ભાઈઓ સાથે લગ્ન કરનારી એ મહારાણી, જે 'પ્રેમીઓનું લશ્કર' રાખતી હોવાની વાતો થતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આંદ્રે બર્નાન્ડો
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
ઇજિપ્તના ટોલેમેક સામ્રાજ્યનાં મહારાણી ક્લિયોપેટ્રામાં એવું તે શું હતું કે તે સંખ્યાબંધ ફિલ્મો, નાટકો અને ટીવી સિરિયલોનું વિષયવસ્તુ બન્યાં?
હાલ ઑનલાઇન પ્લેટફૉર્મ નેટફ્લિક્સ પર ક્લિયોપેટ્રા પર આવનારી નવી સિરીઝને લઈને વિવાદ થઈ રહ્યો છે.
ક્લિયોપેટ્રા થિઆ ફિલોપેટર અથવા તો ફક્ત ક્લિયોપેટ્રા (ઈસવી પૂર્વે 69થી 30)નો જન્મ ઈજિપ્તની તત્કાલીન રાજધાની ઍલેક્ઝાન્ડ્રિયામાં થયો હતો. ટોલેમી બારમા અને ક્લિયોપેટ્રા પાંચમીનાં આ પુત્રીને પાંચ ભાઈ-બહેન હતાં. તેમાં બે ભાઈ ટોલેમી તેરમો અને ટોલેમી ચૌદમો હતા તથા ત્રણ બહેનો ટ્રાઇફેના, બેરેનિસ અને આર્સિનો હતી. ક્લિયોપેટ્રાએ તેના ભાઈ સાથે લગ્ન કર્યાં હતાં.
ફેડરલ યુનિવર્સિટી ઓફ રિયો ગ્રાન્ડે ડુ સુલ ખાતે પ્રાચીન ઇતિહાસમાં ડૉક્ટરેટ કરી રહેલાં પ્રિસિલા સ્કોવિલે કહ્યું હતું કે “એ સમયે ભાઈ-બહેન વચ્ચેનાં લગ્ન સામાન્ય બાબત હતાં. એ સમયે ટોલેમીઓ વધુ સત્તા મેળવવા માટે પોતાના સગા ભાઈઓની હત્યા કરતા હતા. એ સમયના સંઘર્ષમાં પોતાના મોત માટે ક્લિયોપેટ્રાને દોષી ઠરાવવાનું સરળ હતું, પરંતુ એ અન્યાયી હતું.”

ઇમેજ સ્રોત, Getty Images
પરિવારમાં કુલ સાત ક્લિયોપેટ્રા અને 15 ટોલેમી હતા. રાજવંશના સ્થાપક ટોલેમી પ્રથમ ઍલેકઝાન્ડર ધ ગ્રેટના અગ્રણી સેનાપતિઓ પૈકીના એક હતા. આ કારણસર, ઈસવી પૂર્વે 323માં ઍલેકઝાન્ડરનું મૃત્યુ થયું ત્યારે ટોલેમીઓને ઇજિપ્તનો વારસો મળ્યો હતો. તેમના મૃત્યુ પછી તેમનું સામ્રાજ્ય ગ્રીસથી ભારત સુધી વિસ્તર્યું હતું.
ટોલેમી દ્વિતીયએ ઍલેકઝાન્ડ્રિયાના આશરે 140 મીટર ઊંચા લાઇટહાઉસનું બાંધકામ ઈસવી પૂર્વે 280ની આસપાસ કરાવ્યું હતું. પ્રાચીન વિશ્વની સાત અજાયબી પૈકીના એક આ લાઇટહાઉસનો પ્રકાશ 50 કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. તેનું નિર્માણ ફેરોસ ટાપુ પર કરવામાં આવ્યું હતું.
ઈસવી પૂર્વે 51માં ટોલેમી બારમાનું મૃત્યુ થયું ત્યારે ક્લિટોપેટ્રાએ પરંપરાનું પાલન કરતાં તેના બે ભાઈ સાથે લગ્ન કર્યાં હતાં. એ પૈકીના પ્રથમ ટોલેમી તેરમાની વય માત્ર દસ વર્ષ હતી. બીજા ભાઈ ટોલેમી ચૌદમા સાથે તેણે ઈસવી પૂર્વે 47માં લગ્ન કર્યાં ત્યારે તેની વય બાર વર્ષ હતી.
બન્ને ભાઈ કરૂણ રીતે મૃત્યુ પામ્યા હતા. ટોલેમી તેરમો ઈજિપ્ત છોડીને નાઈલ નદીના પાણીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો, જ્યારે ટોલેમી 14માને મોટાભાગે તેની બહેન દ્વારા જ ઝેર આપવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, BP AVERAGE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફેડરલ યુનિવર્સિટી ઑફ સાન્ટા કેટરિના ખાતે વૈશ્વિક ઇતિહાસમાં ડૉક્ટરેટનો અભ્યાસ કરતા રાયસા સાગ્રેડોએ કહ્યું હતું કે “ક્લિયોપેટ્રાએ રાજગાદી સંભાળી ત્યારે તેને વારસામાં દેવાદાર દેશ મળ્યો હતો. ઇજિપ્તના સાર્વભૌમત્વ માટેની લડાઈ તેના સમગ્ર જીવન દરમિયાન ચાલતી રહી હતી. તે એટલી હદે કે ક્લિયોપેટ્રાના મોત પછી તે દેશ એક રોમન પ્રાંત બની ગયો હતો.”
પોતાના પ્રેમીને મોહપાશમાં ફસાવીને તેની અધોગતિ નોતરતી સ્ત્રી તરીકેના ક્લિયોપેટ્રાની ઇમેજ હોલીવુડની ફિલ્મોને કારણે સર્જાઈ નથી. ગ્રીકો-રોમન વિશ્વના ઇતિહાસકારોએ ક્લિયોપેટ્રાની તેવી ઇમેજ સર્જી હતી. તેઓ ક્લિયોપેટ્રાના જીવન વિશે, તેના મૃત્યુની સદીઓ પછી જાતજાતની કથાઓ લખતા રહ્યા હતા. મોહક રાણીની તેની ઇમેજમાં ક્લિયોપેટ્રાની કુશળ વ્યૂહરચનાની આવડત ઢંકાઈ ગઈ હતી. માર્ક ઍન્ટોનીને લશ્કરી યુદ્ધ માટે ક્લિયોપેટ્રાએ નાણાં પણ આપ્યાં હતાં.
ક્લિયોપેટ્રા વિશે લખતા રહેલા ઇતિહાસકારો પૈકીના એક ગ્રીક પ્લુટાર્ક હતા. ઇસુના જન્મના વર્ષ 150ની આસપાસ તેમણે માર્ક એન્ટનીનું જીવનચરિત્ર લખ્યું હતું અને તેઓ ભ્રષ્ટ હોવાનું જણાવ્યું હતું. આવું કરનારા પ્લુટાર્ક એકમાત્ર ન હતા. પ્રોપર્ટિયસ અને હોરેસ નામના ઇતિહાસકારોએ ક્લિયોપેટ્રાને “ઘાતકી રાક્ષસી” તરીકે ચિત્રિત કરી હતી, જ્યારે લુકાન નામના એક ઇતિહાસકારે તેને “ઇજિપ્તની શરમ” ગણાવી હતી.

બે ભાઈ સાથે લગ્ન અને ઐતિહાસિક પરાક્રમો
બે ભાઈ સાથેના લગ્ન ઉપરાંત ક્લિયોપેટ્રાનું નામ ઇતિહાસમાં અમર થવાનું બીજાં કારણો પણ છે. એ સમયના બે સૌથી શક્તિશાળી પુરુષો સરમુખત્યાર જુલિયસ સીઝર અને જનરલ માર્ક એન્ટોની તેમના પ્રેમી હતા.
ફેડરલ યુનિવર્સિટી ઑફ સાન્ટા કેટરિના ખાતે પ્રોફેસર તરીકે કાર્યરત ફેબિયો મોરાલેસે કહ્યું હતું કે “ઈસવી પૂર્વેની પહેલી સદીના અંતમાં રોમ ભૂમધ્ય સમુદ્ર વિસ્તારનું નિર્વિવાદ સર્વોચ્ચ સામ્રાજ્ય હતું, જ્યારે ઇજિપ્તમાં છેલ્લી સ્વતંત્ર રાજાશાહી હતી.”
ફેબિયો મોરાલેસના કહેવા મુજબ, “ક્લિયોપેટ્રાએ એ સમયના રાજાઓ અને રાણીઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી લગ્નની વ્યૂહરચના અપનાવી હતી. પહેલાં સીઝર અને પછી માર્ક ઍન્ટોની સાથેનો તેનો પ્રેમસંબંધ ઇજિપ્ત તથા રોમન વંશને એક કરવાની તરકીબ હતી. ક્લિયોપેટ્રા એક દેશનાં વડાં હતાં અને પોતાના દેશની સલામતી માટે તેમણે એ સમયે ઉપલબ્ધ વ્યૂહરચના અપનાવી હતી.”
ક્લિયોપેટ્રા અને જુલિયસ સીઝરની પહેલી મુલાકાત ઈસવી પૂર્વે 48માં થઈ હતી. એ સમયે ક્લિયોપેટ્રા 19 વર્ષનાં અને સીઝર બાવન વર્ષના હતા. તેમની આ પહેલી મુલાકાત અસામાન્ય હતી.
ટોલેમી તેરમા સગીર તરીકે થિયોડોટ્સસ પોથિનસ અને ઍક્વિલાસ નામના ત્રણ સલાહકારોની મદદથી શાસન કરતા હતા. આ છોકરાના વાલીઓએ ક્લિયોપેટ્રાને ઇજિપ્તમાંથી હાંકી કાઢવાનું કાવતરું ઘડ્યું હતું. દેશનિકાલ પછી ક્લિયોપેટ્રાએ, તે વખતે ઍલેક્ઝાન્ડ્રિયામાંથી પસાર થઈ રહેલા જુલિયસ સીઝર સાથે જોડાણની યોજના બનાવી હતી.
એપોલોડોરસ નામના નોકરની મદદથી ક્લિયોપેટ્રાને પાથરણામાં લપેટીને જુલિયસ સીઝરની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યાં હતાં. પાથરણું ખોલવામાં આવ્યું ત્યારે રોમન સમ્રાટ સીઝર અવાચક થઈ ગયા હતા. જુલિયસ સીઝર અને ક્લિયોપેટ્રા વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો. તેના પરિપાક સ્વરૂપે એક પુત્ર જન્મ્યો હતો. ટોલેમી પંદર નામનો એ છોકરો કેસરિયસ તરીકે વધારે જાણીતો છે.
ક્લિયોપેટ્રા વિશે ઘણી દંતકથાઓ ઘડી કાઢવામાં આવી છે. એ પૈકીની એકમાં જણાવવામાં આવ્યું છે કે ક્લિયોપેટ્રા પાસે પ્રેમીઓનું લશ્કર હતું. બીજી દંતકથામાં એવું કહેવામાં આવ્યું છે કે ક્લિયોપેટ્રાએ સંખ્યાબંધ સેક્સ પાર્ટીમાં ભાગ લીધો હતો.
પ્રિસિલા સ્કોવિલે કહ્યું હતું કે “ક્લિયોપેટ્રા ઘણા પુરુષોને વશ કરનાર મોહક સ્ત્રી હતાં એ વિચાર ખોટો લાગે છે. તેણે તેના ભાઈઓ સાથે રાજકીય કારણોસર લગ્ન કર્યાં હતાં. તેમનું નામ જુલિયસ સીઝર તથા માર્ક ઍન્ટોની સાથે પણ જોડાયું હતું અને તેઓ બન્નેને વફાદાર રહ્યાં હતાં.”
અલબત, જુલિયસ સીઝર સાથેનો તેમનો રોમાન્સ અલ્પજીવી નીવડ્યો હતો. ઇસવી પૂર્વે 44ની 15 માર્ચે તેમણે સેનેટમાં પગ મૂક્યો ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાના કાવતરાખોરોમાં તેના પુત્ર બ્રુટ્સનો સમાવેશ થતો હતો.
પોતાના પ્રેમીના મોતની જાણ થઈ ત્યારે ક્લિયોપેટ્રાએ ઈજિપ્ત પરત જવાનો નિર્ણય કર્યો હતો.

39 વર્ષની વયે મોતઃ આપઘાત કે હત્યા?

ઇમેજ સ્રોત, Getty Images
જુલિયસ સીઝરની હત્યા પછી માર્ક ઍન્ટોની રોમના સૌથી શક્તિશાળી પુરુષ બની ગયા હતા. તેઓ ટર્કીના ટાર્સસ ખાતે ક્લિયોપેટ્રાને ઇસવી પૂર્વે 41માં મળ્યા હતા. પ્રેમ તથા સૌંદર્યની ગ્રીક દેવી જેવો શણગાર સજીને ક્લિયોપેટ્રા એક હોડીમાં બેઠાં હતાં. રોમન પૌરાણિક કથાઓમાંના પ્રેમના દેવતા ક્યુપિડ જેવાં વસ્ત્રોથી સજ્જ કિશોરોએ વાંસળી અને બીજાં સંગીતવાદ્યોની સૂરાવલિ વચ્ચે ક્લિયોપેટ્રાને શાહમૃગના પીછાંથી ઢાંક્યાં હતાં.
માર્ક ઍન્ટોની તેમને જોતાંની સાથે જ પ્રેમમાં પડી ગયા હતા. તેઓ ક્લિયોપેટ્રાના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા હતા કે તેમણે ક્લિયોપેટ્રાના કહેવાથી તેની નાની બહેન અર્સિનોની હત્યાનો આદેશ આપ્યો હતો.
ટૂંક સમયમાં ક્લિયોપેટ્રા ટોલેમી બારમાના વંશની એકમાત્ર જીવંત પુત્રી અને ઇજિપ્તના સિંહાસન પર કબજો કરવાના હકદાર બન્યાં હતાં.
જુલિયસ સીઝરનાં પત્ની કેલ્પર્નિયાની માફક માર્ક ઍન્ટોનીનાં પત્ની ફુલ્વિયાએ પણ પતિને બેવફાઈ તરફ આંખ આડા કાન કર્યા હતા.
ક્લિયોપેટ્રા અને માર્ક ઍન્ટોનીને ઍલેક્ઝાન્ડર, સેલેનિયા અને ફિલાડેલ્ફસ નામના ત્રણ સંતાન થયાં હતાં. માર્ક ઍન્ટોનીએ રોમન સૈન્ય જે પ્રદેશ જીત્યું હતું તેની વહેંચણી ઇસવી પૂર્વે 34માં તેમના ત્રણેય સંતાનો વચ્ચે કરી આપી હતી.
તેમણે ક્લિયોપેટ્રાને રાજાઓની રાણીનું બિરુદ આપ્યું હતું અને સીઝરિયનને રાજાઓના રાજાનું બિરુદ આપ્યું હતું.
ઍલેકઝાન્ડ્રિયાના કથિત દાનને કારણે ઓક્ટાવીયસ ઉશ્કેરાયો હતો અને તેણે માર્ક ઍન્ટોની સામે યુદ્ધની ઘોષણા કરી હતી. ઇસવી પૂર્વે 31માં બન્ને વચ્ચે નૌકાયુદ્ધ થયું હતું અને તેમાં પરાજિત થયેલા માર્ક ઍન્ટોનીએ તલવાર પોતાના પેટમાં ઘોંચીને આત્મહત્યા કરી હતી.














