મોદી સરકાર 17 લાખ કરોડનાં દેવાં તળે દબાયેલા ખેડૂતોની આવક બમણી કઈ રીતે કરશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

ભારત ખેતીપ્રધાન દેશ છે અને અહીં ખેડૂતને 'ધરતીપુત્ર', 'જગતનો તાત' તરીકે પણ વધાવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આજે પણ દેશનો કિસાન, ખેડૂત મોટા દેવા તળે દબાયેલો છે.

દરમિયાન બીજી તરફ દેશભરના ખાસ કરીને પંજાબ-હરિયાણાના ખેડૂતો મોદી સરકારે લાવેલા ત્રણ વિવાદીત કૃષિકાયદા સામે છેલ્લા કેટલાય મહિનાઓથી રાજધાની દિલ્હીમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

તદુપરાંત તાજેતરમાં જ સંસદમાં સરકારે રજૂ કરેલા સત્તાવાર આંકડા મુજબ ભારતમાં ખેડૂતો પર કૂલ 17 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

અત્રે નોંધવું કે વર્ષ 2020-2021માં ગુજરાત રાજ્યનો જીડીપી 16.59 લાખ કરોડ રૂપિયા નોંધાયો હતો.

એનો અર્થ કે ગુજરાતનો જેટલો જીડીપી છે એટલું દેવું દેશના ખેડૂતોના માથે છે.

line

'ખેડૂતોનું દેવુ માફ નહીં થાય'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દરમિયાન નાબાર્ડ (નેશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમૅન્ટ) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરના ખેડૂતો પર હાલ રૂપિયા 16.8 લાખ કરોડનું દેવું છે.

આ મામલે સરકારનું કહેવું છે કે ખેડૂતોનાં દેવાંની માફી માટે હાલ કોઈ જ યોજના વિચારણા હેઠળ નથી.

'ખેડૂતોનાં દેવા માફ કરવાની હાલ કોઈ વિચારણા કે યોજના નથી.' સંસદમાં મોદી સરકારના મંત્રીનો આ જવાબ ખૂબ જ મહત્ત્વનો છે અને તે એક મહત્ત્વપૂર્ણ ચૂંટણીવાયદાના ઉલ્લંઘન તરફે પણ ઇશારો કરે છે.

સંસદમાં જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોનાં દેવાં માફ કરવાની કોઈ યોજના વિશે વિચારણા કરી રહી છે?

તેના જવાબમાં રાજ્યકક્ષાના નાણામંત્રી ભાગવત કિશનરાવ કરાડેએ જણાવ્યું હતું કે ખેડૂતોનાં દેવાં માફ કરવાની સરકારની હાલ કોઈ જ યોજના નથી. સરકારે સંસદમાં 31મી માર્ચ 2021 સુધીના ડેટા જાહેર કર્યા છે.

line

ગુજરાતના ખેડૂતો અને ખેતીકામ કરતાં પરિવારોની સ્થિતિ કેવી છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અહેવાલો અનુસાર ગુજરાતના ખેડૂતો પર 90 હજાર કરોડનું દેવું છે, જ્યારે તામિલનાડુના ખેડૂતો પર સૌથી વધુ એક લાખ 89 હજાર કરોડનું દેવું છે.

ગુજરાતમાં 43 લાખ ખેડૂતો પર 90 હજાર કરોડ રૂપિયાનું દેવું એટલે કે લૉન છે. ગુજરાતના ખેડૂતો પણ વારંવાર દેવામાફીની માગણી કરતા આવ્યા છે.

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ગુજરાતમાં 43 ટકા (વર્ષ 2018માં) કૃષિપરિવારો દેવામાં ડૂબેલા છે. તેમાં તમામ પ્રકારની લૉન સામેલ છે. અહેવાલ અનુસાર ગુજરાતમાં 2018માં 58.72 લાખ ગ્રામ્ય પરિવારો હતા. અને તેમાંથી 67 ટકા ખેતીકામમાં જોતરાયેલા હતા.

એટલે કે 39.31 લાખ ગ્રામ્ય પરિવારો ખેતીકામ કરે છે. જેમાંથી 16.74 લાખ પરિવારો દેવા હેઠળ હતા.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આરબીઆઈ દ્વારા ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ ક્ષેત્રમાં કામ કરતા કામદોરોનાં સરેરાશ વેતન-મજૂરીભથ્થા મામલે એક રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો.

રિપોર્ટ અનુસાર ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ, બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારોના સરેરાશ વેતન મામલે ગુજરાત સૌથી તળિયે છે.

ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં કાર્ય કરતાં કામદારને સરેરાશ દૈનિક વેતન 208 રૂપિયા જ્યારે બિન-કૃષિ ક્ષેત્રમાં સરેરાશ વેતન રૂપિયા 233 અને કન્સ્ટ્રક્શન (બાંધકામ) ક્ષેત્રમાં સરેરાશ વેતન 268 રૂપિયા મળે છે.

સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિક્ષેત્રમાં જોતરાયેલા કામદારોને ચૂકવાયેલું સરેરાશ વેતન રાષ્ટ્રીય સરેરાશ વેતન 286 રૂપિયા કરતાં પણ ઓછું છે. જ્યારે બાંધકામના ક્ષેત્ર મામલે તે રાષ્ટ્રીય સરેરાશ 341 રૂપિયા કરતાં પણ ઓછું છે.

બિન-કૃષિ અને બાંધકામ ક્ષેત્રના કામદારોને સરેરાશ વેતનચૂકવણી મામલે ત્રિપુરા-મેઘાલય પણ ગુજરાતથી આગળ છે.

અત્રે નોંધવું કે વર્ષ 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2022 સુધીમાં તેમની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય ધરાવે છે. જેને હવે વર્ષ 2024 પર ઠેલવી દેવાયું છે.

line

'સરકાર ખેડૂતોના લાભ કંપનીઓને ડાયવર્ટ કરે છે'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ મામલે કૉંગ્રેસના કિસાન મોરચાના ખેડૂત નેતા પાલ આંબલિયા બીબીસીને જણાવે છે કે સરકાર ખેડૂતોના હક કંપનીઓને ડાયવર્ટ કરી દે છે. જેથી સમસ્યા સર્જાય છે.

તેમણે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતાં કહ્યું, "અછત, અતિવૃષ્ટિ ખેડૂત પહેલાંથી જ વેઠતો આવ્યો છે. ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમાયોજનાએ બાકી કસર પૂરી કરી દીધી. આ કંપનીઓએ 40 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે. જો આવું ન થયું હોત તો આજે દેવું 50 હજાર કરોડ રૂપિયા હોત, ન કે 90 હજાર કરોડ રૂપિયા."

સબસિડી મામલે પણ તેમણે સવાલ ઉઠાવ્યો અને ઉમેર્યું, "સૂક્ષ્મ સિંચાઈ યોજના, રોટાવેટર ખરીદી મામલે જે ભાવકિંમત બજારમાં હોય એટલી જ ચૂકવણી સબસિડી છતાં કરવાની થાય છે. સરકાર સંવેદનશીલતાની વાતો કરે છે પણ સરકારની નીતિ ખેડૂતોના નામે કંપની પ્રત્યે સંવદનશીલ છે."

"આજે પણ સરકારી યોજનાઓના નામે ખેડૂતોના લાભ કંપનીઓને અપાય છે. તે ચાલુ જ છે. તદુપરાંત છેલ્લાં 20 વર્ષોથી ખાતરનો ભાવ, જંતુનાશકનો ભાવ બેથી ત્રણ ગણો વધ્યો છે, બિયારણના ભાવ પણ બે ગમા વધ્યા છે. 2014માં કપાસની કિંમત 1200 રૂપિયા હતી તે હવે 900 રૂપિયા થઈ છે. આટલું બધું ખેડૂત કેવી રીતે સહન કરી શકે?"

"ડીઝલ મોઘું, ખેતીમજૂરી મોંઘવારીને લીધે વધી. આમ તમામ પરિબળોને લીધે પડતરકિંમતમાં બેથી અઢી ગણો વધારો થયો. પણ બીજી તરફ ઉત્પાદનના ભાવમાં ઘટાડો થયો."

"સરકાર બહારથી કઠોળ અને ડૂંગળી-ખાંડ આયાત કરે છે. એવા સમયે આયાત કરે જ્યારે દેશના ખેડૂતોનો પાક બજારમાં આવી રહ્યો હોય. એટલે ખેડૂતોનો ભાવ ક્યાંથી મળે?"

line

પાછલાં કેટલાંક વર્ષોમાં કયાં રાજ્યોએ કેટલી લૉન માફ કરી?

વીડિયો કૅપ્શન, રાજકોટના કાગદડી ગામે વરસાદ બાદ આવેલા પૂરમાં ખેતરો ધોવાયાં, પશુઓ તણાયાં

પંજાબે પણ તાજેતરમાં ફરી કૉ-ઑપરેટિવ બૅન્કમાંથી ખેડૂતોએ લીધેલી નાની લૉન માફ કરવાની જાહેરાત કરી છે. અહેવાલ મુજબ 500 કરોડ રૂપિયાથી વધુની કૂલ રકમ રાઇટ ઑફ કરી દેવામાં આવશે.

વર્ષ 2018માં છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની સરકારે ટૂંક સમયમાં જ ખેડૂતોની લૉન માફી કરી દીધી હતી.

મધ્યપ્રદેશમાં ખેડૂતોને રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કોમાંથી મળેલી 2 લાખ રૂપિયા સુધીની લૉન માફ કરી દેવાઈ હતી.

જ્યારે છત્તીસગઢમાં કૂલ 6100 કરોડ રૂપિયાની રકમ લૉન માફી પેટે રાઇટ ઑફ કરાઈ હતી.

ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને પણ તાજેતરમાં જાહેરત કરી હતી કે તેમની સરકારે 2.46 લાખ ખેડૂતોની 980 કરોડ રૂપિયાની લૉન માફ કરી દીધી છે. ઝારખંડ તબક્કાવાર 50 હજાર કરોડ રૂપિયાની લૉનમાફીના લક્ષ્ય માટે પણ કટિબદ્ધ છે.

આ ઉપરાંત કર્ણાટકા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સરકારોએ પણ ખેડૂતોની લૉનમાફી કરી છે.

line

'સરકાર ઉદ્યોગપતિઓની લૉન માફ થાય છે, ખેડૂતો માટે દેવામાફી કરવાનો ઇન્કાર કરે છે'

કૃષિ સંબંધિત આર્થિક પરિબળને સમજવા માટે બીબીસીએ અર્થશાસ્ત્રી પ્રોફેસર ડૉ. હેમંતકુમાર શાહ સાથે આ મુદ્દે વાતચીત કરી.

તેમણે સૌથી મુખ્ય પ્રશ્ન એ ઉઠાવ્યો કે કેન્દ્ર સરકાર (બૅન્કો) ઉદ્યોગપતિઓના લાખો-કરોડો રૂપિયાની લૉન માંડવાળ કરી નાખે છે તો પછી ખેડૂતોને દેવામાફી આપવામાં સરકારને શું વાંધો છે?

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ખેડૂતો લૉન લે તે સારી વાત છે. તેનાથી તેઓ સાધનો-વાહનો ખરીદે છે. તેમના દ્વારા લેવાતી લૉન વધે તે પણ સારી વાત છે. પણ જ્યારે લીધેલી લૉન કેટલાક સંજોગોના કારણે ન ભરી શકે તો માફ કરવી જોઈએ."

દેશમાં ખેડૂતોના દેવામાફીના ઇતિહાસ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું, "1987માં પ્રથમ વાર હરિયાણામાં દેવામાફી થઈ હતી. પછી 1990માં દેશવ્યાપી દેવામાફી ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ આંકડો લગભગ 52000 કરોડ રૂપિયાની આસપાસ હતો."

"ત્યાર પછી વર્ષ 2008માં યુપીએ સરકારે (કેન્દ્ર સરકારે) - 50,000 કરોડ રૂપિયાની દેવામાફી કરી હતી. આ પછી કેન્દ્ર સરકારે દેવામાફી કરી જ નથી."

અત્રે નોંધવું કે મનમોહન સરકારે વર્ષ 2008માં બજેટ મારફતે ઍગ્રિકલ્ચરલ ડેટ વેવર ઍન્ડ ડેટ રિલીફ સ્કીમ -2008 રજૂ કરી હતી. તેમાં 31 માર્ચ, 2007 સુધીની નાના ખેડૂતો માટે દેવામાફીની જોગવાઈ હતી તથા અન્ય ખેડૂતોને એક વખત 25 ટકા રિબેટની જોગવાઈ હતી.

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફૉર રિસર્ચ ઑન ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક્સ રિલેશન અનુસાર સરકારે વર્ષ 2011-2012 સુધીમાં આ સ્કીમ હેઠળ કૂલ 52,516 રૂપિયા ડિસ્બર્સ (ફાળવણી બાદની ચૂકવણી) કર્યાં હતા.

પ્રો. હેમંતકુમાર વધુમાં કહે છે, "બૅન્કો દ્વારા ઉદ્યોગપતિઓ સાથે 10 લાખ કરોડ રૂપિયાની લૉન માંડવાળ કરી દેવાય છે. વર્ષ 2013થી 2021 સુધીમાં આટલી માંડવાળ કરાઈ છે. પણ ખેડૂતની વાત આવે ત્યારે બૅન્કો પીછેહઠ કરી લે છે."

"સરકાર અને બૅન્કો તરફથી તર્ક આપવામાં આવે છે કે જો ખેડૂતોનું દેવું માફ કરતા રહીશું તો તેમને ટેવ પડી જશે. તો શું ઉદ્યોગપતિઓનાં દેવાં માફ થાય છે, તો તેમને ટેવ નથી પડતી?"

line

'સરકારને ગરીબોને પૈસા આપવામાં આવે ત્યારે ચૂક આવે છે'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

વધુમાં પ્રો. શાહ કહે છે, "તમે એક ઉદાહરણ લઈને જુઓ તો જો 15 કરોડ ખેડૂતોમાંથી 10 કરોડ ખેડૂતોની દેવામાફી કરવામાં આવે તો એક ખેડૂતને કેટલી માફી મળે? એટલે જે દેવામાફી થાય છે એમાં પણ તે કેટલા ખેડૂતોને કેટલા પ્રમાણમાં મળે છે એ પણ આંકડો જુઓ તો સમજાય જાય કે વાસ્તવિક પરિસ્થિતિ શું બને છે."

"ઉત્તર પ્રદેશની સરકારે 2017માં ખેડૂતોના 36 હજાર કરોડ માફ કર્યા. તેમાં 2 કરોડ 60 લાખ ખેડૂતોને તેનો લાભ મળ્યો એટલે કે સરેરાશ ખેડૂતદીઠ 15 હજાર રૂપિયા થયા."

"ટૂંકમાં એક વાત સ્પષ્ટ છે કે સરકારને ગરીબોને પૈસા આપવામાં આવે ત્યારે ચૂક આવે છે. અને કૉર્પોરેટ સૅક્ટરને સહાય, સબસિડીઓની લહાણી કરી દેવાય છે."

"મને લાગે છે કે સરકારે એક લાખ રૂપિયા સુધીની જેમણે લૉન લીધી હોય તેમની લૉન માફ કરી દેવી જોઈએ અને કૂલ 17 લાખ કરોડમાંથી 5-7 લાખ કરોડ સુધીની લૉન માફ થઈ શકે છે. ભલે ટ્રૅક્ટર કે થ્રૅસર માટેની લૉન માફ ન કરે. પરંતુ જંતુનાશક દવા, બિયારણ જેવી વસ્તુઓ માટે ખેતીમાં લીધેલી લૉન માફ કરી દેવી જોઈએ."

જોકે અત્રે નોંધવું કે આરબીઆઈ ગવર્નર લૉનમાફીને એક ઉકેલ તરીકે જોવાના વિરોધી રહ્યા છે.

તેમણે યોગી સરકારની લૉનમાફીની સમયે કહ્યું હતું કે આનાથી કરદાતાઓ પર બોજ વધે છે. તથા સ્ટેટ બૅન્કનાં પૂર્વ અધ્યક્ષ અરુંધતી ભટ્ટાચાર્યે પણ તેને સરકારની કલ્યાણકારી યોજના તરીકે ન ગણવાનો મત વ્યક્ત કર્યો હતો.

line

'હાલ વિચારણા નથી, પણ ભવિષ્યમાં થઈ શકે છે'

વીડિયો કૅપ્શન, સાણંદમાં ખેડૂતોએ હરાજી અટકાવી નરેન્દ્ર મોદીને શું ફરિયાદ કરી?

આ સમગ્ર મામલે બીબીસીએ સરકારનો પક્ષ જાણવા માટે ગુજરાતના કૃષિમંત્રી આર. સી. ફળદુ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ તથા નાયબ સચિવ (ધિરાણ) કે. વી. પટેલનો પણ સંપર્ક કર્યો હતો.

પરંતુ તેમની સાથે સંપર્ક ન થઈ શકતા તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા કે ટિપ્પણી પ્રાપ્ત થઈ નથી . જો બાદમાં તેમની પ્રતિક્રિયા પ્રાપ્ત થશે તો તેને અહેવાલમાં સામેલ કરી લેવાશે.

દરમિયાન ભાજપ તરફથી પ્રતિક્રિયા માટે પણ બીબીસીએ ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ તથા મીડિયા પ્રતિક્રિયા વિભાગના મહેશ કસવાલાનો પણ સંપર્ક કર્યો હતો.

બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું, "સરકારે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય એ માટે પ્રયાસ આદર્યાં છે, જેનાથી તેમની આવકમાં વધારો થયો છે."

"વિવિધ સહાયના મારફતે તેમની ઇનપુટ કૉસ્ટને પણ ઘટાડી છે. ઉપરાંત વીજપુરવઠો, સબસિડી, ખાતરના ભાવ સહિતના મામલે સરકારે પગલાં લઈ નાના ખેડૂતોની આવકને વધારવા કામ કર્યું છે."

"વડા પ્રધાન મોદીએ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરવા માટે લક્ષ્ય રાખ્યું હતું અને સરકાર આ દિશામાં આગળ પણ વધી રહી છે. હજુ બે વર્ષ બાકી છે. ચોમાસું સારું છે. એટલે આશા છે કે સારાં પરિણામો જોવા મળશે. જ્યાં સુધી દેવામાફીના વાત છે, તો સરકાર આ દિશામાં પણ અભ્યાસ કરી રહી છે."

ભાજપના નેતા મહેશ કસવાલાએ સંપર્ક સાધી શકાયો નથી. જોકે, એક ગુજરાતી ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, "સરકારે એવું કહ્યું છે કે હાલ દેવામાફી કરવાની કોઈ વિચારણા નથી. એનો અર્થ એવો નથી કે તે ભવિષ્યમાં દેવું માફ નહીં જ કરશે. તે ભવિષ્યમાં દેવામાફી કરી શકે છે. પણ હાલ માત્ર તેની યોજના નથી એવું કહ્યું છે."

તેમણે એમ પણ કહ્યું કે,"મોદી સરકાર વિવિધ યોજનાઓ અને સહાય થકી ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લાવવા કામ કરી રહી છે. મુખ્ય મુદ્દો તેમની આવક વધારવાનો છે. ખેડૂતોના કલ્યાણ માટે આ મહત્ત્વનો ઉકેલ છે."

જોકે લાંબા સમયથી પડતર એમએસપી મામલે સ્વામીનાથન રિપોર્ટની C2+50% ફૉર્મ્યૂલા વિશે કોઈ નક્કર જાહેરાત કે સ્વીકૃત્તિ નથી જોવા મળી. પૂર્વ અને વર્તમાન બને સરકાર તરફથી આ મામલે ઉદાસિન વલણ અપનાવાવમાં આવ્યું હોવાની ફરિયાદ રહેતી આવી છે.

line

ખેડૂતો વર્ષોથી માગ કરી રહ્યા છે એ એમએસપીની C2+50% ફૉર્મ્યૂલા શું છે?

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

મહત્ત્વપૂર્ણ છે કે અનાજની આપૂર્તિને વિશ્વાસપાત્ર બનાવવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિને સારી બનાવવાના ઉદ્દેશથી 18 નવેમ્બર-2004ના રોજ કેન્દ્ર સરકારે એમ. એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કિસાનપંચની રચના કરી હતી.

વર્ષ 2006માં પંચ દ્વારા રિપોર્ટ રજૂ કરીને ખેડૂતોની દુર્દશાને દૂર કરવા માટે ઘણાં સૂચનો કરાયાં હતાં.

સ્વામીનાથન પંચે એમએસપી (મિનિમમ સપૉર્ટ પ્રાઇસ - ન્યૂનતમ સમર્થમ મૂલ્ય એટલે કે ટેકાના ભાવ) નક્કી કરવા માટે ઈનપુટ કૉસ્ટ એટલે કે પડતરકિંમતમાં ખાતર-બીજ પરનો ખર્ચ, તેની મૂડી અને ઉધારી પરનું વ્યાજ, જમીન માટેનું અપાયું હોય તે ભાડું, ખેડૂત અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલા શ્રમને જોડીને એમએસપી નક્કી કરવા માટેની ફ઼ૉર્મ્યુલા આપી છે. જેના આધારે 150 ટકા એમએસપી રાખવાની ભલામણ કરવામાં આવી છે.

પરંતુ વર્ષ 2018માં નીતિ આયોગે સ્વામીનાથન રિપોર્ટને જ અવ્યવહારીક ગણાવી દીધો હતો.

અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ' સાથેની વાતચીતમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યુ હતું, "જમીનના ભાડાની જ વાત કરીએ, તો તેમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં ઘણું અંતર છે. સ્વામીનાથન પંચની ભલામણો અમલીકરણની દૃષ્ટિએ અવવ્યવહારીક છે."

જોકે, સ્વામીનાથન પંચની ભલામણોને પુરોગામી કૉંગ્રેસ સરકારે સ્વીકારી હતી. પરંતુ ખેડૂત સંગઠનોનો આરોપ છે કે સ્વામીનાથન પંચની ભલામણો બાબતે મોદી સરકાર વાત કરી રહી નથી.

line

નીતિ આયોગે સ્વામીનાથનની ભલામણને અવ્યવાહારીક ગણાવી દીધી?

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નીતિ આયોગના સભ્ય ડૉ. રમેશ ચંદે એક ઇન્ટરવ્યૂમાં કથિતરૂપે એવું કહ્યું હતું કે, "ત્રણ નવા કૃષિકાનૂન (જેની સામે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે) તેને ત્વરિતપણે લાગુ કરવામાં નહીં આવે તો વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રાપ્ત નહીં થઈ શકે.'

તેમના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો અને મોદી સરકારનાં વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્ય અને વાયદા બંને પર ફરી સવાલ ઉઠ્યો હતો.

સરકારે વર્ષ 2016માં એપ્રિલ મહિનામાં આંતર-મંત્રાલય સમિતિ રચી હતી. જે ખેડૂતોની આવક બમણી કરવા મામલે કામગીરી કરવા રચાઈ હતી. કમિટિએ વર્ષ 2018માં એક રિપોર્ટ પણ સરકારને સુપરત કર્યો હતો. જેમાં વિવિધ ભલામણો કરાઈ હતી.

તેના અમલીકરણ માટે સરકારે એક સત્તાવાર કમિટિ પણ બનાવી હતી અને ત્યાર બાદ કેટલાંક પગલાં લેવાયાં હતાં.

જોકે તેમ છતાં હવે 2022ના લક્ષ્યને માત્ર એક વર્ષ બાકી છે અને ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું છે.

બીજી તરફ સરકાર દેવું માફ કરવાની વિચારણા નથી કરી રહી, એ સમગ્ર ચિત્ર સૂચવે છે કે મોદી સરકાર કાળાં નાણાં મામલે કરેલા વાયદાને પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ સફળ ન રહી એવી રીતે ખેડૂતોની આવક 2022 સુધીમાં એટલે કે કુલ છ વર્ષોમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ નહીં રહે.

line

ખેડૂતની આપવીતી અને C2+50% ફૉર્મ્યૂલાની માગ

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ ભાવનગરના ખેડૂત એકતા મંચ તરેડીના પ્રમુખ ભરતસિંહ પોપટભા જેઓ ખુદ એક ખેડૂત અગ્રણી છે, તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સરકાર જ્યાં સુધી દેવુ માંડવાળ ન કરે ત્યાં સુધી ખેડૂતો ઊંચા નહીં આવે. ખરેખર સરકારની ભૂલના કારણે જ ખેડૂતો દેવાદાર બન્યા છે."

"ખેડૂતોએ સબસિડી, પોષણક્ષમ ભાવ, ખાતર-ટ્રેક્ટરની સબસિડી બધામાં જ નુકસાન વેઠવું પડે છે. ઉદાહરણ તરીકે ડીએપી ખાતરની 50 કિલોની થેલી 1200 રૂપિયા કરી છે. એમાં સબસિડી ડીએપીની સીધી ખાતામાં આવે એવી નીતિ બનવી જોઈએ."

"કંપનીઓએ તો ભાવ 2500 નજીક કરી દીધો હતો. પછી વિરોધ કરતા સરકારે ફરીથી ભાવ સબસિડી સાથે ઓછો કર્યો. પણ કંપનીને તો 2500 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. એના કરતાં સબસિડીની રકમ ખેડૂતના સીધા ખાતામાં જમા કરાય, પછી ખેડૂત નક્કી કરે કે એને કેટલી થેલી ખરીદવી છે."

તેમણે તાજેતરમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં વિનાશ વેરનારા તૌકતે વાવાઝોડાની સહાયનો મામલો જણાવતા ઉમેર્યું, "આ સહાયમાં 95 ટકા ખેડૂતો બાકી રહી ગયા. માત્ર ગણતરીના ખેડૂતોને તેની સહાય મળી શકી છે. વાવાઝોડાની અસર ભાવનગર, અમરેલી, સોમનાથ, ગીર-ગઢડામાં વધુ થઈ હતી. અહીં ખેડૂતને ઓછામાં ઓછા એક લાખથી એક કરોડનું નુકસાન થયું છે."

"પહેલા કહેવાયું કે વાવાઝોડાનો રિસર્વે કરાવીશું. પણ એ ન થયો. હવે રિસર્વેનો અર્થ નથી કેમ કે ખેડૂતોએ ખેતરમાં બીજો પાક પણ લઈ લીધો છે."

"મને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનાં નાણાં પણ નથી મળતાં. કચેરીઓના ધક્કા ખાવા પડે છે. કપાસ-મગફળીના ભાવ નથી મળતા. એમએસપી પર માત્ર મર્યાદીત જથ્થો સરકાર ખરીદે છે. એમાં 5 ટકા ખેડૂતોની ખેદપેદાશ ખરીદી લેવાય છે. બાકીના ખેડૂતો રહી જાય છે. એમણે પછી બજારના નીચલા ભાવે પેદાશો વેચવી પડે છે."

"સરકાર એમએસપીને કાનૂની દરજ્જો આપી દે તો અમારે કોઈ સહાય કે દેવામાફી નથી જોઈતાં. પણ એક વાર આ કરીને બતાવે. ખેડૂતોને ભાવ મળવા જોઈએ તો તેની આવક વધશે અને તે દેવામાંથી પણ બહાર આવશે."

"આજથી 50 વર્ષો પહેલાં ખેડૂતો સદ્ધર હતા. પણ આજે ખેડૂતોનાં ખિસ્સાંમાં 5 હજાર રૂપિયા નથી હોતા. તે દેવું કરી કરીને પાયમાલ થઈ જાય છે. સરકાર બહારથી આયાત કરી કરીને ખેડૂતોની ખેતપેદાશોના ભાવ પણ તોડી નાખે છે. જ્યારે અછત હોય ત્યારે ખરીદે તો સારું પણ સરપ્લસના સમયે અથવા ખેડૂતની પેદાશ બજારમાં આવવાની હોય ત્યારે આયાત કરીને ઠાલવે તો નુકસાન ખેડૂતને જ જાય છે."

અત્રે નોંધવું કે ગુજરાતના ખેડૂતોની એવી પણ ફરિયાદ રહી છે કે તેમને તેમના પ્રશ્નો અને સમસ્યાઓ મામલે વિરોધપ્રદર્શન કરવા સામે રોકવામાં આવે છે અને તેમનો અવાજ દબાવી દેવાય છે.

line

એમએસપી શું છે?

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

ખેડૂતોનાં હિતોની રક્ષા માટે દેશમાં 'લઘુતમ સમર્થન મૂલ્ય' (એમએસપી)ની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

જો ક્યારેક પાકની કિંમતો બજારમાં ઘટી જાય તો, કેન્દ્ર સરકાર નક્કી કરાયેલા લઘુતમ સમર્થન મૂલ્ય પર ખેડૂતોના પાક ખરીદે છે, જેથી ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય.

કોઈ પણ પાકની એમએસપી આખા દેશમાં એક જ હોય છે.

ભારત સરકારનું કૃષિમંત્રાલય, કૃષિલાગત અને મૂલ્યઆયોગ (કમિશન ફૉર ઍગ્રિકલ્ચર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસેસ CACP)ની ભલામણને આધારે એમએસપી નક્કી થાય છે. આ હેઠળ હાલમાં 23 પાકની ખરીદી કરાય છે.

આ 23 પાકમાં ધાન્ય, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, તલ અને કપાસ વગેરે સામેલ છે.

એક અનુમાન અનુસાર દેશમાં માત્ર છ ટકા ખેડૂતોને એમએસપી મળે છે, જેમાં સૌથી વધુ ખેડૂતો પંજાબ, હરિયાણાના છે અને એ કારણે નવા બિલનો વિરોધ પણ આ વિસ્તારોમાં વધુ થઈ રહ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો