નોઇડા ટ્વિન ટાવર્સ : 30 માળની આ ઇમારતોને શા માટે તોડી પાડવામાં આવી?

નોઇડા ટ્વિન ટાવર

ઇમેજ સ્રોત, UGC

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
લાઇન
  • નોઇડામાં ટ્વિન ટાવરને રવિવારે બપોરે તોડી પાડવામાં આવ્યાં
  • ટ્વિન ટાવરની ઊંચાઈ 320 ફૂટ અને તેમાં 30 માળ હતા
  • આ ઇમારતો તોડવા માટે 3,700 કિલોગ્રામ જેટલા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો
  • ટાવરની આસપાસ 45 જેટલાં ઍપાર્ટમૅન્ટમાં આશરે સાત હજાર જેટલા લોકો રહે છે
  • તેમનાં ઘરો ખાલી કરાવાયાં છે અને તેમને ડિમોલિશનની કાર્યવાહીના પાંચ કલાક બાદ ઘરે પરત ફરવાની પરવાનગી અપાઈ છે
  • અહીં કાટમાળની હેરફેર માટે 12 હજાર જેટલી ટ્રકનો ઉપયોગ કરવામાં આવશે જે તેને ત્રણ મહિનાની અંદર રિસાયકલિંગ પ્લાન્ટ પર લઈ જવાશે
  • ડિમોલિશનના સમગ્ર આયોજન અંગે વાંચો આ અહેવાલ...
લાઇન

ભારતના પાટનગર દિલ્હીની નજીક આવેલી બે મોટી ઇમારતો જેને ટ્વિન ટાવર કહેવામાં આવે છે, તેમને રવિવારે બપોરે આશરે 12 સેકંડની અંદર તોડી પાડવામાં આવી છે.

એપૅક્સ અને સીયાન એ બે ટ્વિન ટાવર હતાં જેને સુપરટેક નામના પ્રાઇવેટ ડેવલપર દ્વારા બનાવવામાં આવ્યાં હતાં અને પછી જાણ થઈ હતી કે ડેવલપરે નિયમોનું ઉલ્લંઘન કરીને ટાવર બનાવ્યાં છે. જેના કારણે સુપરટેકના આ ટાવરને તોડવામાં આવ્યાં છે.

મીડિયાએ આ ઇમારતોને ટ્વિન ટાવર નામ આપ્યું છે જેની ઊંચાઈ 320 ફૂટ છે અને તેમાં 30 માળ છે. આ ઇમારત નોઇડામાં બનાવવામાં આવેલી હતી.

આ ઇમારતો તોડવા માટે 3,700 કિલોગ્રામ જેટલા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઇમારતોને તોડવા માટે ઓછામાં ઓછા ત્રણ દેશના ઇજનેરોની મદદ લેવામાં આવી હતી. એક ઇજનેરે આ ઇમારતને "ઇજનેરીનું સુંદર કામ" ગણાવ્યું હતું.

આ રીતે ઇમારતો તોડી પાડવાની સામાન્યપણે પરવાનગી આપવામાં આવતી નથી અથવા વિશ્વમાં ગીચ વસતી ધરાવતા વિસ્તારમાં ભાગ્યે જ તેની પરવાનગી આપવામાં આવે છે.

આવી સ્થિતિમાં રવિવારે થનારું ડિમોલિશન ખૂબ જ પડકારજનક છે. વાંચો કેમ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો જેના કારણે આજે ટ્વિન ટાવર માત્ર સ્મૃતિમાં જ રહી ગયાં છે.

line

કેમ તોડી પડાઈ ઇમારતો?

હવે નોઇડાનાં ટ્વિન ટાવરનું ખાલી નામ રહી ગયું છે

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, હવે નોઇડાનાં ટ્વિન ટાવરનું ખાલી નામ રહી ગયું છે

હવે નોઇડાનાં ટ્વિન ટાવરનું ખાલી નામ રહી ગયું છે. પરંતુ આજે પણ ઘણાનાં મનમાં એવા પ્રશ્નો ઊઠી રહ્યા છે કે આટલી ઊંચી ઇમારતને આખરે કેમ તોડી પાડવામાં આવી?

ખરેખર તો આ ટાવરોનું નિર્માણ નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું.

એપેક્સ (32 માળ) અને શીઆન (30 માળ) જોડીયાં ટાવર ભારતીય પાટનગરમાં સૌથી ઊંચા એવા કુતુબમીનાર કરતાં પણ ઊંચાં હતાં.

આ ટાવરને ધરાશાયી કરવાનો નિર્ણય એક લાંબી કાયદાકીય લડત બાદ લેવાયો હતો. આ સંઘર્ષ અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયથી શરૂ થયો હતો અને તેનો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં લેવાયો.

line

વર્ષ 2004થી થઈ હતી શરૂઆત

કહાણી વર્ષ 2004માં શરૂ થાય છે જ્યારે નોઇડા (ન્યૂ ઓખલા ઔદ્યોગિક વિકાસ ઑથૉરિટી)એ ઔદ્યોગિક શહેર બનાવવાની યોજના અંતર્ગત એક આવાસીય ક્ષેત્ર બનાવવા માટે સુપરટેક નામની કંપનીને એક સાઇટ ફાળવી હતી.

સમાચાર એજન્સી અને મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2005માં, નોઇડા બિલ્ડિંગ કોડ અને માર્ગદર્શન 1986 અનુસાર સુપરટેકે પ્રત્યેક દસ માળની ઇમારત એમ 14 ફ્લૅટની યોજના તૈયાર કરાઈ હતી અને તેને મંજૂરી મળી હતી.

નોઇડા ઑથૉરિટીએ દસ માળવાળાં 14 ઍપાર્ટમૅન્ટ ભવનોના નિર્માણની અનુમતિ અપાઈ, સાથે જ એવો પણ પ્રતિબંધ લાદવામાં વ્યો હતો કે તેની ઊંચાઈ 37 મિટર કરતાં વધુ ન હોવી જોઈએ.

યોજના અનુસાર, આ સાઇટ પર 14 ઍપાર્ટમૅન્ટ અને એક કૉમર્શિયલ પરિસર સાથે એક ગાર્ડન વિકસિત કરાવાનું હતું.

વર્ષ 2006માં કંપનીને નિર્માણ માટે વધુ જમીન અપાઈ હતી. આ વખત પણ અગાઉના નિયમો જ લાગુ કરાયા હતા, પરંતુ એક નવી યોજના બનાવાઈ જેમાં ગાર્ડન વગર વધુ બે ભવન (દસ માળ) બનાવવામાં આવે.

અંતમાં, 2009માં, 40 માળ સાથે બે ઍપાર્ટમૅન્ટ ટાવર બનાવવા માટેની અંતિમ યોજના તૈયાર કરાઈ હતી, જોકે એ સમયે આ પ્રોજેક્ટને મંજૂરી નહોતી મળી.

line

મામલાની શરૂઆત

વર્ષ 2011માં રેસિડેન્ટ્સ વેલ્ફેર ઍસોશિયન તરફથી અલાહાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરાઈ. અરજીમાં એવો આરોપ મુકાયો હતો કે આ ટાવરોના નિર્માણ દરમિયાન ઉત્તર પ્રદેશ ઍપાર્ટમૅન્ટ માલિક અધિનિયમ, 2010નું ઉલ્લંઘન કરાયું છે.

આ પ્રમાણે માત્ર 16 મિટરના અંતરે સ્થિત બે ટાવરોના નિર્માણમાં કાયદાનું ઉલ્લંઘન થયું હતું.

અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે બંને ટાવર ગાર્ડન માટે ફાળવાયેલ જમીન પર ગેરકાયદેસર રીતે ઊભાં કરાવાયાં છે.

વર્ષ 2012માં અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણી માટે મામલા આવ્યો પહેલાં, નોઇડા પ્રશાસને વર્ષ 2009માં દાખલ કરાયેલ યોજના (40 માળવાળાં બે ઍપાર્ટમૅન્ટનાં ટાવર)ને મંજૂરી આપી દીધી હતી.

line

ટાવર તોડી પાડવાનો આદેશ

ઑગસ્ટ 2021માં અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટ પણ માન્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑગસ્ટ 2021માં અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટ પણ માન્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે

આ મામલામાં એપ્રિલ 204માં નિર્ણય રેસિડેન્ટ્સ વૅલફૅર ઍસોસિયેનના હકમાં આવ્યો હતો. આના અંતર્ગત જ આ ટાવરોને તોડી પાડવાનો આદેશ જાહેર કરાયો હતો. એવો પણ આદેશ આપવામાં આવ્યો હતો કે સુપરટેકને ટાવર પાડવાના ખર્ચ ઉઠાવવો જોઈએ અને એ લોકોને 14 ટકા વ્યાજ સાથે નાણાં પરત કરવાં જોઈએ જેમણે અહીં અગાઉથી ઘર ખરીદ્યાં છે.

એ જ વર્ષે મે માસમાં, સુપરટેક નિર્ણયને પડકરાતાં સુપ્રીમ કોર્ટની શરણે ગયું અને દાવો કર્યો કે નિર્માણકાર્ય ઊચિત માપદંડો પ્રમાણે જ કરાયું છે.

ઑગસ્ટ 2021માં અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટ પણ માન્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે.

જેના કારણે 28 ઑગસ્ટ 2022ના રોજ ટ્વિન ટાવરોને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવાયાં છે.

line

કેટલો મુશ્કેલ હતો પડકાર?

ભારતમાં ગગનચુંબી ઇમારતોને તોડી પાડવાનું કામ સરળ નથી. વર્ષ 2020માં, અધિકારીઓએ કેરળમાં બે સરોવરના કિનારે લક્ઝરી ઍપાર્ટમૅન્ટને ધ્વસ્ત કરી દીધાં, જે પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવાયાં હતાં. પરંતુ નોઇડામાં જેટલી ઊંચી ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી છે, તે આનાથી પહેલાં ભારતમાં ક્યારેય નથી થયું.

આ ટાવરને બનાવનાર ખાનગી ડેવલપર સુપરટેકે વાયદો કર્યો હતો કે 37 માળનું શીઆન એક 'આઇકન' ટાવર હશે અને શીર્ષ બાલકની પર ઊભા રહી નીચે 'નીચે ચળકતા શહેર'નો ઉદ્દેશ દેખાશે. 28 ઑગસ્ટના રોજ આ તમામ વાયદા ધૂળ બની ગયા.

line

50 ફૂટ નીચે ગૅસ પાઇપલાઇન

નજીકની વસાહતી ઇમારત ટ્વિન ટાવરથી માંડ 9 મીટર દૂર છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નજીકની વસાહતી ઇમારત ટ્વિન ટાવરથી માંડ નવ મિટર દૂર છે

વિસ્ફોટથી ડિમોલિશન કર્યા બાદ આશરે 984 ફૂટ ઊંચાઈ સુધી ધુમાડો ફેલાયો હતો. તેના કારણે ઍરપૉર્ટ તેમજ ઍરફોર્સને વિમાનની સુરક્ષાનાં પગલાં લેવા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું હતું.

ઉપરાંત, ડિમોલિશનના સ્થળે 50 ફૂટ ઊંડી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે જે દિલ્હીમાં ગૅસ સપ્લાય કરે છે.

નજીકમાં આવેલી ઇમારતોમાં રહેતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે ડિમોલિશનના કારણે થયેલ કંપનથી પાઇપલાઇનને નુકસાન પહોંચી શકે છે.

પરંતુ ઇજનેરનું કહેવું છે કે ડિમોલિશનની કાર્યવાહીથી એવા કોઈ નુકસાનની સંભાવના નથી.

નોઇડાની ઇમારતો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તે ભૂકંપના ઝટકા ઝીલી શકે. ડિમોલિશનની કાર્યવાહીમાં મદદ કરતા બ્રિટિશ ઇજનેરે બ્લાસ્ટની તીવ્રતાની ગણતરી કરી હતી અને કહ્યું હતું કે તે 4 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સમાન હોઈ શકે છે.

ટ્વિન ટાવર્સના બૅઝમૅન્ટમાં પણ કેટલીક વસ્તુઓ ભરવામાં આવી હતી, જેનાથી કંપનની વધારે અસર ન થાય.

સાઇટના સિનિયર ઇજનેર મયૂર મહેતા કહે છે, "આ બધું સુરક્ષિત છે."

રવિવારે કુલ છ લોકોને ટ્વિન ટાવરની અંદર જવાની પરવાનગી હતી. જેમાંથી ત્રણ લોકો વિસ્ફોટક સંભાળનારા હતા. તેમને બ્લાસ્ટર્સ પણ કહેવામાં આવે છે. તેમની સાથે એક પોલીસ અધિકારી પણ હતા.

ઇમારતો તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઇમ્લશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બે ઇમારતોને શોક વેવ પણ આપવામાં આવી હતી.

એડિફાઇસ ઇજનેરીના સંશોધક ઉત્કર્ષ મહેતા કહે છે કે, "અમે ખરેખર 30 માળમાંથી 18 માળને બ્લાસ્ટની મદદથી પાડ્યા હતા. બાકીના માળ તેમની મેળે જ નીચે પડ્યા હતા."

કેટલાંક અઠવાડિયાંથી 'બ્લાસ્ટર્સ' બે ઇમારતોના 30 માળ પર ચડઊતર કરી રહ્યા હતા જેથી તેઓ વિસ્ફોટકોને યોગ્ય સ્થાને મૂકી શકે અને એ સુનિશ્ચિત કર્યું હતું કે 20 હજાર કરતાં વધારે વિસ્ફોટકો અલગ-અલગ માળ પર યોગ્ય રીતે રાખવામાં આવે. વિસ્તારમાં પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો. જરા સરખી ભૂલ થવા પર ડિમોલિશનની કાર્યવાહી અધૂરી રહી શકવાની સંભાવના હતી.

ઉત્કર્ષ મહેતાની 11 વર્ષ જૂની કંપની માટે આ કામ ઇજનેરીના ક્ષેત્રે કદાચ સૌથી પડકારજનક કામ ન હોઈ શકે.

ભારત હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તેવામાં કંપની કહે છે કે તેણે 18-20 જેટલાં ડિમોલિશન કર્યા છે જેમાં જૂનાં ઍરપોર્ટ ટર્મિનલ, ક્રિકેટ સ્ટેડિયમ, પુલ અને જૂની ઇન્ડસ્ટ્રિયલ ચીમનીને ડિમોલિશ કરી છે.

line

કાટમાળ ખસેડવા 12,000 ટ્રક

ડિમોલિશનની સવારે પોલીસ કૉર્ડન કરશે અને વિસ્તાર ખાલી કરશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિમોલિશનની સવારે પોલીસ કૉર્ડન કરીને વિસ્તાર ખાલી કરાવ્યો હતો

તેમના માટે સૌથી પડકારજનક કામ હતું ત્રણ વર્ષ પહેલાં એક જૂના પુલનું ડિમોલિશન કરવું જે બિહારમાં ગંગા નદીની ઉપર બનાવવામાં આવેલો હતો. અહીં તેમણે એ સુનિશ્ચિત કરવાનું હતું કે નદીમાં કોઈ કાટમાળ ન પડે.

રવિવારે ટ્વિન ટાવર્સને તોડ્યા બાદ જમીન પર આશરે 30 હજાર ટન જેટલો કાટમાળ એકઠો થયો હતો. તેના માટે અહીં પાલખ બાંધવામાં આવી હતી. જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે કાટમાળનો કચરો ઉડીને બહાર ન જાય અને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે.

અહીં કાટમાળની હેરફેર માટે 12 હજાર જેટલા ટ્રકનો ઉપયોગ કરવામાં આવશે જે તેને ત્રણ મહિનાની અંદર રિસાયક્લિંગ પ્લાન્ટ પર લઈ જશે.

ઉત્કર્ષ મહેતા કહે છે, "ધૂળ જલદી સાફ થઈ જશે પણ કાટમાળને હઠાવવવામાં થોડો સમય લાગશે."

મોટી ઇમારતોનું ડિમોલિશન ભારતમાં અસામાન્ય બાબત છે. 2020માં કેરળમાં બે લક્ઝરી ઍપાર્ટમેન્ટનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું જ્યાં આશરે 2 હજાર લોકો રહેતા હતા. પર્યાવરણના નિયમોના ઉલ્લંઘનને કારણે આ ઍપાર્ટમેન્ટનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

નોઇડામાં થનારું ડિમોલિશન સ્કેલની દૃષ્ટિએ અભૂતપૂર્વ છે અને તેણે ઘણી ચિંતાઓ પણ પેદા કરી છે.

નજીકની ઇમારતોમાં રહેતા લોકોએ પોતાના ઘર ખાલી કરવાનું શરૂ કરી દીધું છે અને તેઓ પોતાના સંબંધીઓ અથવા મિત્રો પાસે જઈને રહેવા લાગ્યા છે.

નજીકની ઇમારતોની દેખરેખ માટે કામ કરતા એક ઍસોસિએશનના હેડ એસ.એન. બૈરોલિયા કહે છે, "લોકો પોતાના ઘરના દરવાજા અને બારીઓ સીલ કરી રહ્યા છે, ઍર કંડિશનર કવર કરી રહ્યા છે, ટીવીને દિવાલ પરથી હઠાવી રહ્યા છે. અમે ઇમારતોને લૉક કરી રહ્યા છીએ. આવું પહેલાં ક્યારેય થયું નથી."

આ ટ્વિન ટાવર્સના નિર્માતા સુપરટેકે એક સમયે તેના ખરીદદારોને એવા વાયદા કર્યા હતા કે અહીં રહેનારા લોકોને સર્વશ્રેષ્ઠ લક્ઝરી મળશે. સિયાન ટાવર 37 માળની આઇકૉનિક ઇમારત બનશે અને એપેક્સની બાલ્કનીમાંથી ભવ્ય નજારો જોવા મળશે. જોકે, રવિવારે આ બધા વાયદા ધૂળમાં મળી જશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન