સ્વિસ બૅન્કોમાં રહેલાં ભારતીયોનાં કાળાં નાણાંનું શું થયું?

ચલણી નોટો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 1980થી 2010 દરમિયાન વિદેશમાં ભારતીયો દ્વારા લગભગ 216.48 બિલિયન ડૉલર્સથી 490 બિલિયન ડૉલર્સનું કાળુ નાણું જમા છે. આ રિપોર્ટ સંસદમાં પણ સુપરત કરાયો હતો.
    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્વિસ બૅન્કોમાં કેટલા ભારતીયોનું કાળું નાણું છે એ વાતની કેન્દ્ર સરકારને ખબર નથી.

જુલાઈ-2021માં લોકસભામાં કાળાં નાણાં પર પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ વાત સામે આવી છે.

નાણા મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું, "ગત 10 વર્ષોમાં સ્વિસ બૅન્કોમાં છુપાવવામાં આવેલાં કાણાં નાણાં વિશેનો કોઈ સત્તાવાર આંકડો નથી."

પોતાના જવાબમાં પંકજ ચૌધરીએ દાવો કર્યો કે સરકારે વિદેશથી કાળું નાણું પાછું લાવવાના સરકારે અનેક પ્રયાસ કર્યા છે.

પરંતુ વાયદા અનુસાર શું નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર વિદેશોમાં જમા ભારતનું બધું જ કાળું પરત લાવી શકશે?

વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણીસભામાં ભાષણ વેળાએ એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું, "જો વિદેશમાં રહેલું કાળું નાણું ભારત પરત લાવવામાં આવે તો દરેકને 15 લાખ રૂપિયા વહેંચી શકાય."

વડા પ્રધાન બનતા પૂર્વે નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને વચન આપ્યું હતું કે વિદેશોમાં રહેલું કાળું નાણું પરત લાવવામાં આવશે.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું હતું, "જે દિવસે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ પછી વિદેશમાં રહેલું કાળું નાણું પરત લવાશે. એકએક પાઈ પાછી લાવીશું અને ગરીબો માટે વાપરીશું."

પરંતુ બીજી તરફ તાજેતરમાં નોંધાયેલા મીડિયા રિપોર્ટ અનુસાર સ્વિસ બૅન્કોમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલાં નાણાંમાં જંગી વધારો થયો છે. તે 13 વર્ષની વિક્રમી સપાટીએ છે.

અહેવાલ અનુસાર સ્વિસ સૅન્ટ્રલ બૅન્કના વાર્ષિક સ્ટેટમૅન્ટ પ્રમાણે ભારતીયો દ્વારા સ્વિસ બૅન્કોમાં જમા નાણાંની રકમ વર્ષ 2020માં 20,700 કરોડ રૂપિયાથી પણ વધી ગઈ છે. જે 13 વર્ષની સર્વાધિક રકમ છે.

વર્ષ 2019માં આ રકમ 6625 કરોડ હતી અને છેલ્લાં બે વર્ષથી વ્યક્તિગત ડિપૉઝિટમાં જે ઘટાડાનો ટ્રૅન્ડ હતો તે પણ બદલાઈ ગયો છે.

જેનો અર્થ એ છે કે સરવાળે સ્વિસ બૅન્કમાં ભારતીયો દ્વારા જમા નાણાંમાં જંગી વધારો થયો છે. પરંતુ બીજી તરફ સરકાર આ વાત સ્વીકારવા તૈયાર નથી.

નાણામંત્રાલયનું કહેવું છે કે ભારતીય કંપનીઓએ ડિપૉઝિટ વધારતાં આવું થયું છે. ઉપરાંત એવી પણ દલીલ જોવા મળી છે કે નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઈ) દ્વારા પણ બૅન્કોમાં ડિપૉઝિટ વધારવામાં આવતા આ રકમમાં વધારો જોવા મળી રહ્યો છે.

મંત્રાલયે કહ્યું કે કંપનીઓના ટ્રાન્ઝેક્શનમાં વધારો અને સ્વિસ બ્રાન્ચોમાં તેમની ડિપૉઝિટમાં પણ વધારો થતાં એવું લાગી રહ્યું છે કે સ્વિસ બૅન્કમાં નાણું વધ્યું છે.

વળી મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું કે જે પણ વધારો થયો છે એ બિનહિસાબી કે બિનજાહેર સંપત્તિ હોય એવું નથી. તેમાં કાયદેસરનું નાણું પણ છે.

આમ એક તરફ મોદી સરકારે વિદેશમાંથી કાળું નાણું લાવવાનું વચન આપ્યું હતું અને બીજી તરફ વિદેશમાં બૅન્કોમાં જમા નાણું વધી રહ્યું છે. આથી એ સવાલ સ્વાભાવિક છે કે વિદેશમાં ખરેખર કેટલું કાળું નાણું જમા છે અને અત્યાર સુધી ભારતમાં કેટલું કાળું નાણું પરત લાવી શકાયું છે?

ખાસ કરીને મોદી સરકાર અત્યાર સુધી કેટલું કાળું નાણું પરત લાવી છે અને કઈ રીતે બાકીનું કાળું નાણું પાછું લાવશે?

line

વિદેશમાં કેટલું કાળું નાણું છે?

ચલણી નોટો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વિપક્ષનો સવાલ છે કે મોદી સરકાર કાળુ નાણું લાવવામાં નિષ્ફળ ગઈ છે.

સરકાર અને સરકાર દ્વારા નિમાયેલી વિવિધ કમિટીઓ અનુસાર વિદેશમાં અને દેશમાં કેટલું કાળું નાણું છે એ માટે કોઈ ચોક્કસ અંદાજિત આંકડો નથી.

પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પલ્બિક ફાયનાન્સ ઍન્ડ પૉલિસી, નેશનલ કાઉન્સિલ ઑફ ઍપ્લાય્ડ ઇકૉનૉમિક્સ રિસર્ચ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાયનાન્સ મેનૅજમેન્ટ દ્વારા તૈયાર એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 1980થી 2010 દરમિયાન વિદેશમાં ભારતીયો દ્વારા લગભગ 216.48 બિલિયન ડૉલર્સથી 490 બિલિયન ડૉલર્સનું કાળું નાણું જમા છે. આ રિપોર્ટ સંસદમાં પણ રજૂ કરાયો હતો.

વળી રિપોર્ટમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે દેશમાં 7 ટકા કાળું નાણું છે અને તે વર્ષ 2009-10 તથા 2011-21ના જીડીપીના 120 ટકા જેટલું છે. આ જૂનો આંકડો છે. જેમાં વધારો થયો હોવાનું કેટલાક નિષ્ણાતો માને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાળાં નાણાં મુદ્દે મોદી સરકાર અને વિપક્ષ પણ ઘણી વાર આમનેસામને આવી ગયાં છે. વિપક્ષનો સવાલ છે કે મોદી સરકાર કાળું નાણું લાવવામાં નિષ્ફળ ગઈ છે, તો બીજી તરફ સરકાર અને ભાજપનો દાવો છે કે આ મામલે તેમણે પ્રભાવક પગલાં લીધા છે.

line

મોદી સરકાર વિદેશમાંથી કેટલું કાળું નાણું પરત લાવી?

બૅન્ક લૉકરની તસવીર

ઇમેજ સ્રોત, AFP/Getty

ઇમેજ કૅપ્શન, સરકાર અને સરકાર દ્વારા નિમાયેલી વિવિધ કમિટીઓ અનુસાર વિદેશમાં અને દેશમાં કેટલું કાળુનાણું છે એ માટે કોઈ ચોક્કસ અંદાજિત આંકડો નથી.

મોદી સરકારે સરકાર બનતાની સાથે જ સુપ્રીમ કોર્ટના નિર્દેશના પાલન અનુસાર કાળું નાણું પકડવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (એસઆઈટી)ની રચના કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ તેના વડા બનાવાયા હતા અને તેમાં રેવન્યુ સચિવ, આઈબી, રો, સીબીડીટી, સીબીઆઈ, આરબીઆઈ સહિતની સંસ્થાઓના ઉચ્ચસ્તરીય પદાધિકારીઓને તેના સભ્ય બનાવાયા હતા. પૂર્વ જસ્ટિસ એમ. બી. શાહ તેના વડા બન્યા હતા.

હાલ મોદી સરકારની બીજી ટર્મ ચાલી રહી છે. પ્રથમ ટર્મમાં નાણામંત્રી અરુણ જેટલી આ મામલે નીતિગત નિર્ણયોમાં સામેલ હતા. પરંતુ તેમના નિધન પછી નિર્મલા સિતારમણે પદભાર સંભાળ્યા બાદ આ મામલે કોઈ નક્કર પગલાંઓની જાહેરાત નથી જોવા મળી.

ગત વર્ષે 2019માં આ ટીમના ડેપ્યુટી ચૅરમૅન જસ્ટિસ અરિજિત પસાયતે જાહેર કર્યું હતું કે એસઆઈટી દ્વારા કુલ 70 હજાર કરોડનું કાળું નાણું તપાસ કરતા ડિટેક્ટ થયું હતું. જેમાં 16 હજાર કરોડ રૂપિયા વિદેશમાં જમા રકમ (કાળું નાણું) હતી. સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આ નાણું ડિટેક્ટ થયું હોવાનું તેમણે કહ્યું હતું.

તદુપરાંત એસઆઈટી દ્વારા કાળું નાણું પેદા જ ન થાય એ માટે સરકારને કેટલીક ભલામણો પણ કરવામાં આવી હતી.

તેમણે એક ભલામણ એવી પણ કરી હતી કે 3 લાખ રૂપિયાથી વધુનો રોકડ વ્યવહાર ગેરકાનૂની ગણવામાં આવશે. સરકારે આ ભલામણ સ્વીકારી લીધી હતી.

વળી જસ્ટિસ પસાયતે એમ પણ કહ્યું કે ઘરમાં 15 લાખ રૂપિયાથી વધુની રોકડ જો મળી આવે તો તેને ગેરકાનૂની-બિનજાહેર ગણવામાં આવશે તે ભલામણ સ્વીકારવા મામલે સરકાર વિચારણા કરી રહી છે.

દરમિયાન સરકારે અત્યાર સુધી કેટલાક કાનૂનોમાં ફેરફાર કરી, કેટલાક નવા કાનૂન લાવી નવી યોજનાઓ અંતર્ગત કાળાં નાણાંને પકડવાં તથા પરત લાવવા પ્રયાસ કર્યો છે.

જેમાં સરકારે વર્ષ 2015માં બ્લૅક મની ઍન્ડ ઇન્મ્પોઝિશન ઑફ ટૅક્સ ઍક્ટ હેઠળ આવક જાહેર કરવાની સ્કીમ જાહેર કરી હતી. તેમાં સરકારે 69,350 કરોડ રૂપિયા રિકવર કર્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMKGY) હેઠળ પાંચ હજાર કરોડ રૂપિયા રિકવર કર્યા હતા.

બ્લૅક મની ઍક્ટ હેઠળ સરકારે એક વિન્ડો આપી હતી, જેમાં વ્યક્તિ કે સંસ્થા તેની બિનજાહેર વિદેશી સંપત્તિ જાહેર કરી શકે છે. તેમાં 650 લોકોએ વિદેશી બૅન્કોમાં જમા 4100 કરોડ રૂપિયાનું નાણું જાહેર કર્યું હતું.

ત્યારપછી બીજી બે વિન્ડો પણ પૂરી પાડવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ 'ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ' (આઈડીએસ) વર્ષ 2016માં 64,274 લોકોએ 65,250 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. જેના પર તેમને 45 ટકા ટૅક્સ લાગુ થયો છે.

જ્યારે પીએમકેજીવાય હેઠળ જાહેર થયેલી રકમ પર વ્યક્તિને 50 ટકા ટૅક્સ અને વધારાના 25 ટકા સરકાર યોજનામાં ફરજિયાત રોકાણ કરવાની શરત હતી. તથા બાકીનું ભંડોળ વ્યાજ વગર પરત થશે.

ત્યારબાદ બેનામી પ્રોપર્ટી ઍક્ટ હેઠળ 1600 ટ્રાન્ઝેક્શન ડિટેક્ટ કરીને 4300 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ આંકડો જૂન-2018 સુધીનો છે.

ઉપરાંત મૉરેશિયસ સાથે ઍન્ટિ-અવોઇડન્સ રૂલ્સ પણ અમલી કરાયા. જેમાં મૉરેશિયસના નાગરિક દ્વારા ભારતીય કંપની સાથે થતા વેચાણ-ટ્રાન્સફરના ટ્રાન્ઝેક્શન પર કૅપિટલ ગેઇન ટૅક્સ લગાવવાની સરકારને છૂટ મળી.

આથી મૉરેશિયસ કાળું નાણું રૂટ કરવાનો સૌથી મહત્ત્વનો માર્ગ હતો તેના પર સરકારે અંકુશ લગાવ્યો.

જોકે વર્ષ 2018માં કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલે દાવો કર્યો હતો કે મોદી સરકાર આવ્યા બાદ વિદેશમાં રહેલાં કાળાં નાણાંમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો છે.

તેમણે કહ્યું હતું કે નૉન-બૅન્કિંગ ડિપૉઝિટ ઘટીને વર્ષ 2017માં 524 મિલિયન ડૉલર્સ થઈ ગઈ છે. જે વર્ષ 2014માં 2.23 બિલિયન ડૉલર્સ હતી.

પરંતુ અત્રે એ નોંધવું કે તેમણે આ આંકડાઓ મામલે કોઈ સ્રોત કે રિપોર્ટને નહોતો ટાંક્યો. જેથી એના પર પણ સવાલ ઊઠ્યા હતા કે આ દાવો કેટલો સાચો છે.

line

કાળું નાણું અને નોટબંધી

ભારતની ચલણી નોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્લૅક મની ઍક્ટ હેઠળ સરકારે એક વિન્ડો આપી હતી જેમાં વ્યક્તિ કે સંસ્થા તેની બિનજાહેર વિદેશી સંપત્તિ જાહેર કરી શકે છે. તેમાં 650 લોકોએ વિદેશી બૅન્કોમાં જમા 4100 કરોડ રૂપિયાનું નાણું જાહેર કર્યું હતું.

મોદી સરકારનો સૌથી વિવાદિત નિર્ણયમાંનો એક એટલે નોટબંધી. સરકારે કાળાં નાણાંને ડામવા માટે પણ નોટબંધી લાદી હોવાનું કહ્યું હતું.

પરંતુ તેની સફળતા મામલે હંમેશાં તર્ક-વિતર્ક આપવામાં આવે છે. વર્ષ 2016માં નોટબંધી લાદવામાં આવી હતી. વિવેચકો આને એક તદ્દન નિષ્ફળ પગલું ગણાવે છે. અને વિપક્ષના મતે ભારતની અર્થવ્યવસ્થાને આનાથી જંગી નુકસાન થયું છે.

રિઝર્વ બૅન્કે નોટબંધી પાછળ સરકારની તિજોરીમાંથી 21 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા. કેન્દ્રીય બૅન્કના વર્ષ 2017-2018ના રિપોર્ટ અનુસાર

8- નવેમ્બર,2016 પહેલાં દેશમાં ચલણમાં 500-1000ની નોટોની કુલ રકમ 15.41 લાખ કરોડ રૂપિયા હતી. જોકે કેન્દ્રીય બૅન્કે ખુદ તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે તેમાંથી 99.3 ટકાની નોટો પરત આવી ગઈ એટલે કે 15.3 લાખ કરોડ રૂપિયા બૅન્કોમાં પરત આવી ગયા હતા.

આથી આર્થિક બાબતોના જાણકારનો એવો મત હતો કે કાળું નાણું પકડવામાં નોટબંધીથી કોઈ ફાયદો નથી થયો અને તેનાથી કાળું નાણું રિકવર કરી શકાયું નથી.

સરકાર દ્વારા જાહેર ઉપરોક્ત રિપોર્ટ્સ દર્શાવે છે કે હજુ પણ વિદેશમાં મોટા પ્રમાણમાં કાળું નાણું જમા છે.

line

મોદી સરકાર કાળું નાણું પરત કઈ રીતે લાવશે?

બે હજાર રૂપિયાની નોટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બેનામી પ્રોપર્ટી ઍક્ટ હેઠળ 1600 ટ્રાન્ઝેક્શન ડિટેક્ટ કરીને 4300 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ આંકડો જૂન-2018 સુધીનો છે.

અત્યાર સુધી સરકારે ઇન્કમ-ટૅક્સ ઍક્ટ, બેનામી સંપત્તિ ઍક્ટ, ફૉરેન ઍક્સચેન્જ મેનૅજમેન્ટ ઍક્ટ, પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ, ઇન્ડિયન પીનલ કૉડ, એનડીપીએસ ઍક્ટ, ભ્રષ્ટાચાર વિરોધી કાનૂન, બૅન્કિંગ મામલાના કાનૂનોમાં સુધારા કરીને તેને વધુ કડક બનાવવાની કોશિશ કરી છે. ઉપરાંત કેટલાક નવા કાનૂન પણ લવાયા છે.

જેના અંતર્ગત આઈડીએસ જેવી યોજનાઓ લાવીને તથા કેટલાક કેસોનું ઇન્વેસ્ટિગેશન કરીને અને બેનામી સંપત્તિ-બિનહિસાબી રકમને ડિટેક્ટ કરીને કાળું નાણું ડામવા કોશિશ કરાઈ છે.

પણ તેમ છતાં વિપક્ષ અને કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ પ્રયાસ પૂરતા નથી અને કાળાં નાણાં મામલે જોઈએ એટલી સફળતા મળી નથી.

પરંતુ ભાજપ અને મોદી સરકાર તેના બચાવમાં કહેતી આવી છે કે પહેલાં કરતાં હવે વિદેશમાં જમા કાળાં નાણાંમાં ઘટાડો થયો છે. જોકે એ વાત અલગ છે કે આ મામલે કોઈ આધાર કે સ્રોતને નથી ટાંકવામાં આવ્યો.

સ્વિટ્ઝર્લૅન્ડ સાથે પણ ભારત સરકારની ઑટોમૅટિક ઍક્સચેન્જ ઑફ ઇન્ફર્મેશન સંધિ થયેલી છે. બે વખત સ્વિટ્ઝર્લૅન્ડ ભારત સરકાર સાથે સ્વિસ બૅન્કમાં ભારતીય ખાતાધારકોની વિગતો શૅર કરી છે. 31 લાખ ખાતાધારકોની માહિતી સરકાર સાથે વહેંચવામાં આવી હતી.

વળી જર્મની અને ફ્રાન્સ સાથે પણ સંધિ હોવાથી તેઓ પણ આવી માહિતીઓ ભારતને સોંપી શકે છે. ભારત સરકારનું સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ ડિપાર્ટમેન્ટ આ મામલે સહયોગી દેશને માહિતી માટે વિનંતી પણ કરી શકે છે.

વૈશ્વિક સ્તરે કૉમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ કાર્યક્રમ હેઠળ ઑટોમેટિક ઇન્ફર્મેશનની અદલાબદલી થાય છે. જેમાં કેટલાક દેશોનો સમૂહ તેમાં માહિતીઓ શૅર કરતો રહે છે.

ઉદાહરણ તરીકે સ્વિસ બૅન્ક ખાતાધારકનું નામ, બૅન્કમાં રહેલી રકમ અને તેનું જ્યાંનું સરનામું છે અને ટૅક્સ ચૂકવવાનો છે તે દેશનું નામ- આ વિગતો સ્વિટ્ઝર્લૅન્ડના ટૅક્સ અધિકારીઓને પૂરી પાડે છે.

આ માહિતી તેઓ જે દેશ સાથે સંધિ છે તેની સાથે શૅર કરશે. આથી સરકાર પાસે માહિતી આવશે અને તેનાથી તે વિદેશમાં રહેલાં નાણાં વિશે ખાતાધારકે દેશમાં ટૅક્સ ચૂકવ્યો છે કે નહીં તે તપાસી શકશે.

જોકે આ મામલે હવે પડકાર એ સર્જાયો છે કે ખાતાધારકો અને કંપનીઓ પોતાનું નાણું અમેરિકા શિફ્ટ કરી રહ્યા છે, કેમ કે અમેરિકા આ કૉમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડમાં સામેલ નથી. જોકે ભારત સાથે તેની ટૅક્સ મામલાની સંધિ છે. પણ સંધિ એવી છે કે અમેરિકા ભારતને માહિતીઓ આપવા માટે બાધિત નથી.

ભારતમાં કરચોરી, કર ટાળવો અને કાળું નાણું આ ત્રણેય બાબતોને અલગ રીતે જોવામાં આવે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે ત્રણેય બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. અને તે કાળાં નાણાંનું સર્જન જ કરે છે.

line

કાળાં નાણાનું દૂષણ દૂર થશે?

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

ઇમેજ કૅપ્શન, રિઝર્વ બૅન્કે નોટબંધી પાછળ સરકારની તિજોરીમાંથી 21 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યાં.

આ સમગ્ર મામલે બીબીસીએ આર્થિક બાબતોના જાણકાર પ્રો. હેમંતકુમાર શાહ સાથે વાતચીત કરી.

અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "કાળાં નાણાંનો પ્રશ્ન જટિલ છે. તેનો ઉકેલ કોઈ એક દિશામાં પગલાં લેવાથી નહીં આવશે. તેમાં રાજકારણ પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે."

તેમણે ઉમેર્યું, "રાજકીય પક્ષોને થતું ફંડિગ પણ એક મહત્ત્વની બાબત છે, કેમ કે આમાં પારદર્શિતા નથી. એટલે કંપનીઓએ પાર્ટીને ફંડ આપવા નાણાંની જરૂર પડે. આ ફંડ ઊભું કરવા માટે કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરવો પડે. એટલે આવી રીતે બંનેનું કામ થઈ જાય."

"બીજી વાત એ છે કે દેશમાં કરચોરી મામલે કડક દંડ કે સજાનાં ઉદાહરણો નથી. એટલે કોઈને એટલો ડર નથી. કાયદાનું સરખું પાલન પણ નથી થતું. મિલીભગતથી બધું ચાલતું રહે છે."

"જીડીપીના અમુક ટકા કાળું નાણું અર્થતંત્રમાં ફરતું રહે છે. તે દેશમાં જ વપરાય છે. જોકે વિદેશમાં રહેલાં નાણાં વિશે કહેવું મુશ્કેલ છે, કેમ કે તે કેટલું છે અને ક્યાં છે તથા કોનું છે એની સ્પષ્ટ સાચી વિગતો વધુ પ્રકાશમાં નથી આવતી."

"પરંતુ કાયદામાં કડકાઈ અને તેનું કડકથી અમલ થાય એ જરૂરી છે, કેમ કે દેશમાં કાળું નાણું પેદા થાય છે એ વાસ્તવિકતા છે. સરકારે મોટા લોન ડિફોલ્ટરો સામે પગલાં લેવાં જોઈએ, કેમ કે તેમની પાસે પણ સંપત્તિ હોવા છતાં તેઓ લોન ડિફોલ્ટ કરે છે. જેથી સમસ્યા પેદા થાય છે."

line

સ્વિસ બૅન્કમાં નાણાં કઈ રીતે જમા થાય છે?

ઝ્યુરિખમાં દુનિયાની મોટી બૅન્ક યુબીએસની ઑફિસની બહાર કોતરવામાં આવેલો શબ્દ બૅન્ક.

ઇમેજ સ્રોત, FABRICE COFFRINI/Getty

ઇમેજ કૅપ્શન, આર્થિક બાબતોના જાણકારનો એવો મત હતો કે કાળુ નાણું પકડવામાં નોટબંધીથી કોઈ ફાયદો નથી થયો અને તેનાથી કાળુ નાણું નથી રિકવર કરી શકાયું.

હવે બીજો સવાલ કે કાળું નાણું સ્વિસ બૅન્કોમાં પહોંચે છે કેવી રીતે? આ જાણવા માટે એ જાણવું જરૂરી છે કે સ્વિસ બૅન્કોમાં ખાતું કેવી રીતે ખોલવું?

18 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ સ્વિસ બૅન્કમાં ખાતું ખોલાવી શકે છે.

જોકે, બૅન્કને એવું લાગે કે જમા કરાવનાર વ્યક્તિ કોઈ ખાસ રાજકીય હેતુથી આવું કરી રહી છે અથવા જમા થનાર નાણાં ગેરકાનૂની છે તો બૅન્ક અરજીને રદ પણ કરી શકે છે.

એક રિપોર્ટ મુજબ, સ્વિટ્ઝર્લૅન્ડમાં લગભગ 400 બૅન્કો છે, જેમાં યુબીએસ અને ક્રેડિસ સુઇસ ગ્રૂપ સૌથી મોટાં છે. આ બંને પાસે બધી બૅન્કોની કુલ બૅલેન્સશિટનો અડધાથી વધારે ભાગ છે.

સૌથી વધુ ગોપનીયતા 'નંબર્ડ એકાઉન્ટ'માં મળે છે. આ ખાતાંઓ સાથે જોડાયેલી બધી માહિતી એકાઉન્ટ નંબર આધારિત હોય છે, કોઈ નામ નથી હોતાં.

બૅન્કોમાં અમુક લોકોને જ ખબર હોય છે કે આ ખાતું કોનું છે, પરંતુ તે સહેલાઈથી જાણી શકાતું નથી.

એવું કહેવાય છે કે જે લોકો પકડાવા નથી માગતા તેઓ બૅન્કના ક્રૅડિટ-કાર્ડ, ડેબિટ-કાર્ડ અથવા ચેક જેવી સુવિધા નથી લેતા.

આ સિવાય જો આ બૅન્કોમાં તમારું ખાતું હોય અને તેને બંધ કરવું હોય તો પણ સહેલું છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો