માણસનો પુનર્જન્મ શક્ય છે? વિજ્ઞાન શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રો. સુધાકર સિવાસુબ્રમણિયમ
- પદ, મનોમનિયમ સુંદરનાર યુનિવર્સિટી

- પ્રાચીન કાળના લોકો વિચારતા હતા કે મૃત્યુ પામેલી વ્યક્તિ ફરી જીવંત થશે
- ડૉ. સ્ટીવન્સને પુનર્જન્મની વાતો કરતાં આશરે 3,000 બાળકોની માહિતી એકત્ર કરી હતી. તેમણે ભારત, બર્મા, શ્રીલંકા અને ફ્રાન્સમાં પુનર્જન્મ વિશે સંશોધન કર્યું હતું
- જાણવા મળ્યું હતું કે એ 3,000 પૈકીનાં માત્ર બેથી છ વર્ષની વયનાં બાળકો જ તેમના આગલા જન્મનો અનુભવ જણાવી શક્યાં હતાં
- એ પૈકીનાં 90 ટકાનો જન્મ અગાઉના જન્મમાં તેઓ પુરુષ હતા તો પુરુષ સ્વરૂપે અને સ્ત્રી હતા તો સ્ત્રી સ્વરૂપે થયો હતો
- 60 ટકા બાળકો, પુનર્જન્મમાં વિશ્વાસ હોય તેવા ધાર્મિક પરિવારમાં જન્મ્યાં હતાં
- હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ પર ભાર આપે છે, જ્યારે મોટાભાગના ખ્રિસ્તી તથા ઈસ્લામી સંપ્રદાયો પુનર્જન્મનો ઈનકાર કરે છે

તામિલનાડુના થૂથુકુડી જિલ્લામાંનું અધિચલનાલ્લુર, ‘વૃદ્ધ પુરુષનું નિવાસસ્થાન’ પુરાતનસ્થળ છે. આપણા પૂર્વજોએ દાદા-દાદીનાં મૃતદેહોને કબરમાં રાખ્યા હતા. તેમણે મૃતદેહોના દફનાવવાને બદલે આ રીતે સલામત રાખ્યા હતા.
દાખલા તરીકે ઈજિપ્તના લોકોએ મૃતદેહોને જાળવી રાખવા માટે જંગી પીરામિડનું નિર્માણ આશરે 3,500 વર્ષ પહેલાં કર્યું હતું. એટલું જ નહીં, આપણાં શહેરોમાંની કબરો તથા પીરામિડમાં મૃતકોના મૃતદેહો તથા તેઓ જે ચીજોનો વપરાશ કરતા હતા તે સાચવી રાખવામાં આવી છે.
પ્રાચીન કાળમાં લોકો આ રીતે મૃતદેહોને શા માટે જાળવી રાખતા હતા? તેઓ તેમના પૂર્વજો જે ચીજોનો ઉપયોગ કરતા હતા તે પણ શા માટે જાળવી રાખતા હતા? તેનાં કારણો રસપ્રદ છે. તેઓ પુનર્જન્મમાં માનતા હતા.
પ્રાચીન કાળના લોકો વિચારતા હતા કે મૃત્યુ પામેલી વ્યક્તિ ફરી જીવંત થશે. તેનો આત્મા શરીર સાથે જાળવી રાખવામાં આવેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરશે. 2,000 વર્ષ પહેલાં લખવામાં આવેલા ‘સિલાપથિકરમ’માં પણ જણાવવામાં આવ્યું છે કે ગત જન્મમાં કરેલાં પાપ મનુષ્યને આ જન્મમાં પણ છોડતાં નથી.

પરામનોવિજ્ઞાન શું કહે છે?

ઇમેજ સ્રોત, ASI
પુનર્જન્મ વિશેની ફિલ્મોને પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. તે દર્શાવે છે કે આજે પણ લોકોને પુનર્જન્મમાં રસ છે.
મનોચિકિત્સક ઈયાન સ્ટીવનસન 1957માં અમેરિકાની વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટીના માનસશાસ્ત્ર વિભાગના વડા હતા. તેમને પણ પરામનોવિજ્ઞાનમાં વિશ્વાસ હતો. આધ્યાત્મિક મનોવિજ્ઞાન દૂરની વસતિની આસન્ન ગતિ, મૃત્યુના અનુભવ, પુનર્જન્મ, આત્મા સાથેના સંપર્ક અને અસામાન્ય ઘટનાઓનું મનોવૈજ્ઞાનિક અધ્યયન છે.
દુનિયાના અનેક હિસ્સાઓમાં બાળકોને તેમના પુનર્જન્મની વાતો કરતાં હોવાનું ડૉ. સ્ટીવન્સને સાંભળ્યું હતું. તેથી તેમણે એવાં બાળકો વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. તેમણે દુનિયામાંથી આશરે 3,000 બાળકોની માહિતી એકત્ર કરી હતી. તેમણે ભારત, બર્મા, શ્રીલંકા અને ફ્રાન્સમાં પુનર્જન્મ વિશે સંશોધન કર્યું હતું.
તેમને આખરે એ જાણવા મળ્યું હતું કે એ 3,000 પૈકીનાં માત્ર બેથી છ વર્ષની વયનાં બાળકો જ તેમના આગલા જન્મનો અનુભવ જણાવી શક્યાં હતાં અને એ બાળકો સરેરાશથી ઉંચી બુદ્ધિમત્તા ધરાવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટી વયનું એકેય બાળક તેના આગલા જન્મના અનુભવ જણાવી શક્યું ન હતું. એ બાળકોના જણાવ્યા અનુસાર, એમનાં પૈકીનાં 70 ટકા અગાઉના જન્મમાં અકાળે મૃત્યુ પામ્યાં હતાં. એ પૈકીનાં 90 ટકાનો જન્મ અગાઉના જન્મમાં તેઓ પુરુષ હતા તો પુરુષ સ્વરૂપે અને સ્ત્રી હતા તો સ્ત્રી સ્વરૂપે થયો હતો.
સ્ટીવન્સનને કેટલાંક બાળકોના શરીર પર બર્થમાર્ક્સ અને કેટલાકના શરીર પર ઉઝરડા પણ જોવા મળ્યા હતા. એ પૈકીનાં 60 ટકા બાળકો, પુનર્જન્મમાં વિશ્વાસ હોય તેવા ધાર્મિક પરિવારમાં જન્મ્યાં હતાં. બાકીનાં 40 ટકા બાળકોનો જન્મ પુનર્જન્મમાં વિશ્વાસ નહીં ધરાવતા ધાર્મિક પરિવારોમાં થયો હતો.
હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ પર ભાર આપે છે, જ્યારે મોટા ભાગના ખ્રિસ્તી તથા ઇસ્લામી સંપ્રદાયો પુનર્જન્મનો ઇનકાર કરે છે.

રીજનરૅટિવ બાયૉલૉજી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્ટીવન્સને 34 વર્ષમાં પુનર્જન્મના કુલ 225 કેસ શોધી કાઢ્યા હતા. તેનું વર્ણન તેમણે તેમના 2,268 પાનાંના ‘રીજનરૅટિવ બાયૉલૉજી’ નામના પુસ્તકમાં કર્યું છે. તેમાં ઉલ્લેખિત પુનર્જન્મના એક કિસ્સાની વાત કરીએ.
શ્રીલંકામાં ત્રણ વર્ષના એક બાળકે તેની માતાને કટારાકામ્મા નામના શહેરનું નામ મોટેથી બોલતાં સાંભળી હતી અને તે તરત જ એ વિશેની ઘણી વાતો કરવા લાગ્યો હતો.
તેના એક પાડોશીએ જણાવ્યું હતું કે તે બાળકનો ગત જન્મ કટારાકામ્મા ગામમાં થયો હતો. તેના મંદબુદ્ધિ ભાઈએ તેને નદીમાં ફેંકી દીધો હતો એટલે તે ડૂબીને મૃત્યુ પામ્યા હતો. તેના પિતાના માથે ટાલ હતી અને તેમનું નામ કરાત હતું. તેઓ કટારાકામ્મા ગામમાં એક બૌદ્ધ મંદિરની પાસે ફૂલ વેચવાનો ધંધો કરતા હતા. તેમના ઘર પર કાચનું છાપરું હતું.
છોકરાના જણાવ્યા અનુસાર, તેના અગાઉના જન્મના ઘરમાં એક કૂતરો બાંધેલો હતો અને તેને રોજ માંસ ખવડાવવામાં આવતું હતું. ઘરની નજીક એક મંદિર હતું, જ્યાં લોકો રોજ નાળિયેર ચડાવતા હતા. ડૉ. સ્ટીવન્સને દુભાષિયાની મદદથી તે બાળક સાથે વિગતવાર વાત કરી હતી.
ડૉ. સ્ટીવન્સને ખરેખર શું બન્યું હતું તે જાણવા બાદમાં કટારાકમ્મા ગયા હતા. બાળકે જણાવ્યું હતું તેમ ત્યાં ફૂલનો એક વેપારી હતો. તે પણ બૌદ્ધ મંદિરની પાસે જ ધંધો કરતો હતો, પરંતુ તેના માથા પર બહુ બધા વાળ હતા.
તે વેપારીના પિતા ટાલિયા હતા. વેપારીનું નામ કરાત ન હતું, પરંતુ તેના પરિવારમાં કોઈ વ્યક્તિનું નામ કરાત જરૂર હતું. તેની માતાએ સ્વીકાર્યું હતું કે તેમનું બે વર્ષનું એક સંતાન, તેના મંદબુદ્ધિ ભાઈ સાથે નદી કિનારે રમતું હતું ત્યારે નદીમાં પડી ગયું હતું. તે બાળક નદીમાં કેવી રીતે પડ્યું એ તેઓ જાણતા ન હતા. ફૂલના વેપારીના ઘરે પાળેલો કૂતરો ન હતો, પરંતુ તેના પાડોશીના ઘરમાં હતો. તેને રોજ માંસ ખવડાવવામાં આવતું હતું.
ફૂલના વેપારીનો પરિવાર અને જે બાળકે પોતાના અગાઉના જન્મની કથા કહી હતી તેનો પરિવાર એકમેકને ક્યારેય મળ્યા ન હતા તો પછી બાળક આટલી વિગતવાર માહિતી કઈ રીતે આપી શક્યો? સ્ટીવન્સના દાવા મુજબ, નદીમાં ડૂબી ગયેલા બાળકનો પુનર્જન્મ થયો હતો. પુનર્જન્મ વિશેના સ્ટીવન્સનના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે બાળકના પુનર્જન્મ અને તેના શિશુ અવસ્થામાં મૃત્યુ વચ્ચે 16 મહિનાનો ગાળો હતો.
બૌદ્ધધર્મીઓ માને છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેનો આત્મા પુનર્જન્મ અથવા મોક્ષ પામતાં પહેલાં 46 દિવસ પ્રતીક્ષા કરતો હોય છે. તે દિવસે ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તામિલનાડુમાં વ્યક્તિના મૃત્યુના 41મા દિવસે ધાર્મિક વિધિ કરવામાં આવે છે.
લોકોની વિવિધ માન્યતાઓ અને ડૉ. સ્ટીવન્સનના સંશોધનનાં તારણો લગભગ એકસરખાં છે.

નવજાત વાછડી તેની માતાના આંચળને કઈ રીતે શોધી લે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મેં કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે નવજાત વાછડું અગાઉના જન્મના અનુભવના આધારે તેની માતાના આંચળ શોધી લેતું હોય છે.
જોકે, બાયૉકૅમિસ્ટ્રી આ વાતનો સદંતર ઈનકાર કરે છે. નવજાત વાછડાના નાકમાં પ્રોટીન હોય છે અને તે દૂધની સુગંધને ઓળખી લે છે. તે સુગંધની દિશા શોધી કાઢે છે અને મગજને તે માહિતી મોકલે છે. બાયૉકૅમિકલ સંશોધનમાં પૂરવાર થયું છે કે નવજાત વાછડું આપોઆપ આગળ વધીને તેની માતાના આંચળ શોધી કાઢે છે.
માનવ શરીરમાં કોષોનો સરેરાશ જીવનકાળ કેવડો હોય છે એ જાણવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરીએ તો જાણવા મળે છે કે પ્રત્યેક કોષનો સરેરાશ જીવનકાળ સાતથી દસ વર્ષનો હોય છે. માનવ કોષનો સરેરાશ જીવનકાળ આટલાં વર્ષોનો જ હોય તો આપણે 70 વર્ષની વયે પણ બાળપણના અનુભવોને કઈ રીતે યાદ રાખી શકીએ છીએ? આ કઈ રીતે શક્ય છે? આત્મા એક કોષમાંથી બીજા કોષમાં વિચરણ કરતો હોવાને કારણે આ શક્ય બને છે.
માનવ કોષનો સરેરાશ જીવનકાળ સાતથી દસ વર્ષનો છે એ વાત સાચી છે. દાખલા તરીકે, આપણા મોમાંની કેટલીક કોષિકાઓનો જીવનકાળ એક દિવસનો, આપણી ચામડીમાંના કોષોનો જીવનકાળ 30 દિવસનો, હાડકાંના કોષોનો જીવનકાળ 30 વર્ષનો અને આપણા મગજના કોષોનો જીવનકાળ 70 વર્ષનો હોય છે.
આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા મગજના કોષો 70થી વધારે વર્ષ જીવંત રહેતા હોય છે અને કોષોના સમૂહ એકમેકની સાથે સંભાષણ કરતા હોવાથી આપણા મગજમાં સ્મૃતિ નોંધાતી રહે છે. આ કારણસર આપણને આપણા બહુ નાની વયના અનુભવ પણ યાદ રહે છે. આત્મા એક કોષમાંથી બીજા કોષમાં જતો હોવાની માન્યતાનો કોષિકા જીવવિજ્ઞાન ઈનકાર કરે છે. આપણી અનુભૂતિ અને વિચારો દિમાગમાં છપાઈ જતા હોય છે. પુનર્જન્મમાં મજબૂત ભરોસો ધરાવતા લોકો માને છે કે આ વિચારોમાં મગજ કે શરીરની બહાર આત્મા સ્વરૂપે ટકી રહેવાની શક્તિ હોય છે.
આ બાબતને ઉદાહરણ વડે સમજવાનો પ્રયાસ કરીએ. માનવ જીવનને આત્માના સ્વરૂપમાં સમજવામાં આવે તો તમામ જીવોમાં આત્મા હોય છે એ વાતનો ઈનકાર કરી શકાય નહીં. હું અળસિયા વિશે છેલ્લાં 14 વર્ષથી સંશોધન કરી રહ્યો છું. અળસિયાનું માથું કપાઈ ગયું હોય તો પણ તે મરતું નથી. તેનું મગજ આઠ દિવસમાં ફરી આકાર પામે છે.
અળસિયાંને પાણીમાં નાખો તો તેઓ ચારેય તરફથી એકમેકને વળગેલી ચમેલીની દાંડલીઓ જેવા લાગશે. તેનો અર્થ એ થાય કે અળસિયાં ભયભીત હોય ત્યારે એકમેકને ભેટી પડે છે, પરંતુ જેમનું માથું કપાઈ ગયું હોય તેવાં અળસિયાં એવું કરતાં નથી. આઠ દિવસમાં તેનું મગજ ફરી આકાર પામે પછી તેને પાણીમાં નાખવામાં આવે તો તે અન્ય અળસિયાંની માફક એકમેકને વળગી પડે છે.
મેં આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને વિદ્યાર્થીઓને દેખાડ્યો હતો. એ પછી એક વિદ્યાર્થીએ જટિલ સવાલ પૂછ્યો હતો કે અળસિયાનું નવું દિમાગ અગાઉની સ્મૃતિ યાદ રાખી શકે? સવાલ યોગ્ય છે. આ અળસિયાંના દિમાગમાં શું ચાલતું હોય છે? અળસિયાંના નવા દિમાગમાં જૂની સ્મૃતિ કઈ રીતે આવે છે? તેની અનુભૂતિ અને વિચારોનું અસ્તિત્વ તેના દિમાગની બહાર હોય છે?

માણસનો પુનર્જન્મ શક્ય છે?

ઇમેજ સ્રોત, ROY JAMES SHAKESPEARE / GETTY IMAGES
આ સવાલનો જવાબ રિજનરૅટિવ બાયૉલૉજી દ્વારા આ રીતે આપી શકાય. માથું કપાઈ ગયું હોય તેવાં અળસિયાં સાત દિવસ સુધી સંભોગ માટે અસમર્થ હોય છે. આઠમા દિવસે તેમનું મિલન થાય છે.
તેનું કારણ એ છે કે અંતર્નિહિત મગજ અને તે જે રસાયણોનું ઉત્પાદન કરે છે તે એકઠાં થવાની જરૂરિયાતની માહિતી આપતાં નથી. તે કામ આઠમા દિવસથી પુરજોશમાં થવા લાગે છે. અળસિયાઓના ફરી ભેગા થવાની આવી આવડત માટે કેમિકલ રિઍક્શનનું સંયોજન જવાબદાર છે, બીજું કંઈ નહીં. આ સંશોધન વધારે સારી રીતે પણ કરી શકાય. અળસિયાઓનો ઉપયોગ કોઈ અન્ય કામ માટે કરવો જોઈએ અને પછી તેમનાં મસ્તક કાપી નાખવાં જોઈએ. આઠ દિવસમાં તેના નવા મસ્તકનું સર્જન થાય પછી એ ચકાસવું જોઈએ કે તેના દિમાગમાં જૂની સ્મૃતિ છે કે નહીં.
દરમિયાન સ્ટીવન્સનનું સંશોધન પદ્ધતિસરનું ન હતું. તેનાં તારણોના સ્વીકાર બાબતે વિશ્વના ઘણા વિજ્ઞાનીઓમાં ભિન્નમત પ્રવર્તે છે, કારણ કે કોઈ બાળક કથા સંભળાવે તો તે કથા આ પૃથ્વી પરના અબજો લોકો પૈકીના કોઈકને તો પોતાની લાગવાની જ. બે અલગ-અલગ ઘટનાઓ પણ એકસરખી હોઈ શકે છે.
તેનો અર્થ એ થયો કે બાળકે જે વાત કરી તેવી ઘટના એક પરિવારમાં બની હતી. અન્ય વિજ્ઞાનીઓ એવું માને છે કે પુનર્જન્મની કથાનો આધાર તેના પર ન હોવો જોઈએ. જે બાળકો તેમના અગાઉના જન્મની વાતો કરતાં હોય તેમના પર મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સંશોધન કરવું જોઈએ, પુનર્જન્મના સંદર્ભમાં નહીં. આપણા સમાજમાં એવી માન્યતા છે કે બાળકો ક્યારેય ખોટું બોલતાં નથી, પરંતુ એ હકીકત છે કે ઘણાં બાળકો કલ્પનાકથા પણ તે વાસ્તવિક હોય એવી રીતે કહી શકતાં હોય છે.
પુનર્જન્મની વાતોને સિદ્ધ કરવાની કોઈ રીત છે કે નહીં? સ્ટીવન્સને સંખ્યાબંધ સવાલોના જવાબ આપવા માટે સંશોધન ચાલુ રાખવું જોઈએ. એવું નહીં થાય તો પુનર્જન્મ અને પૂર્વ જન્મ સંબંધી માન્યતાઓ વિશેના પ્રતિ-પ્રશ્નો અને પ્રશ્નો બળવતર બનશે.
ઊર્જા બનાવી શકાય નહીં અને તેનો વિનાશ પણ શક્ય નથી, પરંતુ ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર, એક પ્રકારની ઊર્જાને બીજા પ્રકારની ઊર્જામાં પરિવર્તિત જરૂર કરી શકાય. જો પુનર્જન્મ થતો હોય તો આત્મા પણ ઊર્જાના સ્વરૂપમાં કામ કરી શકે.

હવે આગળ શું?

આપણે કાયમ એકમેકની સાથે રહી શકીએ, પરંતુ આત્મા બીજા પ્રકારના શરીરમાં પ્રવેશીને અલગ દેખાઈ શકે. આ વાત શૈવ સિદ્ધાંતમાં પણ કહેવામાં આવી છે, પરંતુ પૃથ્વીની રચના થઈ ત્યારે તે અગનગોળો હતી. તે તબક્કાવાર ઠંડી પડી હતી. એ પછી પૃથ્વી પર પહેલા જીવનું આગમન થયું હતું. એ સૌપ્રથમ જીવની ગર્ભનાળ આજે પૃથ્વી પરના તમામ જીવો છે. એવી જ રીતે એ વૈજ્ઞાનિક હકીકત છે કે પૃથ્વી પરના આત્માઓની સંખ્યામાં તબક્કાવાર વધારો થયો છે.
અપરિવર્તનશીલતાની શૈવ વિચારધારા પણ સાચી નથી. આજની દુનિયામાં આત્મા વિશેના સંશોધનની કોઈ ગુંજાશ નથી.
ડૉ. સ્ટીવન્સનનું ફેબ્રુઆરી, 2007માં અવસાન થયું હતું. અમેરિકાના વર્જિનિયા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં મનોચિકિત્સા વિષયના સહયોગી પ્રોફેસર ડૉ. જિમ ટકરે ડૉ. સ્ટીવન્સનનું પુનર્જન્મ વિશેના સંશોધનનું કામ ચાલુ રાખ્યું છે. તેઓ પણ બાળકોની કથાઓ એકઠી કરે છે કે પછી પુનર્જન્મને વૈજ્ઞાનિક રીતે પૂરવાર કરે છે તેની રાહ જોવી પડશે. ત્યાં સુધી વિજ્ઞાનીઓ કથાઓ પર આધારિત પુનર્જન્મની સ્વીકારશે નહીં. હું પણ નહીં.
(આ લેખના લેખક સુધાકર સિવાસુબ્રમનિઅમે તેમની સંશોધન યાત્રાની શરૂઆત મદુરાઈ કમારાસાર યુનિવર્સિટીથી કરી હતી. 1999માં તેમની ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી છે. તેમણે અમેરિકન યુનિવર્સિટીઓમાં દસ વર્ષ સુધી કામ કર્યું છે)














