'મેં મારા સસરાને ત્રીજી પત્ની ના લાવી આપી એટલે પતિએ તલાક આપી દીધા'

ઇમેજ સ્રોત, Julie Rupali
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારાં લગ્ન થયાં અને જાતભાતની માગણીઓ શરૂ થઈ. મારા પિતા લોહીપાણી એક કરીને બધી માગણી પૂરી કરતા. મારા સસરાએ મને કહ્યું કે ખાલી પેટ ભરવાથી કંઈ થતું નથી, મારા માટે બીજી પત્ની શોધી લાવ અને નહીં લાવે તો ઘરમાંથી કાઢી મૂકીશ. અને મને એટલી મારી કે હાથ તૂટી ગયો અને ઘરમાંથી કાઢી મૂકી."
આ શબ્દો છે પોતાનો સંસાર બચાવવા માટે 10 વર્ષથી સાસરિયાનો ત્રાસ સહન કરનાર શાયનાબાનો મન્સૂરીના.
35 વર્ષીય શાયનાબાનો દસમા ધોરણ સુધી ભણેલાં છે અને એમનાં લગ્ન 12 વર્ષ પહેલાં ઈડરના સુરપુર ગામના સરફરાઝ મન્સૂરી સાથે થયાં હતાં.
શાયનાબાનોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કે "લગ્ન થયાં એના ત્રણ વર્ષ સુધી ઘણું સારું રહ્યું, અમારે સુખી લગ્નજીવનમાં બે દીકરાઓનો જન્મ થયો. મારા પિતા પાસેથી એ નાનીમોટી માગણીઓ કરતા. મારો ભાઈ અને પિતા મારું લગ્નજીવન ટકી રહે એટલે દેવું કરીને પણ અમારી માગણીઓ પૂરી કરતા હતા."

'લગ્ન કરાવી આપવા માટે સતત દબાણ કરતા'

ઇમેજ સ્રોત, Julie Rupali
શાયનાબાનો કહે છે કે " મારા પિયરિયાં બધી મદદ કરતા હતા એટલે એમની માગણીઓ વધી ગઈ. એમણે નવો રસ્તો કાઢ્યો, એમણે કહ્યું કે હિંમતનગર રહેવા જઈએ તો કારની લે-વેચ અને ટ્રાવેલનો ધંધો વધે."
"એમની આ વાત સાંભળી મારા પિતાએ અમારું હિંમતનગરનું ચિસ્તિયાનગરનું ઘર અમને રહેવા માટે આપી દીધું. અહીં અમે બે પાંદડે થયાં અને પછી મારા સસરાએ રંગ દેખાડવાનું શરૂ કર્યું."
"એ અગાઉ બે લગ્ન તો કરી ચૂક્યા હતા. મારાં લગ્નના થોડા સમય પહેલાં એમની બીજી પત્ની ગુજરી ગઈ હતી. 64 વર્ષના મારા સસરાએ મને કહ્યું કે તારા આવ્યા પછી મારું ઘર સુખી થયું છે. હવે તું મને ત્રીજી પત્ની લાવી આપ તો હું સુખી થઈશ."
શાયનાબાનો કહે છે કે એમની આ માગણી સાંભળીને હું તો ગભરાઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મેં ના પાડી તો એમણે કહ્યું કે તારા ખાનદાનની આબરૂ છે. મારાં લગ્ન નહીં કરાવી આપે તો તને મારા દીકરાથી તલાક અપાવી દઈશ. એમનાં ત્રીજાં લગ્ન માટે મેં ના પાડી એટલે મારા પતિને ચડાવ્યા અને મને માર મરાવતા."
"છેવટે એમણે મારા પિતાનું હિંમતનગરનું ઘર અમને રહેવા આપ્યું હતું એ મારા પતિના નામે કરાવવાની જીદ પકડી. સ્થિતિ એવી થઈ કે મારા સસરા માટે મેં ત્રીજી પત્ની ના શોધી એટલે મને એટલી હદ સુધી મારી કે મારો જમણો હાથ તૂટી ગયો. અને મને મારા પિતાના ઘરે મૂકી ગયા."

'કુરિયરથી તલાક આપી દીધા છે'

ઇમેજ સ્રોત, Julie Rupali
શાયનાબાનોના પિતા મહંમદ મન્સૂરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારી દીકરીને ઘરે જ્યારે એના સસરા અને જમાઈ મૂકી ગયા ત્યારે મારી પાસે મારું હિંમતનગરનું મકાન અને દસ લાખ માગ્યા. એના સસરાએ ગમે તે ભોગે લગ્ન કરાવી આપવાનું કહ્યું."
"મેં ના પાડી એટલે મારી દીકરીના બંને દીકરા પોતાની પાસે રાખી લીધા અને કુરિયરથી 'તલાક તલાક તલાક' લખીને મારી દીકરીને તલાક આપી દીધા."
"અમે પોલીસ ફરિયાદ કરી તો એ લોકો મારું હિંમતનગરનું મકાન ખાલી કરીને સામાન સાથે ભાગી ગયા છે. મેં મારી દીકરીને લગ્નમાં આપેલું સોનું અને ચાંદી પણ લઈ ગયા છે."

શાયનાબાનો માનસિક બીમાર હોવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
શાયનાબાનોના પતિ સરફરાઝ મન્સૂરીનો સંપર્ક કરતાં તેઓએ બીબીસી સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે એ વાત સાચી છે કે તેમના પિતાએ બે શાદી કરી હતી. તેઓએ કહ્યું, "અમારાં ત્રણ ભાઈ-બહેનોના જન્મ પછી અમારી માતાનું અવસાન થયું હતું. ત્યારે છોકરાઓએ ભેગા થઈ બીજાં લગ્ન કરાવી આપ્યાં હતાં."
"શાયના કહે છે એમ અમે અમારા પિતાનાં ત્રીજાં લગ્ન કરાવવા માટે એની પાર કોઈ દબાણ કર્યું નથી. હા એ વાત સાચી છે કે અમે હિંમતનગરમાં એના પિતાના એટલે કે મારા સસરાના મકાનમાં રહેતા હતા, પણ શાયના માનસિક બીમાર છે એટલે આવા આક્ષેપો કરે છે. આ વાતમાં કોઈ દમ નથી."
"અમને અને અમારા કુટુંબને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. અમારી પાસે એ પાગલ હોવાના પુરાવા છે, અમે એ રજૂ કરી કોર્ટમાંથી જામીન લઈને હાજર થઈશું ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે."

પોલીસ શું કહી રહી છે?
બીબીસીએ જેમની પર ત્રીજાં લગ્ન કરવા બદલ પુત્રવધૂને મારીને કાઢી મૂકવાનો આરોપ છે એ શાયનાના સસરા અને સરફરાઝના પિતા ગફુરભાઈ મન્સૂરીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. તો એમના મોટા દીકરા મુસ્તાકે ગુજરાત બહાર હોવાથી કુટુંબના પણ સંપર્કમાં નહીં હોવાનું જણાવ્યું હતું.
આ કેસની તપાસ કરી રહેલા સાબરકાંઠા રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ચંદ્રિકાબહેન અસુંદ્રાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે શાયનાબાનોની ફરિયાદના આધારે તપાસ કરી રહ્યા છીએ. શાયનાબાનોને હાથમાં ઈજા થઈ છે, અમે શાયનાના સસરા, પતિ અને જેઠની તપાસ કરી રહ્યા છીએ."
"ટ્રિપલ તલાકના મુસ્લિમ મહિલા અધિકાર, ડૉમેસ્ટિક વાયૉલન્સ, દહેજ સમેત કડક ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. એમની તપાસ ચાલુ છે અને એમણે ફોન-નંબર બદલ્યા છે, પણ અમે એમના સંબંધીઓના નંબર ટ્રેસ કરી ઝડપથી પકડી લઈશું. તેઓ અલગઅલગ ફોન કરીને એમનું લૉકેશન બદલી રહ્યા છે, પરંતુ ઝડપથી ઝડપાઈ જશે."
(પરિણિતમહિલાની વેદનાને વાચા આપતી આ કહાણી સૌપ્રથમ વખત વર્ષ 2021માં પ્રકાશિત થઈ હતી)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












