ભારત વિ. પાકિસ્તાન : એ મૅચ જ્યાં બંને દેશો વચ્ચે ચાલતું યુદ્ધ હાર્યું અને ક્રિકેટ જીતી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, ભારત સંવાદદાતા

- રવિવારે ઑસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ વર્લ્ડ ટી20 ટુર્નામેન્ટમાં બંને દેશો વચ્ચેના મુકાબલા પહેલાં બીબીસીએ એ વાત તરફ ધ્યાન દોર્યું છે કે કેવી રીતે ભારત-પાકિસ્તાને યુદ્ધ સમયે પણ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા
- વર્ષ 1947માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા પડ્યા બાદ પાકિસ્તાને પાંચ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ રમી નહોતી
- પાકિસ્તાની ટીમે 1952માં ભારતનો પ્રવાસ કર્યો જેમાં બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મૅચ યોજાઈ હતી
- પાછલાં 70 વર્ષોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 58 ટેસ્ટ મૅચો જ રમાઈ છે, જ્યારે આ જ સમય દરમિયાન ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે 97 ટેસ્ટ મૅચો રમાઈ ચૂકી છે
- સુનિલ ગાવસ્કર એ સમય યાદ કરે છે જ્યારે તેમણે અને તેમના ટીમના સભ્યોએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ દરમિયાન પણ ચાર માસ સુધી ડ્રેસિંગરૂમ શૅર કરી હતી
- એ સમયે સ્પિનર બિશન બેદી "યુદ્ધથી ખુશ નહોતા કારણ કે તેમનું વતન અમૃતસર પાકિસ્તાનની બૉર્ડર નજીક હતું."
- બંને દેશો વચ્ચેના સંબંધો વણસતાં 17 વર્ષ સુધી બંને દેશો એકબીજા સામે ક્રિકેટ મૅચ ન રમી શક્યા, અંતે રાજદ્વારી સમજૂતી બાદ 1978માં તે શક્ય બની શક્યું

ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ ભારતીય ટીમના આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપમાં સામેલ થવાની શક્યતા નકારી દીધી હોવાથી આ અંગે શંકાનું વાતાવરણ સર્જાયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે આવું કરવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઊભી ફાટ પડશે અને વર્ષ 2023માં ભારતમાં યોજાનાર આઈસીસી વર્લ્ડકપમાં તેના સામેલ થવાની બાબતને પણ અસર કરશે.
રવિવારે ઑસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ વર્લ્ડ ટી20 ટુર્નામેન્ટમાં બંને દેશો વચ્ચેના મુકાબલા પહેલાં બીબીસીએ એ વાત તરફ ધ્યાન દોર્યું હતું કે કેવી રીતે ભારત-પાકિસ્તાને યુદ્ધ સમયે પણ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા.
ભારતીય ક્રિકેટના ખ્યાતનામ ખેલાડી એવા સુનિલ ગાવસ્કર એ સમય યાદ કરે છે જ્યારે તેમણે અને તેમની ટીમના સભ્યોએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ દરમિયાન પણ ચાર માસ સુધી ડ્રેસિંગરૂમ શૅર કરી હતી.
ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટ દુનિયાના આ ભાગના ક્રિકેટ તારલાઓ 'રેસ્ટ ઑફ ધ વર્લ્ડ' ટીમમાં મેજબાનો સામે અડધા ડઝન કરતાં પણ વધુ મૅચમાં એકસાથે રમ્યા હતા. નવ માસ ચાલેલું યુદ્ધ 1971માં સમાપ્ત થયું હતું, જેમાં બાંગ્લાદેશને પાકિસ્તાનથી સ્વતંત્રતા હાંસલ થઈ હતી.
તેમના જીવનચરિત્રમાં સુનિલ ગાવસ્કરે લખ્યું છે કે, "આ સ્પર્ધા દરમિયાન જે બની રહ્યું હતું તેમ છતાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે કોઈ તણાવ નહોતો"
ગૅરી સોબર્સની કપ્તાનીમાં 'રેસ્ટ ઑફ ધ વર્લ્ડ' ટીમના અડધા ડઝન જેટલા ખેલાડીઓ આ ઉપખંડમાંથી હતા. ગાવસ્કર, સ્પિનર બિશન બેદી અને વિકેટકિપર ફારૂખ એન્જિનિયર આ ટીમમાં ભારતીય ટીમ તરફથી સામેલ થયા હતા. પાકિસ્તાનના બૅટર ઝહિર અબ્બાસ, ઑલરાઉન્ડર ઇન્તિખાબ આલમ અને ફાસ્ટ બૉલર આસિફ મસૂદે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નેપકિન પર ઉર્દૂમાં લખાણ

ઇમેજ સ્રોત, Getty Images
ગાવસ્કરે તેમના પુસ્તક 'સની ડેઝ'માં લખ્યું છે કે, "અમે એ સમયે લગભગ દર સાંજે એક પાકિસ્તાનીની રેસ્ટોરાંમાં જમવા જતા. ત્યાંના માલિક જુદાં જુદાં રેડિયો ન્યૂઝ બુલેટિન સાંભળતા, તેને એક નેપકિન પર ઉર્દૂમાં લખતા અને ઇન્તિખાબને આપતા. ઇન્તિ એને ધ્યાનથી ન જોતા, તેને હથેળી વડે વાળીને ફેંકી દેતા."
મેદાન પર, અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો ઉપખંડના દેશોની દુશ્મનાવટ વિશે હળવા અંદાજમાં વાતો કરતા. ગાવસ્કર સાથે ઓપનિંગ કરનાર સાઉથ આફ્રિકાના બૅટર હીલ્ટન ઍકરમૅને "આ પરિસ્થિતિનો કેટલીક હળવી પરિસ્થિતિઓની કલ્પના કરવા ઉપયોગ કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાંથી એકમાં આલમ અને એન્જિનિયર "બંદૂકના નાળચે આવેલા ચપ્પુ સાથે એકબીજા સાથે બાખડતા, હું ફાઇટર પ્લેન સાથે હતો અને આસિફ મસૂદ મારી પાછળ, તેમજ બિશન અને ઝહિર એકબીજાથી દૂર ભાગતા હતા."
ગાવસ્કર લખે છે "અમે આ વાતે ખૂબ હસ્યા."
પરંતુ મેદાનની બહાર કેટલીક ચિંતાઓ હતી.
એન્જિનિયરે એક સ્થાનિક પત્રકારને એવું જણાવ્યું હતું કે, "બૉમ્બેમાં (હાલ મુંબઈ) તેમનું ઘર દરિયા સામે છે, તેઓ તેમનાં પત્ની અને દીકરીની સુરક્ષાને લઈને ચિંતિત હતા અને તેમણે લૅન્કશાયરમાં તેમના બીજા ઘરે જવા તેમને જણાવ્યું હતું."
આ વાતથી બેદી ખુશ નહોતા, એવું ગાવસ્કરે નોંધ્યું છે.
તેમજ રિપોર્ટરો સાથે વાત ન કરનાર સ્પિનર બિશન બેદી "યુદ્ધથી ખુશ નહોતા કારણ કે તેમનું વતન અમૃતસર પાકિસ્તાનની બૉર્ડર નજીક હતું."

17 વર્ષ સુધી બંને દેશ વચ્ચે મૅચ ન રમાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ગાવસ્કરના પુસ્તક પરથી ખ્યાલ આવે છે કે કેવી રીતે બંને દેશો વચ્ચે કડવાશભર્યા સંબંધો રહ્યા હોવા છતાં આ વાત ક્યારેય ક્રિકેટરો વચ્ચેના સંબંધો પર પ્રતિબિંબિત થઈ નથી.
વર્ષ 1947માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા પડ્યા બાદ પાકિસ્તાને પાંચ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ રમી નહોતી. પાકિસ્તાની ટીમે 1952માં ભારતનો પ્રવાસ કર્યો જેમાં બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મૅચ યોજાઈ હતી.
રામચંદ્ર ગુહાના ભારતીય ક્રિકેટના ઇતિહાસના પુસ્તક અ કૉર્નર ઑફ અ ફોરેન ફિલ્ડમાં તેમણે આ પ્રવાસની વાતો નોંધી છે. આ નોંધમાં બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો અને રમતગમત ક્ષેત્રની જટિલ અને વિરોધાભાસી છબિ પ્રતિબિંબિત થાય છે.
એક સમયે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની માલિકીવાળા ડૉન ન્યૂઝપેપરના બૅક પેજ પર એવી આશા વ્યક્ત કરાઈ હતી કે ટીમ "સારી છબિ ઊભી કરશે... તેઓ સદ્ભાવના પ્રતિનિધિ છે..." જ્યારે તેના પ્રથમ પેજ પર એવી હેડલાઇન હતી કે 'ભારત (ઇન્ડિયા)એ કાશ્મીરના કબજે કરેલા ભાગોમાં સૈન્ય વધાર્યું'.
બધી રીતે આ એક સફળ ટૂર હતી. હિંદુ જૂથ દ્વારા કલકત્તા (હાલ કોલકાતા) ખાતેની ટેસ્ટ મૅચના બહિષ્કાર માટે જનમત કેળવવાનો પ્રયાસ કરાયો જે નિષ્ફળ નીવડ્યો. કારણ કે આ મૅચ જોવા માટે ભારે સંખ્યામાં લોકો આવ્યા. ભારતે આ શ્રેણી 2-1થી જીતી.
પાછલાં 70 વર્ષોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 58 ટેસ્ટ મૅચ જ રમાઈ છે. જ્યારે આ જ સમય દરમિયાન ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે 97 ટેસ્ટ મૅચ રમાઈ ચૂકી છે.
બંને દેશો વચ્ચે શરૂઆતમાં રમાયેલ શ્રેણીઓ ખૂબ રસપ્રદ રહી નહોતી. ઘણી શ્રેણીઓ ડ્રૉ થઈ હતી. જેમાં 1960-61ની ભારતમાં રમાયેલી શ્રેણી પણ સામેલ છે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસતાં 17 વર્ષ સુધી બંને દેશો એકબીજા સામે ક્રિકેટ મૅચ ન રમી શક્યા, અંતે રાજદ્વારી સમજૂતી બાદ 1978માં તે શક્ય બની શક્યું.

ભારતીય ક્રિકેટરો પાસેથી દુકાનદારો પૈસા લેવાની ના પાડી દેતા

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય બાબતો વણસી નહીં ત્યાં સુધી બંને દેશોએ એકબીજા સાથે રમવાનું ચાલુ રાખ્યું, જે બે દાયકા સુધી ચાલ્યું. પરંતુ બાદમાં ભારતે કાશ્મીરમાં ઉગ્રવાદ વધારવાના પ્રયાસનો આરોપ મૂકી ફરી એક વાર પાડોશી પાકિસ્તાન સાથે રમવાનું બંધ કર્યું, જોકે પાકિસ્તાન આ આરોપો નકારતું આવ્યું છે. કારગીલના ઘર્ષણ બાદ રાજદ્વારી પહેલના ભાગરૂપે ભારતીય ટીમ વર્ષ 2003-04માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ.
આ પ્રવાસો નવેમ્બર 2008માં મુંબઈ આતંકવાદી હુમલા સુધી બંને તરફથી ચાલુ રહ્યા. ત્યારથી આ સિલસિલો અટક્યો. પરંતુ વર્ષ 2012-13માં પાંચ મૅચોની સિરીઝ રમવા પાકિસ્તાન ભારતના પ્રવાસે આવ્યું તે એક આ સમયગાળાનો અપવાદ છે, આ શ્રેણી 3-2થી પાકિસ્તાન જીત્યું હતું. પાકિસ્તાન વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ ટુર્નામેન્ટ એવી ઇન્ડિયન પ્રિમિયર લીગમાંથી પણ બાકાત રહ્યું.
એક નિબંધમાં ભારતીય ઇતિહાસકાર મુકુલ કેસવન લખ્યું છે કે, "ક્રિકેટજગતમાં આ બંને સ્પર્ધકો જેવા સંબંધોની તોલે આવે એવું ઉદાહરણ જડવું મુશ્કેલ છે."
સ્પૉર્ટસ લેખક સુરેશ મેનન જણાવે છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ ખેલાડીઓ કરતાં તેમના સમર્થકોનાં મનમાં વધુ પ્રબળ રહી છે.
ભારતીય ખેલાડીઓએ હંમેશાં પાકિસ્તાનના પ્રશંસકો તરફથી મળતા પ્રેમ અંગે ખૂલીને વાત કરી છે. વર્ષ 1955માં ભારતીય ક્રિકેટરોનું સ્વાગત કરવા માટે હજારો પ્રશંસકો કરાચી ઍરપૉર્ટે એકઠા થયા હતા. જ્યારે પણ પાકિસ્તાનના પ્રવાસ વખતે ભારતીય ક્રિકેટરો શોપિંગ પર નીકળતાં દુકાનદારો તેમની પાસેથી પૈસા લેવાની ના પાડી દેતા.
મેનન કહે છે કે આજકાલ સોશિયલ મીડિયા પર પ્રશંસકો બાખડી પડે છે, તેમને લાગે છે કે, "ક્રિકેટના મેદાનમાં મળેલી જીત એક પૉલિટિકલ સિસ્ટમ કે એક ધર્મ કે એક દેશ બીજા કરતાં ચઢિયાતો હોવાનો પુરાવો છે."
રમતગમતની દુનિયાના સૌથી મોટા મુકાબલાઓ પૈકીની એક અદ્વિતીય પ્રતિસ્પર્ધા ઉપખંડના કોલાહલપૂર્ણ રાજકારણમાં ખોવાતી જઈ રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













