ઓર્જીઃ પ્રાચીન ગ્રીક અને રોમન લોકોનો સામૂહિક રતિક્રીડાનો ધમાલિયો ઉત્સવ વાસ્તવમાં શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ક્રિશ્ચિઅન જ્યોર્જ શ્વેન્ટઝેલ
- પદ, ધ કોન્વર્સેશન
ઓર્જી એટલે કે સેક્સ પાર્ટી એટલે કે સામૂહિક રતિક્રીડાનો ધમાલિયો ઉત્સવ. આ શબ્દનો ઉલ્લેખ થતાં ગ્રીક-રોમન પુરાતનતાની છબીઓ ઉભારે છે. તે ઓછાવત્તા અંશે, સ્વચ્છંદી સમ્રાટોને ચમકાવતી શૃંગારિક ફિલ્મો અથવા ફ્રેડેરિકો ફેલિનીની ફિલ્મ ‘સિટિરીકોન’ને આભારી છે.
આ શબ્દનો ઉપયોગ આજે તમામ પ્રકારના અતિરેકને વર્ણવવા માટે થાય છે.
આપણને ઓર્જી, તમામ પ્રકારનાં નૈતિક બંધનોથી મુક્ત પ્રાચીન સમાજમાં સામૂહિક રતિક્રીડાના ઉત્સવ જેવી વાત લાગે છે, પરંતુ વાસ્તવમાં તે શું હતી?
આ શબ્દ ગ્રીક ઓર્જીયા પરથી આવ્યો છે. તે ડાયોનિસસ જેવા દેવતાઓના માનમાં કરવામાં આવતી વિધિઓ સંબંધી છે. ડાયોનિસસ નામનો ગ્રીક સંપ્રદાય પ્રકૃતિના પુનર્જીવનની ઉજવણી કરતો હતો.
આ સંપ્રદાયો ‘રહસ્યમય સંપ્રદાય’ તરીકે ઓળખાતા હતા. એ સંપ્રદાયનાં રહસ્યો જાહેર ન કરવા વચનબદ્ધ થયા હોય તેવા પુરુષો અને મહિલાઓ પાસે જ હતા.
ઓર્જી શબ્દ સાથે ઉત્તેજના અને આવેગના વિચાર આવે છે.
'ઓર્જીજીસ્ટિક વિધિ' તેની રહસ્યમય સ્થિતિને કારણે ઓછી જાણીતી છે. તેનું તાત્પર્ય, સામૂહિક નશો પ્રાપ્ત કરવા માટેની ઉન્માદપૂર્ણ તથા હિંસક ક્રિયાઓ દરમિયાન જાતીય સ્વરૂપોનો ચાલાકીપૂર્વક ઉપભોગ કરવાનું હોઈ શકે.
જોકે, 18મી સદીના અંત અને 19મી સદીમાં, ખાસ કરીને ફ્રેન્ચ સાહિત્યમાં ઓર્જી શબ્દનો ઉપયોગ ગ્રૂપ સેક્સનો સંદર્ભ આપવા માટે કરવામાં આવ્યો ત્યાં સુધી એવું ન હતું. એ પહેલાં તે અકરાંતિયાની માફક આહાર અને મદ્યપાન કરવા સાથે સંકળાયેલો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુસ્તાવ ફ્લોબર્ટે 1839ની તેમની એક વાર્તામાં “વિનસ જેવી સુંદર, નગ્ન સ્ત્રીઓથી ભરપૂર ઓર્જી, નિશાચર પાર્ટી” એવી રીતે કર્યો હતો.

ગણિકાઓ અને માછલી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલબત, એક ઘટના તરીકે ઓર્જી આધુનિક શોધ ન હતી. સ્વાદિષ્ટ ભોજન અને શૃંગારિક આનંદની જોડીનું પ્રાચીન ગ્રંથોમાં સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
દાખલા તરીકે, ઇસવી પૂર્વેની ચોથી સદીમાં ગ્રીક વક્તા એસ્ચિન્સે ટિમાર્ચસ સામેની અરજીમાં તેના દુશ્મન પર “સૌથી વધુ શરમજનક ઇન્દ્રિયજન્ય આનંદ” માણવાનો અને “જેમાં ઉમદા માણસે લિપ્ત ન થવું જોઈએ, તેમાં અભિભૂત” થવાનો આરોપ મૂક્યો હતો.
પરંતુ તે પ્રતિબંધિત આનંદ શું છે?
તિમાર્કો વાંસળીવાદકો તથા ભ્રષ્ટ સ્ત્રીઓને પોતાના ઘરે આમંત્રિત કરે છે અને તેમની સાથે બેઠક કરે છે.
એ નોંધવું જોઈએ કે અહીં વાંસળીવાદકો માત્ર કળાકાર નથી. તેમને અહીં માત્ર તેમની કલાના પ્રદર્શન માટે જ બોલાવવામાં આવ્યા ન હતા. તે બેઠકમાં યુવા વેશ્યાઓ મહેમાનોની જાતીય માગને પણ સંતોષવાની હતી.
ઈસવી પૂર્વેની ચોથી સદીના વક્તાઓને ગણિકાઓની માફક મોંઘીદાટ માછલીઓ આરોગવાનું આકર્ષણ પણ હતું.
ડેમોસ્થેનિસે તેમની ‘પ્લી ઑન ધ ફૉલ્સ એમ્બેસી’માં વ્યભિચારના આ બે પાસાંઓને જોડ્યાં છે.
ઈસવી પૂર્વે 346માં ગ્રીક સૈન્યને ધમકી આપી રહેલા મેસોડેનિયાના રાજા કિંગ દ્વિતીય પાસે એથેન્સ શહેરે તેના રાજદૂતોને મોકલ્યા હતા, પરંતુ રાજાએ પોતાની શાહી મહત્ત્વકાંક્ષાને ટેકો મળે એટલા માટે એથેન્સના કેટલાક રાજદૂતોને ભ્રષ્ટ કર્યા હતા.
મેસેડોનિયાના રાજાએ જેમને ભ્રષ્ટ કર્યા હતા એ રાજદૂતો પૈકીના એક પર ડેમોસ્થેનિસે, ખોટા માર્ગે મેળવેલા પૈસા “વેશ્યાઓ તથા માછલીઓ”ની મોજ માણવા માટે લૂંટાવી દેવાનો આરોપ મૂક્યો હતો.
તે જાતીય અને પોષક એમ બન્ને પ્રકારના ખાઉધરાપણાનો બેવડો ગુનો હતો.

રોમન વ્યભિચાર

ઇમેજ સ્રોત, Getty Images
સેક્સ અને ઉત્તમ પ્રકારનું ભોજન સમાહિત હોય તેવા ભપકાદાર ભોજન સમારંભોનું વર્ણન રોમન ઇતિહાસકારોએ પણ કર્યું છે.
ઈસવી પૂર્વે 80માં રોમમાં સેક્સ પાર્ટીઓનું આયોજન કરનારા રાજકીય નેતાઓમાં સરમુખત્યાર સુલ્લા મોખરે છે. સુલ્લાને સેક્સ પાર્ટી યોજવાનો વિચાર પૂર્વ ગ્રીકમાંથી મળ્યો હોવાનું માનવામાં આવે છે. તેમણે પૂર્વ ગ્રીકમાં એક લશ્કરી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.
સુલ્લાએ અભિનેત્રીઓ અને સંગીતકારોની સાથે સવારથી મદ્યપાન શરૂ કર્યાનું વર્ણન પ્લુટાર્કે કર્યું છે.
એક બાજુ ગણિકાઓ સુંદર સંયોજન સાથે નૃત્ય કરતી હતી અને વેશ્યાઓ મૂક અભિનય કરતી હતી.
લેટિન ઇતિહાસકાર ગેયસ સુએટોનિયસે, રોમન સામ્રાજ્ય જુલિયો-ક્લાઉડિયસ રાજવંશના બીજા સમ્રાટ ટિબેરિયસને સ્વચ્છંદી સમ્રાટના અવતાર તરીકે રજૂ કર્યા છે. તેમણે તેમના કેપ્રી પેલેસમાં પોર્નોગ્રાફિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
તેમણે યુવા કળાકારોને ભરતી કરીને એક મંડળી બનાવી હતી અને એ મંડળી તેમની સામે ‘સ્પ્રિન્ટ્રીય’ તરીકે ઓળખાતી જાતીય પ્રવૃત્તિ કરતી હતી.
ટિબેરિયસનો અનુગામી કેલિગુલા મહેમાનોની નજર સામે તેમની સગી બહેનો સાથે સહશયન કરતા હોવાનું કહેવાય છે. વ્યભિચારી અને દેખાડો કરવાનો શોખીન એ માણસ એક જ સમયે બે નિયમોનું ઉલ્લંઘન કરતા હતા.
તેમણે તેમની પત્ની સિસોનિયાને ઘોડાની પીઠ પર યૌદ્ધાની જેમ અને નગ્નાવસ્થામાં એમ બન્ને રીતે બેસાડીને પ્રદર્શિત કરી હતી. એવું પણ કહેવાય છે કે મહારાણી સિસોનિયાને પતિનો આવાં કામમાં સાથ દેવાની મજા આવતી હતી, કારણ કે “વ્યભિચાર અને દુર્વ્યવહારમાં તેઓ પોતાની જાતને ખોઈ ચૂક્યાં હતાં.”
લાંબો સમય ચાલતા આવા સમારંભોમાં તમામ ઇન્દ્રિયોને સંતોષવામાં આવતી હતી. તે ભોજન, સંગીત અને દેહોના સંયોજનના સમારંભ હતા. તેમાં ગુલામો હૉલની છત પરથી ફૂલોનો વરસાદ વરસાવતા હતા અને અત્તર છાંટતા હતા.
‘હિસ્ટોરિયા ઑગસ્ટાના’ લેખકની વાત સાચી માનીએ તો ઈસવી સન 220ની આસપાસ એલાગાબાલના ભોજન સમારંભ દરમિયાન કેટલાક મહેમાનો “પોતાની જાતને મુક્ત ન કરી શકવાથી” ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.
જોકે, રોમન સામ્રાજ્યમાં આવા સમારંભો આજના કરતાં વધુ સામાન્ય ન હતા. તેથી પ્રાચીન લેખકોએ કરેલા સેક્સ પાર્ટીના વર્ણનોના અર્થ બાબતે આપણે ભૂલ ન કરવી જોઈએ.
તેનો ઉદ્દેશ સંયમ અને મિતાચારના નામે સ્વૈચ્છાચારની નિંદા કરવાનો હતો.
રોમન સામ્રાજ્યના ખ્રિસ્તીકરણને લીધે આ નૈતિક પરિપ્રેક્ષ્ય મજબૂત બન્યો હતો. તેનું એક સારું ઉદાહરણ સેન્ટ ઓગસ્ટિનના જહોન ધ બાપ્ટિસ્ટના શિરચ્છેદ સંબંધી ઉપદેશમાં જોવા મળે છે.
ગેલીલના ગવર્નર હેરોડ ઍન્ટિપાસના ભવ્ય ભોજન સમારંભ અને તેમાં કરવામાં આવેલા વાનગીઓના ઢગલા મહેમાનોનું ખાઉધરાપણું દર્શાવે છે.
તેમાં એન્ટિપાસ તેની ભત્રીજી સલોમને ડાન્સ કરવા કહે છે. ઉન્મત નૃત્ય દરમિયાન પોતાનાં સ્તન ઉજાગર કર્યાં પછી દુષ્ટ છોકરી પોતાની કળાના પ્રદર્શનના વળતર પેટે સેન્ટ જોન બાપ્ટિસ્ટના વડાના માથાની માગણી કરે છે.

રોમથી બેબીલોન સુધી

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રાચીન ગ્રંથોથી આગળ વધીએ. ડેમિયલ ચેઝેલની 2022ની ફિલ્મ ‘બેબીલોન’માં ઓર્જીનું એક લાંબું દૃશ્ય છે. તેમાં ઓર્જી બાબતે કોઈ સ્પષ્ટ નૈતિક વલણ જાહેર કરવામાં આવ્યું ન હતું. કદાચ આ જ કારણસર ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. વિવેચકોએ ફિલ્મની ઝાટકણી કાઢી હતી, જ્યારે ચાહકોએ તેને ‘વિઝ્યુઅલ ઓર્જી’ ગણાવીને વખાણી હતી.
(ક્રિશ્ચિઅન જ્યોર્જ શ્વેન્ટઝેલ યુનિવર્સિટી ઓફ ડી લોરેન ખાતે પ્રાચીન ઇતિહાસના લેખક છે)














