તરતાં ખેતરોની 700 વર્ષ જૂની ખેતીની એ પદ્ધતિ, જેમાં ઉત્પાદન 13 ગણું થતું

ઇમેજ સ્રોત, Matt Mawson/Getty Images
- લેેખક, સૌમ્યા ગાયત્રી
- પદ, બીબીસી ટ્રાવેલ
રવિવારની વહેલી સવાર હતી અને હું મૅક્સિકો સિટીના ઐતિહાસિક કેન્દ્રથી 28 કિલોમીટર દક્ષિણમાં આવેલા ઝોચિમિલ્કોના તરતા બગીચાઓ (ફ્લોટિંગ ગાર્ડન્સ) પર હતી.
નહેરો અને જળમાર્ગોની અવિરત ભુલભુલામણી પહેલેથી જ મૅક્સિકન રાજધાનીથી એક દિવસના પ્રવાસે આવેલા લોકોથી ભરેલી રંગબેરંગી ટ્રેગિનેરા (સપાટ-તળિયાવાળી બૉટ)થી છલકાઈ ગઈ હતી.
વેપારીઓ ગ્રિલ્ડ ઇલોટ્સ અને મિશેલાડા કોકટેલ્સ નામની વાનગીઓ વેચતા હતા, જ્યારે એક બેન્ડ ઉત્સવના મારિયાચી મ્યુઝિક વડે વાતાવરણ સંગીતમય બનાવતું હતું.
સોમ્બેરોઝ નામે ઓળખાતી ટોપીઓ, જાતજાતની વાનગીઓ, સંગીત અને કળાના આકર્ષક પ્રદર્શન માટે દર સપ્તાહાંતે હજ્જારો પ્રવાસીઓ ઝોચિમિલ્કોની નહેરો પર ઊમટી પડે છે.
તેઓ ચિન્મપાસ અથવા ફ્લોટિંગ ગાર્ડન્સની મુલાકાત લે છે, પણ એ નથી જાણતા કે તેઓ પ્રાચીન ઈજનેરી અજાયબીને નિહાળી રહ્યા છે.
આ માનવસર્જિત ટાપુ-ખેતરો એઝટેક સામ્રાજ્યના 14મી સદીના વિશાળ જમીન સુધારણા પ્રોજેક્ટના છેલ્લા અવશેષો છે, જે આજે પણ મૅક્સિકો સિટીના લોકોને ભોજનસામગ્રી પૂરી પાડે છે.
દંતકથા એવી છે કે એઝટેક 1325માં મૅક્સિકોની ખીણમાં આવી પહોંચ્યા ત્યારે તેમને ટેક્સકોકો તળાવ પર અદભુત દૃશ્ય જોવા મળ્યું હતું. એક ગરુડ તેની ચાંચમાં સાપ પકડીને સરોવરના કળણયુક્ત કિનારે કાંટાળા કેક્ટસ પર બેઠું હતું. એઝટેક આવા જ કોઈ સ્થળે પોતાનું ઘર બનાવશે તેવી ભવિષ્યવાણી તેમના દેવતાઓએ કરી હતી. તેથી ભટકતી આદિજાતિએ અહીં સ્થાયી થવાનું અને તેને રાજધાની બનાવવાનું નક્કી કર્યું હતું. તેને તેઓ ટેનોક્ટિટ્લાન કહેતા હતા.

જમીનની અછત સામે ઉપાય

ઇમેજ સ્રોત, Matt Mawson/Getty Images
ટેનોક્ટિટ્લાન ટૂંક સમયમાં જ મેસોમેરિકાના સૌથી શક્તિશાળી શહેરો પૈકીનું એક બની ગયું હતું, પરંતુ તેણે બાંધકામ સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેક્સકોકો તળાવના કિનારે એઝ્ટેક્સનું નિર્માણ શરૂ કરવાની સાથે જ તેમને સમજાયું હતું કે વિસ્તાર માટે અહીં પૂરતી જમીન નથી. ચારે તરફ પાણી જ પાણી હતું.
મૅક્સિકો ખીણનો આ લેકસ્ટ્રાઈન પ્રદેશ ટેક્સકોકો, ઝાલ્ટોકન, ઝુમ્પાન્ગો, ચાલ્કો અને ઝોચિમિલ્કો નામનાં પાંચ મોટાં તળાવ તેમજ ખૂબ જ નાના બોગી ટાપુઓથી ઘેરાયેલો હતો.
પુરાતત્ત્વીય પુરાવાઓ અને સ્પેનિશ સંસ્થાનવાદી લેખકોનાં વર્ણનો જણાવે છે કે જમીનની અછતની સમસ્યાના નિવારણ માટે એઝ્ટેક્સે ચિનમ્પાસ સ્વરૂપે એક અદભુત યોજના બનાવી હતી.
તેમણે તળાવોના છીછરા હિસ્સામાં જમીનના લાંબા, સાંકડા કૃત્રિમ પટ્ટાઓ ઝાડની ડાળીઓ-પાંદડાં વડે બનાવ્યા હતા અને તેમને જરૂરી ઊંચાઈ આપી હતી. એ પછી આવા ટાપુઓને એહ્યુજોટ નામના સ્થાનિક વૃક્ષ ફરતે વાડ બાંધીને તળાવ પર લાંગરવામાં આવ્યા હતા.
એઝટેક્સે હાલના ટાપુઓને પુલ અને બોર્ડવોક દ્વારા જોડીને ટેનોક્ટિટ્લાનને શહેરનું કેન્દ્ર બનાવ્યું હતું, જ્યારે શહેરના કેન્દ્રથી આગળના ઝોચિમિલ્કો લેક બેસિન જેવા વિસ્તારોમાં તરતા બગીચાઓ બનાવવા માટે તેમણે મેસોમેરિકન કૃષિની ચિનમ્પાસ નામની ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જેથી તેનો ઉપયોગ ખેતી, પશુપાલન, શિકાર અને અન્ય કામો માટે કરી શકાય.
પાણી પર ખેતીની આ બુદ્ધિગમ્ય ટેકનિકે એઝટેક્સ સામ્રાજ્યને સતત વિસ્તરતું રાખ્યું હતું.

તરતાં ખેતરોની આ પદ્ધતિ શું છે?
- મૅક્સિકો સિટીના ઐતિહાસિક કેન્દ્રથી 28 કિલોમીટર દક્ષિણમાં આવેલા ઝોચિમિલ્કોના તરતા બગીચાઓ (ફ્લોટિંગ ગાર્ડન્સ), આ માનવસર્જિત ટાપુ-ખેતરો એઝટેક સામ્રાજ્યના 14મી સદીના વિશાળ જમીન સુધારણા પ્રોજેક્ટના છેલ્લા અવશેષો છે, જે આજે પણ મૅક્સિકો સિટીના લોકોને ભોજનસામગ્રી પૂરી પાડે છે
- પુરાતત્ત્વીય પુરાવાઓ અને સ્પેનિશ સંસ્થાનવાદી લેખકોનાં વર્ણનો જણાવે છે કે જમીનની અછતની સમસ્યાના નિવારણ માટે એઝ્ટેક્સે ચિનમ્પાસ સ્વરૂપે એક અદભુત યોજના બનાવી હતી
- તેમણે તળાવોના છીછરા હિસ્સામાં જમીનના લાંબા, સાંકડા કૃત્રિમ પટ્ટાઓ ઝાડની ડાળીઓ-પાંદડાં વડે બનાવ્યા હતા અને તેમને જરૂરી ઊંચાઈ આપી હતી. પછી આવા ટાપુઓને એહ્યુજોટ નામના સ્થાનિક વૃક્ષ ફરતે વાડ બાંધીને તળાવ પર લાંગરવામાં આવ્યા હતા
- 13 ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું આ અદ્વિતીય તરતું શહેર સર્જાયું, જેને કૅનાલ્સ અલગ કરે છે અને તેના પર રહેતા અઢી લાખથી વધારે લોકોને કોઝવે વડે જોડી રાખે છે
- અહીં કૃત્રિમ ટાપુ-ખેતરો અને પોષકતત્ત્વોથી ભરપૂર નહેરોની ઝિયોમિલ્કોની અનોખી ઇકોસિસ્ટમ છે
- ચિનામ્પાસમાંથી કૃષિપેદાશોની માગમાં જંગી ઘટાડો થયો છે. લોકો મૅક્સિકો સિટીની બહારના પ્રદેશોમાંથી સામગ્રી મગાવતી વિશાળ જથ્થાબંધ બજારોમાંથી સસ્તી સામગ્રીની ખરીદી કરતા થયા છે.
- ઝોકિમિલ્કોની કૅનાલો પર પ્રવાસનને લીધે કેટલીક વધારાની આવક થાય છે, પણ તે ચિનામ્પેરોના પરિવારોને ટકી રહેવા માટે પૂરતી નથી. તેથી આ લોકો બહેતર રોજગારની આશાએ મૅક્સિકો સિટી ભણી પ્રયાણ કરતા થયા છે


પર્યાવરણીય નજારો

ઇમેજ સ્રોત, Matt Mawson/Getty Images
મૅક્સિકો સિટીની પર્યાવરણ સંબંધી સમસ્યાઓના નિવારણ માટે નાવિન્યસભર અને સર્વસમાવેશક ઉપાયોનું સર્જન કરતા ઉમેબ્લા સસ્ટેઈનેબલ ટ્રાન્સફોર્મેશન્શ નામના સ્વૈચ્છિક સંગઠનના સ્થાપક પેટ્રિશિયા પેરેઝ-બેલમાઉન્ટે કહ્યું હતું કે "આ ચિનમ્પાસ માત્ર ખેતીની ઉપજાઉ અને સાતત્યસભર ટેકનિક જ નથી. તે એઝ્ટેક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે અને કુદરત સાથે તાલ મેળવીને કઈ રીતે જીવવું તેના પાઠ ભણાવનાર લોકોના વારસાનું વહન પણ કરે છે."
તેના પરિણામે 13 ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું આ અદ્વિતીય તરતું શહેર સર્જાયું, જેને કેનાલ્સ અલગ કરે છે અને તેના પર રહેતા અઢી લાખથી વધારે લોકોને કોઝવે વડે જોડી રાખે છે.
સોળમી સદીમાં સ્પેનિશ લોકો ટેનોક્ટિટ્લાનમાં આવ્યા ત્યારે તેઓ અડધા પાણીમાં અને અડધા જમીન પર હોય તેવા રસ્તાઓ, કુદરતની કૃપાથી ભરપૂર તરતાં ખેતરો અને એકસાથે અનેક લોકોનું પરિવહન કરવા સક્ષમ નાની હોડીઓ જોઈને ચકિત થઈ ગયા હતા.
સ્પેનિશોએ કમનસીબે ટેનોક્ટિટ્લાનનો નાશ કર્યો હતો અને આજે જે જોવા મળે છે એ તો ઝોચિમિલ્કો તરતા બગીચાઓમાંના માનવસર્જિત ટાપુઓનો નાનો હિસ્સો તેમજ સિટી સેન્ટરમાંના કેટલાંક ખંડેરો જ છે.
વૈશ્વિક વારસાની યાદીમાં સમાવિષ્ય ચિનમ્પાસ આજે પણ અદભુત અને પર્યાવરણની દૃષ્ટિએ સદ્ધર છે. આ કૃત્રિમ ટાપુ-ખેતરો વિશ્વમાંની સૌથી વધુ ઉપજાઉ કૃષિપદ્ધતિઓ પૈકીનાં એક છે, કારણ કે તે અત્યંત કાર્યક્ષમ અને આત્મનિર્ભર છે.
તેનું કારણ એ છે કે તેની જમીન તળાવના, છોડના અવશેષો અને પ્રાણીઓનાં મળમૂત્રના ઝીણા કાંપથી જમીન સતત સમૃદ્ધ થતી રહી છે. ઉપરાંત દરેક ટાપુની આસપાસની આહુજોટ વાડ ધોવાણ અટકાવે છે, પવન અને જીવાતો સામે ચિનમ્પાનું રક્ષણ કરે છે અને વેલાના પાક માટે કુદરતી રક્ષક તરીકે કામ કરે છે.
સોળમી સદીની શરૂઆતમાં એઝટેક ચિનામ્પેરો એક વર્ષમાં સાત અલગ-અલગ પાક ઉગાડી શકતા હતા અને અહીં સૂકી જમીનની ખેતી કરતાં 13 ગણું વધુ ઉત્પાદન થતું હતું.
અલબત્ત, ચિનમ્પાસનું સૌથી વધુ નાવિન્યસભર પાસું પાણીનો ચતુરાઈભર્યો ઉપયોગ છે. આ સાંકડા ટાપુઓ છિદ્રાળું માટી અને સમૃદ્ધ કાર્બનિક પદાર્થોથી ભરેલા છે. તેને લીધે તેઓ આસપાસની નહેરોમાંથી પાણી ઝડપથી શોષી શકે છે અને તેને લાંબા સમય સુધી જાળવી શકે છે.
ઉપરાંત ચિનમ્પાની રચના એવી રીતે કરવામાં આવી છે કે ઊંડા મૂળવાળા પાકો સીધું જમીનમાંથી જ પાણી મેળવી શકે છે અને તેમની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરી શકે છે. આમ તેમના માટે બહારથી સિંચાઈની કોઈ જરૂર રહેતી નથી.

કૃત્રિમ ટાપુ-ખેતરો

ઇમેજ સ્રોત, Matt Mawson/Getty Images
સમૃદ્ધ ખેતીને વેગ આપવા માટે ઝોચિમિલ્કોના ખેડૂતો સાથે કામ કરતા અર્કા ટિયારા નામના એક સંગઠનના સ્થાપક લુસિયો ઉસોબિઆગાએ કહ્યું હતું કે "આ ચિનામ્પાસ વિશાળ જળચરો જેવા છે. તેમને પાણી આપવાની જરૂર પડતી નથી, છતાં તેઓ આખું વર્ષ ઉપજાઉ રહી શકે છે."
લુસિયો અને સ્થાનિક ખેડૂતોના નેટવર્ક સાથેની તેમની ટીમે છેલ્લાં 12 વર્ષમાં ઝોકિમિલ્કોના ચિનમ્પાસની પાંચથી વધુ હેક્ટર જમીન નવસાધ્ય કરી છે અને પરંપરાગત એઝટેક તકનીકોનો અમલ કરીને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ ખોરાકનું ઉત્પાદન કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
કૃત્રિમ ટાપુ-ખેતરો અને પોષકતત્ત્વોથી ભરપૂર નહેરોની ઝિયોમિલ્કોની અનોખી ઇકોસિસ્ટમ સ્થાનિક અને સ્થળાંતરિત જળચર પ્રાણીસૃષ્ટિ માટે સલામત ઇકૉલૉજિકલ વાતાવરણ પણ પ્રદાન કરે છે.
વિશ્વના અંદાજે બે ટકા જીવવૈવિધ્યનું ઘર છે ચિનમ્પાસ. તેમાં લુપ્ત થવાની અણી પર રહેલા એક્સોલોટલ સલામેન્ડર નામના એક અદ્ભુત ઉભયજીવીનો સમાવેશ થાય છે. એક્સોલોટલ સલામેન્ડર તેના શરીરના દરેક ભાગને પુનર્જીવિત કરવાની આનુવંશિક મહાશક્તિ ધરાવે છે.
સ્થાનિક લોકો માટે ચિનમ્પાસ તેમની સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક ઓળખની અભિવ્યક્તિ છે.
અર્કા ટિયારાની કૃષિ ટીમનાં વડાં સોનિયા ટપિયાએ કહ્યું હતું કે "અમારા સમાજમાં ચિનમ્પાસ આદરણીય અને પૂજનીય છે. ચિનમ્પાસ દ્વારા અમે માત્ર અમારાં દાદા-દાદીનાં જ્ઞાન અને પરંપરાને જ નહીં, પરંતુ પ્રકૃતિ સાથેના અમારા સદીઓ જૂના સંબંધને પણ જાળવીએ છીએ."

ચિનમ્પાસ પર ખેતી કરવાના પડકારો

ઇમેજ સ્રોત, Matt Mawson/Getty Images
જોકે, ચિનમ્પાસ પર ખેતી કરવાના ઘણા પડકારો છે. સ્પેને 1521માં મૅક્સિકો પર વિજય મેળવ્યો અને એ પછી થયેલા ઝડપી શહેરીકરણને લીધે ચિનમ્પાસ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતું રહ્યું છે.
વીસમી સદીના ઉત્તરાર્ધમાં મૅક્સિકો સિટીનું ઝડપી વિસ્તરણ ઝોચિમિલ્કોનો નોંધપાત્ર હિસ્સો ગળી ગયું છે. તેના પર અંતિમ ફટકો 1987ની ઝોચિમિલ્કો ઇકૉલૉજિકલ યોજનાએ માર્યો હતો.
તે યોજનામાં ખેતીની આશરે 2,577 એકર જમીન જપ્ત કરવામાં આવી હતી અને તેના પર ઇમારતો, પૂલો તથા ફૂટબૉલ મેદાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સરકારે કેટલાં ચિનમ્પાસ કબજે કર્યાં અને કેટલાં ત્યજી દેવામાં આવ્યાં એ સમજાવતાં પેરેઝ-બેલમોન્ટે કહ્યું હતું કે "શહેર વિસ્તરીને ઝોકિમિલ્કો સુધી પહોંચ્યું પછી ચિનમ્પાસની રચના તથા કાર્યક્ષમતામાં વ્યાપક ફેરફાર થયા હતા."
નાના પાયે ઉત્પાદન કરતા લોકો ટાપુના બાકીના હિસ્સા પર આજે પણ ખેતી કરે છે, પરંતુ ચિનમ્પાસમાંથી કૃષિપેદાશોની માગમાં જંગી ઘટાડો થયો છે. લોકો મૅક્સિકો સિટીની બહારના પ્રદેશોમાંથી સામગ્રી મગાવતી વિશાળ જથ્થાબંધ બજારોમાંથી સસ્તી સામગ્રીની ખરીદી કરતા થયા છે.
ઝોકિમિલ્કોની કૅનાલો પર પ્રવાસનને લીધે કેટલીક વધારાની આવક થાય છે, પણ તે ચિનામ્પેરોના પરિવારોને ટકી રહેવા માટે પૂરતી નથી. તેથી આ લોકો બહેતર રોજગારની આશાએ મૅક્સિકો સિટી ભણી પ્રયાણ કરતા થયા છે.

કોવિડમાં મૅક્સિકોની વહારે

ઇમેજ સ્રોત, Matt Mawson/Getty Images
2020માં કોવિડ-19 મહામારી ફાટી નીકળી ત્યાં સુધીમાં ચિનમ્પાસ વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગયા હતા.
સરહદો બંધ થવાથી અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપ સર્જાવાને કારણે મૅક્સિકો સિટીનું સૌથી મોટું ઓપન-એર જથ્થાબંધ બજાર લા સેન્ટ્રલ દે અબાસ્ટો સ્થગિત થઈ ગયું હતું. મહામારીગ્રસ્ત વાતાવરણમાં મૅક્સિકો સિટીના બે કરોડ રહેવાસીઓએ ખાદ્યસામગ્રી મેળવવા માટે ચિનમ્પાસ ભણી પાછા વળવું પડ્યું હતું.
ચિનમ્પાસ મૅક્સિકો સિટીની નજીક હતા અને તેમની પાસેનો ખાદ્યસામગ્રીનો તાજો, સ્વસ્થ ખજાનો ઉપયોગની રાહ જોઈ રહ્યો હતો.
ઉસોબિઆગાએ કહ્યું હતું કે "સ્વસ્થતાસભર અને વધારે ભરોસાપાત્ર ખાદ્યસામગ્રી વ્યવસ્થા સર્જવા માટે સ્થાનિક ખેડૂતો તથા સામુદાયિક ખેતી કેટલાં મહત્ત્વનાં છે એ કોવિડ-19 રોગચાળાએ બરાબર સાબિત કર્યું હતું."
અર્કા ટિયારા જેવાં સ્થાનિક સંગઠનોએ ઑનલાઇન પોર્ટલ બનાવીને ચિનામ્પેરોઝને ભાવિ ગ્રાહકોને જોડવામાં મદદ કરી હતી. તે ઑનલાઇન પોર્ટલ મારફત ગ્રાહકો તાજાં શાકભાજી, ફ્રી રેન્જ એગ્ઝ અને ચિનમ્પા મધ ખરીદી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
રોગચાળા દરમિયાન દર્દીઓ, તબીબો અને જરૂરતમંદ પરિવારોને ભોજન પૂરું પાડવા માટે કોમિડાસ સોલિડારિસ જેવા કાર્યક્રમો સાથે જોડાણ કર્યું હતું. ઊંચી ઉત્પાદનક્ષમતા, સ્થાનિક સ્તરે ઉત્પાદિત ખાદ્યસામગ્રીના આરોગ્ય સંબંધી લાભો તેમજ સિટી સેન્ટરથી નજીક હોવાને કારણે ચિનમ્પાસનો બિઝનેસ મહામારી દરમિયાન બમણાથી વધુ થઈ ગયો હતો. પરિમામે ચિનમ્પાસ વતનમાં પાછા ફર્યા હતા અને પ્રાચીન ફ્લોટિંગ ગાર્ડન્સને આખરે નવજીવન મળ્યું હતું.
નિર્માણના 700 વર્ષ પછી ઝોકિમિલ્કોના ચિનમ્પાસ ફરી એક વખત, અનિશ્ચિતતાના સમય અને પ્રતિકૂળ વાતાવરણમાં મૅક્સિકો સિટીના રહેવાસીઓને ભોજનસામગ્રી પૂરી પાડીને તેમને ટકાવી રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













