ઉના : 'મેં માસ્ટર્સ કર્યું, પતિ 9મું પાસ', છૂટાછેડા બાદ ફરી લગ્ન કરનાર યુગલની લવસ્ટોરી

ઉના શહેરમાં રહેતા અને સામાન્ય શાકભાજીની લારી ચલાવતા 22 વર્ષના કોળી પટેલ સમાજના યુવાનને માસ્ટર ડિગ્રી ધરાવતી 24 વર્ષીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉના શહેરમાં રહેતા અને સામાન્ય શાકભાજીની લારી ચલાવતા 22 વર્ષના કોળી પટેલ સમાજના યુવાનને માસ્ટર ડિગ્રી ધરાવતી 24 વર્ષીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • ગુજરાતના ઉનામાં માસ્ટર્સ ભણેલાં યુવતી અને શાકભાજીની લારી ચલાવતા યુવકને થયો પ્રેમ
  • પરિવાર લગ્ન માટે રાજી ન થતાં સાત વર્ષનાં પ્રેમ બાદ અને કોર્ટ-મૅરેજના એક વર્ષ પછી પણ રહ્યાં એકબીજાથી અલગ
  • અંતે કેવી રીતે શક્ય બન્યું મિલન, વાંચો તેમની પ્રેમકહાણી
લાઇન

ગુજરાતના સૌરાષ્ટ્રના ઉના શહેરની આંતરજ્ઞાતીય લગ્નની 'અજબ પ્રેમ કી ગજબ કહાણી' સામે આવી છે.

ઉના શહેરમાં રહેતા અને સામાન્ય શાકભાજીની લારી ચલાવતા 22 વર્ષના કોળી પટેલ સમાજના યુવાનને માસ્ટર ડિગ્રી ધરાવતી 24 વર્ષીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.

યુવતી અન્ય જ્ઞાતિની હતી જેથી યુવતીનો પરિવાર આ પ્રેમસબંધથી રાજી ન હતો. બંનેએ પરિવારને જણાવ્યા વગર કોર્ટ-મૅરેજ કર્યાં, પરંતુ તે પછી પણ સંઘર્ષ પૂરો ન થયો.

એકબીજાની સાથે રહેવા હજુ તો યુવક-યુવતીએ ઘણા પ્રયાસો કરવાના બાકી હતા.

સમગ્ર વાત એવી છે કે જુદીજુદી જ્ઞાતિનાં આ યુવક-યુવતીએ સાત વર્ષના પ્રેમસંબંધ બાદ કોર્ટ-મૅરેજ કર્યાં, પરંતુ પરિવારને જાણ ન કરી. બંને પોતપોતાના ઘરે જ રહ્યાં.

દરમિયાન યુવતીનું તો અન્યત્રે સગપણ પણ થઈ ગયું અને એક વર્ષમાં જ યુવતીના પરિવારે છૂટાછેડા લેવડાવ્યા તેમ છતાં પ્રેમનો તાંતણો તો બંધાયેલો જ રહ્યો અને બંને ફરી વાર એકબીજા સાથે નાસી છૂટ્યાં.

કોઈક ફિલ્મની સ્ટોરીની જેમ લાગતી આ ઘટના એક હકીકત છે. આજે અમે તમને આ લવસ્ટોરી અંગે વિગતવાર જણાવીશું.

line

કેવી રીતે પાંગર્યો પ્રેમ?

આઠ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના શાકભાજીની લારી ચલાવતા એક યુવક અને માસ્ટર ડિગ્રીધારક એક યુવતીની આંખ મળી અને પ્રેમ થઈ ગયો હતો પણ યુવતીએ એક વર્ષ સુધી પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઠ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના શાકભાજીની લારી ચલાવતા એક યુવક અને માસ્ટર ડિગ્રીધારક એક યુવતીની આંખ મળી અને પ્રેમ થઈ ગયો હતો પણ યુવતીએ એક વર્ષ સુધી પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો

આઠ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના શાકભાજીની લારી ચલાવતા એક યુવક અને માસ્ટર ડિગ્રીધારક એક યુવતીની આંખ મળી અને પ્રેમ થઈ ગયો હતો પણ યુવતીએ એક વર્ષ સુધી પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.

યુવતીએ યુવકનો પ્રેમ સ્વીકાર કરતાં બંને સાત વર્ષ સુધી એકબીજાના પ્રેમમાં રહ્યાં હતાં અને પછી કોર્ટ-મૅરેજ કરી લીધાં હતાં. જોકે, તેઓએ પરિવારને જાણ કરી ન હતી. પોતપોતાનાં ઘરે રહેવાનો નિર્ધાર કર્યો હતો.

એ દરમિયાનમાં યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ હતી.

આ દરમિયાન યુવતીના પરિવારને પ્રેમલગ્નની ખબર પડી ગઈ હતી જેથી તેઓએ દબાણથી એક વર્ષમાં જ યુવતી પાસે છૂટાછેડાના સ્ટૅમ્પ ઉપર સહી કરાવી હતી.

જોકે, છૂટાછેડા બાદ એક મહિનામાં જ આ યુગલે ફરીવાર ભાગીને લગ્ન કરી લીધાં. 24 વર્ષનાં છાયા અને 22 વર્ષના મયૂરની આંતરજ્ઞાતીય લવ-મૅરેજની સ્ટોરી ભારે નાટ્યાત્મક છે.

(બંનેનાં નામ બદલ્યાં છે.)

આ પ્રેમલગ્નનો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો જ્યાં પોલીસે છાયા અને મયૂરના પરીવાર વચ્ચે મધ્યસ્થ બની હતી અને બન્ને પરીવારજનોને ભેગા કર્યા હતા. તેમને સમજાવાના અથાગ પ્રયત્નો કર્યા હતા પણ છાયાના પરીવારજનો માન્યા નહોતા.

આખરે છૂટાછેડા થયા હતા પણ મહિના પછી ફરી બંનેએ ફરી લગ્ન કરી લીધાં.

હાલ યુગલ ખુશાલ દાંપત્યજીવન પસાર કરી રહ્યું છે. અને પોતાના પ્રેમના સંઘર્ષની કહાણી યાદ કરી રહ્યું છે.

24 વર્ષીય છાયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું અને મયૂર છેલ્લાં આઠ વર્ષથી એકબીજાને પ્રેમમાં છીએ. મારા દાદાની એક નાની દુકાન છે. જે મયૂરના ઘરની સામે છે. મારા દાદા જમવા કે નાસ્તો કરવા ઘરે આવતા હતા ત્યારે હું દુકાને બેસતી હતી. મયૂર ત્યારે છુપાઈને મને જોતા હતા. એક દિવસ એમણે મને પ્રપોઝ કરી. પહેલી વાર મયૂરે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ઇનકાર કર્યો હતો પરંતુ મયૂરે હાર માની નહોતી અને તે મને પ્રેમ કરતા રહ્યા."

"પહેલીવાર મને પ્રપોઝ કર્યાના એક વર્ષ બાદ મેં મયૂરના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. "

છાયાએ વધુમાં જણાવ્યું હતું કે, "મારી પાસે મોબાઇલ ફોન ન હતો જેથી કોઈક વાર મોકો મળે તો પપ્પા, ભાઈના કે કોઈ સહેલીના ફોન પરથી મયૂરને ફોન કરતી હતી અને અમે વાત કરતાં હતાં. અમારી લવસ્ટોરી આઠ વર્ષ થયાં હતાં પરંતુ ક્યારેય અમે લાંબી વાતો કરી નથી."

"પરંતુ અમારું ઘર આસપાસ હોવાથી અમે દરરોજ સવારે નવ વાગ્યે, બપોરે ત્રણ વાગ્યે, રાત્રે દસ વાગ્યે અને રાત્રે 12 વાગ્યે એમ ચાર વાર એક જ સમયે ઘરની બહાર નીકળતાં એકબીજાને જોતાં અને ઇશારામાં વાત કરતાં હતાં. "

"અમે અમારી ઘડિયાળના સમય પણ સરખા જ સેટ કર્યા હતા."

છાયા આગળ વાત કરતાં કહે છે કે, "મેં માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કર્યો છે જ્યારે મયૂરે ધોરણ નવ સુધી અભ્યાસ કર્યો છે પરંતુ મયૂરે હંમેશાં મને ભણવા માટે પ્રોત્સાહિત કરી છે. હવે હું LL.B.નો અભ્યાસ કરવા માગું છું. પરંતુ મારાં સર્ટીફીકેટ મારા ઘરે છે. મયૂર મને કહે છે કે આપણે નવાં સર્ટિફિકેટ કઢાવીશું અથવા તારા પરિવાર પાસે સર્ટિફિકેટ માંગીશું પરંતુ તારું ભણવાનું અટકવા નહીં દઈએ. જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તું ભણી શકે છે."

line

'પરિવારના લોકો રહ્યા વિરુદ્ધ પણ પ્રેમ રહ્યો અડગ'

આઠ વર્ષના સંઘર્ષ બાદ મળી એકબીજા સાથે રહેવાની તક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઠ વર્ષના સંઘર્ષ બાદ મળી એકબીજા સાથે રહેવાની તક

છાયા પોતાના પ્રેમસંબંધમાં પડેલી મુશ્કેલીઓને યાદ કરતાં કહે છે કે, "સાત વર્ષના પ્રેમસંબંધ બાદ એક તરફ મારા પરિવારના લોકો અને બીજી બાજુ મયૂરના પરિવારના લોકો સમાજમાં લગ્ન માટે માંગા શોધતા હતા. "

" અમારી ઉપર દબાણ હતું જેથી ગત ડિસેમ્બર 2021માં જૂનાગઢ જઈને અમે કોર્ટ-મૅરેજ કરી લીધાં હતાં. અમે બંને પોતપોતાનાં ઘરે રહેતાં હતાં. "

" બીજી તરફ મારા પરિવાર દ્વારા મારી સગાઈ કરાવી દેવાઈ હતી. જે યુવક કૉન્સ્ટેબલ હતો જેને મારા અને મયૂરના લગ્નનું સર્ટિફિકેટ હાથમાં આવી ગયું હતું. અમે બંને અલગ જ્ઞાતિનાં હોવાથી મારા પરિવારના લોકો અમારાં લગ્નને લઈને રાજી નહોતા. "

" જેથી મારા પરિવારના લોકોએ મને માનસિક દબાણ આપીને સ્ટૅમ્પ ઉપર મારા અને મયૂરના છૂટાછેડા કરાવ્યા હતા. જોકે, પરિવારના સભ્યોના જીદના કારણે છુટાછેડાના સ્ટૅમ્પ ઉપર સહી કરી હતી પરંતુ મનમાં તો એકબીજા માટે પ્રેમ હતો જ."

તેઓ છૂટાછેડા બાદ મયૂર સાથેના મિલન માટે કરેલ પ્રયાસો અંગે વાત કરતાં કહે છે કે, "મેં એક દિવસ છુપાઈને મારા પિતાનો ફોન લઈ મયૂરને ફોન કરીને કહ્યું કે હું તારા વગર રહી શકું તેમ નથી. મને લઈ જા. પછી અમે બંને ભાગીને ભાવનગર જતાં રહ્યાં હતાં. હાલ અમે મયૂરના ઘરે આવી ગયાં છીએ. ખુશીથી દાંપત્યજીવન જીવી રહ્યાં છીએ."

22 વર્ષના મયૂરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "છાયાના પરિવારમાં કોઈને અમારાં કોર્ટ-મૅરેજની જાણ હતી નહોતી. પરંતુ જાણ થયા બાદ તેનાં માતાપિતાએ છાયાને છૂટાછેડા નહીં આપે તો તેઓ મરી જશે તેવી ધમકી આપી છૂટાછડાના સ્ટૅમ્પ પર સહી કરાવી હતી. મને ખબર હતી કે, છાયા પ્રૅશરમાં આવીને છૂટાછેડા પર સહી કરી છે પરંતુ તે મારી પાસે ચોક્કસ આવશે. અમારો પ્રેમ સાચો હતો જેથી છૂટાછેડા થયાના થોડા દિવસમાં જ મને છાયાનો ફોન આવ્યો હતો. અમે બંને ભાગી ગયા."

હાલ આ યુગલ સુખેથી એકબીજા સાથે જીવન ગાળી રહ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન