મોદી સરકાર જાતિગત વસતિગણતરી કેમ નથી કરાવવા માગતી?

ઇમેજ સ્રોત, TWITTER/TEJASVI YADAV
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કહેવાય છે કે તસવીરો બોલે છે. ઉપરની તસવીર પણ એક બોલતી તસવીર છે.
બિહારના રાજકારણમાં પાછલાં અમુક વર્ષોમાં આવી તસવીરો જોવા નથી મળી, જ્યાં બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ બંને અમુક મુદ્દે એકમત હોય.
આ મુદ્દો છે જાતિગત વસતિગણતરીનો. બંને નેતા એકમેક સાથેના મતભેદ ભુલાવીને કેન્દ્ર સરકાર સામે જાતિગત વસતિગણતરી કરાવવાની વિનંતી કરતા નજરે પડ્યા.
બંનેએ જાતિગત વસતિગણતરી કરાવવાના પક્ષમાં પોતપોતાનો પક્ષ રજૂ કર્યો.
પરંતુ કેન્દ્ર સરકારે જાતિગત વસતિગણતરી કરાવવા માટે પહેલાંથી જ ના પાડી દીધી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગયા મહિને 20 જુલાઈ, 2021ના રોજ લોકસભામાં આપેલા પોતાના જવાબમાં કહ્યું હતું કે હાલ કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય અન્ય કોઈ જાતિની ગણતરી કરવાનો કોઈ આદેશ નથી આપ્યો. પાછલા વખતની જેમ જ આ વખતે પણ એસસી અને એસટીને જ વસતિગણતરીમાં સામેલ કરાયા છે.
પરંતુ જે મોદી સરકાર મંત્રીમંડળના વિસ્તરણ બાદ પોતાની જાતને ઓબીસી મંત્રીઓની સરકાર ગણાવી રહી હતી, જે સરકાર નીટ પરીક્ષાના ઑલ ઇંડિયા ક્વૉટામાં ઓબીસી અનામત આપવા બાબતે પોતાની પીઠ થાબડતી આવી છે, આખરે એ જ મોદી સરકાર જાતિગત વસતિગતરીથી કેમ ગભરાઈ રહી છે?
આ પ્રશ્ન વિરોધ પક્ષ સતત પૂછતો રહ્યો છે. હવે તેમનો સાથ એનડીએની કેટલીક સહયોગી પાર્ટીઓ પણ આપી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જાતિગત વસતિગણતરીની જરૂરિયાત કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
આનો જવાબ જાણીએ એ પહેલાં જરૂરી છે કે આપણે જાણી લઈએ કે ભારતમાં વર્ષ 1931 સુધી જાતિગત વસતિગણતરી થતી હતી.
વર્ષ 1941માં વસતિગણતરીના સમયે જાતિ આધારિત ડેટા મેળવવામાં આવ્યો હતો, પરંતુ પ્રકાશિત નહોતો કરાયો.
વર્ષ 1951થી 2011 સુધીની વસતિગણતરીમાં દરેક વખત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ડેટા જાહેર કરાયો, પરંતુ ઓબીસી અને અન્ય જાતિઓનો નહીં.
આ દરમિયાન વર્ષ 1990માં કેન્દ્રની તત્કાલીન વિશ્વનાથપ્રતાપ સિંહની સરકારે બીજા પછાતવર્ગ પંચ, જેને સામાન્યપણે મંડલ કમિશન તરીકે ઓળખવામાં આવે છે, ની ભલામણોને લાગુ કરી હતી.
આ ભલામણ અન્ય પછાત વર્ગના ઉમેદવારોને નોકરીઓમાં તમામ સ્તરે 27 ટકા આરક્ષણ આપવાની હતી. આ નિર્ણયે ભારત, ખાસ કરીને ઉત્તર ભારતના રાજકારણનું ચિત્ર બદલી નાખ્યું.
જાણકારોનું માનવું છે કે ભારતમાં ઓબીસી વસતિ કેટલા ટકા છે તેના નક્કર પુરાવા હાલ નથી.
મંડલ કમિશનના આંકડાઓના આધારે કહેવાય છે કે ભારતમાં ઓબીસી વસતિ 52 ટકા છે. જોકે મંડલ કમિશને વર્ષ 1931ની વસતિગણતરીને આધાર માન્યો હતો.
આ સિવાય જુદીજુદી રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણી સરવે અને અનુમાનના આધારે આ આંકડાને ક્યારેક થોડો ઘટાડીને તો ક્યારેક થોડોક વધારીને આંકતી આવી છે.
પરંતુ કેન્દ્ર સરકાર જાતિના આધારે ઘણી નીતિઓ તૈયાર કરે છે. તાજેતરનું ઉદાહરણ નીટ પરીક્ષા જ છે જેમાં ઑલ ઇંડિયા ક્વૉટામાં ઓબીસી માટે અનામત લાગુ કરવાની વાત મોદી સરકારે કરી છે.
સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ (સીએસડીએસ)ના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક સંજયકુમારનું માનવું છે કે, "વસતિગણતરીમાં આદિવાસી અને દલિતો વિશે પૂછવામાં આવે છે. માત્ર બિનદલિતો અને બિનઆદિવાસીઓની જાતિ પૂછવામાં નથી આવતી. આ કારણે આર્થિક અને સામાજિક પછાતપણા પ્રમાણે જે લોકો માટે સરકાર નીતિઓ ઘડે છે, આ પહેલાં સરકારને એ ખબર હોય એ જરૂરી છે કે આખરે જે-તે જાતિના કેટલા લોકો છે, જાતિગત વસતિગણતરીના અભાવમાં સરકારની નીતિ અને યોજનાઓનો લાભ યોગ્ય જાતિ સુધી યોગ્ય રીતે પહોંચી રહ્યો છે કે કેમ તે જાણવું અઘરું બની જાય છે."
તેઓ આગળ કહે છે કે, "અનુસૂચિત જાતિ, ભારતની વસતિના 15 ટકા છે અનુસૂચિત જનજાતિ 7.5 ટકા છે. આ આધારે જ તેમને સરકારી નોકરીઓ, સ્કૂલ, કૉલેજમાં અનામત મળે છે."
"પરંતુ વસતિમાં ઓબીસીનો ભાગ કેટલો, તે અંગે કોઈ નક્કર આંકડો નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે કુલ 50 ટકા કરતાં વધુ અનામત ન આપી શકાય, આ કારણે જ 50 ટકામાંથી અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતને કાઢીને બાકી રહેલી અનામત ઓબીસીને ફાળવી દેવાઈ."
"પરંતુ આ સિવાય ઓબીસી આરક્ષણનો કોઈ આધાર નથી."
આ જ કારણ છે કે અમુક વિપક્ષી પાર્ટીઓ જાતિગત વસતિગણતરી અંગે સ્પષ્ટપણે બોલી રહી છે. કોરોના મહામારીને કારણે વસતિગણતરીનું કામ યોગ્ય રીતે શરૂ નથી થઈ શક્યું.

ક્યારે કઈ-કઈ પાર્ટીઓએકરી છે માગ?

ઇમેજ સ્રોત, TWITTER/AKHILESH YADAV
હાલ ભલે ભાજપ સંસદમાં આ પ્રકારની જાતિગત વસતિગણતરી અંગે અલગ મત વ્યક્ત કરી રહ્યો હોય, પરંતુ દસ વર્ષ પહેલાં જ્યારે ભાજપ વિપક્ષ હતો ત્યારે તેના નેતા જાતે આ માગ કરતા હતા.
ભાજપના નેતા ગોપીનાથ મુંડેએ સંસદમાં વર્ષ 2011ની વસતિગણતરી અગાઉ વર્ષ 2010માં સંસદમાં કહ્યું હતું, "જો આ વખતે પણ વસતિગણતરીમાં ઓબીસીની વસતિ અલગ નહીં ગણવામાં આવે તો ઓબીસીને સામાજિક ન્યાય અપાવવા માટે હજુ દસ વર્ષ લાગી જશે. આપણે તેમની સાથે અન્યાય કરીશું."
આટલું જ નહીં, પાછલી સરકારમાં જ્યારે રાજનાથ સિંહ ગૃહમંત્રી હતા ત્યારે વર્ષ 2021ની વસતિગણતરીની તૈયારીઓનું અવલોકન કરતી વખતે વર્ષ 2018માં એક પ્રેસ રિલીઝમાં સરકારે માન્યું હતું કે ઓબીસી અંગેનો ડેટા નવી વસતિગણતરીમાં એકત્રિત કરાશે.
પરંતુ હવે સરકારે પોતાના જ પાછલા વાયદાથી સંસદમાં પીછેહઠ કરી છે.
બીજી રાષ્ટ્રીય પાર્ટી કૉંગ્રેસની વાત કરીએ તો વર્ષ 2011માં એસઈસીસી એટલે કે સોશિયો ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ આધારિત ડેટા એકઠો કરાયો હતો. ચાર હજાર કરોડ કરતાં વધુનો ખર્ચ કરાયો અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયને આની જવાબદારી સોંપવામાં આવી.
વર્ષ 2016માં જાતિને છોડીને એસઈસીસીના તમામ આંકડા પ્રકાશિત થયા. પરંતુ જાતિગત આંકડા પ્રકાશિત નથી થયા. જાતિનો ડેટા સામાજિક કલ્યાણ મંત્રાલયને સોંપી દેવાયો જે બાદ એક ઍક્સપર્ટ ગ્રૂપ બન્યું પરંતુ તે બાદ આંકડાઓનું શું થયું, તેની જાણકારી સાર્વજનિક નથી કરાઈ.
એવું માનવામાં આવે છે કે એસઈસીસી 2011માં જાતિ આધારિત ડેટા એકઠો કરવાનો નિર્ણય તે સમયની યુપીએ સરકારે રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ યાદવ અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવના દબાણમાં આવીને લીધો હતો.
સીએસડીએસના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક સંજય કુમાર જણાવે છે કે દેશની મોટા ભાગની ક્ષેત્રીય પાર્ટીઓ જાતિગત વસતિગણતરીના સમર્થનમાં છે, આવું એટલા માટે છે કારણ કે તેમનો જનાધાર જ ઓબીસી છે. તેનું સમર્થન કરવાથી સામાજિક ન્યાયના તેમના પ્લૅટફૉર્મ પર પાર્ટીઓને મજબૂત જોવા મળે છે.
પરંતુ રાષ્ટ્રીય પાર્ટીઓ સત્તામાં હોય ત્યારે કંઈક અલગ અને વિપક્ષમાં હોય ત્યારે કંઈક અલગ જ કહે છે.
વિપક્ષમાં આવ્યા બાદ કૉંગ્રેસે પણ વર્ષ 2018માં જાતિઆધારિત ડેટા પ્રકાશિત કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ તેમને સફળતા નહોતી મળી.

જાતિગત વસતિગણતરીથી કેમ ગભરાય છે સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે સત્તામાં આવતાની સાથે જ પાર્ટીઓ આવી વસતિગણતરીની વિરુદ્ધ કેમ થઈ જાય છે?
સંજયકુમાર જણાવે છે કે, "ધારો કે જાતિગત વસતિગણતરી થાય છે તો અત્યાર સુધીની જાણકારીમાં જે આંકડા છે તે ઉપર-નીચે થવાની પૂરેપૂરી સંભાવના છે. માની લો કે ઓબીસીની વસતિ 52 ટકાથી ઘટીને 40 ટકા થઈ જાય છે, તો બની શકે કે રાજકીય પક્ષોના ઓબીસી નેતા એક થઈને કહે કે આ આંકડા સાચા નથી."
"અને માની લો કે તેનું પ્રમાણ વધી 60 ટકા થઈ જાય, તો વધુ અનામત આપવા માટેની માગ ઊઠી શકે છે. સરકારો કદાચ આવી સંભાવનાઓથી જ ગભરાય છે. "
"કારણ કે આદિવાસીઓ અને દલિતોના આકલનમાં તો ફેરફાર નહીં જ થાય કારણ કે દરેક વસતિગણતરીમાં તેમની તો અલગથી ગણતરી થાય જ છે, આવી પરિસ્થિતિમાં જાતિગત વસતિગણતરીમાં ટકાવારીની દૃષ્ટિએ વધારા-ઘટાડાની આશંકા અપરકાસ્ટ અને ઓબીસી માટે જ છે."
પ્રોફેસર સંજયકુમાર એવું પણ જણાવે છે કે જેવી રીતે હાલના દિવસોમાં જ મોદી સરકાર ઓબીસી અંગે મુખર બની છે, કેન્દ્ર સરકાર આવનારા દિવસોમાં જાતિગત વસતિગણતરી પર પહેલ કરી શકે છે.
અલાહાબાદ યુનિવર્સિટીના જી. બી. પંત સોશિયલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક પ્રોફેસર બદ્રીનારાયણ કહે છે, "અંગ્રેજો તરફથી વસતિગણતરી લાગુ કરાયા પહેલાં, જાતિવ્યવસ્થા સ્થિતિસ્થાપક અને ગતિશીલ હતી."
"પરંતુ અંગ્રેજ જ્યારે જાતિગત વસતિગણતરીને લઈને આવ્યા, ત્યારે બધું રેકર્ડમાં નોંધાવા લાગ્યું, આ બાદ જાતિવ્યવસ્થા જટિલ બની ગઈ."
"વસતિગણતરી એક અત્યંત જટિલ કાર્ય છે. વસતિગણતરીમાં કોઈ પણ વસ્તુ જ્યારે નોંધાય છે, ત્યારે તેનાથી એક રાજકારણ પણ જન્મ લે છે, વિકાસનાં નવાં પરિમાણ પણ તેનાથી નિર્ધારિત થાય છે."
"આના કારણે જ કોઈ પણ સરકાર તે અંગે સમજી-વિચારીને જ કામ કરે છે. આમ જોઈએ તો વસતિગણતરીથી જ જાતિગત રાજકારણની શરૂઆત થાય છે."
"ત્યાર બાદ જ લોકો પોતાની જાતને જાતિ સાથે જોડીને જોવા લાગ્યા, જાતિઆધારિત પાર્ટીઓ અને ઍસોસિએશન બન્યાં."
પરંતુ 1931 બાદથી જાતિગત વસતિગણતરી નથી થઈ તેમ છતાં જાતિના નામે રાજકારણ હજુ સુધી થઈ રહ્યું છે. તો પછી જાતિના આધારે વસતિગણતરી થવાથી શું બદલાઈ જશે.
આ સવાલના જવાબમાં પ્રોફેસર બદ્રીનારાયણ કહે છે કે, "હાલ જે રાજકારણ થાય છે, તેનો નક્કર આધાર નથી, તેને પડકારી શકાય છે."
"પરંતુ એક વખત વસતિગણતરીમાં તે નોંધાઈ જશે, તો બધું જ નક્કર સ્વરૂપ ધારણ કરી લેશે. કહેવાય છે કે, 'જેની જેટલી સંખ્યા વધુ, તેની તેટલી જ વધારે ભાગીદારી'. "
"જો સંખ્યા એક વખત ખબર પડી જાય અને એ હિસાબે ભાગીદારી મળવા લાગે તો ઓછી સંખ્યાવાળા લોકોનું શું થશે? તેમના વિશે કોણ વિચારશે?"
"આ પ્રકારના પ્રશ્નો પણ ઊભા થશે. ઓબીસી અને દલિતોમાં ઘણી નાની જાતિઓ છે, તેમનું ધ્યાન કોણ રાખશે? મોટી સંખ્યાવાળી જાતિઓ 27 ટકાની અંદર પાંચ ટકા અલગ અનામતની માગ કરશે, તો અન્યોનું શું થશે?"
"આ જાતિગત વસતિગણતરીનું એક નકારાત્મક પાસું છે. પરંતુ એક હકારાત્મક પાસું એ પણ છે કે આવું કરવાથી લોકો માટે નીતિઓ અને યોજનાઓ ઘડવામાં મદદ મળે છે."
બીજો પણ એક ડર છે. કેન્દ્રની ઓબીસીની યાદી અને અમુક રાજ્યોની યાદી અલગ છે. કેટલીક જાતિઓ એવી છે જે રાજ્યોની યાદીમાં ઓબીસી તરીકે દર્શાવાયેલી છે, પરંતુ કેન્દ્રની યાદીમાં તેમની ગણતરી ઓબીસીમાં નથી થતી.
બિહારમાં વાણિયા ઓબીસી છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં તે ઓબીસીમાં નથી, કંઈક આવી જ પરિસ્થિતિ જાટની પણ છે.
હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ લોકો અંગે પણ ઓબીસી યાદી અલગ છે. આવી પરિસ્થિતિમાં જાતિગત વસતિગણતરી થઈ તો વિવાદ વધી શકે છે, કેન્દ્ર સરકારોને આ વાતનો પણ ડર છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












