નરેન્દ્ર મોદી 1993માં અમેરિકા કેમ ગયા હતા અને 40 દિવસ રોકાઈને શું કર્યું હતું?
- લેેખક, બીએસએન મલ્લેશ્વર રાવ
- પદ, બીબીસી ન્યૂઝ તેલુગુ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આયુષ્યનાં 70 વર્ષ પૂર્ણ કરીને 71મા વર્ષમાં પ્રવેશ્યા છે.
તેમણે કારકિર્દીની શરૂઆત 1978માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના એક કાર્યકર તરીકે કરી હતી.

ઇમેજ સ્રોત, G KISHAN REDDY
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ વારંવાર કહેતા રહે છે કે નરેન્દ્ર મોદી, તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો પદભાર 2001ની સાતમી ઑક્ટોબરે સંભાળ્યો ત્યારથી એકેય રજા લીધા વિના સતત કામ કરતા રહ્યા છે.
વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ 109 વિદેશપ્રવાસ કર્યા છે અને 60 દેશોની મુલાકાત લીધી છે.
જોકે, નરેન્દ્ર મોદીએ 1993માં રાજકારણમાં પ્રવેશ્યા પછી તેમના મોટા ભાગના દિવસો ભારત બહાર પસાર કર્યા હતા. એ જ વર્ષે તેમણે સૌપ્રથમ વાર અમેરિકાની મુલાકાત લીધી હતી.
એ મુલાકાત વિશે બહુ ઓછા લોકો જાણે છે. જે જૂજ લોકોને તેની ખબર છે એ લોકો પણ એ નથી જાણતા કે નરેન્દ્ર મોદી અમેરિકા શા માટે ગયા હતા, તેઓ ત્યાં કેટલા દિવસ રહ્યા હતા અને તેમની સાથે કોણ હતું?

એ પ્રવાસ શા માટે? મોદી સાથે કોણ હતું?

ઇમેજ સ્રોત, PONGULETI SUDHAKAR REDDY
અમેરિકન કાઉન્સિલ ઑફ યંગ પૉલિટિકલ લીડર્સ (એસીવાયપીએલ) નામની સંસ્થાનું વડુમંથક અમેરિકાના વૉશિંગ્ટનમાં આવેલું છે. આ સંસ્થા અમેરિકાના અને અન્ય દેશોના યુવા રાજકારણીઓ માટે આદાનપ્રદાનનો એક કાર્યક્રમ ચલાવે છે.
એસીવાયપીએલની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે એ કાર્યક્રમનો હેતુ યુવા અમેરિકન રાજકારણીઓને પસંદગીના દેશોમાં મોકલવાનો તેમજ એ દેશોના યુવા નેતાઓને અમેરિકાની મુલાકાત માટે નોતરવાનો અને એ રીતે બન્ને દેશો વચ્ચે સારા સંબંધ સ્થાપિત કરવાનો તથા રાજકીય તથા સાંસ્કૃતિક જાગૃતિ લાવવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસીવાયપીએલે 1993માં આ સંદર્ભમાં ભારતના સાત યુવા રાજકારણીઓને અમેરિકા આવવાનું નિમંત્રણ આપ્યું હતું.
એ પ્રવાસ માટે સંયુક્ત આંધ્ર પ્રદેશના પોંગુલેટી સુધાકર રેડ્ડી, ગુજરાતના નરેશ રાવલ, દિલ્હી કૉંગ્રેસના હરિશંકર ગુપ્તા, ગુજરાતના નરેન્દ્ર મોદી, સંયુક્ત આંધ્ર પ્રદેશના જી. કિશન રેડ્ડી, કર્ણાટકના વિરોધ પક્ષ ભાજપના અનંતકુમાર અને તામિલનાડુના જનતા પાર્ટીના બાલાસુબ્રમણ્યમની પસંદગી કરવામાં આવી હતી.

અડવાણીએ આપ્યો દાઢી કઢાવવાનો આદેશ

ઇમેજ સ્રોત, G KISHAN REDDY
જી. કિશન રેડ્ડીએ તે પ્રવાસના સંસ્મરણો બીબીસી ન્યૂઝ તેલુગુને જણાવ્યા હતા. આ કિશન રેડ્ડી એ સમયે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી હતા અને હાલ મોદી સરકારમાં ઈશાન ભારતીય રાજ્યોના સાંસ્કૃતિક, પ્રવાસન તથા વિકાસ વિભાગના પ્રધાન તરીકે કાર્યરત્ છે.
કિશન રેડ્ડીએ કહ્યું હતું, "એ વખતે લાલકૃષ્ણ અડવાણી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા. તેમણે એ પ્રવાસ માટે મારી પસંદગી કરી હતી. મારા પિતાનું પાંચ દિવસ પહેલાં જ અવસાન થયું હતું. અડવાણી મારો સીધો સંપર્ક કરી શકે તેમ ન હતા."
"તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ વી. રામા રાવને અમેરિકા પ્રવાસ વિશે વાત કરી હતી. રામા રાવ અને અન્ય નેતાઓ મારા ઘરે આવ્યા હતા અને એ પ્રવાસનું મહત્ત્વ સમજાવીને મને તેના માટે તૈયાર કર્યો હતો. મારા પિતાના અવસાનનો શોક હતો, પરંતુ મારે પક્ષના આદેશને માન આપીને અમેરિકા જવાનું હતું."
કિશન રેડ્ડીએ ઉમેર્યું હતું, "હું હૈદરાબાદથી દિલ્હી પહોંચ્યો હતો અને અડવાણીને પક્ષની ઑફિસમાં મળ્યો હતો. એ પ્રવાસ માટે પસંદગી પામેલા નરેન્દ્ર મોદી અને અનંતકુમાર પણ આવ્યા હતા. અમારી અમેરિકા મુલાકાત માટે વિઝા તથા બીજી તમામ વ્યવસ્થા પક્ષે કરી હતી."
"અડવાણીએ અમને બધું વિગતવાર સમજાવ્યું હતું. એ સમયે નરેન્દ્ર મોદીએ દાઢી વધારેલી હતી. અડવાણીએ તેમને અમેરિકા જતાં પહેલાં દાઢી કઢાવી નાખવાનો આદેશ આપ્યો હતો."

40 દિવસના પ્રવાસમાં તેમણે શું-શું કર્યું?

ઇમેજ સ્રોત, G KISHAN REDDY
1993ની દસમી જુલાઈએ શરૂ થયેલા અમેરિકાના 40 દિવસના એ પ્રવાસમાં 30 દિવસના સત્તાવાર પ્રવાસનો સમાવેશ હતો. યુવા નેતાઓએ બાકીના 10 દિવસ અમેરિકામાં તેમની મરજી મુજબ પસાર કરવાના હતા.
અમેરિકામાં પગ મૂકો અને ત્યાંથી સ્વદેશ પાછા ફરો ત્યાં સુધીમાં શું-શું કરવું તેનો વિગતવાર કાર્યક્રમ મોદી અને તેમના સાથીઓને એસીવાયપીએલે જણાવી દીધો હતો.
એ મુજબ તેમણે વૉશિંગ્ટન ડીસી, ન્યૂયૉર્ક, ટૅક્સાસ, સાઉથ ડાકોટા, વર્જિનિયા, હ્યુસ્ટન અને અન્ય રાજ્યોની મુલાકાત લીધી હતી.
તેમણે સ્થાનિક ઉદ્યોગો, ખેતરો, સ્મારકો, યુનિવર્સિટીઓ, રાજકીય રીતે મહત્ત્વનાં સ્થળોની મુલાકાત પણ લીધી હતી અને સ્થાનિક રાજકારણીઓ, લોકપ્રતિનિધિઓ અને શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા.
મોદી અને તેમના સાથીઓએ અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન, વ્હાઇટ હાઉસ, પાર્લામેન્ટ બિલ્ડિંગ, વર્લ્ડ ટ્રૅડ સેન્ટર ટ્વિન ટાવર્સ, હોલીવૂડ, સાઉથ ડાકોટામાંની સિટી બૅન્ક સ્યુ ફોલ્સ સિટીની મુલાકાત લીધી હતી.
તેમજ વૉશિંગ્ટન સિનિયર હાઈસ્કૂલ, બેડલૅન્ડ્સ નેશનલ પાર્ક, રેપિડ સિટી, સ્યુ વેલી હૉસ્પિટલ, ઈરૉસ ઇન્ટરનેશનલ કંપની, રૂરલ બ્રિજવોટર ફૅમિલી ફાર્મ, મિસોરી નદી, હોમસ્ટે ગોલ્ડ માઇન્સ, હ્યુસ્ટનમાંની નાસાની ઑફિસ અને હ્યુસ્ટન ચેનલ (પોર્ટ) વગેરેની મુલાકાત પણ લીધી હતી.
તેઓ કોલોરાડોના રિપબ્લિકન પક્ષના કૉંગ્રેસમૅન (સંસદસભ્ય) સ્કૉટ મેનિસ, ડૅમોક્રૅટિક પક્ષના સાઉથ ડાકોટાના સંસદભ્ય ટૉમ ડસ્કેલ, ડૅમોક્રૅટિક પક્ષના ઓક્લોહામાના સંસદસભ્ય માઇક સાઇન, સાઉથ ડાકોટાના ડૅમોક્રૅટિક પક્ષના નેતા સ્ટીવ એપ્રેનબાક, રિપબ્લિકન પક્ષના નેતા હર્બ જૉન્સ પીયર, સાઉથ ડાકોટાના ગવર્નર વૉલ્ટર મિલર, અમેરિકાના શ્રમિક સંગઠનના પ્રતિનિધિ જેનિફર હિલમૅન, અમેરિકા ખાતેના ભારતના તત્કાલીન રાજદૂત સિદ્ધાર્થ શંકર રે તથા અન્યોને મળ્યા હતા.
તેમણે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી તેમજ રાજકારણ, જાહેર આરોગ્ય તથા શિક્ષણ વગેરે વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો.

હિમાલયની પાર રાજકારણની ચર્ચા નહીં

ઇમેજ સ્રોત, G KISHAN REDDY
આ યુવા રાજકારણીઓનું ગ્રૂપ પ્લેનમાં નવી દિલ્હીથી ન્યૂયૉર્ક પહોંચ્યુ હતું. આ ગ્રૂપમાં સામેલ ભાજપ અને જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે કેટલીક સમાનતા હતી, પરંતુ રાજકીય વિચારધારાના સંદર્ભમાં કૉંગ્રેસના નેતાઓ તેમના તદ્દન વિરોધી હતા.
રાજકીય વલણના સંદર્ભમાં, અમેરિકાનો પ્રવાસ શરૂ કરતા પહેલાં તેમનો મિજાજ કેવો હતો તેની વાત પોંગ્લેટી સુધાકર રેડ્ડીએ કરી હતી.
સુધાકર રેડ્ડીએ કહ્યું હતું કે ભારત બહાર નીકળ્યા પછી અમે બધાએ વિચાર્યું હતું કે હિમાલયની પેલે પાર ગયા પછી દેશી રાજકારણની ચર્ચા ન કરવી જોઈએ.
"અમે માત્ર ભારત માટે વાત કરવાનો નિર્ણય લીધો હતો. અમારા પ્રવાસના ભાગરૂપે ડૅમોક્રેટ તથા રિપબ્લિકન પક્ષના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી ત્યારે કેટલાકે અમને અમારા રાજકીય અભિગમ વિશે સવાલો કર્યા હતા. માત્ર એ વખતે અમે અમારા પક્ષની વિચારધારાની વાતો કરી હતી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સુધાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, હિન્દુત્વ, ભગવદગીતા અને યોગ વિશેની વાતો કરી હતી.
અમેરિકા ગયેલા યુવા ભારતીય રાજકારણીઓની પક્ષીય વિચારધારા અલગ-અલગ હોવા છતાં તેમણે દોસ્તોની માફક સમય પસાર કર્યો હતો.
એ વખતે સુધાકર રેડ્ડીએ નરેન્દ્ર મોદીનો વિશેષ પરિચય કેળવ્યો હતો. મોદીએ સુધાકર રેડ્ડીને તેમના હિમાલય પ્રવાસ, રાજકારણથી માંડીને તેમના વિચારો સુધીની બધી વાતો કરી હતી.
સુધાકર રેડ્ડી એ વખતે આંધ્ર પ્રદેશ યુવા કૉંગ્રેસના પ્રમુખ હતા. તેમણે કૉંગ્રેસમાં લગભગ ત્રણ દાયકા સુધી વિવિધ પદો પર સેવા આપી હતી અને 2019માં ભાજપમાં જોડાયા હતા.

'વિદેશીઓએ પણ ભારતીય વડા પ્રધાન આવાસની મુલાકાત લેવી જોઈએ'

ઇમેજ સ્રોત, G KISHAN REDDY
40 દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ તેમના સહપ્રવાસી રાજકારણીઓ સાથે દેશના માળખાકીય વિકાસની અને સ્વચ્છતાના સંદર્ભમાં અમેરિકનો કેટલા શિસ્તબદ્ધ છે તેની વાતો મોટા ભાગે કરી હતી.
મોદી અમેરિકનોના અભિગમથી પ્રભાવિત થયા હોવાનું કિશન રેડ્ડી અને સુધાકર રેડ્ડીએ જણાવ્યું હતું.
દેશના ઔદ્યોગિક વિકાસ અને ભારતમાં વિવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં મોદીને કેટલો રસ હતો તેની વાત પણ તેમણે કરી હતી.
સુધાકર રેડ્ડીએ કહ્યું હતું, "ઍરપૉર્ટ્સ, પહોળા રસ્તાઓ, ઊંચી ઈમારતો અને તેમની ગુણવત્તાથી મોદી પ્રભાવિત થયા હતા. અમે જેટલી જગ્યાએ ગયા એ તમામ સ્થળો ચોખ્ખાંચણાક હતાં. તેનાથી પણ અમે પ્રભાવિત થયા હતા."
"અમે 1,000થી વધુ એકર જમીનમાં ફેલાયેલાં ખેતરોની મુલાકાત લીધી હતી. એ વખતે મોદીએ ખેતીનાં સાધનો, મશીનરી તથા એ કઈ રીતે કાર્ય કરે છે એ જાણવામાં રસ દેખાડ્યો હતો. મોદીએ સમગ્ર પ્રવાસ દરમિયાન એક ડાયરી અને પેન સાથે રાખ્યાં હતાં. તેઓ તેમાં સતત નોંધ કરતા રહ્યા હતા."
કિશન રેડ્ડીએ કહ્યું હતું, "અમે વ્હાઇટ હાઉસ, અમેરિકન પ્રેસિડેન્શિયલ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી અને બહારથી તેના ફોટા પાડ્યા હતા. એ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન પણ એટલું મહત્ત્વનું હોવું જોઈએ કે સમગ્ર વિશ્વના લોકો તેની મુલાકાત લેવા ઉત્સુક હોય."
"અમે હોલીવૂડની મુલાકાતે ગયા ત્યારે પણ મોદીએ ત્યાં આવેલા પ્રવાસીઓનું અને તેમને આકર્ષિત કરતા સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમની ઇચ્છા ગુજરાત અને સમગ્ર ભારતમાં પ્રવાસીઓને આકર્ષતાં એવાં સ્થળોના નિર્માણની હતી."
એ સત્તાવાર મુલાકાતમાં મોદીએ 30 દિવસ સુધી પૅન્ટ-શર્ટ પહેર્યાં હતાં. એ સમયના ફોટોગ્રાફ્સમાં ગોગલ્સધારી મોદી જોવા મળે છે.
કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે શાકાહારી મોદીને એ પ્રવાસ દરમિયાન ભોજન માટે કોઈ વાંધો આવ્યો ન હતો. એ પ્રવાસના અંત પૂર્વે મોદી અમેરિકામાં રહેતા તેમના પરિચિત ગુજરાતીઓના ઘરે બધાને સાથે લઈને ગયા હતા.

અમેરિકામાં મોદીનું વિન્ડો શૉપિંગ

ઇમેજ સ્રોત, G KISHAN REDDY
મોદી અને તેમના યુવા રાજકારણી સાથીઓએ એસીવાયપીએલના ચુસ્ત આયોજન અનુસાર અમેરિકાનાં અનેક શહેરોની મુલાકાત લીધી હતી.
કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં શૉપિંગનાં અનેક સ્થળોએ ગયા હતા અને સંખ્યાબંધ વસ્તુઓ તથા વસ્ત્રો જોયાં હતાં, પરંતુ કોઈ ખરીદી કરી ન હતી.
એ મુલાકાત દરમિયાન અમેરિકામાં રહેતા ગુજરાતી હોટલમાલિક ચંદુકુમાર પટેલે નરેન્દ્ર મોદીની ત્રણ દિવસ યજમાની કરી હતી.
એ સી. કે. પટેલે એક ટીવી ચેનલને 2014માં આપેલી મુલાકાતમાં કહ્યું હતું, "અમે એક દિવસ શૉપિંગ કરવા ગયા હતા. એ વખતે મોદી તમામ ચીજોને લાંબા સમય સુધી નિહાળતા રહ્યા હતા. તેમને એ ખરીદવામાં રસ ન હતો, પરંતુ તેઓ એ ચીજો વિશે જાણવા ઉત્સુક હતા."
કિશન રેડ્ડીના જણાવ્યા મુજબ, મોદીને અમેરિકાની માળખાકીય સુવિધાઓ અને અમેરિકન સરકાર દ્વારા તેના નાગરિકોને પૂરી પાડવામાં આવતી બહેતર સેવાઓ ગમી હતી.

નરસિંહ રાવ સરકારે તે પ્રવાસને અગ્રતા શા માટે આપી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આંધ્રજ્યોતિ દૈનિકના ઍસોસિએટ એડિટર અને 'પીવી વિપ્લવ તપસ્વી' પુસ્તકના લેખક એ. કૃષ્ણા રાવે બીબીસીને જણાવ્યું હતું કે તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિંહ રાવને કારણે જ નરેન્દ્ર મોદી 1993માં અમેરિકાની મુલાકાત લઈ શક્યા હતા.
કૃષ્ણા રાવના જણાવ્યા મુજબ, એ વખતે ભારતનું વલણ રશિયાતરફી હતું, ઇંદિરા ગાંધીના સમયમાં દેશનું વલણ સ્વતંત્ર હતું, પરંતુ નરસિંહ રાવને સમજાઈ ગયું હતું કે અમેરિકા સાથે ગાઢ સંબંધ બાંધ્યા વિના ભારતનો વિકાસ શક્ય નથી.
કૃષ્ણા રાવના જણાવ્યા અનુસાર, "નરસિંહ રાવ વડા પ્રધાન હતા ત્યારે અટલ બિહારી વાજપેયી વિરોધ પક્ષના નેતા હતા. તેમણે કહ્યું હતું કે અડવાણીને અમેરિકા મોકલવા જોઈએ, પરંતુ નરસિંહ રાવે યુવા ભારતીય નેતાઓને અમેરિકા મોકલવાનો નિર્ણય કર્યો હતો."
"તમામ યુવા ભારતીય રાજકારણીઓને અમેરિકાના પ્રવાસ દરમિયાન કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવાની સૂચના નરસિંહ રાવે સિદ્ધાર્થ શંકર રેને આપી હતી અને એમને તમામ મદદ કરવા પણ જણાવ્યું હતું."
અમેરિકાની તે મુલાકાત નરેન્દ્ર મોદી માટે તમામ રીતે ઉપયોગી સાબિત થઈ હતી અને તેમણે એ અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો હતો, એમ જણાવતાં કૃષ્ણા રાવે કહ્યું હતું, "નરેન્દ્ર મોદીએ 1991ની ચૂંટણીમાં પોતાની આગવી છાપ ઉપસાવી હતી. તેમણે સ્થાનિક, વિધાનસભાની અને સંસદીય ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."
"એ સંદર્ભમાં મોદીને કેટલાક સ્થાનિક નેતાઓ સાથે સંઘર્ષ થયો હતો. તેઓ 1992થી 1994 સુધી રાજકારણમાં નિષ્ક્રિય રહ્યા હતા. એ પછી અમદાવાદમાં સંસ્કારધામ નામની એક સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ તે સ્કૂલ માટે દેશભક્તિસભર ગીતો પણ લખ્યાં હતાં."
"એ સમયે અડવાણીએ નરેન્દ્ર મોદીને અમેરિકા પ્રવાસ માટે પસંદ કર્યા હતા. મોદીને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક નેતાઓ સાથેના સંઘર્ષ દરમિયાન શાંત રહેલા મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા અને તેમણે આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવ્યો હતો."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















