ઇમરાન ખાન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ, શું છે 'ઉચાપત'નો મામલો?

ઈમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન
  • ચૂંટણીપંચે કહ્યું છે કે સત્તામાં હતા ત્યારે ઇમરાન ખાનને જે ભેટ મળી હતી તે અંગે તેમણે અધિકારીઓને સાચી માહિતી આપી ન હતી
  • નેશનલ ઍસૅમ્બલીના સ્પીકર રાજા પરવેઝ અશરફે આરોપ લગાવ્યો હતો કે "વડા પ્રધાનપદ પર હતા ત્યારે ઇમરાન ખાનને કિંમતી ભેટ મળી હતી. ઇમરાન ખાને ચૂંટણીપંચને આપેલી પોતાની સંપત્તિના ઘોષણાપત્રમાં તેની વિગતો આપી નથી."
  • તોશાખાનામાં રાખવામાં આવેલી વસ્તુઓને સ્મૃતિચિહ્ન તરીકે જોવામાં આવે છે. કૅબિનેટની મંજૂરી બાદ જ અહીં રાખવામાં આવેલી વસ્તુઓ વેચી શકાય છે
  • પાકિસ્તાનમાં જો મળેલી ભેટની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી હોય તો વ્યક્તિ તેને ફ્રીમાં પોતાની પાસે રાખી શકે છે
  • દસ્તાવેજો અનુસાર, કથિત રીતે વેચાણ કરાયેલી ઘડિયાળ પણ ચૂંટણીપંચની યાદીમાં નહોતી. આ ઘડિયાળ ઇમરાન ખાનનાં પત્ની બુશરાબીબીને સાઉદી અરેબિયાની તેમની પ્રથમ યાત્રા દરમિયાન ભેટ મળી હતી
લાઇન

પાકિસ્તાનના ચૂંટણીપંચે તોશાખાના કેસમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને આગામી પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા છે.

ચૂંટણીપંચે કહ્યું છે કે સત્તામાં હતા ત્યારે ઇમરાન ખાનને જે ભેટ મળી હતી તે અંગે તેમણે અધિકારીઓને સાચી માહિતી આપી ન હતી.

ઈમરાન ખાનના વકીલ ગૌહર ખાને કહ્યું, "પાકિસ્તાનના ચૂંટણીપંચે ઇમરાન ખાન ઉચાપતમાં સંડોવાયેલા હોવાની વાત કહી છે. અમે આ નિર્ણયને ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકારીશું."

આ પહેલાં ચૂંટણીપંચે તોશાખાના કેસમાં 19 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીપંચે ઇમરાન ખાન સહિત તમામ પક્ષોને નોટિસ પાઠવી હતી.

બીબીસી ઉર્દૂ સર્વિસ અનુસાર, બંધારણીય રીતે ચૂંટણીપંચ 4 નવેમ્બર પહેલાં આ મામલે નિર્ણય લેવા માટે બંધાયેલું હતું.

ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની સરકારના પતન બાદ વર્તમાન ગઠબંધન સરકારના સભ્યોની વિનંતી પર નેશનલ ઍસૅમ્બલીના સ્પીકર રાજા પરવેઝ અશરફે 4 ઑગસ્ટના રોજ બંધારણની કલમ 63(2) હેઠળ, આ મામલે ચૂંટણીપંચને વિચારણા કરવા જણાવ્યું હતું.

વડા પ્રધાન શાહબાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા બૅરિસ્ટર મોહસીન નવાઝ રાંઝાએ બંધારણની કલમ 63(2) હેઠળ નેશનલ ઍસૅમ્બલીના સ્પીકરની સામે ઇમરાન ખાન વિરુદ્ધ આ મામલો ઉઠાવ્યો હતો.

તેમણે આરોપ લગાવ્યો હતો કે "વડા પ્રધાન પદ પર હતા ત્યારે ઇમરાન ખાનને કિંમતી ભેટ મળી હતી. ઇમરાન ખાને ચૂંટણીપંચને આપેલી પોતાની સંપત્તિના ઘોષણાપત્રમાં તેની વિગતો આપી નથી. આ રીતે તે 'દુર્ભાવનાપૂર્ણ' છે અને તેથી તેને બંધારણ હેઠળ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવા જોઈએ."

line

તોશાખાના શું છે?

તોશાખાના

ઇમેજ સ્રોત, GOVERNMENT OF PAKISTAN

તોશાખાના એ સરકારી વિભાગ છે. અહીં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે અન્ય વરિષ્ઠ અધિકારીઓની યાત્રા દરમિયાન મળેલી કિંમતી ભેટો રાખવામાં આવે છે.

કોઈ પણ વિદેશયાત્રા સમયે વિદેશ મંત્રાલયના અધિકારીઓ આ ભેટોનો રેકૉર્ડ રાખે છે અને તેને વતન પરત ફરતી વખતે તોશાખાનામાં જમા કરાવી દેવામાં આવે છે.

તોશાખાનામાં રાખવામાં આવેલી વસ્તુઓને સ્મૃતિચિહ્ન તરીકે જોવામાં આવે છે. કૅબિનેટની મંજૂરી બાદ જ અહીં રાખવામાં આવેલી વસ્તુઓ વેચી શકાય છે.

પાકિસ્તાનમાં જો મળેલી ભેટની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી હોય તો વ્યક્તિ તેને ફ્રીમાં પોતાની પાસે રાખી શકે છે.

પરંતુ જો ભેટની કિંમત 30 હજાર રૂપિયાથી વધુ હોય, તો તે કિંમતના 50 ટકા જમા કરીને ખરીદી શકાય છે. વર્ષ 2020 પહેલાં સામાનની મૂળ કિંમતના માત્ર 20 ટકા જ જમા કરાવવા પડતા હતા.

આ ભેટોમાં સામાન્ય રીતે મોંઘી ઘડિયાળો, સોના અને હીરાના દાગીના, મૂલ્યવાન સજાવટનો સામાન, સ્મૃતિચિહૃ, હીરા જડેલી પેન, ક્રોકરી અને જાજમનો સમાવેશ થાય છે.

line

ઈમરાન ખાને ચૂંટણીપંચને શું કહ્યું?

ચૂંટણી પંચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમરાન ખાને 7 સપ્ટેમ્બરે ચૂંટણીપંચને પોતાનો લેખિત જવાબ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 1 ઑગસ્ટ 2018થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં તેમને અને તેમનાં પત્નીને 58 ભેટ મળી હતી.

લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ ભેટોમાં મોટા ભાગે ફૂલદાની, ટેબલ ક્લૉથ, સુશોભનની વસ્તુઓ, જાજમ, પર્સ, અત્તર, માળા, ફ્રેમ, પેન હોલ્ડરનો સમાવેશ થાય છે. આ સિવાય ઘડિયાળ, પેન, કફલિંગ, વીંટી અને બ્રેસલેટ પણ હતાં.

ઇમરાન ખાને જણાવ્યું હતું કે આ તમામ ભેટોમાંથી ત્રીસ હજાર રૂપિયાથી વધુની કિંમતની માત્ર 14 ભેટ હતી. આ ભેટ તેમણે તોશાખાનામાંથી પ્રક્રિયા મુજબ પૈસા ચૂકવીને ખરીદી હતી.

પોતાના જવાબમાં ઇમરાન ખાને પોતાના કાર્યકાળ દરમિયાન ખરીદેલી ભેટને વેચવાની વાત સ્વીકારી હતી. જેમાં એક ઘડિયાળ, કફિંગ્સ, એક પેન, એક વીંટી અને ચાર રૉલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે.

તેમના પર આરોપ છે કે તેમણે માત્ર 20 ટકામાં અને કેટલીક 50 ટકા ચૂકવીને તોશાખાનાની ભેટો ખરીદી હતી અને તેને મોંઘી કિંમતે વેચી હતી.

line

ઈમરાન ખાને કઈ કઈ ભેટ ખરીદી હતી?

ઈમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન બન્યાના બે મહિનામાં જ ઇમરાન ખાને તોશાખાનામાં બે કરોડ રૂપિયાથી વધુ જમા કરાવીને ઘણી ભેટો ખરીદી હતી. જેમાં આશરે રૂપિયા 85 લાખની કિંમતની ગ્રાફ ઘડિયાળ, રૂપિયા 60 લાખની કફલિંગ, રૂપિયા 87 લાખની કિંમતની પેન અને વીંટી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

એ જ રીતે ઇમરાન ખાને તોશાખાનામાંથી 38 લાખ રૂપિયાની રૉલેક્સ ઘડિયાળ 7.5 લાખ રૂપિયામાં અને 15 લાખ રૂપિયાની રૉલેક્સ ઘડિયાળ માત્ર 2.5 લાખમાં ખરીદી હતી.

અન્ય એક પ્રસંગે, ઇમરાન ખાને અડધી કિંમતે 49 લાખની કિંમતના કફલિંગ અને ઘડિયાળોથી ભરેલું બૉક્સ લીધું હતું. આ સિવાય તેમણે તોશાખાનાને ભેટની ખરીદી માટે રૂપિયા 2 અબજ ચૂકવવાના બદલે રૂપિયા 80 લાખ ચૂકવ્યા હતા.

દસ્તાવેજો અનુસાર, કથિત રીતે વેચાણ કરાયેલી ઘડિયાળ પણ ચૂંટણીપંચની યાદીમાં નહોતી. આ ઘડિયાળ ઇમરાન ખાનનાં પત્ની બુશરાબીબીને સાઉદી અરેબિયાની તેમની પ્રથમ યાત્રા દરમિયાન ભેટ તરીકે મળી હતી.

તેની કિંમત 85 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઇમરાન ખાને આ ઘડિયાળ 20 ટકા ચૂકવીને ખરીદી હતી.

line

અનેક પૂર્વ વડાપ્રધાનો સામે ટ્રાયલ ચાલી રહી છે

તોશાખાના

ઇમેજ સ્રોત, GOVERNMENT OF PAKISTAN

માત્ર ઇમરાન ખાન જ નહીં પરંતુ પાકિસ્તાનના બે પૂર્વ વડા પ્રધાન અને એક પૂર્વ રાષ્ટ્રપતિને પણ તોશાખાનામાંથી ગેરકાયદેસર ભેટ લેવા બદલ મુકદમાનો સામનો કરવો પડ્યો છે. તેમાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, યુસૂફ રઝા ગિલાની અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સામેલ છે.

જ્યારે યુસૂફ રઝા ગિલાની પાકિસ્તાનના વડા પ્રધાન હતા ત્યારે તેમણે તોશાખાનાના નિયમો હળવા કર્યા હતા, ત્યાર બાદ આસિફ અલી ઝરદારી અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે કાર ખરીદી હતી.

ઈઇસ્લામાબાદની એકાઉન્ટેબિલિટી કોર્ટે નવાઝ શરીફ સામે તોશાખાનામાંથી મોંઘાં ભેટ વાહનો ગેરકાયદેસર રીતે ખરીદવા બદલ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરેલું છે.

જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે આસિફ અલી ઝરદારીએ તોશાખાનામાંથી બખ્તરબંધ બીએમડબલ્યૂ 750 એલઆઈ, લેક્સસ જીપ અને બીએમડબલ્યૂ 760 એલઆઈ ખરીદી હતી. તેમના પર આરોપ છે કે તેમણે નકલી બૅન્ક ખાતા દ્વારા રકમ ચૂકવી હતી અને તેમાં મની લૉન્ડરિંગનાં નાણાંનો ઉપયોગ કરાયો હતો.

line

ઇમરાન ખાન કેવી રીતે સત્તામાંથી બહાર ફેંકાયા?

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન રહેલા ઇમરાન ખાન 2018માં દેશના વડા પ્રધાન બન્યા હતા. તેમણે ભ્રષ્ટાચાર સામે લડવાનું અને અર્થવ્યવસ્થા સુધારવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ આર્થિક સંકટમાં પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી કરી શક્યા નથી.

ગત માર્ચમાં તેમની પાર્ટીના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી, ત્યાર બાદ તેમના માટે એક નવો રાજકીય સંઘર્ષ શરૂ થયો હતો.

એપ્રિલ 2021માં વિપક્ષે પાકિસ્તાનની નેશનલ ઍસૅમ્બલીમાં તેમની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો અને ઇમરાન ખાન સત્તામાંથી બહાર ફેંકાઈ ગયા. તે સમયે 174 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. ઇમરાન ખાનને સત્તા પરથી હટાવીને શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડા પ્રધાન બન્યા.

ઇમરાન ખાન ત્યારથી આરોપ લગાવી રહ્યા છે કે અમેરિકાના નેતૃત્વમાં તેમની સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન