સોનું લોકોની જિંદગીઓને કેવી રીતે બરબાદ કરી કરી રહ્યું છે?

સોમાલીલૅન્ડનો અત્તરનો વેપાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેરી હાર્પર
    • પદ, બીબીસી ન્યૂઝ, ડાલ્લો માઉન્ટન

બાઇબલકાળના ત્રણ રાજાઓ ઈસુ ખ્રિસ્તના જન્મ નિમિત્તે કિંમતી ભેટ લાવ્યા હતા, પરંતુ આધુનિક સમયની ઘેલછાને કારણે સોમાલીલૅન્ડમાં લોબાન અને હીરાબોળના અત્તરના વેપાર પર જોખમ સર્જાયું છે.

એક વૃક્ષ નીચે બેઠેલા વૃદ્ધ માણસે કહ્યું હતું કે “જે ત્રણ ડાહ્યા માણસો બેબી જિસસ માટે સુવર્ણ, લોબાન અને હીરાબોળ ભેટ તરીકે લઈ ગયા હતા તે નિશ્ચિતપણે અહીંના હતા.”

સોમાલિયામાં સ્વઘોષિત પ્રજાસત્તાક સોમાલીલૅન્ડ અને પન્ટલૅન્ડ સ્ટેટ વચ્ચેની ગોલીસ રેન્જના ડાલ્લો પર્વત પર મારી મુલાકાત અડેન હસન સાલાહ સાથે થઈ હતી. બન્ને પ્રદેશ આ વિસ્તાર પર દાવો કરે છે.

તેમણે કહ્યું હતું કે, “આ સામગ્રીને અહીંથી મધ્ય-પૂર્વમાં સદીઓથી લઈ જતાં ઊંટોના કાફલાના માર્ગો અવકાશમાંથી જોઈ શકાય છે.”

બેથલેહેમમાં ઈસુનો જન્મ થયો ત્યારે આ પ્રાણીઓ બધી ભેટ કઈ રીતે ત્યાં લઈ ગયા હતા, તેનો ઉલ્લેખ બાઇબલમાં છે.

સરોંગ અને માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબૉલ ક્લબના ટી-શર્ટમાં સજ્જ એક યુવાન અચાનક ફૂટી નીકળ્યો હતો. તેનું નામ મોહમ્મદ સૈદ અવિદ અરાલે હતું.

વર્ષ 2017માં ભૂતપૂર્વ વિચરતા સમુદાયના લોકોએ સોનાની શોધમાં ડાલ્લો પર્વત પર પહોંચવાનું શરૂ કરી દીધું હતું

ઇમેજ સ્રોત, MARY HARPER/ BBC

ઇમેજ કૅપ્શન, વર્ષ 2017માં ભૂતપૂર્વ વિચરતા સમુદાયના લોકોએ સોનાની શોધમાં ડાલો પર્વત પર પહોંચવાનું શરૂ કરી દીધું હતું

તેમણે કહ્યું હતું કે, “પન્ટલૅન્ડનો અર્થ ઉત્તમ સુગંધની ભૂમિ થાય છે એ તો તમે જાણતા જ હશો. ઈસુના જન્મના 1,500 વર્ષ પહેલાં ઇજિપ્તની સૌથી શક્તિશાળી મહિલા ફારુન હેટશેપ્સુટે અહીંની વિખ્યાત યાત્રા કરી હતી. તેણે યાત્રા માટે પાંચ મોટી હોડી બનાવાનો આદેશ આપ્યો હતો અને અહીંથી ત્રણ કિંમતી પદાર્થો તેમાં ભરીને તેઓ તેમનાં ઘરે પાછાં ફર્યાં હતાં.”

તેમણે ઉમેર્યું હતું કે, “હેટશેપ્સુટેના શરીરને શણગારવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાં પ્રાર્થનાઘરોમાં લોબાનનો ધૂપ કરવામાં આવતો હતો અને તે મૃત્યુ પામી ત્યારે તેના શરીરનું મમી બનાવવા માટે લોબાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

આ પ્રદેશમાંથી સુવર્ણ, લોબાન અને હીરાબોળ હજારો વર્ષોથી નિકાસ કરવામાં આવે છે. વિશ્વમાં લોબાનનો મોટાભાગનો હિસ્સો હોર્ન ઑફ આફ્રિકા પ્રદેશમાંથી આવે છે.

આજે સોનાના કારણે હીરાબોળ તથા લોબાનના વિનાશનાં બીજ રોપાઈ રહ્યાં છે.

હેટશેપ્સુટેના મંદિરની દીવાલો પર દોરાય ચિત્રમાં હોર્ન ઑફ આફ્રિકા ક્ષેત્રનાં પ્રખ્યાત વૃક્ષો જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હેટશેપ્સુટેના મંદિરની દીવાલો પર દોરાય ચિત્રમાં હોર્ન ઑફ આફ્રિકા ક્ષેત્રનાં પ્રખ્યાત વૃક્ષો જોવા મળે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડાલો પર્વત પરના આ માણસો તે સમસ્યાનો એક હિસ્સો છે. તેઓ પાંચેક વર્ષ પહેલાં શરૂ થયેલા સોનું શોધવાના ગાંડપણનું નેતૃત્વ કરી રહ્યા છે.

સોનું શોધવાની લાયમાં લોબાન તથા હીરાબોળનાં સદીઓ જૂનાં વૃક્ષોને મૂળથી ઉખાડી નાખવામાં આવ્યાં છે.

કેન્ડલલાઇટ ઍન્વાયર્નમૅન્ટલ ઑર્ગેનાઇઝેશન માટે કામ કરતા હસન અલી ડીરીએ કહે છે કે, “ગોલ્ડ માઇનર એટલે કે સોનાની શોધ કરતા લોકો પહાડોમાં ઘૂસી ગયા છે. તેઓ ખાણકામ માટે વિસ્તાર ક્લિયર કરે છે ત્યારે તમામ વૃક્ષો, છોડોને કાપી નાખે છે. તેઓ સોનું શોધવા ખોદકામ કરે છે ત્યારે વૃક્ષોનાં મૂળને નુકસાન પહોંચાડે છે. તેઓ પ્લાસ્ટિકની બૉટલો તથા અન્ય કચરા વડે મહત્ત્વના જળમાર્ગોમાં અવરોધ સર્જે છે.”

તેઓ ઉમેરે છે કે, “તેઓ રોજેરોજ વધુ ને વધુ પુરાણાં વૃક્ષોનો વિનાશ સુનિશ્ચિત કરી રહ્યા છે. સપાટીના ખોદકામ માટે જમીન સાફ કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં હીરાબોળનાં વૃક્ષોનો ભોગ લેવાય છે. લોબાનનાં વૃક્ષો થોડા વધુ સમય ટકી રહે છે, કારણ કે તે ખડકાળ વિસ્તારમાં ઊગે છે. ખાણિયાઓ ધરતીમાં ઊંડે ખોદકામ શરૂ કરે ત્યારે લોબાનનાં વૃક્ષોનો પણ સફાયો કરવામાં આવે છે.”

બીબીસી ગુજરાતી

સોનાની શોધ માટે સદીઓ પુરાણાં હીરાબોળ અને લોબાનનાં વૃક્ષોનું નિકંદન કેમ નીકળી રહ્યું છે?

  • સોમાલીલૅન્ડમાં આજે સોનાના કારણે હીરાબોળ ગુંદર તથા લોબાનના વિનાશનાં બીજ રોપાઈ રહ્યાં છે
  • સ્થાનિક માન્યતા પ્રમાણે બાઇબલકાળના ત્રણ રાજાઓ ઈસુ ખ્રિસ્તના જન્મ નિમિત્તે કિંમતી ભેટ સ્વરૂપે સુવર્ણ, લોબાન અને હીરાબોળ ગુંદર લાવ્યા હતા
  • આ વિસ્તાર લોબાન અને હીરાબોળની નિકાસ માટે સદીઓથી વિખ્યાત છે
  • પરંતુ હાલ સોનું શોધવાની લાયમાં લોબાન તથા હીરાબોળનાં સદીઓ જૂનાં વૃક્ષોને મૂળથી ઉખાડી નાખવામાં આવ્યાં છે
  • સોનું શોધનારા ખાણિયાઓ સદીઓ જૂનાં વૃક્ષોનું નિકંદન સુનિશ્ચિત કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે
બીબીસી ગુજરાતી

લાકડાનું અત્તર

લોબાનનાં વૃક્ષો વર્ષોથી સચવાયેલાં હતાં

ઇમેજ સ્રોત, MARY HARPER/ BBC

ટેકરી પર થોડે આગળ એક ફ્રેન્કિન્સેન્સ ગામ છે. ત્યાં છેલ્લી ઘણી પેઢીઓથી લોબાનનાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવતો રહ્યો છે.

એ ગામમાં એક મહિલા તેમના ઘરની પરસાળમાં પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠેલાં જેવા મળ્યાં હતાં. તેમની આસપાસ બાળકો, તેમની માતાઓ તથા નાનકડી બકરીઓ હતી.

રાકવી મોહમ્મદ મહમુદ નામનાં એ મહિલાને મેં ભેટ લઈ ગયેલા સજ્જનો વિશે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, “તમે શેની વાત કરો છો, એની મને ખબર નથી. હું માત્ર એટલું જ જાણું છું કે મારો પરિવાર સેંકડો વર્ષોથી આ વૃક્ષોનો માલિક છે. આ વૃક્ષોનો વારસો અમારા પરદાદાના દાદાથી માંડીને દાદાના દીકરા સુધી મળતો રહ્યો છે.”

એ મહિલાએ વૃક્ષ પરથી તાજેતરમાં ઉતારવામાં આવેલી લોબાનની કેટલીક ડાળીઓ લાવવા એક યુવાનને કહ્યું હતું. યુવાન કપડામાં વિંટાળેલું એક બંડલ લાવ્યા હતા અને તેને જમીન પર રાખીને કપડું ખોલ્યું હતું. તેની સાથે જ વાતાવરણ લાકડાની સુગંધથી મહેકી ઊઠયું હતું.

અમે તેમાંથી શુદ્ધ લોબાન શોધવા માટે ચીકણા પદાર્થને ચાળ્યો હતો. આ ચીકણા પદાર્થને સાફ કરીને, સૂકવીને તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એ પછી તેને નિકાસકર્તાઓ દ્વારા જગતભરનાં મંદિરો, મસ્જિદો અને સિનાગોગમાં ધૂપના હેતુસર તેમજ તેમાંથી દવા, તેલ, મોંઘાં સૌંદર્ય પ્રસાધનો અને ચેનલ નંબર ફાઇવ પર્ફ્યુમ બનાવવા માટે મોકલવામાં આવે છે.

ચમત્કારી ગુણધર્મો અને રહસ્યમય, મોહક સુગંધ ધરાવતા લોબાન વિશે તમે શું વિચારો છો, એવું મેં પૂછ્યું ત્યારે રાકવી મોહમ્મદ મહમુદ મને નિહાળતા રહ્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે, “મને તો આ બધું ફાલતુ લાગે છે. અમે લોબાનનો ઉપયોગ માખી તથા મચ્છરને ભગાડવા માટે કરીએ છીએ. અમે શરદીમાં નાક બંધ થઈ જાય ત્યારે તેને ખોલવા તેને સુંઘીએ છીએ અને સોજો ઉતારવા માટેની ઔષધી તરીકે વાપરીએ છીએ.”

લોબાન પ્રતિ કિલો પાંચથી નવ ડૉલરના ભાવે વેચવામાં આવે છે. તેથી વૃક્ષ પરથી તે એકત્ર કરતા અને તેના ગ્રેડિંગનું કામ કરતા લોકોને બહુ ઓછા પૈસા મળે છે. લોબાનના નિર્દય વચેટિયાઓ અને લોભી વિદેશી કંપનીઓને સાંકળતા કૌભાંડો પણ અહીં થયા છે.

આ લોકોને થોડા વધારે પૈસા મળે છે. તેઓ હીરાબોળનું પ્રતિ કિલો દસ ડૉલરના ભાવે વેચાણ કરે છે. લોબાનની માફક હીરાબોળ પણ નાનાં, કાંટાવાળાં વૃક્ષો પરથી મળે છે. તેનો ઉપયોગ મૃતદેહો પર લેપ લગાવવા અને અત્તર, અગરબત્તી તથા દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે તેમાં એન્ટીસેપ્ટિક, એનાલ્જેસિક અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટ, માઉથવોશ અને ચામડીના રક્ષણની ક્રીમ બનાવવામાં પણ થાય છે.

સોનાની શોધ કરતા લોકો આ વિસ્તારમાં પાવડા અને કોદાળીઓ લઈને આવી ચડ્યા ત્યારે શું થયું હતું તેની વાત ગામના લોકોએ અમને કરી હતી.

રાકવી મોહમ્મદ મહમુદે કહ્યું હતું કે, “અમે તેમની સામે દૃઢતાથી ઊભા રહ્યા હતા. અમે તેમને કહ્યું હતું કે તમે અહીં ક્રૂડ અને પીળા સુવર્ણ માટે અહીં આવ્યા છો, પરંતુ અમારી પાસે લીલું સોનું છે અને તેને અમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે.”

 નિકાસકર્તાઓ દ્વારા જગતભરનાં મંદિરો, મસ્જિદો અને સિનાગોગમાં ધૂપના હેતુસર તેમજ તેમાંથી દવા, તેલ, મોંઘાં સૌંદર્ય પ્રસાધનો અને ચેનલ નંબર ફાઇવ પર્ફ્યુમ બનાવવા માટે મોકલવામાં આવે છે.

ઇમેજ સ્રોત, MARY HARPER/ BBC

ઇમેજ કૅપ્શન, નિકાસકર્તાઓ દ્વારા લોબાનને જગતભરનાં મંદિરો, મસ્જિદો અને સિનાગોગમાં ધૂપના હેતુસર તેમજ તેમાંથી દવા, તેલ, મોંઘાં સૌંદર્ય પ્રસાધનો અને ચેનલ નંબર ફાઇવ પર્ફ્યુમ બનાવવા માટે મોકલવામાં આવે છે

એ સાંભળીને તે લોકો ભાગી ગયા હતા અને પાછા ક્યારેય આવ્યા ન હતા.

સોનું શોધવાનું કામ કરતા લોકોની વસાહત કરતાં ફ્રેન્કિન્સેન્સ ગામમાં વાતાવરણ તદ્દન અલગ હતું. તે સામાન્ય ગામ છે, પરંતુ તેમાં એકતાની ભાવના જોવા મળતી હતી.

ગામના જુવાનો અને વૃદ્ધો આંટા મારતા હતા, વાતો કરતા હતા, ચા પીતા હતા અને લોબાનના નીચા ભાવને કારણે, ખાસ કરીને બેકાબૂ મોંઘવારી તથા આકરા દુકાળના સમય દરમિયાન બે છેડા ભેગા કરવાનું કેટલું મુશ્કેલ બની ગયું છે તેની વાતો કરતા હતા.

ગ્રે લાઇન

ડ્રગ્ઝ અને જેહાદી કર

સોમાલિયામાં સ્વઘોષિત પ્રજાસત્તાક સોમાલીલૅન્ડ અને પન્ટલૅન્ડ સ્ટેટ વચ્ચેની ગોલીસ રેન્જ

ઇમેજ સ્રોત, MARY HARPER/ BBC

ઇમેજ કૅપ્શન, સોમાલિયામાં સ્વઘોષિત પ્રજાસત્તાક સોમાલીલૅન્ડ અને પન્ટલૅન્ડ સ્ટેટ વચ્ચેની ગોલીસ રેન્જમાંથી સમૃદ્ધ કરનારાં પદાર્થો મળતા રહે છે

સોનું શોધવાનું કામ કરતા લોકોની વસાહતમાં કશુંક વિચિત્ર લાગતું હતું, પણ તે શું હતું એ સમજવામાં થોડો સમય લાગ્યો હતો. આખરે મને સમજાયું કે એ વસાહતમાં એકેય મહિલા કે બાળક ન હતાં.

સાલેહે કહ્યુ હતું કે, “અમારા પરિવારોને શું થયું છે તે અમે ખરેખર જાણતા નથી. અમે વિચરતી જાતિ હતા, પરંતુ અનેક નિષ્ફળ ચોમાસાં તથા દુકાળને કારણે અમારે પરંપરાગત જીવન ત્યાગવું પડ્યું હતું.”

2017માં સોનાની શોધમાં તેઓ આ પર્વતીય વિસ્તારમાં કઈ રીતે આવી પહોંચ્યા હતા તેની વાત તેમણે કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “અમે આવ્યા ત્યારે અહીં કશું ન હતું. સુકાયેલી નદીનો પટ હતો. સોનું મળી આવ્યું હોય તેવી આ પહેલી જગ્યા છે. અમે અહીં ગામનું નિર્માણ કર્યું હતું.”

મેં સાલેહ અને તેમની સાથે બેઠેલા બીજા પુરુષોને પૂછ્યું હતું કે તમને સોનાની શોધ કરતા લોકો તરીકેનું જીવન પસંદ છે કે વિચરતી જાતિને લોકો તરીકેનું? બધાએ જવાબમાં જોરથી માથું ધુણાવ્યું હતું અને ગુસ્સામાં બૂમ પાડી હતી.

તેમણે કહ્યું હતું કે, “વિચરતી જાતિના લોકો તરીકે અમારું ગૌરવ હતું. અમે કોઈના પર આધારિત ન હતા. અમે અમારા પરિવારો, ઊંટો, બકરીઓ તથા ઘેટાં સાથે રહેતા હતા. અમારી પાસે કોઈ ચીજનો અભાવ ન હતો.”

“ઊંટ અમારી ઝૂંપડીઓ તથા રાંધવાનાં વાસણોનું વહન કરતાં હતાં. પશુઓ અમને ભોજનસામગ્રી તથા દૂધ આપતાં હતાં. અમને જે સોનું મળે તે અમે ખાઈ કે પી શકતા નથી. તે અમારાં ઝૂંપડાં કે માલસામાનનું વહન પણ કરી શકતું નથી.”

ખાણની આસપાસના વિસ્તારોમાં હરિયાળી નથી – તેમજ તે સતત ખાટ ડીલરો અને જેહાદી ટૅક્સ કલેક્ટરોના નિશાના પર રહે છે

ઇમેજ સ્રોત, HASSAN ALI DIRIE

ઇમેજ કૅપ્શન, ખાણની આસપાસના વિસ્તારોમાં હરિયાળી નથી – તેમજ તે સતત ખાટ ડીલરો અને જેહાદી ટૅક્સ કલેક્ટરોના નિશાના પર રહે છે

પોતે વેપારીઓને ખનીજ કઈ રીતે વેચ્યાં અને તેઓ તેને દરિયાઈ માર્ગે દાણચોરી મારફત કેવી રીતે લઈ ગયા તેની વાત ખાણિયાઓએ કરી હતી. સોનાની શોધને કારણે માત્ર પર્યાવરણ જ નુકસાન નથી થતું, પરંતુ આ લોકોની જિંદગી પણ બરબાદ થઈ રહી છે.

રેડ માન્ચેસ્ટરના ટી-શર્ટવાળા અરેલાએ કહ્યું હતું કે, “અમે ડ્રગ્ઝના બંધાણી બની ગયા છીએ. અમે ખાટ (તમાકુના એક પ્રકારના પાન)ના વેપારીઓના બંદી બની ગયા છીએ. અમારાં જીવન પર તેમનો અંકુશ છે. અમે પરિવારને બદલે ખાટ ખરીદવા માટે બધાં નાણાં ખર્ચીએ છીએ.”

તેઓ અમારી સાથે વાત કરતા હતા ત્યારે જ ગામમાં એક લૅન્ડ ક્રૂઝર કાર આવી ચડી હતી. તેમાંથી સુસજ્જ પુરૂષો ઊતર્યા હતા. ખાણિયાઓએ જણાવ્યું હતું કે તેઓ ખાટના વેપારી છે.

સાલેહે કહ્યું હતું કે, “સોનાની શોધમાં અમારું જીવન બીજી રીતે પણ પાયમાલ થયું છે. તેને કારણે અમારા પૈકીના કેટલાક પાગલ થઈ ગયા છે. અમારા એક દોસ્તને 50 હજાર ડૉલરના મૂલ્યનું સોનું મળ્યું એટલે તે પાગલ થઈ ગયો હતો.”

સોનાની શોધમાં સ્થાનિક સમુદાયો કઈ રીતે બરબાદ થઈ ગયા છે તે કેન્ડલલાઇટનાં ડીરીએ અમને સમજાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “શિક્ષકો પણ સોનું શોધવાના ગાંડપણમાં જોડાઈ ગયા હોવાથી કેટલીક શાળાઓ બંધ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ સ્કૂલ છોડી રહ્યા છે.”

તેમણે જણાવ્યું હતું કે અન્ય પ્રદેશના સોમાલી લોકો આ પર્વતીય વિસ્તારમાં આવે છે અને તેના પરિણામે લોહિયાળ સંઘર્ષ થાય છે.

તેમણે કહ્યું હતું કે, “ખાણકામ કરતા અનેક લોકો પાસે શસ્ત્રો છે. આપણે હવે અહીંથી રવાના થઈ જવું જોઈએ. અહીં લાંબા સમય સુધી રહેવામાં સલામતી નથી.”

ખાણકામ કરતા લોકોએ જણાવ્યું હતું કે અલ-શબાબ અને ઇસ્લામિક સ્ટેટની સોમાલી શાખા જેવાં ઇસ્લામી જૂથોએ સોનું શોધવાનું કામ કરતા લોકો પાસેથી ટૅક્સ ઉઘરાવાનું શરૂ કરી દીધું છે.

અમે લાંબા ધૂળિયા રસ્તા પરથી પર્વતીય વિસ્તારની બહાર આવી રહ્યા હતા ત્યારે હું વિચારતી હતી કે જે લોકો મોંઘાં અત્તર, સૌંદર્ય પ્રસાધનો અને જ્વેલરી ખરીદે છે તેમને એ ખ્યાલ હશે તે એ બનાવવા માટેની સામગ્રી ક્યાંથી, કોની મારફત આવે છે અને તેને કારણે કેટલો વિનાશ થાય છે?

રેડ લાઇન
રેડ લાઇન