હિમાચલની ઘર બાંધવાની એ કળા જેનું ભૂકંપ પણ કશું બગાડી નથી શકતો

કાઠકુની કળાથી બનાવેલો આ નગ્ગરનો મહેલ 500 વર્ષથી અડિખમ ઉભો છે

ઇમેજ સ્રોત, Tarang Mohnot

ઇમેજ કૅપ્શન, કાઠકુની કળાથી બનાવેલો આ નગ્ગરનો મહેલ 500 વર્ષથી અડીખમ ઊભો છે
    • લેેખક, તરંગ મોહનોત
    • પદ, બીબીસી ટ્રાવેલ
લાઇન
  • નગ્ગર મહેલ 500 વર્ષ પહેલાં બન્યો હતો જ્યાં કુલ્લુના રાજા બેસતા હતા અને ભયાનક ભૂકંપમાં પણ આ નગ્ગર મહેલ અડીખમ ઊભો હતો
  • ભૂકંપ પ્રભાવિત વિસ્તારની ત્રિજ્યામાં આવતા વિસ્તારોનાં કાઠકુની આધારિત ઘરો તેમજ નગ્ગર મહેલને કોઈ નુકસાન ન થતાં જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓ ચોંકી ગયા હતા
  • જ્યાં સુધી લોકોને લાકડામાંથી બાંધેલી દીવાલોની કુદરતી પ્રતિકાર શક્તિનો ખ્યાલ ન આવે તો પહેલી નજરે તો આ ઘરોનું ભારે બાંધકામ અકુદરતી લાગે છે
  • કાઠકુની સ્ટાઇલને અપનાવીને બનાવવામાં આવેલાં ઘરો અહીં હજારો વર્ષોથી છે
  • પથ્થર માળખાને ધારણ કરે છે જેનાથી ગુરુત્વાકર્ષણ નીચેના કેન્દ્રમાં જાય છે અને લાકડું તેની લવચીકતાને કારણે માળખાને જકડી રાખી શકે છે
  • ભૂકંપ પ્રતિરોધી આ પરંપરાગત બાંધકામ કળાને પૂરી જાણવા માટે વાંચો આ અહેવાલ...
લાઇન

તાજેતરમાં જ કચ્છના અંજારમાં પીએમ નરેન્દ્ર મોદી 'વીર બાળક સ્મારક'નું લોકાર્પણ કર્યું. 2001ના ભૂકંપના દિવસે એક રેલીમાં જતાં બાળકો અહી કાટમાળમાં દટાઈ ગયાં હતાં. તેમની યાદમાં વીર બાળક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે જોઈએ હિમાચલ પ્રદેશની એક ભૂકંપપ્રતિરોધક બાંધકામ શૈલી વિશેનો આ અહેવાલ.

વર્ષ 1905નો સમય હતો જ્યારે હિમાચલ પ્રદેશમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની સાથે બધાં ઘર પત્તાંની જેમ ધરાશાયી થઈ ગયાં હતાં. આ ભૂકંપમાં માત્ર એ ઇમારતો બચી હતી જેને બનાવવા માટે સ્થાનિકોએ પ્રાચીન અને પારંપરિક એવી ટેકનિક 'કાઠકુની'નો ઉપયોગ કર્યો હતો.

મંગળવારની બપોરે હું નગ્ગર મહેલને જોવા ગયો. આ મહેલ 500 વર્ષ પહેલાં બન્યો હતો જ્યાં કુલ્લુના રાજા બેસતા હતા. ભયાનક ભૂકંપમાં પણ આ નગ્ગર મહેલ અડીખમ ઊભો હતો.

ભૂકંપ પ્રભાવિત વિસ્તારની ત્રિજ્યામાં આવતાં વિસ્તારોના કાઠકુની આધારિત ઘરો તેમજ નગ્ગર મહેલને કોઈ નુકસાન ન થતાં જિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના અધિકારીઓ ચોંકી ગયા હતા.

તેઓ લખે છે, "જ્યાં સુધી લોકોને લાકડામાંથી બાંધેલી દીવાલોની કુદરતી પ્રતિકાર શક્તિનો ખ્યાલ ન આવે તો પહેલી નજરે તો આ ઘરોનું ભારે બાંધકામ અકુદરતી લાગે છે."

ત્યાંની બિલ્ડિંગ સ્ટાઇલનું સૌથી સારું ઉદાહરણ નગ્ગર મહેલ છે, પરંતુ કથકુની સ્ટાઇલને અપનાવીને બનાવવામાં આવેલાં ઘરો અહીં હજારો વર્ષોથી છે. આ ઘરોની ડિઝાઇન તેના દિયોદર (હિમાલયનું દેવદાર) લાકડાના સ્તરીય ઇન્ટરલોકિંગ દ્વારા ઓળખી શકાય છે. તેમાં કોઈ પ્રકારના ખીલાનો ઉપયોગ થતો નથી. નગ્ગર મહેલ હવે એક હૉટેલ છે અને સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ તેની ગામઠી દીવાલો, સપાટ ગ્રે રંગના સ્ટેક્ડ પથ્થરો જે લાકડાનાં પાટિયાં સાથે જોડાયેલાં રહે છે, તે પુરાવા છે કે કેટલીક વસ્તુઓ કાલાતીત હોય છે.

line

ઘરોનું સેંકડો વર્ષોનું આયુષ્ય

આ તકનીક હિમાલયમાં સારી રીતે બંધ બેસે છે, કેમકે હિમાલય દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે

ઇમેજ સ્રોત, Tarang Mohnot

ઇમેજ કૅપ્શન, આ તકનીક હિમાલયમાં સારી રીતે બંધ બેસે છે, કેમકે હિમાલય દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે

ડિઝાઇન તરીકે કાઠકુની એ સ્થાનિક કળા છે.

નગ્ગરસ્થિત આર્કિટેક્ચર તેમજ ડિઝાઇન સ્ટુડિયો NORTH જે બિલ્ડિંગ ટેકનિકને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ, વર્કશોપ અને હોમસ્ટેની મદદથી જાળવી રાખવા પ્રયાસ કરે છે, તેના સંશોધક અને એક આર્કિટેક્ટ રાહુલ ભૂષણ કહે છે, "દિયોદર લાકડા અને પથ્થર બંને મળીને સરસ સંતુલન તેમજ રચના બનાવે છે. પથ્થર માળખાને ધારણ કરે છે જેનાથી ગુરુત્વાકર્ષણ નીચેના કેન્દ્રમાં જાય છે અને લાકડું તેની લવચીકતાને કારણે માળખાને જકડી રાખી શકે છે."

આ તકનીક હિમાલયમાં સારી રીતે બંધ બેસે છે. કેમ કે હિમાલય દુનિયાના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે. અહીંનાં દરવાજા અને બારીઓ નાનાં નાનાં બનાવવામાં આવે છે અને તેમાં ભારે લાકડાની ફ્રેમ ગોઠવવામાં આવે છે જેનાથી ભૂકંપ દરમિયાન તેને વધારે અસર થતી નથી. ઇમારતમાં ખૂલતી જગ્યાઓ ખૂબ ઓછી હોય છે જેનાથી બધું બળ જમીન પર સ્થળાંતરિત થઈ શકે છે.

કાઠકુની શબ્દ સંસ્કૃત શબ્દ છે અને તેનો મતલબ થાય છે લાકડાનાં ખૂણા.

ચેહની ગામના થોડા બચેલા સુથારોમાંથી એક ટેઢીસિંહ કહે છે, "કાઠકુની મકાન બનાવવાની એક શૈલી છે. કોઈ પણ કથકુની સ્ટાઇલની ઇમારતના ખૂણા જુઓ, તમને સ્પષ્ટપણે લાકડાના બીમ એકબીજા સાથે જોડાયેલા જોવા મળશે. આ સ્તરો વચ્ચેનું અંતર નાના પથ્થરો, સૂકા ઘાસ અને કાટમાળથી ભરવામાં આવે છે. જટિલ ઇન્ટરલોકિંગની આ સિસ્ટમ કાઠકુની રચનાઓને નોંધપાત્ર રીતે લવચીક બનાવે છે. તેવામાં જ્યારે ભૂકંપ જેવી કોઈ ઘટના ઘટે છે તો દીવાલો સહેલાઈથી ખસીને ગોઠવાઈ શકે છે,"

ચહેની એક એવું ગામ છે જ્યાં બધાં જ ઘર કાઠકુની સ્ટાઇલનાં છે જ્યારે અન્ય ગામોમાં સામાન્યપણે સિમેન્ટનાં બનેલા ઘર વધારે જોવા મળે છે.

ટેઢીસિંહ ઉમેરે છે કે કાઠકુનીની રચનામાં બે સ્તરોની દીવાલ હોય છે જે ઇન્સ્યુલેટરનું કામ કરે છે અને ઠંડીની ઋતુમાં જગ્યાને ગરમ રાખે છે જ્યારે ગરમીની ઋતુમાં તેને ઠંડી રાખે છે. જમીનમાં પુરાણ પથ્થરોથી કરવામાં આવે છે જેનાથી સુપરસ્ટ્રક્ચર બને અને ઘરોની અંદર બરફ કે પાણી ન આવે.

ભૂકંપ પ્રતિરોધી હોવાની સાથે આ કથકુની સ્ટાઇલનાં ઘરો આ વિસ્તારના કૃષિ અને સામુદાયિક જીવનને પણ અનુકૂળ છે. સામાન્યપણે ઘરના નીચેના ભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જગ્યા ઢોર માટે રાખવામાં આવે છે. તેની ઉપરનો ભાગ રહેવા માટે વાપરવામાં આવે છે કેમ કે તે ખૂબ ગરમ રહે છે. આ ભાગ ગરમ એટલે રહે છે કેમ કે ત્યાં સીધો સૂર્યપ્રકાશ આવે છે અને નીચે રહેલાં ઢોરની ગરમી પણ ઉપર પહોંચે છે.

line

સિમેન્ટનો પગપેસારો

પરંપરાગત ઘરો બનાવવા મોંઘા પડતા હોવાથી હિમાચલમાં કોન્ક્રિટ પગપેસારો કરી રહ્યું છે

ઇમેજ સ્રોત, Tarang Mohnot

ઇમેજ કૅપ્શન, પરંપરાગત ઘરો બનાવવા મોંઘા પડતા હોવાથી હિમાચલમાં કોન્ક્રિટ પગપેસારો કરી રહ્યું છે

નગ્ગર નજીક આવેલા એક નાના એવા ગામ ચાચોગીમાં રહેતાં મોહિની બહુ જૂના પથ્થર અને લાકડાના બનેલા ઘરમાં રહે છે. તેઓ કહે છે કે "હું સિમેન્ટના ઘરમાં રહેવાનું વિચારી પણ શકતી નથી. તે અમારા જીવન જીવવાની રીત પ્રમાણે યોગ્ય નથી. કાઠકુની ઘર એવી રીતે તૈયાર કરવામાં આવ્યાં હોય છે કે જેનાથી અમારાં ઢોર ખુલ્લા વિસ્તારમાં નીચેના ભાગમાં રહી શકે છે. જ્યારે દૂધ દોહતી વખતે અથવા હવામાન ખરાબ હોય ત્યારે અમે તેમને અંદર ખસેડી શકીએ છીએ. તે ઘર ક્લસ્ટરમાં બનેલાં હોય છે જેનાથી અમારા માટે ઢોર અને સાથે જ સ્ટૉરેજ સ્પેસને જાળવવું સહેલું બની જાય છે."

મોહિની પોતાના પુત્ર અને પતિ સાથે કાઠકુની સ્ટાઇલના ઘરમાં રહે છે.

અત્યાર સુધી કાઠકુની સ્ટાઇલને જુદી જુદી પેઢી દર પેઢી અપનાવવામાં આવી છે. જોકે, સમયની સાથે હવે નવી પેઢી ઇમારતો બનાવવા માટે નવી ટેકનિક અપનાવી રહી છે. ઘણા સ્થાનિકો તેમનાં સિમેન્ટનાં ઘરોમાં સ્ટોન ટાઇલ્સ લગાવે છે અને સાથે લાકડાનું રૂપ આપતા વૉલપેપર લગાવે છે. કેમ કે કથકુનીને બચાવવા માટે તેના માટે વપરાતો કાચો માલ મળવો મુશ્કેલ બન્યો છે અને તે મોંઘો પણ થયો છે.

ભારતમાં વનવિભાગની સ્થાપના કરાઈ જે બાદથી જંગલની માલિકી સ્થાનિકો પાસેથી છીનવીને રાજ્યને સોંપી દેવામાં આવી હતી. તેના કારણે હાલના સમયમાં હિમાચલ પ્રદેશમાં દેવદારનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. જોકે, હવે જંગલો અને વનવાસીઓ વચ્ચે ફરી સંબંધ જળવાઈ રહે તે માટે સરકારે 2006માં ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ પસાર કર્યો હતો. જેનાથી દરેક હિમાચલી પરિવારને દસ વર્ષે એક ઝાડ મળે છે. તેમાંથી એટલું લાકડું મળી શકે છે કે જેનાથી ઘર બની શકે.

હિમાચલ પ્રદેશમાં ચેહની એકમાત્ર ગામ છે જ્યાં બધા જ ઘરો કાઠકુની છે

ઇમેજ સ્રોત, Tarang Mohnot

ઇમેજ કૅપ્શન, હિમાચલ પ્રદેશમાં ચેહની એકમાત્ર ગામ છે જ્યાં બધા જ ઘરો કાઠકુની છે

ઍન્થ્રોપૉલૉજિકલ આર્કિયૉલૉજિસ્ટ અને હિમાલયન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરલ એન્ડ હેરિટેજ સ્ટડીઝનાં ડિરેક્ટર સોનાલી ગુપ્તા કહે છે, "કાઠકુનીની સામે સિમેન્ટનાં ઘરો આંખમાં ખૂંચે છે કેમ કે જે દૃશ્યો અહીં જોવા મળે છે તેની સાથે તે ઘરો મેળ ખાતાં નથી. પરંતુ એવું નથી કે અહીંના સ્થાનિકો લાકડાનાં ઘરો બનાવવા માગતા નથી. તેમને માત્ર એ સ્રોતો મળતા નથી જેનાથી તેઓ ઘર બનાવી શકે."

હિમાચલ પ્રદેશના પારંપરિક રહેઠાણો મોંઘાં અને હવે બનવા અશક્ય બની ગયાં છે, તેના કારણે સિમેન્ટનાં ઘરોની ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે. ઈંટ અને સિમેન્ટનાં મકાન સ્થાનિકો માટે સસ્તાં અને ઝડપથી ઊભા થઈ જાય છે.

રાહુલ ભૂષણ કહે છે, "કાઠકુની માટે એક વખત ખર્ચ કરવો પડે છે પણ તે ખર્ચ થોડો વધારે હોય છે. લોકો તેટલી રકમ ભેગી કરવામાં અસમર્થ હોય છે."

એક તરફ કાઠકુની સ્ટ્રક્ચરની માગ ઘટી છે, તો સાથે સાથે આ કળામાં માહેર મિસ્ત્રીઓ પણ ઘટી ગયા છે. લોકોમાં એવી માન્યતાએ પણ જોર પકડ્યું છે કે સિમેન્ટથી બનેલાં ઘરો વધારે ટકાઉ હોય છે. જોકે, હિમાચલ પ્રદેશમાં છેલ્લાં 100 વર્ષોમાં એવા ભૂકંપ આવ્યા છે જેમાં રિક્ટર સ્કૅલ પર તીવ્રતા ચાર કે તેનાથી વધારે હોય. આવી સ્થિતિમાં સિમેન્ટનાં મકાનો નુકસાન માટે જવાબદાર સાબિત થયાં છે.

અંતે, હિમાચલની વિકસી રહેલી સંસ્કૃતિ અને મૂલ્યોના સંદર્ભમાં કાઠકુનીનાં પાસાં પણ કેટલાક અંશ સુધી અસંગત બની ગયાં છે.

line

ઘરમાં ઝૂકીને જવું એટલે દેવતાને ઝૂકવું

નગ્ગર મહેલ કાઠકુની શૈલીનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

ઇમેજ સ્રોત, Tarang Mohnot

ઇમેજ કૅપ્શન, નગ્ગર મહેલ કાઠકુની શૈલીનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

મોહિની કહે છે, "કથકુનીના ઘરોમાં દરવાજા ખૂબ નાના હોય છે. જૂના સમયમાં, લોકો નીચે ઝૂકીને પ્રવેશ કરતા હતા. લોકો એવું પણ માનતા કે ઘરમાં ઝૂકીને જવું એ દેવતાને ઝૂકીને જવા સમાન છે. પરંતુ આજના જમાનામાં લોકો કોઈની સામે ઝૂકવા માગતા નથી. ઈશ્વરની સામે પણ નહીં."

આ બધા પડકારો છતાં, સ્થાનિક સંસ્થાઓ આ પ્રકારની ઇમારતોને બનાવવાના રસ્તાને પ્રમોટ કરી રહી છે અને પરંપરા બચાવવાના પ્રયાસ કરી રહી છે.

ઉદાહરણ તરીકે NORTH પોતાના ક્લાયન્ટ સાથે એવા પ્રોજેક્ટ ડિઝાઇન કરે છે જે કાઠકુની સ્ટાઇલ પર આધારિત હોય. સંસ્થા આવાં મકાનોના નિર્માણ માટે તે સ્થાનિક કારીગરોની મદદ લે છે.

તેઓ એ બાબતે પણ સંશોધન કરી રહ્યા છે કે શું વાંસ જેવી વસ્તુ લાકડાની જગ્યા લઈ શકે છે કે નહીં જેનાથી કાઠકુની સ્ટાઇલના ઘર બનાવી શકાય અને તે ટકાઉ પણ હોય.

વધુમાં રાહુલ ભૂષણ વધુ એક જૂની હિમાલયની બાંધકામ તકનીક 'ધજ્જી દેવારી' સાથે પણ પ્રયોગો કરી રહ્યા છે જેમાં લાકડાની ફ્રેમ અને બીજી કેટલીક વસ્તુઓ વાપરવામાં આવે છે. તેનાથી કાઠકુનીની સરખામણીએ પૈસા અને સમય બંને ઓછા વપરાય છે.

હિમાચલ પ્રદેશ પ્રવાસન કેન્દ્રિત રાજ્ય છે, ત્યાં નિર્વાલયા અને ફિરદૌસ જેવાં રહેઠાણો છે જે સ્થાનિક આર્કિટેક્ચરના નમૂના છે અને પ્રવાસીઓને કાઠકુની સ્ટાઇલના ઘરમાં રહેવાનો મોકો આપે છે. અહીં લોકો સ્થાનિક રસોઈ અને માછીમારી તેમજ જંગલમાં હરવાફરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી શકે છે.

મોહિનીને વિશ્વાસ છે કે તેની દીકરી પણ જે ઘરમાં બે પેઢીઓ જીવી એ જ ઘરમાં જીવન વિતાવશે

ઇમેજ સ્રોત, Tarang Mohnot

ઇમેજ કૅપ્શન, મોહિનીને વિશ્વાસ છે કે તેની દીકરી પણ જે ઘરમાં બે પેઢીઓ જીવી એ જ ઘરમાં જીવન વિતાવશે

જોકે, જૂની કળા પર લોકો દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે છતાં સુથાર ટેઢીસિંહને ચિંતા છે કે જ્યારે સારા રસ્તા ચેહનીને દુનિયા સાથે જોડશે ત્યારે સિમેન્ટ પોતાનો રસ્તો આ ગામડાં સુધી બનાવી લેશે અને અહીંનાં ઘરો પણ નવા જમાનાના થઈ જશે.

તેઓ કહે છે, "આ એક કડવું સત્ય છે. સારા રસ્તા મેળવવા એ એક સપનું છે પરંતુ તેની સાથે ઈંટો અને સિમેન્ટ સાથે કામ કરવું તે આનંદદાયક નહીં હોય."

બીજી તરફ મોહિની માને છે કે તેમની દીકરી પણ એ જ ઘરમાં તેનું જીવન વિતાવશે જ્યાં તેમની બે પેઢીઓ વિતાવતી આવી રહી છે.

તેઓ કહે છે, "હું તેને શીખવીશ કે કેવી રીતે આ ઘરની જાળવણી કરવી અને તેને સમજાવીશ કે આવાં ઘર કેવી રીતે ફરી બની શકતાં નથી. ભૂકંપ તો આવે ને જાય પરંતુ આ ઘર અડીખમ રહેશે. તેને જાળવી રાખજે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન