શું ભારતીય અર્થતંત્ર મંદીથી તેજી તરફ આગળ વધી રહ્યું છે?

- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
શું ભારતીય અર્થતંત્ર હવે રિકવરીના રસ્તે ચાલી પડ્યું છે? આનો સીધોસટ અને સરળ જવાબ છે, હા, કારણકે મહામારીના ભયંકર મારથી નકારાત્મક વિકાસદરના પાતાળથી પસાર થઈને દેશનું અર્થતંત્ર પાછલા ત્રિમાસિક ગાળામાં હકારાત્મક વિકાસદર સુધી પહોંચ્યું અને હાલ અંતિમ ત્રિમાસિક ગાળામાં હકારાત્મક વિકાસ જારી છે.
વિશ્વના છઠ્ઠા સૌથી મોટા અર્થતંત્રમાં એપ્રિલ-જૂન 2020ના ત્રિમાસિક ગાળામાં -23.9 ટકાની પડતી નોંધાઈ હતી.
હવે અનુમાને છે કે આ વર્ષે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિકગાળામાં 0.7 ટકાના હિસાબે હકારાત્મક વિકાસ નોંધાઈ શકે છે જ્યારે પાછલા ત્રિમાસિક ગાળામાં વિકાસનો દર 0.1 ટકા રહ્યો હતો.

કયા ક્ષેત્રોમાં વિકાસના સંકેત?

ઇમેજ સ્રોત, REUTERS
એપ્રિલ 2020ના મહિનાથી અર્થતંત્ર પર લૉકડાઉનની ખરાબ અસર અત્યંત ઊંડી મહેસૂસ થવા લાગી. પરંતુ સપ્ટેમ્બર માસમાં તેમાં થોડો સુધારો થવાનું શરૂ થયું. જરા નાણામંત્રાલયના આ આંકડા પર નજર કરો :
ઉપરના આંકડા અર્થતંત્રની રિકવરી તરફ ઇશારો કરે છે અને સરકાર આ જ આંકડા શૅર કરીને કહી રહી છે કે અર્થતંત્ર રિકવર થયું છે અને હવે તે આગળ વધી રહ્યું છે, પરંતુ કદાચ આ વાત અર્ધસત્ય છે.
જો 2020-21ના સમગ્ર નાણાકીય વર્ષના વિકાસદરને જોવામાં આવે તો ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીજ અનુસાર તે -11.5 ટકા હશે. એજન્સીએ 2021-22 નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રમાં હકારાત્મક 10.6 ટકાનું અનુમાન કરવામાં આવ્યું છે.
લૉકડાઉન બાદના બે-ત્રણ મહિનામાં 12 કરોડ કરતાં વધુ લોકો બેરોજગાર થઈ ગયા હતા.
ભારતીય અર્થતંત્ર પર નજર રાખનારી પ્રસિદ્ધ સંસ્થા ‘સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી’એ બીબીસી સાથે પોતાનો એક રિપોર્ટ શૅર કર્યો છે જે અનુસાર આ નાણાકીય વર્ષમાં વિકાસ નકારાત્મક રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO)ના એક અનુમાન અનુસાર, ભારતીય અર્થતંત્રને આ વર્ષે આઝાદી બાદ સૌથી ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડી શકે છે.
આ વખત તે 7.7 ટકા હિસાબે સંકોચાશે. આ રિઝર્વ બૅંક ઑફ ઇંડિયાના અનુમાન કરતાં વધુ છે જેણે 7.5 ટકાના હિસાબે સંકોચાશે એવું અનુમાન કર્યું હતું.
તેમણે નિકાસમાં 8.3 ટકાની પડતી અને આયાતમાં 20.5 ટકાની કમીનું અનુમાન કર્યું છે. તે સિવાય ડિમાંડમાં ખૂબ વધુ વધારો જોવા મળ્યો નથી. બૅંકો પાસેથી દેવાંની માગમાં ઘણી સુસ્તી જોવા મળી છે કારણ કે આ નાણાકીય વર્ષમાં મોટા ભાગના કૉર્પોરેટ્સે પોતાની યોજનાઓ રોકી દીધી છે.
પરંતુ નવેમ્બર, 2020થી ક્રૅડિટ ડિમાંડમાં તેજી આવી છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના રિપોર્ટ પ્રમાણે, 15 જાન્યુઆરી સુધી બૅંકોને ક્રૅડિટ ડિમાન્ડમાં 6.1 ટકાનો વધારો જણાવ્યો છે.

સરકારના V શૅપ રિકવરીના દાવોનો સત્ય

ઇમેજ સ્રોત, REUTERS
નાણામંત્રાલયથી માંડીને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા સુધી તમામ સરકારી સંસ્થાઓએ એ દાવો કર્યો છે કે રિકવરી V શૅપમાં થઈ રહી છે. તેનો અર્થ એ થયો કે લૉકડાઉન દરમિયાન તમામ ક્ષેત્રોમાં વિકાસનો દર નીચે ગયો અને રિકવરી દરમિયાન તમામ ક્ષેત્રોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
પરતું અમુક વિશેષજ્ઞ એ તર્ક આપે છે કે રિકવરી K શૅપમાં થઈ રહી છે, જેનો અર્થ એ છે કે અમુક ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે જ્યારે અમુક બીજા ક્ષેત્રોમાં કાં તો વિકાસની ઝડપ સુસ્ત છે કાં તો વિકાસ નથી થઈ રહ્યો. તે વિકાસની એક અસમાન રેખાની જેમ છે.
મુંબઈમાં નાણાકીય મામલાના વિશેષજ્ઞ અને પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બૅંકર પ્રણવ સોલંકીના વિચારમાં સંગઠિંત અને અસંગઠિત બંને ક્ષેત્રો માટે સમાનપણે વિકાસ નથી થઈ રહ્યો.
તેઓ કહે છે, “અમને ખબર છે કે જીડીપીની ગણતરીમાં અસંગઠિત ક્ષેત્રને સંપૂર્ણપણે સામેલ નથી કરાતું. કુલ્લે જ્યારે સંગઠિત ક્ષેત્રમાં અપેક્ષા પ્રમાણે ઝડપથી ઘટાડો થયો છે, અસંગઠિત ક્ષેત્ર મહામારીથી ખૂબ વધુ પ્રભાવિત થયું છે. રિકવરીમાં ફણ આ જ રુઝાન છે.”
તેઓ કહે છે કે સંગઠિત ક્ષેત્રમાં શરૂ થયેલો વિકાસ પણ સમાન નથી.
“તમે જુઓ કે ફાર્માસ્યૂટિકલ્સ, પ્રૌદ્યોગિકી, ઈ-રીટેલ અને સૉફ્ટવેર સેવાઓ જેવાં ક્ષેત્રોમાં મહામારી દરમિયાન પણ વિકાસ થઈ રહ્યો હતો અને હજુ પણ થઈ રહ્યો છે પરંતુ પર્યટન, પરિવહન, રેસ્ટોરાં અને હોટલ અને મનોરંજન જેવાં ક્ષેત્ર અત્યારે પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે.”

મહામારીનો માર

ઇમેજ સ્રોત, AFP
ભારતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ કેરળમાં રિપોર્ટ થયો હતો. જે વાતને હવે એક વર્ષ પૂરું થવાનું છે. ત્યાર બાદ 22 માર્ચના રોજ દિવસભરના જનતા કર્ફ્યૂ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચની સાંજે એ જ રાત 12 વાગ્યાથી 21 દિવસોના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી.
રેલ, રોડ અને હવાઈ મુસાફરી ઠપ, મૉલ અને બજાર બંધ, મશીનો બંધ, મૅન્યુફૅક્ચરિંગ સંપૂર્ણપણે બંધ.
લગભગ 135 કરોડની વસતીવાળા દેશનું વિશાળ અર્થતંત્ર એકદમથી રોકાઈ ગયું. કોરોડો દરરોજ કમાનારા મજૂરોને સેંકડો માઈલ દૂર પોતાનાં ઘરો સુધી પગપાળા ચાલીને જવું પડ્યું.
બીજી તરફ કોરોનાનો કહેર વધતો રહ્યો. ધીરે ધીરે ભારત અને સમગ્ર વિશ્વમાં તે એક સાર્વજનિક સ્વાસ્થ્ય સંક્ટ બની ગયું. પરંતુ આ સાથે તેણે વૈશ્વિક અર્થતંત્ર સાવ તળિયાઝાટક બનાવી દીધું અને જેના લપેટમાં ભારત પણ આવ્યું.
મેના અંતથી ધીરે-ધીરે લૉકડાઉનમાં ઢીલાશ થવા લાગી, જે સિલસિલો આજે પણ જારી છે. હજુ પણ અર્થતંત્ર સંપૂર્ણપણે ખૂલ્યું નથી, ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય ઉડાણો હજુ પણ (હાલ 31 જાન્યુઆરી સુધી) બંધ છે અને સિનેમાઘરોમાં 50 ટકા ક્ષમતાથી વધુ દર્શકોના પ્રવેશ પર હજુ પણ ઘણાં રાજ્યોમાં પ્રતિબંધ જારી છે.
પ્રણવ સોલંકી કહે છે કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટ સરકાર રિકવરીને ઝડપી બનાવવા માટે અને તેને આગળ વધારવા માટે કયાં પગલાં લેશે, તે વાતને લઈને મહત્ત્વપૂર્ણ હશે.
તેઓ કહે છે કે, “અર્થતંત્રને મહામારીથી જેટલું નુકસાન થયું છે તે એક વર્ષના બજેટથી ઠીક ન કરી શકાય પરંતુ રિકવરી સરકારના નેતૃત્વમાં થાય એ જરૂરી છે. જે માટે એ જોવાનું રહેશે કે સરકાર કેટલો ખર્ચ કરે છે અને ડિમાન્ડ પેદા કરવા માટે લોકોને કેટલી રાહત આપે છે.”



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












