વડોદરા : 'કરોડપતિ થવાની દીકરાની લાલચે' આખા પરિવારનો ભોગ લીધો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડોદરામાં કથિત સામૂહિક આત્મહત્યાનો કિસ્સો ઘણો ચર્ચાસ્પદ બન્યો છે. રાવપુરાની કાછિયા પોળમાં છેલ્લા કેટલાક દિવસોથી માતમ છવાયેલો છે. કથિતરૂપે રાતોરાત કરોડપતિ થવાની દીકરાની ઇચ્છા પરિવાર માટે ગંભીર પરિણામો લાવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

જોકે, બીજી બાજુ એવું પણ કહેવાઈ રહ્યું છે કે પિતાએ જ કથિત રીતે પત્ની-પુત્રની હત્યા કરી અને પછી ખુદ આત્મહત્યા કરી લીધી.

(આ અહેવાલની વિગતો આપને વિચલિત કરી શકે છે. આત્મહત્યા એ એક ગંભીર સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને તેને ટાળી શકાય છે. એ માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.)

બનાવની વાત કરીએ તો, રિપોર્ટ અનુસાર વડોદરાના એક પરિવારનો દીકરો કથિતરૂપે રાતોરાત કરોડપતિ બનવા માગતો હોવાથી શૅરબજારમાં સટ્ટો રમ્યો હતો અને લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેને લીધે તેના પિતાએ દેવું ચૂકવવા માટે લોકો પાસેથી નાણાં ઉધાર લીધાં હતાં. આમ પરિવાર એક ગાઢ સંકટમાં ફસાઈ ગયો હતો અને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું હતું.

વડોદરા શહેરના રાવપુરાની કાછિયા પોળમાં ભાડાના મકાનમાં રહેતા મુકેશ પંચાલ અને પત્ની નયના પંચાલને એકનો એક દીકરો હતો.

અહેવાલો અનુસાર પરિવારની આર્થિક સ્થિતિ એટલી વિકટ બની હતી કે પિતાએ દીકરા અને પત્નીની હત્યા કરી દીધી અને પછી ખુદ આત્મહત્યા કરી લીધી.

જોકે પોલીસ પણ હજુ સુધી કોઈ ચોક્કસ તારણ પર આવી શકી નથી.

પરિવારની હાલત એવી બની છે કે તેમના અંતિમસંસ્કાર માટે મૃતદેહ લેવા સુધ્ધાં કોઈ હૉસ્પિટલમાં આવ્યું નહોતું.

ગ્રે લાઇન

પોળમાં રહેતા રહીશો શું કહે છે?

કાછિયા પોળની તસવીર

ઇમેજ સ્રોત, prashant gajjar

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કાછિયા પોળમાં રહેતા રહીશો સાથે વાત કરવાની બીબીસીએ કોશિશ કરી.

પોળમાં રહેતાં રહીશ મધુબહેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મુકેશભાઈ સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને તેમનાં પત્ની નયનાબહેન પતિને આર્થિક ટેકો આપવા માટે ઘરમાં જ પાપડ, અથાણાં બનાવતાં હતાં. દંપતીની ઇચ્છા હતી કે તેમનો દીકરો સારો અભ્યાસ કરીને સારી નોકરી કરે. પરંતુ દીકરો તેમના કહ્યામાં નહોતો એવું લાગતું હતું. દીકરો શૅરબજારનું કામકાજ કરતો હતો અને તેમાં તેમને ખોટ ગઈ હતી જેથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયા કરતો.”

પોળમાં રહેતા એક અન્ય રહીશ વિવેક શાહ બીબીસીને જણાવે છે કે, “અમે અહીં જ રહીએ છીએ અને સવારે સાડા 6 વાગ્યે મુકેશભાઈના ઘરમાંથી બચાવો-બચાવોની બૂમો સંભળાઈ ત્યારે લોકો ઝડપથી ત્યાં દોડી ગયા હતા. ત્યાં દીકરાના હાથ બાંધેલા હતા અને ગળે ફાંસો ખાઈને તે લટકેલો હતો, જ્યારે નયનાબહેનના ગળામાં દુપટ્ટો વીંટાળેલો હતો અને મુકેશભાઈએ ગળા પાસે ખુદ બ્લૅડના ઘા મારેલા હતા. ફરશ પર લોહી હતું. અમે તરત જ પોલીસને જાણ કરી હતી. અમને લાગે છે કે મુકેશભાઈનો પરિવાર આર્થિક તંગીમા હતો એટલે તેમણે આપઘાત કર્યો હતો.”

વધુમાં તેઓ જણાવે છે, “જ્યારે મુકેશભાઈને એસ.જી. હૉસ્પિટલ લઈ જવાયા ત્યારે ઑપરેશન થિયેટરમાં જતાં પહેલાં તેમણે પોલીસ અને સ્થાનિક લોકોને કહ્યું હતું કે તેમની પાસે ખાવાના પણ પૈસા ન હતા જેથી તેમણે આ પગલું ભર્યું હતું.”

જોકે, તબીબોએ મુકેશભાઈને બચાવવાની ઘણી કોશિશ છતાં તેમને બચાવી શક્યા નહોતા.

એસ.જી. હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “અમે મુકેશભાઈને બચાવવાની કોશિશ કરી હતી પણ બ્લૅડના ઘા ઊંડા હોવાને લીધે તેમનું મોત થઈ ગયું. તેમના દીકરા મિતુલ અને પત્ની નયનાબહેનના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ ગયું છે. જેમાં દીકરાનું મોત શ્વાસ રૂંધાવાથી અને નયનાબહેનનું મોત ઝેરી દવા પીવાથી થયું હોવાનું બહાર આવ્યું છે. ત્રણેયના મૃતદેહો હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, પરંતુ મૃતદેહ લેવા માટે કોઈ પણ સંબંધી હૉસ્પિટલમાં નથી આવ્યું.”

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

ગ્રે લાઇન

દેવું અને નુકસાન

પોલીસ અધિકારી અભય સોની

ઇમેજ સ્રોત, prashant gajjar

ઇમેજ કૅપ્શન, પોલીસ અધિકારી અભય સોની

આ બનાવ વિશે વડોદરાના નાયબ પોલીસ કમિશનર અભય સોનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મુકેશભાઈને જ્યારે હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેમને ખૂબ જ દેવું થઈ ગયું હતું અને નાણાં નહીં હોવાથી તેમણે આપઘાત કર્યો છે. મુકેશ ખુદ સિક્યૉરિટી ગાર્ડ હતા. તેમનો દીકરો સ્નાતક થઈ ગયો હતો છતાં કોઈ કામધંધો નહોતો કરતો અને શૅરબજારમાં પૈસા લગાવતો હતો. જેમાં તેમને મોટું નુકસાન થયું હતું.”

“મકાનમાલિકે કાછિયા પોળનું મકાન પણ ખાલી કરવા કહ્યું હતું. જેથી તેમણે દાંડિયા બજારમાં એક મકાન ભાડે પણ લઈ લીધું હતું.”

પોલીસ અધિકારી અભય સોની વધુમાં કહે છે, “મુકેશભાઈને ગળામાં ઊંડા ઘા હોવાથી તેમની વધુ પૂછપરછ થઈ શકી નહોતી. તબીબી સલાહ અનુસાર સારવાર બાદ તેમનું નિવેદન લેવાનું હતું પરંતુ તેમનું મોત થઈ ગયું.”

“તેમના ઘરમાંથી તેમની તકલીફ વિશેના લખાણની એક ડાયરી મળી છે. એની તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો હાલના તબક્કે આપી શકાય તેમ નથી. પરંતુ પરિવાર આર્થિક તંગીમાં હતો અને શૅરબજારમાં ઘણું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પંચાલ પરિવારના કોઈ પણ સંબંધીએ હજુ સુધી પોલીસનો સંપર્ક કર્યો નથી. જ્યારે કોઈ અંતિમક્રિયા માટે આવશે ત્યારે વધુ ખુલાસા થઈ શકે છે.”

ગ્રે લાઇન

આંતરિક કલહ કારણભૂત?

મકાન

ઇમેજ સ્રોત, prashant gajjar

મૃતક મુકેશ પંચાલ સાથે સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરી ચૂકેલા સિક્યૉરિટી ગાર્ડ રમેશ કુશવાહા મુજબ મુકેશભાઈને તેમના દીકરાથી ઘણી આશાઓ હતી.

તેઓ બીબીસીને કહે છે, “મુકેશભાઈ કાયમ કહેતા કે હવે તેમનો દીકરો કમાતો થશે એટલે તેઓ સિક્યૉરિટી ગાર્ડ તરીકેનું કામ છોડી દેશે. પરંતુ તેમનો દીકરો તેમના પાનકાર્ડ અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે પર્સનલ લોન લઈને એ પૈસા શૅરબજારમાં નાખતો હતો.”

“ઊઘરાણીવાળા આવતા ત્યારે તે કહેતો કે શૅરબજારમાંથી પૈસા કમાઈને કરોડપતિ થઈ જશે પરંતુ તેમાં તેમને નુકસાન ગયું હતું. આથી મુકેશભાઈએ તમામ દસ્તાવેજી પુરાવાનો નાશ કરી નાખ્યો હતો. દીકરો દેવું કરતો અને નયનાબહેન તેને ટેકો આપતી હતાં, આથી ઘરમાં આંતરિક કલહ થયા કરતો હતો.”

ગ્રે લાઇન

માનસિક તણાવ

આ બનાવના એક અન્ય પાસાને સમજવા માટે બીબીસીએ મનોચિકિત્સક સાથે વાત કરી.

મનોચિકિત્સક ડૉક્ટર આર. એમ. ગુપ્તા કહે છે, “દરેક પિતાની ઇચ્છા હોય છે કે તેમનું બાળક તેમના કરતાં વધુ સુખી હોય. પરંતુ આ કેસમાં દીકરાએ કૉલેજમાં અન્યોને છૂટથી પૈસા વાપરતા જોયા હશે અને તેની અસર તેના જીવનમાં થઈ હશે. એટલે તેણે પણ ઝડપથી પૈસા કમાવવાની કોશિશ કરી હશે.”

“પરિવારે ભલે કરકસર કરીને ભણાવ્યો હોય છતાં આવી અસરના લીધે તે વૈભવી જીવન તરફ આકર્ષાયો. તેની લોન અને શૅરબજારની વૃત્તિના લીધે પરિવાર મુશ્કેલીમાં મુકાયો. બીજી બાજુ જો પત્ની દીકરાની તરફેણ કરતી હોય તો, વ્યક્તિ ડિપ્રેશનમાં આવી શકે છે. આથી આવું પગલું ભરી શકે છે. તીવ્ર તણાવ અને ઘરકંકાસથી કંટાળીને વ્યક્તિ હિંસક બની જાય ત્યારે ભાગ્યે જ આવા બનાવ બને છે.”

રેડ લાઇન
રેડ લાઇન