એ 'સંત, જેમને રશિયાની મહારાણી સાથે 'શારીરિક સંબંધો' હતા

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
- લેેખક, નીલેશ ધોત્રે
- પદ, બીબીસી મરાઠી
રશિયાની મહારાણી સાથે તેમને શારીરિક સંબંધ હતા, તેઓ મોતને હાથતાળી આપીને પાછા આવ્યા હતા, તેમની પાસે કાળા જાદુની શક્તિ હતી અને તેઓ રશિયા પર ગુપ્ત રીતે શાસન કરતા હતા.
જેમના વિશે આવાં અનેક ગુપ્ત રહસ્યો અકબંધ છે, જેમના વિશે સંખ્યાબંધ અફવાઓ ચાલતી રહી છે અને મૃત્યુના 100 વર્ષ પછી પણ જેઓ એક કોયડો બની રહ્યા છે તેનું નામ છે ગ્રેગરી રાસપુતિન.
કેટલાક ઈતિહાસકારોના મતે, રાસપુતિન ખલનાયક હતા. ઝારના દરબારીઓના મતે રાસપુતિન રશિયન સામ્રાજ્ય પરનો કાળો ડાઘ હતા, જ્યારે કેટલાક લોકોના મતે રાસપુતિન આજે પણ મહાન સંત છે, પરંતુ રશિયાના છેલ્લા સમ્રાટનાં પત્ની ઝારિના ઍલેક્ઝાન્ડ્રા માટે તેઓ પ્રેરણાદાયક હતા.
રશિયાના છેલ્લા સમ્રાટ ઝાર નિકોલસ દ્વિતીય અને તેમનાં પત્ની ઝારિના ઍલેકઝાન્ડ્રા તેમના સામ્રાજ્યનો વારસદાર મેળવવા માટે સંઘર્ષ કરતાં હતાં. સતત ચાર પુત્રીઓના જન્મ પછી સમ્રાજ્ઞી ઍલેક્ઝેન્ડ્રા પાંચમી વખત ગર્ભવતી થયાં ત્યારે તેમને રોમાનોવ એટલે કે રશિયન રાજ પરિવારનો વારસદાર સાંપડવાની આશા હતી. દીકરાનો જન્મ થાય એટલા માટે તેમણે અનેક ધાર્મિક અનુષ્ઠાનો કર્યાં હતાં. શાહી દંપતિના સંભોગ માટે ઉત્તમ મુહૂર્ત પણ કાઢવામાં આવ્યું હતું.
તેનું ફળ ઝાર અને ઝારિનાને મળ્યું હતું. 1904ની 25 ઑગસ્ટે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. રશિયાના વિશાળ સામ્રાજ્યને આખરે વારસદાર મળ્યાનો આનંદ દૂરદૂર સુધી ફેલાયો હતો અને તેનું નામ ઍલેક્સી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જોકે, ઝાર અને ઝારિનાનો આનંદ થોડો સમય જ ટક્યો, કારણ કે તેમના દીકરાને હિમોફેલિયા થયો હોવાનું નિદાન થયું હતું.
હિમોફેલિયા એક એવો રોગ છે કે જેનાથી પીડિત વ્યક્તિના શરીરમાં જખમ થાય કે સાદો ઘા પડે તો પણ રક્તનો પ્રવાહ અટકતો નથી. જખમમાં લોહી થીજી જવાની કુદરતી પ્રક્રિયા થતી નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે સમયે આ રોગની કોઈ સારવાર ઉપલબ્ધ નહોતી. તે સમયે આવો રોગ ધરાવતાં બાળકો માત્ર 13 વર્ષ સુધી જીવી શકતાં હતાં.

ઇમેજ સ્રોત, JOHN KOBAL FOUNDATION
રોમાનોવ પરિવારના રાજગુરુ ડૉ. ફિલિપ્સનું મૃત્યુ થયું ત્યારે એલેક્સીની બિમારીની ચિંતા વધી હતી. દીકરાની આવી બિમારી બદલ ઝારિના ખુદને દોષી ગણવા લાગ્યાં હતાં. તેનું શું કરવું એ કોઈને સમજાતું ન હતું. તેમને એક એવા ધર્મગુરૂની જરૂર હતી, જે પ્રાર્થના અને દૈવીશક્તિ વડે એલેક્સીની બિમારીનો ઈલાજ કરી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ તબક્કે ઝાર અને ઝારિનાના જીવનમાં રાસપુતિન નામના માણસનો પ્રવેશ થયો હતો. તેમણે આગાહી કરી હતી કે તેમના મૃત્યુની સાથે જ રશિયામાં ઝારશાહીનો અસ્ત થશે.
એ સમયે રાસપુતિન એક સંત, ભવિષ્યવેતા, લોકોની બીમારી દૂર કરતા અને દૈવીશક્તિ ધરાવતા પુરુષ તરીકે સર્વત્ર પ્રસિદ્ધ હતા.
જેરુસલેમ, ગ્રીસ અને અન્ય તીર્થક્ષેત્રોની યાત્રા કરીને તેઓ સેન્ટ પિટર્સબર્ગમાં સ્થાયી થયા હતા અને ત્યાં તેમણે ખુદને સંત જાહેર કર્યા હતા.
તીર્થયાત્રા દરમિયાન રાસપુતિન વાંચતા અને લખતા શીખ્યા હતા. માણસ અને તેની વિચાર કરવાની ક્ષમતા કઈ રીતે કામ કરે છે તેનો તેમણે અભ્યાસ કર્યો હતો. લોકોને સંમોહિત કઈ રીતે કરવા એ પણ તેઓ શિખ્યા હતા.
રાસપુતિન તંત્રજ્ઞાન વડે બીમારી દૂર કરવા માટે વિખ્યાત હોવાથી અનેક ભદ્ર લોકો તેમની પાસે ભવિષ્ય જાણવા અને દૈવી આશીર્વાદ મેળવવા માટે આવતા હતા.
રાજવી પરિવારની એક પાર્ટીમાં રોમાનોવ પરિવારની બે મહિલાઓએ રાસપુતિનની ઓળખાણ ઝાર અને ઝારિના સાથે કરાવી હતી. ઝારિનાએ રાસપુતિન બાબતે ઘણું સાંભળ્યું હતું.
ઝાર અને ઝારિના સાથેની રાસપુતિનની એ પહેલી મુલાકાતમાં તેમની વચ્ચે ત્રણ કલાક સુધી ચર્ચા થઈ હતી. રાસપુતિને રાજવી દંપતી પર સારી છાપ છોડી હતી. તેથી આ માણસ ઉપયોગી છે તેવું ઝારિના સમજી ગયાં હતાં, પણ તેમના મનમાં સવાલ થયો હતો કે આ સર્બિયન માણસનો ખરેખર ભરોસો કરવો જોઈએ?
એ મુલાકાત પછીના થોડા દિવસોમાં રાજકુમાર ઍલેક્સી ફરી બીમાર પડ્યા હતા અને તેના ઉપચાર માટે રાસપુતિનને વિનંતી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ઝાર અને ઝારિના પાસે ન હતો.
આખરે રાસપુતિનને રાજમહેલમાં આવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પોતે ઍલેક્સીને તપાસતા હોય ત્યારે કોઈએ તે ખંડમાં હાજર રહેવું નહીં, તેવી શરત રાસપુતિને મૂકી હતી. તમામ ડોક્ટરોને ઍલેક્સીના ખંડમાંથી બહાર જવાનું કહેવામાં આવ્યું હતું.

ઝારના દરબારમાં રાસપુતિનનું વધતું કદ

ઇમેજ સ્રોત, MONDADORI PORTFOLIO
એ પછી રાસપુતિને પ્રાર્થના કરી હતી અને ઍલેક્સીની તબિયતમાં આશ્ચર્યજનક રીતે સુધારો થવા લાગ્યો હતો. દીકરો સ્વસ્થ થતાં ઝાર અને ખાસ કરીને ઝારિના રાસપુતિનનો ભરોસો કરતાં થયાં હતાં.
એ વખતે જ રાસપુતિને ભવિષ્યવાણી કરી હતી કે "હું ઍલેક્સીનો ઉપચાર કરવાનું અને તેના માટે પ્રાર્થના કરવાનું બંધ કરીશ તેના છ મહિનામાં તેનું મૃત્યુ થશે." દીકરાની બીમારીથી ચિંતિત ઝાર આ સાંભળીને વધુ ચિંતિત થઈ ગયા હતા.
તેમણે તેમના પુત્રનો ઉપચાર અને પ્રાર્થના ચાલુ રાખવાની વિનંતી રાસપુતિનને કરી હતી. એ પછી રાસપુતિનને ઝારના દરબારમાં અને રાજમહેલમાં આસાનીથી પ્રવેશ મળવા લાગ્યો હતો. તેમણે દર અઠવાડિયે રાજમહેલ જવાનું શરૂ કર્યું હતું.
ઝાર અને ઝારિનાએ પોતે પણ તેમની પાસે પોતાનો ઉપચાર અને પોતાના માટે પ્રાર્થના કરાવવાનું શરૂ કર્યું હતું. તેઓ તેમની સમસ્યાઓના નિવારણ માટે રાસપુતિનની સલાહ પણ લેવા લાગ્યા હતા.
કેટલાક ઈતિહાસકારોને મતે, રાસપુતિને એ વખતે ઝારને ઔષધ તરીકે અફીણ અને બીજી દવાઓ આપવા લાગ્યા હતા. તેના પરિણામે ઝાર તેના વ્યસની બની ગયા હતા અને તેના માટે રાસપુતિન પર નિર્ભર બની ગયા હતા.
રાસપુતિને ઝાર અને ઝારિના સાથે અંગત સંબંધ કેળવ્યો હતો. તેઓ તેમને 'મમ્મી' અને 'પપ્પા' કહેવા લાગ્યા હતા. આમ કરીને તેઓ રાજ પરિવારનાં બાળકો સુધી પહોંચ્યા હતા અને તેમની સાથે મૈત્રી કરી હતી.
એક તરફ ઝારના દરબારમાં રાસપુતિનનું કદ વધી રહ્યું હતું અને બીજી તરફ તેની કાળી બાજુ પણ બહાર આવવા લાગી હતી. રાસપુતિન પર રાજવી પરિવારની મહિલાઓના જાતીય શોષણનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પરંતુ ઝાર તથા ઝારિનાએ તેને ફગાવી દીધો હતો અને જેમણે તે આક્ષેપ કર્યો હતો તેમને નોકરીમાંથી કાઢી મૂકીને દૂર સર્બિયા મોકલી આપ્યા હતા.

જાતીય શોષણના આરોપ

ઇમેજ સ્રોત, UNIVERSALIMAGESGROUP
રાસપુતિન પરના જાતીય શોષણના આક્ષેપના સમાચાર અખબારોમાં પ્રકાશિત થયા હતી. આટલા ગંભીર આક્ષેપ છતાં સેન્ટ પિટર્સબર્ગની ભદ્ર મહિલાઓમાં રાસપુતિનની લોકપ્રિયતા સતત વધતી રહી હતી.
રાસપુતિનને મળવા, ભવિષ્ય જાણવા, આશીર્વાદ લેવા તેમના ઍપાર્ટમેન્ટમાં મહિલાઓની લાઈન લાગતી હતી, પણ તે ઘણીવાર સ્નાન અને દાતણ પણ કરતા નહોતા.
એક મહિલાએ પોતાનો પરિવાર અને બાળકો પણ છોડીને રાસપુતિનના ચરણમાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. ઑલ્ગા લોક્ટિના નામનાં એ મહિલાએ, રાસપુતિન ઈશ્વરનો અવતાર હોવાનું લોકોને જણાવવાનું શરૂ કર્યું હતું.
મહિલાઓ તેમને દૈવી પુરુષ માનીને મિઠાઈઓ લાવતી હતી. રાસપુતિન માટે બધું કરવા તૈયાર હતી. એ પૈકીની અનેક રાસપુતિન સાથે સેક્સ માણવા તૈયાર હતી. કેટલીકે તો સેક્સ માણ્યું પણ હતું.
જોકે, બધી મહિલાઓ વિષયાસક્ત લાગણી સાથે રાસપુતિન પાસે આવી નહોતી. તેથી કેટલીક મહિલાઓએ રાસપુતિનના વર્તન બાબતે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે રાસપુતિનને પૂછપરછ કરી હતી.
રાસપુતિને અનેક મહિલાઓનું જાતીય શોષણ અને શારીરિક સતામણી કરી હોવાનું તેમાં બહાર આવ્યું હતું. સેન્ટ પિટર્સબર્ગના ચર્ચના પાદરીઓએ પણ રાસપુતિનને આ બાબત સવાલ કર્યા હતા. રાસપુતિનને સેન્ટ પિટર્સબર્ગમાં પ્રસ્થાપિત કરવામાં જે પાદરીઓએ મોટી ભૂમિકા ભજવી હતી, એ જ પાદરીઓ રાસપુતિનને ખ્રિસ્તી ધર્મવિરોધી કહેવા લાગ્યા હતા.

સંક્ષિપ્તમાં : મૃત્યુનાં 100 વર્ષ પછી પણ કોયડો બની રહેલા 'સંત'
- રશિયાના ઝાર અને ઝારિનાના જીવનમાં રાસપુતિન નામના માણસનો પ્રવેશ થયો હતો અને તેમણે આગાહી કરી હતી કે તેમના મૃત્યુની સાથે જ રશિયામાં ઝારશાહીનો અસ્ત થશે.
- રાસપુતિન તંત્રજ્ઞાન વડે બીમારી દૂર કરવા માટે વિખ્યાત હોવાથી અનેક ભદ્ર લોકો તેમની પાસે ભવિષ્ય જાણવા અને દૈવી આશીર્વાદ મેળવવા માટે આવતા હતા.
- રશિયાના બીમાર રાજકુમારને રાસપુતિન પોતાની તાંત્રિક શક્તિઓ વડે સાજા કરી રહ્યા હોવાની વાતો થતી
- રાસપુતિનના પ્રવાભમાં કેટલીય મહિલાઓ તેમને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હોવાની વાતો થતી અને વાતો એવી પણ થતી કે એમના સંબંધ ખુદ રશિયન સમ્રાજ્ઞી સાથે પણ હતા.
- તેમનો સીધો પ્રભાવ ઝાર અને ઝારિના પર હતો અને રાજકીય શિક્ષણ ન લીધું હોવા છતાં તેઓ દેશનો વહીવટ ચલાવવાતા કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે.
- વાંચો, સત્તા, સંતાન, સેક્સ અને ષડ્યંત્રની કહાણી

રાસપુતિનનાં કારનામાનો અહેવાલ ઝાર સુધી પહોંચ્યો હતો. ગુપ્ત પોલીસ મારફત તેમના પર નજર રાખવામાં આવી હતી. એ તપાસમાં ભયંકર સત્ય બહાર આવ્યા પછી ઝારે રાસપુતિનને દરબારમાંથી ફારગતી આપી હતી. એ પછી રાસપુતિન આ બધાથી દૂર પોતાના વતન સર્બિયા પાછા ફર્યા હતા.
સર્બિયામાં એક મહિલાએ રાસપુતિન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેમાંથી રાસપુતિન બચી ગયા હતા, પણ તેમણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. એ જ દિવસે ઑસ્ટ્રિયાના રાજકુમાર ફ્રાન્સ ફર્ડિનની હત્યા થતાં સમગ્ર યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું.
વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યાનું જાણવા મળતાં રાસપુતિને ઝારને પત્ર લખીને યુદ્ધમાં ન ઝંપલાવવાની સલાહ આપી હતી, પણ ઝારે તેના પર ધ્યાન આપ્યું નહોતું.
શરૂઆતથી જ સત્તા પર મજબૂત પકડ ધરાવતા હોવાને કારણે ઝારને આ યુદ્ધ માટે લોકોનું પ્રચંડ સમર્થન મળ્યું હતું અને તેઓ આ સુવર્ણતક ગૂમાવવા ઈચ્છતા ન હતા.
તેમણે યુદ્ધમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. રશિયન રાષ્ટ્રવાદ માટે લોકોએ તેમને જોરદાર ટેકો આપ્યો હતો. ઝારિનાના હાથમાં દેશનો કારભાર સોંપીને ઝાર પોતે યુદ્ધ લડવા ગયા હતા.

મૉસ્કોના રાજમહેલમાં રાસપુતિનની વાપસી

ઇમેજ સ્રોત, DORLING KINDERSLEY
સત્તાનાં સુત્રો ઝારિનાના હાથમાં આવતાં જ મૉસ્કોના રાજમહેલમાં રાસપુતિનની ફરી ઍન્ટ્રી થઈ હતી. હવે તેઓ અગાઉ કરતાં વધુ શક્તિશાળી બની ગયા હતા. તેઓ ઝારિનાના અત્યંત વિશ્વાસુ બની ગયા હતા.
દીકરાના ઈલાજ ઉપરાંત દેશનો કારભાર ચલાવવા સાથે સંકળાયેલી ચિંતાને ઘટાડવાના હેતુસરની આધ્યાત્મિક સલાહ માટે પણ ઝારિનાને રાસપુતિનની જરૂર હતી.
તેનો લાભ લઈને રાસપુતિને ઝારિનાના નિર્ણય પર પોતાનો પ્રભાવ ફેલાવવાનું શરૂ કર્યું હતું. તેની સલાહને પગલે ઝારિનાએ અનેક પ્રધાનો તથા દરબારીઓને રૂખસદ આપી હતી અને તેમના સ્થાને ઓછા અનુભવી તથા નવા લોકોની નિમણૂક કરી હતી.
રાસપુતિને કોઈ રાજકીય શિક્ષણ લીધું ન હતું અને તેમની પાસે દેશનો વહીવટ ચલાવવાનો કોઈ અનુભવ પણ ન હતો. તેમ છતાં તેઓ બધું કરતા હતા, એવું કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે.
યુદ્ધને કારણે રશિયામાં ગરીબી, બેરોજગારી અને ભૂખમરામાં વધારો થયો હતો. બિનઅનુભવી વહીવટ અને તેના ખોટા નિર્ણયોને કારણે પરિસ્થિતિ વધારે જટિલ બની હતી. એ ઉપરાંત રશિયા યુદ્ધમાં હારી રહ્યું હતું. આ રીતે લોકોનો રોષ વધી રહ્યો હતો અને ખાસ કરીને તેઓ રાજાશાહીનો વિરોધ કરવા લાગ્યા હતા.
આ તમામ માટે રાસપુતિન જવાબદાર હોવાનું લોકો માનવા લાગ્યા હતા. ખાસ કરીને રાજ દરબારમાં અને રશિયન સંસદમાંના રાજવી પરિવારના કેટલાક પ્રતિનિધિઓ રાસપુતિન તથા તેની ભૂલભરેલી સલાહનો વિરોધ કરતા હતા. ઘણા એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે રાસપુતિનનો કાંટો કાઢવો જરૂરી છે.
આ વાતનો અંદેશો આવતાંની સાથે જ રાસપુતિને ઝારિનાને શ્રાપ આપ્યો હતો કે "તમારો કોઈ સંબંધી મારી હત્યા કરશે તો રશિયા પરના રોમાનોવ પરિવારના વર્ચસનો બે વર્ષમાં અંત આવશે અને રશિયન લોકો તમારો જીવ લઈ લેશે."
રશિયામાં રાજાશાહીને ટકાવવી હશે તો રાસપુતિનની હત્યા કરવી જ પડશે એવું દરબારમાંના અનેક લોકો માનવા લાગ્યા હતા. ઝારની ભત્રીજીના વર ફિલિક્સ યુસુપોવ આ બાબતે નક્કર અભિપ્રાય ધરાવતા હતા.
તેમણે પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં હાજર રહેવાનું આમંત્રણ રાસપુતિનને આપવામાં આવ્યું હતું. રાસપુતિનની હત્યાના ષડ્યંત્રમાં સામેલ લોકોને પણ આ પાર્ટીમાં નોતરવામા આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આ પાર્ટી ફિલિક્સ યુસુપોવના બંગલાના ભોંયરામાં યોજવામાં આવી હતી અને તેમાં ફિલિક્સ યુસુપોવે રાસપુતિનના કપાળમાં ગોળી મારી હતી.
આ ઘટના 1916ની 30 ડિસેમ્બરની રાતે બની હતી. તારીખ જણાવવાનું કારણ એ છે કે ડિસેમ્બરમાં રશિયામાં કેટલી આકરી ઠંડી પડતી હોય એ સમજી શકાય.
કપાળમાં ગોળી વાગવા છતાં રાસપુતિન જીવતા હતા એવું કહેવાય છે. તેથી તેમને કડકડતી ઠંડીમાં નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેથી આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને તેમનું મૃત્યુ થાય. તેમ છતાં રાસપુતિન મર્યા ન હોવાનો દાવો પણ બાદમાં કરવામાં આવ્યો હતો. અફવા ફેલાઈ હતી કે રાસપુતિન ફરી જીવંત થશે, તેથી તેમના અવશેષોને આગ ચાંપી દેવામાં આવી હતી.
રાસપુતિનના મૃત્યુ પછી તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. તેમના મૃત્યુનાં બે વર્ષ પછી રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી અને રશિયન લોકોએ ઝારશાહીને પદભ્રષ્ટ કરી હતી. (અલબત, એ સમયે રશિયામાં બની રહેલી સમાંતર ઘટનાઓની વિગત મેળવી હોત તો આવું કંઈ થવાનો અંદાજ રાજકીય વિશ્લેષકો મેળવી શક્યા હોત)
બોલ્શેવિક ક્રાંતિકારીઓએ 1918ની 17 જુલાઈએ રશિયાના છેલ્લા સમ્રાટ ઝાર નિકોલસ દ્વિતિય, અંતિમ સમ્રાજ્ઞા ઝારિના ઍલેક્ઝેન્ડ્રા, રાજકુમાર ઍલેક્સી અને ચાર રાજકુમારીઓને એક લાઈનમાં ઊભાં રાખીને ઠાર કર્યાં એ સાથે રશિયામાં રોમાનોવ રાજ પરિવારના અસ્તિત્વનો અંત આવ્યો હતો.
પ્રિન્સ ઍલેક્સીની વય એ વખતે 13 વર્ષની હતી અને એ સમયે હિમોફેલિયાથી પીડાતું બાળક સાધારણ રીતે 13 વર્ષ જીવતું રહી શકતું હતું.

ગ્રેગરી રાસપુતિન કોણ હતા?
તેમનો જન્મ સર્બિયાના પોક્રોસ્કોયામાં થયો હતો. તેમનાં માતા-પિતા ખેતમજૂર હતાં, લગ્ન પછી રાસપુતિને સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો હતો. એ વખતે તેઓ ચાર બાળકોના પિતા હતા.
સંન્યાસી બન્યા એ પહેલાં રાસપુતિન પર સર્બિયાના કિલિસ્ટ ધર્મનો જોરદાર પ્રભાવ હતો.
કિલિસ્ટ ધર્મીઓ માનતા હતા કે દરેક અનિષ્ટ તેના નિરાકરણ સાથે આવે છે. તેમની ગુપ્ત વિધિઓ સર્બિયાના જંગલમાં થતી હતી અને આખરે તેનું રૂપાંતર સેક્સ પાર્ટીઓમાં થતું હતું. દરેક સમસ્યાનું નિરાકરણ સેક્સમાં જ હોય છે એવું આ ધર્મ માનતો હોવાના દાવા વિવિધ ઠેકાણે કરવામાં આવ્યા છે.

રાસપુતિન અને અફવા

ઇમેજ સ્રોત, LASKI DIFFUSION
રાસપુતિન હયાત હતા ત્યારે અને તેમના મૃત્યુ પછી અનેક અફવા ફેલાઈ હતી. રશિયાનાં સમ્રાજ્ઞી સાથે તેમને શરીર સંબંધ હતો એવી અફવામાં કોઈ દમ ન હોવાનું પાછળથી બહાર આવ્યું હતું. એ સંબંધે કોઈ પુરાવા ક્યારેય મળ્યા નથી, પરંતુ રાસપુતિનને અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાની વાતને માત્ર તેની દીકરીએ જ સમર્થન આપ્યું છે.
ફિલિક્સ યુસુપોવે પાર્ટીમાં રાસપુતિનને ઝેર ભેળવેલી કેક ખવડાવી હતી અને વાઈન પીવડાવ્યો હતો. તેમ છતાં તેનું મૃત્યુ ન થતાં ફિલિક્સે તેના પર ગોળીબાર કર્યો હતો, એવો દાવો કરવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે રાસપુતિનનું મૃત્યુ ગોળી લાગવાને કારણે જ થયું હતું. તેને ઝેર આપવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું નથી.
ફિલિક્સ યુસુપોવે ગોળી મારવા છતાં રાસપુતિન જીવંત હતા. તેથી તેમને કડકડતી ઠંડીમાં નદીના બરફ પર ફેંકી દેવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ જીવંત હતા એ વાતને પણ અફવા માનવામાં આવે છે.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, રાસપુતિનનું મોત પેટમાં ગોળી વાગવાને કારણે થયેલા અતિ-રક્તસ્ત્રાવને લીધે થયાનું જણાવવામાં આવ્યું છે. એ ઉપરાંત રાસપુતિન, તેમને નદીના બરફમાં ફેંકવામાં આવ્યા એ પહેલાં મૃત્યુ પામ્યા હોવાનું પણ તેમાં જણાવવામાં આવ્યું છે.
રાસપુતિનની હત્યાના ષડ્યંત્રમાં સામેલ એક વ્યક્તિએ પાછળથી જણાવ્યું હતું કે ફિલિક્સ યુસુપોવે "તમારાં પત્ની ઈરીના તમને મળવા આવ્યાં છે," એવું કહીને રાસપુતિનને પોતાના ઘરે બોલાવ્યા હતા, પણ આ ઘટના બની ત્યારે ઈરીના ક્રાઇમિયામાં હોવાનો દાવો પણ કરવામાં આવે છે. એ બાબતે મતમતાંતર પ્રવર્તે છે.
રાસપુતિનનાં દીકરી મારિયાના દાવા અનુસાર, રશિયાના તત્કાલીન ગૃહમંત્રીએ રાસપુતિનને તેમની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની માહિતી આપી હતી, પરંતુ "હવે એ માટે બહુ મોડું થઈ ગયું છે," એવો જવાબ રાસપુતિને આપ્યો હતો.
પોતાની હત્યા થઈ શકે છે, લોકો જોરદાર વિરોધ કરી રહ્યા છે, એવું જાણતા હોવા છતાં રાસપુતિન લોકોને છૂટથી શા માટે હળતામળતા હતા એ સવાલનો જવાબ ક્યાંયથી મળતો નથી.
રાસપુતિન ઘણી અફવાઓનો ભોગ બન્યા હોવાનો દાવો તેમના અમેરિકન ચરિત્રલેખક ડગલસ સ્મિથે કર્યો છે. રાસપુતિન બાબતે જાણી જોઈને અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનું તેમણે બીબીસીના એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું.
તેનુ એક ઉદાહરણ આપતાં ડગલસે કહ્યું હતું કે "મૉસ્કોના એક બારમાં રાસપુતિને ચિકાર દારૂ પીધો હતો. પછી ત્યાં હાજર એક મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. પોતાનું પેન્ટ ઉતારીને નાચવા લાગ્યા હતા અને રશિયાની મહારાણી પોતાની દીવાની હોવાનું કહેવા લાગ્યા હતા. આવી અફવા રાસપુતિન બાબતે સતત ફેલાવવામાં આવતી રહી હતી."
"વાસ્તવમાં રશિયાના તત્કાલીન ગૃહમંત્રીના ઈશારે પોલીસે આવો ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને તે આજે પણ રશિયાની આર્કાઈવમાં જોવા મળે છે," એવું ડગલસે કહ્યું હતું.
એવી જ રીતે રાસપુતિને કરેલી પ્રાર્થનાને કારણે રાજકુમાર ઍલેક્સી સાજા થયાનો દાવો પણ ખોટો હોવાનું કેટલાક નિષ્ણાતોનું કહેવું છે, કારણ કે એ વખતે ડૉક્ટરોએ ઍલેક્સીને આપેલી દવા અસરકારક સાબિત થતી ન હતી. એ દવાઓ રાજકુમારને આપવાનું રાસપુતિને બંધ કરાવ્યું હતું, એવું કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













