નેપાળના યુવરાજે જ્યારે આખા પરિવારની હત્યા કરી અને એકમાત્ર હિંદુ રાષ્ટ્રનો અંત આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
નેપાળ નરેશના નિવાસસ્થાન નારાયણહિતિ મહેલના ત્રિભુવન સદનમાં 2001ની પહેલી જૂને એક પાર્ટી યોજાવાની હતી અને તેને યજમાન યુવરાજ દીપેન્દ્ર હતા. દરેક નેપાળી મહિનાના ત્રીજા શુક્રવારે યોજાતી એ પાર્ટીની શરૂઆત મહારાજ બીરેન્દ્રએ, 1972માં રાજગાદી સંભાળ્યા બાદ કરી હતી.
મહિના પૂર્વે મેમાં આવી પાર્ટી મહેન્દ્ર મંઝિલમાં યોજાઈ હતી. મહેન્દ્ર મંઝિલમાં મહારાજ બીરેન્દ્રનાં ઓરમાન માતા તથા નેપાળના ભૂતપૂર્વ નરેશ મહેન્દ્રનાં બીજા પત્ની રત્નાદેવી રહેતાં હતાં. પેન્ટ-શર્ટમાં સજ્જ યુવરાજ દીપેન્દ્ર તેમના એડીસી મેજર ગજેન્દ્ર બોહરા સાથે સાંજે પોણા સાત વાગ્યે જ બિલિયર્ડ્ઝ રૂમમાં પહોંચી ગયા હતા. તેમણે મેજર બહોરા સાથે બિલિયર્ડઝના કેટલાક શોટ્સની પ્રેક્ટિસ પણ કરી હતી.
મહારાજ બીરેન્દ્રના બનેવી અને ભારતની સરગુજા રિયાસતના રાજકુમાર મહેશ્વરકુમાર સિંહ પાર્ટીમાં સૌથી પહેલા પહોંચ્યા હતા. તેઓ બિલિયર્ડ્ઝ રૂમમાં પ્રવેશ્યા ત્યારે યુવરાજ દીપેન્દ્રએ તેમનું સ્વાગત કર્યું હતું. આપ શું પીશો એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મહેશ્વરસિંહે કહ્યું હતું કે 'ફેમસ ગ્રાઉસ.'

ઇમેજ સ્રોત, TALK MIRAMAX BOOKS
થોડીવારમાં સાડીમાં સજ્જ મહારાણી ઐશ્વર્ય અને મહારાજ બીરેન્દ્રનાં ત્રણેય બહેનો રાજકુમારી શોભા, શાંતિ અને શારદા પણ ત્યાં પહોંચ્યાં હતાં. લગભગ 7.40 વાગ્યે દીપેન્દ્રના પિતરાઈ ભાઈ પારસ તેમનાં માતા રાજકુમારી કોમલ, બહેન પ્રેરણા અને પત્ની હિમાની સાથે ત્યાં પહોંચ્યા હતા.
મહારાજ બીરેન્દ્રને આવવામાં થોડો વિલંબ થયો હતો, કારણ કે તેઓ એક સામયિકના તંત્રી માધવ રિમાલને ઈન્ટર્વ્યૂ આપી રહ્યા હતા. એ દરમિયાન મહારાજનાં માતા પોતાની મર્સિડીઝમાં ત્યાં પહોંચ્યાં હતાં. તેમને એક હાથમાં પર્સ અને બીજા હાથમાં પંખો હતો. તેઓ બિલિયર્ડ્ઝ રૂમની બાજુના એક ઓરડામાં જઈને સોફા પર બેસી ગયાં હતાં.
થોડી મિનિટોમાં બિલિયર્ડ્ઝ રૂમનો દરવાજો ઉઘડ્યો અને મહારાજ બીરેન્દ્રએ અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ કારમાં આવવાને બદલે પોતાની ઓફિસથી પગપાળા ત્યાં પહોંચ્યા હતા. તેમના એડીસી સુંદર પ્રતાપ રાણા તેમને દરવાજા સુધી મૂકીને ચાલ્યા ગયા હતા, કારણ કે તે અંગત પાર્ટી હતી અને બહારના લોકોને તેમાં ભાગ લેવાની છૂટ ન હતી. તેઓ સીધા તેમનાં માતા પાસે ગયા હતા.

દીપેન્દ્રને તેમને બેડરૂમમાં લઈ જવાયા

ઇમેજ સ્રોત, Getty Images
એ દરમિયાન લોકોએ જોયું કે દીપેન્દ્ર જાણે કે અચાનક નશાની હાલતમાં આવી ગયા હતા. તેમની જીભ થોથરાતી હતી અને ઊભા રહી શકતા ન હતા. થોડી મિનિટોમાં તેઓ પડી ગયા. એ સમયે રાતના સાડા આઠ વાગ્યા હતા. અગાઉ બહુ દારૂ પીવા છતાં દીપેન્દ્ર ક્યારેય નશામાં ચકચૂર હાલતમાં જોવા મળ્યા ન હતા. તેઓ પોતાની જાત પર નિયંત્રણ રાખી શકતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાજ બીરેન્દ્ર બાજુના ઓરડામાંથી બિલિયર્ડ્ઝ રૂમમાં પહોંચે એ પહેલાં પારસ, રાજકુમાર નિરાજન અને ડૉ. રાજીવ શાહી વજનદાર દીપેન્દ્રને હાથ તથા પગથી ઊંચકીને તેમના બેડરૂમમાં લઈ ગયા હતા અને તેમને જમીન પર બિછાવવામાં આવેલા ગાદલા પર સૂવડાવી, બેડરૂમની લાઈટ બંધ કરીને પાર્ટીમાં પાછા ફર્યા હતા.
જૉનાથન ગ્રૅગસને તેમના પુસ્તક 'મૅસેકર ઍટ ધ પૅલેસ'માં લખ્યું છે કે "બેડરૂમમાં એકલા પડેલા દીપેન્દ્ર બાથરૂમમાં ગયા હતા અને ત્યાં તેમણે ઊલટી કરી હતી. એ પછી તેમણે સૈનિકનો ગણવેશ પહેર્યો હતો. એક જૅકેટ, સૈનિક બૂટ તથા ચામડાનાં કાળાં હાથમોજાં પહેર્યાં હતાં. એ પછી તેમણે તેમને ગમતી 9 એમએમ પિસ્તોલ તથા એમપી5કે સબમશીન ગન તથા કૉલ્ટ એમ-16 રાઈફલ ઉઠાવી હતી અને બિલિયર્ડ્ઝ રૂમ ભણી આગળ વધ્યા હતા."

સૈનિકના વેશમાં બિલિયર્ડ્ઝ રૂમમાં પ્રવેશ્યા દીપેન્દ્ર

ઇમેજ સ્રોત, Getty Images
બિલિયર્ડ્ઝ રૂમની વચ્ચે કેટલીક મહિલાઓ વાતો કરતી હતી. અચાનક તેમની નજર સૈનિક યુનિફોર્મમાં સજ્જ થઈને આવેલા યુવરાજ દીપેન્દ્ર પર પડી.
મહારાજ બીરેન્દ્રનાં પિતરાઈ બહેન કેતકી ચેસ્ટરે બીબીસીને કહ્યું હતું કે "દીપેન્દ્ર અંદર આવ્યા ત્યારે તેમના બન્ને હાથમાં ગન હતી. તેઓ સૈનિકના યુનિફોર્મમાં હતા. તેમણે કાળાં ચશ્માં પણ પહેર્યાં હતાં. મેં મારી પાસે ઊભેલી મહિલાને કહ્યું કે યુવરાજ દીપેન્દ્ર તેમનાં હથિયારોનો દેખાડો કરવા આવ્યા છે."

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS
આ બધું બન્યું ત્યાં સુધીમાં નેપાળ નરેશ બિલિયર્ડ્ઝ રૂમમાં આવી પહોંચ્યા હતા. તેમના હાથમાં કોકનો એક ગ્લાસ હતો, કારણ કે ડૉક્ટરે તેમના દારુ પીવાની મનાઈ ફરમાવી હતી.
દીપેન્દ્રએ તેમના પિતા તરફ નજર કરી. એ સમયે તેમનો ચહેરો લાગણીહીન હતો. બીજી જ ક્ષણે તેમણે તેમના જમણા હાથમાંની જર્મનીમાં નિર્મિત એપી5-કે સબ-મશીનગનનું ટ્રિગર દબાવ્યું હતું. સબ-મશીનગનમાંથી નીકળેલી ઘણી ગોળીઓ છતમાં અથડાતાં કેટલુંક પ્લાસ્ટર ઊખડીને નીચે પડી ગયું હતું.

નેપાળ નરેશે કહ્યું કે 'કે કારદેકો'

ઇમેજ સ્રોત, JONATHAN GREGSON
બધા મહેમાનો, દીપેન્દ્રની આગલી હિલચાલની રાહ જોતા હોય તેમ થોડી સેકન્ડો માટે તો સ્થિર થઈ ગયા હતા. તેમણે એવું ધાર્યું હતું કે દીપેન્દ્ર કોઈ રમત રમી રહ્યા છે અને તેમની સબ-મશીનગનમાંથી ભૂલથી ગોળી છૂટી ગઈ હશે.
ગ્રૅગસન પુસ્તકમાં લખે છે કે "નેપાળ નરેશ શરૂઆતમાં તો બિલિયર્ડ્ઝ ટેબલની બાજુમાં સ્થિર ઊભા રહ્યા. પછી તેઓ દીપેન્દ્ર તરફ આગળ વધ્યા હતા. દીપેન્દ્રએ એકેય શબ્દ બોલ્યા વિના બીરેન્દ્રને ત્રણ ગોળી મારી દીધી. થોડીવાર તેઓ ઊભા રહ્યા. સ્લોમોશનમાં પોતાનો ગ્લાસ ટેબલ પર મૂક્યો."
એ દરમિયાન દીપેન્દ્ર પાછા ફરીને બિલિયર્ડ્ઝ રૂમની બહાર નીકળ્યા અને ગાર્ડન તરફ ચાલ્યા ગયા હતા. લોકોને ત્રણ સેકન્ડ પછી ખબર પડી કે દીપેન્દ્રએ છોડેલી ગોળી મહારાજ બીરેન્દ્રની ગર્દનના જમણા હિસ્સામાં લાગી છે.
કેતકી ચેસ્ટરે કહ્યું હતું કે "મહારાજ આઘાતમાં હતા. તેઓ સ્લો મોશનમાં નીચે પડી રહ્યા હતા એ અમે જોઈ શકતા હતા."
એ દરમિયાન નેપાળ નરેશના જમાઈ કૅપ્ટન રાજીવ શાહીએ પોતાનો ગ્રે રંગનો કોટ ઉતારીને મહારાજની ગર્દનને આસપાસ વીંટાળી દીધો હતો, જેથી તેમાંથી લોહી નીકળતું અટકાવી શકાય. ત્યાં સુધી બીરેન્દ્ર બેભાન થયા નહોતા. તેમણે તેમની બીજી ઈજા તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે "રાજીવ પેટમાં પણ."

ઇમેજ સ્રોત, MIRAMAX BOOKS
પછી મહારાજ બીરેન્દ્રએ પોતાનું માથું ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને નેપાળી ભાષામાં બબડ્યા, "કે ગારકેદો." એટલે કે તમે આ શું કર્યું. એ તેમના અંતિમ શબ્દો હતા.
એ જ સમયે દીપેન્દ્રએ રૂમમાં ફરી પ્રવેશ કર્યો હતો. તેમણે ઇટાલીમાં નિર્મિત ગન તેમના હાથમાંથી નીચે પાડી દીધી હતી. હવે તેમના હાથમાં એમ-16 રાઈફલ હતી.
યુવતી સાથેનો દીપેન્દ્રનો સંબંધ શાહી દંપત્તિને પસંદ ન હતો
દીપેન્દ્રએ મહારાજ બીરેન્દ્ર પર ગોળીબાર શા માટે કર્યો? બીબીસીએ દીપેન્દ્રનાં ફોઈ કેતકી ચેસ્ટરને આ જ સવાલ પૂછ્યો હતો.
કેતકી ચેસ્ટરે કહ્યું હતું કે "દીપેન્દ્ર એક યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, જે તેમનાં દાદી અને માતાને પસંદ નહોતું. તેમને ખર્ચ કરવા માટે ઇચ્છિત પ્રમાણમાં પૈસા મળતા ન હતા. એ કારણસર તેઓ જાત પરનો અંકુશ ગૂમાવી બેઠા હતા."

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS
દીપેન્દ્ર આ પરિસ્થિતિથી નિરાશ હતા અને એમની માનસિક સ્થિતિ પણ ડામાડોળ હતી. એ વાત બ્રિટન સુધી પહોંચી ગઈ હતી. બ્રિટનમાંના તેમના વાલી લૉર્ડ કેમોએઝે મે, 2001ની શરૂઆતમાં મહારાજ બીરેન્દ્રને પત્ર લખીને આ બાબતે ચેતવ્યા હતા. તેમણે લખ્યું હતું કે યુવરાજ જીવનમાં પોતાની ભૂમિકા અને મનપસંદ યુવતી સાથે લગ્ન ન કરી શકવા બાબતે બહુ નારાજ છે.
મહારાણી ઐશ્વર્ય સમજી ગયાં હતાં કે દીપેન્દ્રની તેની મનપસંદ યુવતી સાથે લગ્ન કરતા અટકાવવાનું બહુ મુશ્કેલ બનશે. તેથી તેમણે દીપેન્દ્રને સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેઓ માતા-પિતાની વાત નહીં માને તો તેમની શાહી પદવી પાછી લઈ લેવામાં આવશે.

કાકા પર ગોળીબાર કર્યો

ઇમેજ સ્રોત, NEPAL TIMES
એ વખતે દીપેન્દ્રના કાકા ધીરેન્દ્રએ દરમિયાનગીરીનો પ્રયાસ કર્યો હતો.
કેતકી ચેસ્ટરે કહ્યું હતું કે "મહારાજ બીરેન્દ્રના નાના ભાઈ ધીરેન્દ્ર શાહે દીપેન્દ્રને રોકતાં કહ્યું હતું કે બાબા, હવે બહુ થયું. તમારી બંદુક મને આપી દો. આ સાંભળીને દીપેન્દ્રએ ધીરેન્દ્ર પર પણ ગોળીબાર કર્યો હતો. તેથી ધીરેન્દ્ર દૂર જઈ પડ્યા હતા. એ પછી તો દીપેન્દ્ર જાત પરનો અંકુશ સંપૂર્ણપણે ગૂમાવી ચૂક્યા હતા અને દરેક વ્યક્તિ પર ગોળીબાર કરવા લાગ્યા હતા. રાજકુમાર પારસે બૂમ પાડીને બધાને સોફાની આડશ લેવા જણાવ્યું હતું."
કેતકી ચેસ્ટરને પણ એક ગોળી વાગી હતી. દીપેન્દ્રને એવું લાગ્યું હતું કે કેતકી પણ મૃત્યુ પામ્યાં છે, કારણ કે તેમનું મસ્તક અને વાળ લોહીથી લથપથ થઈ ગયા હતા.
એક ગોળી મહારાજા જ્ઞાનેદ્રનાં પત્ની અને પારસનાં માતાને લાગી હતી, જે તેમનાં ફેફસાંની આરપાર નીકળી ગઈ હતી. દીપેન્દ્રએ મહારાજ બીરેન્દ્ર પર ફરી ગોળીબાર કર્યો હતો. એ ગોળી બીરેન્દ્રના મસ્તક સોંસરવી નીકળી હતી. તેમની લોહીથી લથબથ ટોપી અને ચશ્માં જમીન પર પડી ગયાં હતાં. તેઓ ઊંઘા માથે પડ્યા હતા અને તેમને પગ બાર તરફ હતા.
દીપેન્દ્રએ તેમના ઘાયલ પિતાને લાત મારી એ દૃશ્ય કેતકી ચેસ્ટર હજુ ભૂલી શક્યાં નથી.
એ દૃશ્ય યાદ કરતાં કેતકી ચેસ્ટરે કહ્યું હતું કે "લગભગ મૃત્યુ પામેલા પોતાના પિતાને દીપેન્દ્રએ લાત મારી હતી એ દૃશ્ય મારી આંખોમાં હંમેશ માટે અંકિત થઈ ગયું છે. તેઓ એ જાણવા ઈચ્છતા હતા કે તેમના પિતા જીવીત છે કે મૃત્યુ પામ્યા છે. મૃત વ્યક્તિને દરેક સંસ્કૃતિમાં આદર આપવામાં આવે છે. ગોળી મારવા કરતાં પણ મને વધારે આઘાત દીપેન્દ્રએ તેમના પિતાના મૃતદેહને લાત મારી તેનાથી લાગ્યો હતો."

એડીસીની ભૂમિકા બાબતે સવાલ

ઇમેજ સ્રોત, TIM GRAHAM PHOTO LIBRARY VIA GETTY IMAGES
નારાયણહિતિ મહેલના ત્રિભુવન ભવનમાં નેપાળ નરેશ અને શાહી પરિવારના 12 અન્ય લોકો મૃત્યુ પામ્યા હતા અથવા તો ઘાયલ થયા હતા. ગોળીબાર ત્રણથી ચાર મિનિટમાં ખતમ થઈ ગયો હતો.
નેપાળના આ સૌથી મુશ્કેલ સમયમાં ગોળીબારનો અવાજ સાંભળવા છતાં, ક્રેક કમાન્ડોની તાલીમ લઈ ચૂકેલા એકેય એડીસીએ દોડીને ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો ન હતો. તેઓ તેમના ઓરડામાં જ બેઠા રહ્યા હતા. તેમના રૂમ બિલિયર્ડ્ઝ રૂમથી માત્ર 150 યાર્ડ દૂર હતા.
તેમણે પ્રયાસ કર્યો હોત તો તેઓ 10 સેકન્ડમાં બિલિયર્ડ્ઝ રૂમમાં પહોંચી શક્યા હોત. એ પછી તપાસસમિતિના અહેવાલને આધારે ચારેય એડીસીને બરતરફ કરવામાં આવ્યા હતા.

મહારાણી ઐશ્વર્ય પર પાછળથી ગોળીબાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
એ દરમિયાન દીપેન્દ્ર ફરી બિલિયર્ડ્ઝ રૂમમાંથી નીકળીને ગાર્ડનમાં ચાલ્યા ગયા હતા. મહારાણી ઐશ્વર્ય તેમની પાછળ દોડ્યાં હતાં. રાજકુમાર નિરાજન પણ તેમની પાછળ ગયા. થોડા સમય પછી બે ગોળીબારનો અવાજ આવ્યો હતો.
નિલેશ મિસ્રાએ તેમના પુસ્તક 'એન્ડ ઑફ ધ લાઈન'માં લખ્યું છે કે "રસોડાના સાંતાકુમાર ખડકા નામના એક રસોઈયાએ મહારાણી ઐશ્વર્યને તેમનાં જીવનની અંતિમ ક્ષણોમાં નિહાળ્યાં હતાં. રાણી પગથિયાં ચડીને દીપેન્દ્રના બેડરૂમમાં જવાનો પ્રયાસ કરતાં હતાં. તેઓ નેપાળી ભાષામાં મોટેથી બરાડી રહ્યાં હતાં. તેઓ સાત પગથિયાં નહીં ચડ્યાં હોય ત્યાં એક ગોળી તેમના મસ્તકમાંથી આરપાર નીકળી ગઈ હતી. તેઓ આરસપહાણના પગથિયાં પર ઢળી પડ્યાં હતાં. તેમને પાછળથી ગોળી મારવામાં આવી હતી. તેઓ દીપેન્દ્રનો આખરી શિકાર હતાં."

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS
તેમને એવી ધારણા હતી કે દીકરો દીપેન્દ્ર તેમના પર ગોળીબાર નહીં કરે, પરંતુ એ તેમની ગેરસમજ હતી.
એ પછી દીપેન્દ્ર ગાર્ડનમાંના નાનકડા તળાવ પરના બ્રિજ ઉપર ગયા હતા. ત્યાં તેઓ પાગલોની માફક એક-બે વખત બરાડ્યા હતા અને છેલ્લે અંતિમ ગોળીનો અવાજ સંભળાયો હતો.
તેઓ ઢળી પડ્યા હતા. એક ગોળી તેમના મસ્તકની આરપાર નીકળી ગઈ હતી. તેમના ડાબા કાનની પાછળ ગોળી ઘૂસવાનું એક સેન્ટીમીટર લાંબુ નિશાન હતું. તેમના જમણા કાનની ઉપર ગોળી બહાર નીકળ્યાનું નિશાન હતું. બન્નેમાંથી લોહી વહી રહ્યું હતું, પરંતુ દીપેન્દ્ર જીવંત હતા.

મહારાજને જેગ્વાર કારમાં હોસ્પિટલે લઈ જવાયા

ઇમેજ સ્રોત, PENGUIN BOOKS
બીજી તરફ મહારાજ બીરેન્દ્ર આટલી ગોળીઓ વાગ્યા છતાં જીવંત હતા. તેમના એડીસીએ તેમને હૉસ્પિટલે લઈ જવા માટે જેગ્વાર કારની પાછલી સીટ પર તેમને સુવડાવ્યા ત્યારે તેમના બન્ને કાનમાંથી લોહી નીકળતું હતું. તેમનાં વસ્ત્રો લોહીથી લથબથ હતાં. તેમના હૃદયના ધબકારા લગભગ શાંત થઈ ગયા હતા, પરંતુ તેમના હાથમાં થોડો સળવળાટ જણાતો હતો. તેમને કમસેકમ સાતથી આઠ ગોળી લાગી હતી.
જેગ્વારની પાછળ ચાલતી ટોયોટા કારમાં મહારાણી ઐશ્વર્યનું શરીર હતું. બન્ને કાર હૉસ્પિટલે પહોંચી ત્યારે રાતના સવા નવ થયા હતા. નેપાળના સર્વશ્રેષ્ઠ ન્યૂરો સર્જન, પ્લાસ્ટિક સર્જન અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ થોડી જ વારમાં હૉસ્પિટલે પહોંચી ગયા હતા.
મહારાણીને કારમાંથી ઉતારતી વખતે જ મૃત જાહેર કરી દેવાયાં હતાં. એ સમયે લીલા રંગની એક ટોયોટા લૅન્ડક્રૂઝર કાર પણ હૉસ્પિટલ તરફ આવી રહી હતી.
એમાં રાજકુમાર પારસ આગલી સીટ પર બેઠા હતા. પાછલી સીટ પર દીપેન્દ્રના એડીસી ગજેન્દ્ર બોહરા અને રાજુ કાર્કી યુવરાજ દીપેન્દ્ર અને રાજકુમાર નિરાજનના શરીર પકડીને બેઠા હતા. બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી. હત્યારા અને તેના શિકાર બન્નેને એક જ કારમાં લઈ જવામાં આવી રહ્યા હતા.

ટ્રોમા સેન્ટરમાં પલંગ ખૂટી પડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
એ લોકો સાડા નવે હૉસ્પિટલે પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યાની થોડી મિનિટોમાં જ રાજકુમાર નિરાજનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ગ્રૅગસને લખ્યું છે કે "એ દરમિયાન નેપાળના ટોચના ન્યૂરો સર્જન ડૉ. ઉપેન્દ્ર દેવકોટા એક ટ્રોલી પાસે રોકાયા. ત્યાં એક ડૉક્ટર લોહીથી લથબથ રાષ્ટ્રીય પોષાક પહેરેલા શખ્સની સારવાર કરી રહ્યા હતા. એ વ્યક્તિના ગળામાં એક લૉકેટ લટકતું હતું. તેમાં સાંઈબાબાનું ચિત્ર હતું. તેઓ મહારાજ બીરેન્દ્રને અગાઉ મળ્યા હતા, પરંતુ ઘાયલ બીરેન્દ્રને ડૉ. ઉપેન્દ્ર ઓળખી શક્યા ન હતા."
યુવરાજ દીપેન્દ્રએ એ દિવસે તેમના પરિવારના એટલા બધા લોકોની હત્યા કરી હતી કે હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરના તમામ પલંગ ભરાઈ ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
દીપેન્દ્રને સ્ટ્રેચર પર અંદર લાવવામાં આવ્યા ત્યારે એકેય ખાટલો ખાલી ન હતો. તેમને જમીન પર પાથરવામાં આવેલા ગાદલામાં સુવડાવી દેવાયા હતા.
દીપેન્દ્રના માથામાં બન્ને બાજુથી લોહી વહેતું હતું. તેઓ શ્વાસ લેતાં બહુ અવાજ કરી રહ્યા હતા, પરંતુ તેમનું બ્લડ પ્રેશર 100-60ના સ્તરે હતું, જે ચિંતાજનક ન હતું, પરંતુ તેમની આંખની કીકી પર જોરદાર પ્રકાશની કોઈ અસર થતી ન હતી. થોડી મિનિટોમાં દીપેન્દ્રને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા.

દીપેન્દ્રના રાજા બનાવાયા

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનાને કવર કરવા હું 2001ની બીજી જૂને સવારે 10 વાગ્યે દિલ્હીથી કાઠમંડુ પહોંચી ગયો હતો, પણ ત્યાં સુધી નેપાળના લોકોને આ હત્યાકાંડ બાબતે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જોકે, નેપાળ રેડિયો પર સવારથી જ શોક સંગીત વાગી રહ્યું હતું.
હત્યાકાંડના 14 કલાક પછી સવારે 11 વાગ્યે કાર્યક્રમ અટકાવીને તેમણે આખરે જાહેરાત કરી હતી કે મહારાજ બીરેન્દ્ર બીરબિક્રમ શાહનું ગઈ કાલે રાતે સવા નવ વાગ્યે મૃત્યુ થયું છે. તેમના સ્થાને તેમના સૌથી મોટા પુત્ર યુવરાજ દીપેન્દ્રને મહારાજાધિરાજ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ હાલ કામ કરી શકવાની સ્થિતિમાં ન હોવાથી રાજકુમાર જ્ઞાનેન્દ્ર રીજેન્ટની માફક કામ કરશે. મહારાજ બીરેન્દ્રનું મૃત્યુ કઈ રીતે થયું હતું એ નેપાળવાસીઓને જણાવવામાં આવ્યું ન હતું.

અંતિમયાત્રામાં લાખો લોકો

ઇમેજ સ્રોત, Getty Images
2001ની બીજી જુને બપોરે ચાર વાગ્યે રાજ પરિવારની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે કાઠમાંડુના તમામ લોકો રસ્તા પર એકઠા થયા હતા. દેશના હજારો લોકોએ મહારાજ પ્રત્યેના આદરમાં પોતાનાં માથાં મુંડાવી નાખ્યાં હતાં.
હજામોએ તે કામ માટે એક પૈસો પણ લીધો ન હતો. રાજ પરિવારના એક સભ્ય દીપક બિક્રમે આર્યઘાટ પર ધૂંધળી સાંજે તમામ ચિતાઓને અગ્નિદાહ આપ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
યુવરાજ દીપેન્દ્ર ફરી ક્યારેય ભાનમાં આવ્યા ન હતા. 2001ના ચોથી જૂને સવારે 3.40 વાગ્યે તેમનું પણ મૃત્યુ થયું હતું. ૉ
નેપાળ પર લગભગ 54 કલાક સુધી એ વ્યક્તિનું રાજ હતું, જે બેહોશ હતી અને તેના પર પિતાની હત્યાનો આરોપ હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તેમના મોત પછી નેપાળ નરેશ બીરેન્દ્રના નાના ભાઈ જ્ઞાનેન્દ્ર ત્રણ દિવસમાં નેપાળના ત્રીજા રાજા બન્યા હતા, પરંતુ નેપાળની રાજાશાહી આઘાતમાંથી ઊગરી ન હતી ત્યાં નેપાળે 2008માં રાજાશાહી ત્યાગીને ગણતંત્રનો માર્ગ પસંદ કર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













