પોતાને 'ઈસુ' ગણાવતો એ 'બાબા' જે એકસાથે 18 શિષ્યાઓ સાથે રહેતો અને શિષ્યોને હત્યા કરવા ઉશ્કેરતો

ઇમેજ સ્રોત, EVERETT COLLECTION INC/ALAM
લેસ્લી વેન હાઉટેન એક કુખ્યાત સંપ્રદાયના મૃત્યુ પામેલા વડા ચાર્લ્સ મેન્સનનાં શિષ્યા છે. બે લોકોની ઘાતકી હત્યા માટે 50 વર્ષનો કારાવાસ ભોગવ્યા પછી તાજેતરમાં જ જેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં.
લેસ્લી હાલ 73 વર્ષનાં છે. 1969માં તેઓ 19 વર્ષનાં હતાં ત્યારે તેઓ મેન્સન ફેમિલીનાં સભ્ય હતાં. 1969માં લૉસ એન્જિલિસમાં કરિયાણાના એક વેપારી અને તેમનાં પત્નીની હત્યામાં તેઓ સામેલ હતાં.
કેલિફૉર્નિયાના ભૂતપૂર્વ ગવર્નરોએ તેમની જામીન અરજીને મંજૂરી આપી ન હતી, પરંતુ રાજ્યની અદાલતે બાદમાં તેમના નિર્ણયને ઊલટાવી દીધા હતા.
તેઓ હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવેલાં, આ સંપ્રદાયના સૌથી નાની વયનાં સભ્ય હતાં. લેસ્લીએ કરિયાણાના વેપારીનાં પત્ની રોઝમેરીને પકડી રાખ્યાં હતાં અને બીજા કોઈએ રોઝમેરીને છરીના ઘા માર્યા હતા. લેસ્લીએ બાદમાં કબૂલ્યું હતું કે રોઝમેરી મૃત્યુ પામ્યાં પછી પણ તેમણે તેમનાં પર છરીના ઘા માર્યા હતા.
આ બેવડી હત્યાના ચાર દિવસ પહેલાં અભિનેત્રી શેરોન ટેટે અને ચાર અન્ય લોકોની હત્યા કરવામાં આવી હતી.
લેસ્લીના વકીલ નેન્સી ટેટ્રીઓલ્ટે બીબીસીને જણાવ્યુ હતું કે લેસ્લીને ત્રણ વર્ષ માટે જામીન પર મુક્ત કરવામાં આવી શકે છે.
વકીલે દાવો કર્યો હતો, "લેસ્લીએ ખુદને સંપ્રદાયથી અલગ કરવાના અને ગુનાઓની જવાબદારી સ્વીકારવાના ઘણા પ્રયત્ન કર્યા. લેસ્લીએ લાંબો સમય લીધો, પરંતુ ઘણાં વર્ષો સુધી થેરપી લીધા પછી લેસ્લીને તેમણે જે કર્યું હતું તેનો પસ્તાવો છે."

એક ખતરનાક સંપ્રદાય

ઇમેજ સ્રોત, Getty Images
ચાર્લ્સ મેન્સનને અમેરિકાના સૌથી કુખ્યાત ‘માર્ગદર્શક’ ગણવામાં આવે છે. તેમણે તેમના અનુયાયીઓને વંશીય યુદ્ધ શરૂ કરવાના ઇરાદાથી નવ લોકોની હત્યા માટે ઉશ્કેર્યા હતા. તેઓ માનતા હતા કે એ હત્યાઓથી શ્વેત અને અશ્વેત લોકો વચ્ચે વંશીય યુદ્ધ શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સાત ક્રૂર હત્યા પછી ચાર્લ્સને અમેરિકાના સૌથી કુખ્યાત સંપ્રદાયના વડાઓ પૈકીના એક માનવામાં આવતા હતા. ચાર્લ્સ હત્યા સમયે હાજર ન હતા, તેમ છતાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
બાદમાં કેલિફૉર્નિયાએ મૃત્યુદંડની સજા નાબૂદ કરી પછી ચાર્લ્સની સજાને પણ આજીવન કારાવાસમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ચાર્લ્સ 2017માં 83 વર્ષની વયે જેલમાં કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.

કેટલા લોકોની હત્યા કરવામાં આવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેન્સન સંપ્રદાય દ્વારા કેટલાક પ્રખ્યાત લોકોની હત્યા કરવામાં આવી હતી તેમાંથી એક અભિનેત્રી શેરોન ટેટે હતાં.
એવી જ રીતે 1989ની નવમી ઑગસ્ટે કુબેર કૉફી બિઝનેસના વંશજ એબિગેઇલ ફોલરની લૉસ એન્જિલિસમાં તેમના પતિ રોમન પોલાન્સકીના ભાડાના ઘરમાં હત્યા કરવામાં આવી હતી.
10 ઑગસ્ટની રાતે કરિયાણાના એક વેપારી, તેમનાં પત્ની અને પરિવારના અન્ય ત્રણ સભ્યની હત્યા કરવામાં આવી હતી.
મેન્સન સંપ્રદાયે તેના શિષ્યોને શક્ય તેટલી ભયાનક રીતે હત્યા કરવા જણાવ્યું હતું. પીડિતોને છરા મારવામાં આવ્યા હતા, ફાંસી આપવામાં આવી હતી અને ગોળી પણ મારવામાં આવી હતી.
સંપ્રદાયના નેતા ચાર્લ્સ મેન્સન પર સંગીતનો ગાઢ પ્રભાવ હતો અને તેઓ પૉપસ્ટાર બનવા ઇચ્છતા હતા. તેમણે બીટલ્સનું ગીત ધ બીચ બૉયઝ પણ રેકૉર્ડ કર્યું હતું.
તેઓ બીટલ્સના પ્રચૂર ચાહક હતા. ખાસ કરીને બીટલ્સનાં ગીતો પિગીઝ અને હેલ્ટર સ્કેલ્ટરમાં વંશીય યુદ્ધની આગાહી કરવામાં આવી હોવાનો દાવો તેમણે કર્યો હતો.
લગભગ એક વર્ષ ચાલેલા અદાલતી ખટલા પછી ચાર્લ્સ અને તેમના ચાર અનુયાયી- સુઝાન એટકિન્સ, પેટ્રિશિયા ક્રેનવિકલ, ચાર્લ્સ વૉટસન તથા લેસ્લી વેન હાઉટેનને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.
લિનેટ નામની એક અન્ય છોકરીએ 1975માં પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડની હત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની બંદૂક જામ થઈ ગઈ હતી.
ચાર્લ્સ સામે સુનાવણી ચાલી રહી હતી ત્યારે તેમના સંપ્રદાયના અન્ય સભ્યોએ કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ન્યાય પ્રક્રિયામાં અવરોધ સર્જવા બદલ પણ તેમણે થોડો જેલવાસ ભોગવવો પડ્યો હતો.
સંગીત શિક્ષક ગેરી હિનમેનની પણ મેન્સન સંપ્રદાયના બે અનુયાયીઓએ 1969માં હત્યા કરી હતી. તેવી જ રીતે સ્ટંટમેન તથા રૅન્ચ પર કામ કરતા ડોનાલ્ડ શૉર્ટી શેયાની પણ હત્યા કરવામાં આવી હતી.

ચાર્લ્સ મેન્સનની કેટલીક ખાસ વાતો
- ચાર્લ્સ મેન્સનને અમેરિકાના સૌથી કુખ્યાત ‘ગુરુ’ માનવામાં આવે છે.
- તેમનો જન્મ 1934ની 12 નવેમ્બરે થયો હતો. તેઓ તેમની 16 વર્ષની માતાનું અનૌરસ સંતાન હતા.
- તેમણે વંશીય યુદ્ધ શરૂ કરવાના ઇરાદાથી તેમના અનુયાયીઓને નવ લોકોની હત્યા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
- અભિનેત્રી શેરોન ટેટ મેન્સન સંપ્રદાય દ્વારા જેમની હત્યા કરવામાં આવી હતી એવા પ્રખ્યાત લોકો પૈકીનાં એક હતાં.
- મેન્સન તેમના અનુયાયીઓને બને તેટલી ભયાનક રીતે હત્યા કરવાનું કહેતા હતા.

મોતના સંપ્રદાયના ખ્રિસ્તી નેતા

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના સિનસિનાટી, ઓહિયો ખાતે 1934ની 12 નવેમ્બરે જન્મેલા ચાર્લ્સ મિલિઝ મેડૉક્સ તેમના 16 વર્ષનાં માતા કેથરીન મેડોક્સનું અનૌરસ સંતાન હતા.
પુત્રના જન્મના થોડા સમય પછી કેથરીન મેડૉક્સે વિલિયમ મેન્સન સાથે લગ્ન કર્યાં હતાં અને ચાર્લ્સને સાવકા પિતાનું નામ મળ્યું હતું.
તેમનું બાળપણ બહુ મુશ્કેલ હતું. તેમનાં માતા કૅથરીન બહુ દારૂ પીતાં હતાં અને પેટ્રોલ પંપ લૂંટવાં બદલ તેમને 1939માં જેલમાં મોકલવામાં આવ્યાં હતાં.
1942માં જામીન પર મુક્ત થયા બાદ કૅથરીન આઠ વર્ષના પુત્ર સાથે સાંકડા રૂમમાં રહેતાં હતાં. પોતાના સંતાનને સરકારી આવાસમાં મોકલવાની અરજી તેમણે કરી ન હતી.
ચાર્લ્સ મેન્સનને કેથૉલિક અનાથાશ્રમમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાંથી 10 જ મહિનામાં એ ભાગી છૂટ્યો હતો.
દારૂની દુકાનમાં લૂંટ સાથે તેમણે ગુનાહિત જીવનનો પ્રારંભ કર્યો હતો. આગળ જતાં તેમણે અનેક સશસ્ત્ર લૂંટો પણ કરી હતી. ચાર્લ્સ 17 વર્ષનો થયો ત્યાં સુધીમાં તેને અનેક ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
જેલના એક કર્મચારીના જણાવ્યા મુજબ, "ચાર્લ્સ અસામાજિક તત્ત્વ હતો. જેલ પ્રશાસન સાથે બળવો કર્યા બાદ તેને ખતરનાક જાહેર કરવામાં આવ્યો હતો."
"જેલમાં સારા વર્તન પછી 1954માં એ માતા સાથે રહી શકે એટલા માટે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો."
ચાર્લ્સે 1955માં બધીર હૉસ્પિટલમાં કામ કરતાં રોઝલિન જીન વિલ્સ સાથે લગ્ન કર્યાં હતાં.
થોડા સમય પછી ચાર્લ્સને કારની ચોરી માટે પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તે હાજર ન થયો ત્યારે તેની સજા વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવી હતી.
તેમનાં પત્ની કોઈ બીજા સાથે રહેવા ચાલ્યાં ગયાં હતી અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

મેન્સન સંપ્રદાય લોકોને શું શીખવતો હતો?

ઇમેજ સ્રોત, EVERETT COLLECTION INC/ALAMY
ચાર્લ્સ મેન્સને એક વેશ્યા સાથે સોદો કર્યો હતો. એ વેશ્યાએ આંસુભરી આંખે અદાલતને અપીલ કરી હતી કે મેન્સન જેલની બહાર રહેશે તો એ તેની સાથે લગ્ન કરશે.
ન્યાયાધીશે તેની વાત માની લીધી હતી અને ચાર્લ્સ મેન્સનને કરવામાં આવેલી દસ વર્ષની સજા રદ્દ કરી હતી.
ચાર્લ્સ મેન્સને 1960માં ફરી વખત જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવેલી સજા ફરી ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ચાર્લ્સને મુક્ત નહીં કરવાની વહીવટીતંત્રની માગણી છતાં તેને 1967માં મુક્ત કરવામાં આવ્યો હતો. લગભગ અડધું જીવન જેલમાં વિતાવ્યા પછી ચાર્લ્સને સમજાયું હતું કે તે વાસ્તવિક જીવન જીવી શકે તેમ નથી.
મુક્તિ પછી તે સાન ફ્રાન્સિસ્કો ગયો હતો, જ્યાં તેની મુલાકાત મેરી બનિંગ નામનાં પુસ્તકાલય સહાયક સાથે થઈ હતી. તેમણે અન્ય મહિલાઓને પોતાની સાથે રહેવાની છૂટ આપવા મેરીને સમજાવ્યાં હતાં.
એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, એક સમયે તેમના ઘરમાં 18 મહિલા રહેતી હતી.
મોટા પ્રમાણમાં નશાકારક દવાઓ, ખાસ કરીને એલએસડીના પ્રભાવ હેઠળ ચાર્લ્સે પોતાને ગુરુ તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ અનેક સંપ્રદાય અને વિચારધારાઓને સમાવીને લોકોને ઉપદેશ આપતા હતા. તેમણે તેમના ઘણા શિષ્યોને ખાતરી કરાવી હતી કે તેઓ જ ઈસુ ખ્રિસ્ત છે.
મેન્સન અને તેમના ઘણા અનુયાયીઓ 1967 પહેલાં હિપ્પીઓની જેમ જૂની બસને શણગારીને સમગ્ર દેશના પ્રવાસે નીકળ્યા હતા.
થોડા સમય માટે પરિવાર બીચ બૉયઝ ડ્રમર ડેનિસ વિલ્સનના વૈભવી બંગલામાં રહેવા ગયો હતો. ત્યાં રહેવાથી મેન્સનના પ્રભાવ તથા પ્રસિદ્ધિમાં વધારો થયો હતો.
વિલ્સને તેમનો પરિચય અન્ય ઘણા સંગીતકાર તથા શો બિઝનેસના દોસ્તો સાથે કરાવ્યો હતો.

વંશીય યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters
વિલ્સનના મૅનેજરે બંગલામાંથી કાઢી મૂક્યા પછી મેન્સન એક નિર્જન યાર્ડમાં રહેવા ગયા હતા, જ્યાં તેમણે વ્હાઇટ આલબમમાંનું બીટલ્સનું ગીત હેલ્ટર સ્કેલ્ટર 1968માં રેકૉર્ડ કર્યું હતું.
મેન્સને બાળકોના રમતના મેદાનના ગીતને સંભવિત વંશીય યુદ્ધનું પૂર્વદર્શન ગણાવ્યું હતું. મેન્સનનું દુષ્ટ દિમાગ એવું માનતું હતું કે એ યુદ્ધમાં અશ્વેત લોકોનો વિજય થશે, પરંતુ નવા સામાજિક માળખાની રચના માટે તેમણે પરિવારની મદદ તથા માર્ગદર્શનની જરૂર પડશે.
મેન્સને 1969ની આઠમી ઑગસ્ટે તેમના સંપ્રદાયના ચાર સભ્યને રેકૉર્ડ નિર્માતા ટેરી મેલ્શરના ઘરે મોકલ્યા હતા. જે મળે તેની હત્યા કરવાનો આદેશ તેમને આપવામાં આવ્યો હતો. મેલ્શેરે આલ્મબ બહાર પાડવાના મેન્સનને કરાર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.
મેલ્શેરે પોતાનું ઘર ફિલ્મ નિર્દેશક રોમન પોલાન્સ્કી અને તેમનાં અભિનેત્રી પત્ની શેરોન ટેટેને ભાડે આપ્યું હતું.
મેન્સને મોકલેલી ટોળકીએ પહેલાં ઘરની બહાર જોવા મળેલા 18 વર્ષના યુગલની હત્યા કરી હતી અને પછી ઘરમાં રહેલા ચાર લોકોની હત્યા કરી હતી.
એ વખતે પોલાન્સ્કી ધંધાના કામ માટે લંડનમાં હતા. તેમનાં પત્ની શેરોન ટેટે સાડા આઠ મહિનાના ગર્ભવતી હતાં. તેમના લોહીની ધારથી ઘરની બહાર ડુક્કર શબ્દ લખવામાં આવ્યો હતો.
એ પછીની રાતે મેન્સન તેના સંપ્રદાયના છ સભ્યોને લઈને કરિયાણાના વેપારી લીનો લેબિનાકા અને તેમનાં પત્ની રોઝમેરીને ઘરે લઈ ગયા હતા. લોનો અને રોઝમેરીને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે, હુમલો શરૂ થાય એ પહેલાં મેન્સન ભાગી છૂટ્યો હતો.
તેમનો છેલ્લો શિકાર ડોનાલ્ડ શેયા હતા. મેન્સને ડોનાલ્ડને ખતમ કરવા સંપ્રદાયના એક સભ્ય સ્ટીવ જોર્ગનને મોકલ્યો હતો. તેણે પોલીસને બાતમી આપી હોવાની મેન્સનને શંકા હતી.
ડોનાલ્ડ શેયાનો મૃતદેહ 1977 સુધી મળ્યો ન હતો. પોતે આઠ વર્ષ અગાઉ જે સ્થળે મૃતદેહ દાટ્યા હતા એ સ્થળે સ્ટીવ પોતે પોલીસને લઈ ગયા હતા.

શિષ્યોનાં કારનામા

ઇમેજ સ્રોત, MANSON DIRECT/POLARIS/EYEVINE
સંપ્રદાયની સભ્ય સુઝાન ઍટકિન્સ જેલમાં હતી ત્યારે બે અન્ય કેદીની હત્યાની કબૂલાત કરી હતી. એ બે કેદીએ જેલના સત્તાવાળાઓને સુઝાન વિશેની બાતમી આપી હતી.
ચાર્લ્સ મેન્સનના સંપ્રદાય વિશેની ચર્ચા હજુ પૂર્ણ થઈ નથી. તેમના એક અનુયાયી લિનેટ સ્વીસ્કી ફ્રૉમને 1975માં તત્કાલીન પ્રમુખ ફોર્ડની હત્યાના પ્રયાસ બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
મેન્સન લોકોની નજરમાંથી દૂર ગયા ન હતા. તેમણે 1980ના દાયકામાં જેલમાંથી ચાર ટીવી ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
સદીના અંત સુધીમાં ગુરુ અને શિષ્યોના આ જૂથે અમુક અંશે સંપ્રદાયનું સ્વરૂપ લઈ લીધું હતું. મેન્સનને સમર્પિત વેબસાઇટ પણ હતી. તેમણે હત્યાઓ કરાવી ત્યારે તેમના શિષ્યો પૈકીના કેટલાકનો તો જન્મ પણ થયો ન હતો.
મેન્સનના પ્રશંસકોમાં એક ઍફ્ટન અલ્ની સ્ટાર બર્ટન પણ હતી. 2017માં બર્ટન માત્ર 17 વર્ષની હતી ત્યારે તેણે મેન્સન સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. પોતે મેન્સન સાથે સગાઈ કરી હોવાની જાહેરાત બર્ટને બાદમાં કરી હતી, પરંતુ બન્નેએ ક્યારેય લગ્ન કર્યાં ન હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
ગાયિકા મેરિલીન મેન્સને અટક અપનાવી લીધી હતી, જ્યારે કેસેબિયન નામના એક બ્રિટિશ બૅન્ડને આ સંપ્રદાયના અન્ય એક સભ્ય લિન્ડા કેસેબિયનનું નામ આપવામાં આવ્યું હતું. પોતાના ભૂતપૂર્વ સહયોગીઓના નામ જાહેર કરીને લિન્ડા સજામાંથી બચી ગઈ હતી.
હેલ્ટર-સ્કેલ્ટરના લેખક અને ફરિયાદી વિન્સ્ટન બગલિઓસીએ એકવાર કહ્યું હતું, "મેન્સનનું નામ દુષ્ટતાનું પ્રતીક બની ગયું છે અને દુષ્ટનું પોતાનું આકર્ષણ હોય છે."
મેન્સને 12 વખત જામીન અરજી કરી હતી, જે તમામને ફગાવી દેવામાં આવી હતી.
આવો વિકૃત અને હિંસક સંપ્રદાય બનાવવાની પ્રેરણા મેન્સનને ક્યાંથી મળી હતી તે કોર્ટની સુનાવણીમાં કે અન્ય કોઈ સ્રોતમાંથી સ્પષ્ટ થયું નથી.
તેના અનુયાયીઓ તેમને અનુસરવા અને તેના માટે હત્યા જેવા ગુના કરવા કેમ પ્રેરાયા હતા એ તેનાથી પણ મોટો કોયડો છે.














