના નવા મંત્રીમંડળના લોકો એવી દલીલ કરી શકે છે કે તમને અગાઉના શાસકોના કારણે વેઠવી પડેલી મુશ્કેલી માટે અમે જવાબદાર નથી. હવે અમે તમને જવાબદાર સરકાર આપીશું."

આ વાત સાથે રાજકીય વિશ્લેષક બલદેવ આગજા પણ સંમત થાય છે.

તેઓ કહે છે કે, "લોકોને વેઠવી પડેલી મુશ્કેલીઓ માટે અગાઉના શાસકોને જવાબદાર ઠેરવી અને ભાજપ જવાબદારો સામે પગલાં લે જ છે તેવો સંદેશ આપવા માટે ગુજરાતમાં નવું મંત્રીમંડળ લવાયું છે."

line

અમલદારશાહીની સમસ્યા

ગુજરાતમાં અમલદારશાહીના પડકારનો સામનો કરી શકશે નવું મંત્રીમંડળ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં અમલદારશાહીના પડકારનો સામનો કરી શકશે નવું મંત્રીમંડળ?

પત્રકાર દીપલ ત્રિવેદીનું માનવું છે કે ગુજરાતના નવા મંત્રીમંડળ સામે સૌથી મોટો પડકાર એ હશે કે તેમણે અમલદારશાહીનો સામનો કરવો પડશે. જે ગુજરાતમાં ખૂબ જ વ્યાપક બની છે.

તેઓ પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "રૂપાણી સરકાર અને તેના મંત્રીઓને રાજીનામાં આપવાં પડ્યાં, આ પ્રક્રિયાની શરૂઆત બેકાબૂ બનેલી અમલદારશાહીથી જ થઈ હતી. લોકશાહીમાં અમલદારશાહી ચલાવી ન શકાય. અમલદારશાહી દૂર કરી સાચા અર્થમાં લોકશાહી દ્વારા સરકારનાં બધાં કામો થાય તે જોવું એ આ મંત્રીમંડળ માટે સૌથી મોટો પડકાર હશે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો