અમદાવાદ : અમીના 'ડૉન'ને પકડવા પોલીસે ભિખારીનો વેશ ધારણ કરી ઑપરેશન કઈ રીતે પાર પાડ્યું?

ઇમેજ સ્રોત, Bhrargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- અમીના અંધારી આલમના વિતેલા જમાનાના ડૉન લતીફના મોસાળ પક્ષનાં બહેન થાય અને તેમનો દબદબો લતીફના સમયથી બરકરાર હતો
- અમીનાએ લતીફ અને વહાબ જેલમાં જતાં અને 'ધંધા'નો સ્કોપ જણાતાં ચરસના ધંધામાં ઝંપલાવ્યું હતું
- એ સમયે ભાલેજના વતની અને લતીફ ગૅંગના સાગરીત રસુલ પાટીની મદદથી અમીનાનો પરિચય ઝરીના સાથે થયો હતો
- અમીનાએ ચરસનો ધંધો બંધ કરી બ્રાઉન સુગરનો ધંધો શરુ કર્યો હતો
- વાંચો, અમીના 'ડૉન'ને પકડવા માટે પોલીસે કઈ રીતે વેશપલટો કરીને ઑપરેશન પાર પાડ્યું, એની રોમાંચક કહાણી
અમદાવાદના કાલુપુર વિસ્તારની ભંડેરી પોળની પાસે આવેલી 'વાણીયાશેરી'માં છેલ્લા કેટલાક દિવસથી પાણીપૂરીના નવા ખૂમચા લાગ્યા હતા અને ભિખારીઓ દેખાવા લાગ્યા હતા.
ફૂટપાથ પરથી પાણીપૂરીવાળા રાત્રે જતા રહેતા અને ભિખારીઓ આવીને સૂઈ જતા હતા.
પાણીપૂરીવાળા અને ભિખારીઓના પડાવને પાંચ દિવસ થયા ત્યાં એક દિવસ શેરીના નાકે એક કાર આવી.
કારમાંથી ઊતરીને યુવાન એક સ્કુટર પર બેસીને ગલીમાં પ્રવેશ્યો.
પાણીપૂરીના ખૂમચાવાળા અને ભિખારીઓ પણ યુવાનની પાછળ ગયા અને તેમણે એક મહિલાને દબોચી લીધી. આ મહિલા હતી ડ્રગ માફિયા અમીના 'ડૉન', પેલા ભિખારીઓ અને પાણીપૂરીવાળનો વેશ ધારણ કરનાર હતા અમદાવાદ પોલીસના જવાનો.
અમીના અંધારી આલમના વિતેલા જમાનાના ડૉન લતીફના મોસાળ પક્ષે બહેન થાય અને તેમનો દરજ્જો લતીફના સમયથી બરકરાર. લતીફના મામાના ગામ મહેસાણાના ભાલેજનાં વતની અમીનાની શાદી 1982માં મોહબર ખાન સાથે થઈ હતી અને એ બાદ તેમણે અહીં જ મુકામ નાખ્યો.
અમીના 'ડૉન' કોણ છે અને અપરાધજગતની એમની અત્યાર સુધીની સફર વિશે જાણવા માટે અમે અમીનાથી પરિચિત એવા કેટલાક લોકો સાથે વાત કરી.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત એસીપી નરેશ પટેલ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "એ સમયે લતીફ અમદાવાદમાં દારૂ લાવી અને દરિયાપુર અને કાલુપુરમાં રહેતા લોકોના ઘરે દારૂની બૉટલો રાખતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"લતીફ એ વખતે દારૂની 12 બૉટલ રાખવાના મકાનમલિકને 50 રૂપિયા આપતો. આમ પોલીસના દરોડામાં કદી લતીફના ઘર કે અડ્ડા પરથી દારૂ પકડાતો નહીં."
"લોકો પણ પોલીસ દરોડાની માહિતી લતીફને આપી દેતા. સાંકડી પોળમાંથી પોલીસ પહોંચે તે પહેલાં લતીફ તેના સાગરિતો સાથે ફરાર થઈ જતો હતો. એ સમયે જ લતીફના મોસાળથી આવેલી અમીના બે પૈસા કમાવા માટે દારૂનો ધંધો કરતી અને એમનો પતિ મોહબર ખાન લતીફની બીકે ચૂપ રહેતો."

લતીફ આઉટ, અમીના ઇન

ઇમેજ સ્રોત, Getty Images
લતીફના માસિયાઈ ભાઈ અને અમદાવાદમાં દરજીકામ કરતા યાસીન હાજી ઇકબાલ શેખ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "મારા પિતા ખુબ ધાર્મિક અને હજ કરીને આવેલા એટલે એ લતીફના ઘરનું પાણી પણ પીતા નહોતા."
"લતીફનો એક વણલખ્યો નિયમ હતો કે એમના સિવાય અમદાવાદમાં દારૂનો ધંધો કોઈ નહીં કરે. માત્ર અમીનાને તેમણે આ ધંધાની છૂટ આપી હતી અને અમીનાએ પણ આ ધંધામાં ઘણા પૈસા કમાયા. "
"1992 હંસરાજ ત્રિવેદી અને તેમની ગૅંગને મારીને લતીફ ભૂગર્ભમાં જતો રહ્યો. એ સમયે શાપુરનો ડૉન વહાબ પણ જેલમાં હતો. ધંધાનો સ્કોપ જણાતાં શાહપુરનાં ઝરીના શેખ સાથે મળીને અમીનાએ ચરસના ધંધામાં ઝંપલાવ્યું."
એ સમયે ભાલેજના વતની અને લતીફ ગૅંગના સાગરીત રસુલ પાટીની મદદથી અમીનાનો પરિચય ઝરીના સાથે થયો હતો.
લતીફ ગૅંગના સાગરીત રહી ચૂકેલા અને જેલની સજા કાપ્યા પછી હવે શાહપુરમાં દુકાન ચલાવતા યાસીન શેખ (લતીફનો માસિયાઈ ભાઈ અને આ યાસીન શેખ અલગઅલગ વ્યક્તિ છે) બીબીસી સાથે વાત કરતા કહે છે :
"ઝરીના શેખ કાશ્મીરના ગુલમોહમ્મદ જલગરની મદદથી ચરસ ગુજરાત લાવતી હતી. 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટમાં દાઉદ ગૅંગ સાથે લતીફનું નામ ખુલતાં રસુલ પાટી પણ ગુજરાત છોડીને ભાગી ગયો હતો. "
"1995 ગૅંગ વૉરમાં ઝરીના શેખનું ધોળા દિવસે ખૂન થયું હતું. એ પછી અમીનાએ ચરસનો ધંધો બંધ કરી રસુલ પાટીની મદદથી મુંબઈના ડ્રગ માફિયા સદફ બટાકા અને અકફ બાવા સાથે સંબંધ કેળવ્યા અને તેમની મદદથી બ્રાઉન સુગરનો ધંધો શરુ કર્યો."
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે 2015માં ગુલમોહમ્મદ જલગર પકડાઈ ગયો.
તત્કાલીન ક્રાઇમ બ્રાન્ચના એસ.પી. જે. કે. ભટ્ટ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગુલમોહમ્મદ નાર્કો ટેરરિઝમ માટે ફંડ ઊભું કરવા કાશ્મીરથી ચરસ મંગાવતો હતો. ગુલમોહમ્મદે અમદાવાદના એ સમયના ડ્રગડીલર સાથેના સંબંધોની કબૂલાત કરી હતી. તેણે ગુજરાતમાં મોટા પાયે ચરસ ઘુસાડ્યું હોવાની પણ કબૂલાત કરી હતી."
હવે ફરી આવીએ અમીના 'ડૉન'ના વિષય પર.
અમીનાને પકડવાનું ઑપરેશન પાર પાડનાર સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પીઆઈ. એસ.એ. ગોહિલ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "અમીના ડૉનના મુંબઈના મોટા ડ્રગ પેડલર સાથે સંબંધ હોવાની બાતમી મળી હતી. "
"અમીના ડૉન પોતાનું અલગ નેટવર્ક બનાવીને રાખતી હતી. મોહબરને અમીના ડ્રગની હેરાફેરી સામે વાંધો હતો એટલે તેમણે અમીનાને 2001માં તલાક આપી આપી દીધા હતા. "
"આ પહેલાં 2002માં અમીના બ્રાઉન સુગર સાથે પકડાઈ હતી અને તેમને 10 વર્ષની સજા થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી અમીનાએ ફરી દારૂનો ધંધો શરુ કર્યો હતો. "
"તે પછી અમીના 'પાસા'માં પણ જેલમાં જઈ આવી હતી. જેલમાંથી છૂટ્યા પછી અમીનાએ નાના ગુનામાં સંડોવાયેલા લોકોને પોતાના પેડલર બનાવ્યા હતા. 30થી વધુ ગુના જેમના નામે નોંધાયા હતા તેવા અમદાવાદના કારંજના ચેન સ્નૅચર સમીર બૉન્ડને અમીનાએ પોતાની ગૅંગમાં લીધો હતો."
"સમીર બૉન્ડ નાના ગુનેગારોને અમીના ડૉનની ગૅંગમાં સમાવવાનું કામ કરતો હતો અને તેમણે એમડી ડ્રગનો ધંધો ચાલુ કર્યો હતો. "
"અમીનાએ પણ લતીફ માફક પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું એટલે દરોડાની તેમને આગોતરી માહિતી મળી જતી મળી જતી હતી. એટલે પોલીસ રેડ કરવા જાય ત્યારે એ પોતાની પાસેના ડ્રગને સગેવગે કરી દેતી હતી. અમને માહિતી મળી હતી કે અમીના મુંબઈથી સદફ બટાકા અને અકફ બાવા પાસેથી એમડી ડ્રગ લાવે છે. એ દર 150 કિલોમિટરે વાહન બદલી નાખતી હતી જેથી ટોલનાકાના સીસીટીવીમાં એક જ કારની હેરાફેરી દેખાય નહીં."

રહીશોમાં ખૂશી

ઇમેજ સ્રોત, Bhrargav Parikh
ગોહિલ કહે છે, "અમીનાને પકડવા માટે અમે ભિખારી અને પાણીપુરીવાળા બનીને વૉચ રાખી રહ્યા હતા. "
"અમીના એના ઘરની પાછળના ભાગે બલુચવાડ, વકીલ બિલ્ડીંગ, અલીની પોળ પાસે પોતાના પંટરની મદદથી જાણીતા લોકોને અઢી અને પાંચના કૉડવર્ડથી એમડી ડ્રગ વેચતી હતી."
"અમે પાંચ દિવસ સુધી ભિખારી અને પાણીપુરીવાળા બનીને વૉચ રાખી રહ્યા હતા. જેવો સમીર બૉન્ડ આવ્યો એની સાથે અમે અમીના ડૉનના ઘરની બંને બાજુથી રેડ કરી એને પકડી પાડી."
સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના એસીપી બી.એસ. સોલંકી સાથે પણ બીબીસીએ આ અંગે વાત કરી.
તેઓ જણાવે છે, "અમને માહિતી હતી એટલી માત્રામાં તો ડ્રગ નથી મળ્યું પરંતુ સર્ચ ઑપરેશન દરમિયાન દાઉદ ગૅંગ અને રહેમતખાન ગૅંગના નંબરો સહિતના કેટલાક દસ્તાવેજો મળ્યા છે કે જેમાં લેવડદેવડના પુરાવા છે. અમીનાના રિમાન્ડ દરમ્યાન ઘણા ખુલાસા થઈ રહ્યા છે જેના આધારે અમે અમદાવાદમાં અમીનાની ગૅંગ ને પકડી પાડીશું."
અમીના 'ડૉન'ની ધરપકડ બાદ દરિયાપુર અને કાલુપુરના રહીશોએ એક વિજય સરઘસ કાઢી પોલીસનો આભાર માન્યો હતો.
આ વિસ્તારની શાંતિસમિતિના સભ્ય જાસુદ પઠાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમીના ડૉનના ધંધાને કારણે અમારા વિસ્તારના છોકરાઓને પણ ઝડપથી પૈસા કમાવા ડ્રગ વેચે કે બંધાણી થઈ જાય એવો ભય હતો. એટલે જ સ્થાનિક લોકોએ એ વિસ્તારમાં પોતાના ખર્ચે સીસીટીવી કૅમેરા લગાવી દીધા છે. જેથી અમીના ડૉન ના સાગરીતો ફરી ધંધો શરૂ કરે તો એના પુરાવા પોલીસને આપી શકાય."
" ત્રણ પુત્રી અને બે પુત્રોની માતા અમીનાના પુત્રો એની સાથે નથી રહેતા અને અમીનાના ધંધા સાથે પણ સંકળાયેલા નથી. તેઓ મોબાઈલની દુકાન ચલાવે છે. ત્રણેય પુત્રીની શાદી થઈ ગઈ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













