'પુત્રને પિતાએ કાંધ આપવી પડે એનું દુ:ખ જે કાંધ આપે એ જ જાણે': અમદાવાદના અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો વિલાપ

અમદાવાદ અકસ્માત

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, અકસ્માતમાં મૃતક ધર્મેન્દ્રસિંહ

"પુત્રને પિતાએ કાંધ આપવી પડે એનું દુ:ખ જે કાંધ આપે એ જ જાણે".

"ફાંસીની સજા આપો તો પણ ઓછી કહેવાય. નવ-નવ લોકોને મારી નાખે એ કેવો ગુનો કહેવાય?"

આ શબ્દો અકસ્માતમાં જીવ ગુમાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના ધર્મેન્દ્રસિંહ પરમારના પરિવારજનના છે.

અમદાવાદમાં થયેલા અકસ્માતમાં જે નવ લોકોનાં મોત થયાં એમાં આ પરિવારે પણ પોતાનો દીકરો ગુમાવ્યો છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત ગુરુવારે મોડી રાત્રે ‘પૂરપાટ ઝડપે’ દોડતી જેગુઆર કાર ફરી વળતાં નવ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતકોમાં અકસ્માતમાં સુરેન્દ્રનગરના ચુડા અને ચાચકા ગામના બે યુવાનોનો પણ સમાવેશ થાય છે.

મૂળ ચુડા ગામના ધર્મેન્દ્રસિંહ પરમાર અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. અકસ્માતના સમયે તેઓ ડ્યુટી પર હતા. અકસ્માતમાં જેગુઆર કાર ફરી વળતા તેમનું મૃત્યુ થયું હતું.

આ સમાચાર આવતાની સાથે ગામમાં શોકનો માહોલ છે.

તેમના પિતરાઈ રવિરાજે બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર સચીન પિઠવા સાથે વાત કરતા કહ્યું કે "મારા દાદાનો એકનો એક દીકરો હતો, અને ઘણા સંઘર્ષ બાદ તેમને પોલીસમાં નોકરી મળી હતી. તેમને નોકરીએ લાગીને માંડ પાંચ જ વર્ષ થયાં હતાં. અત્યારે તેમને દોઢ વર્ષની દીકરી છે. હવે તેનું શું?"

ગુજરાત સરકારે અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવાનું નક્કી કર્યું છે. પરંતુ રવિરાજ કહે છે કે "અમારે પૈસા નથી જોતા. અમારે ન્યાન જોઈએ છે."

મૃતકોના પરિવારની સ્થિતિ જાણવા જ્યારે બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવા જ્યારે આ ચુડા અને ચાંચકા ગામે પહોંચ્યા હતા તો માહોલ અત્યંત ગમગીન હતો.

અમદાવાદ ઈસ્કોન અકસ્માત

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચુડા ગામે મૃતક ધર્મેન્દ્રસિંહના ઘરે શોકનો માહોલ છે.

ધર્મેન્દ્રસિંહ પરમારનો પરિવાર ખૂબ જ ગરીબ છે. તેમના ઘરમાં કમાનાર માત્ર એક જ ધર્મેન્દ્રસિંહ હતા. પરિવારમાં તેમનાં માતાપિતા અને ધર્મેન્દ્રસિંહનાં પત્ની ધરતીબા તથા દોઢ વર્ષની દીકરી કાવ્યા છે.

હવે પરિવાર સામે પુત્રને ગુમાવ્યાનું દુ:ખ અને ભવિષ્યનો પ્રશ્ન છે.

ગામના આગેવાન કાનભા ગોહિલે કહ્યું કે, "આવા નબીરાઓ દસ-દસ મર્ડર કરે, રાતના 12 વાગ્યા સુધી ફાર્મ હાઉસમાં મેજબાની કરતા હોય, ગાડીઓ લઈને રાતના 12-એક વાગ્યા સુધી ફરતા હોય, તો સરકારે ફાર્મ હાઉસ જપ્ત કરવા જોઈએ." તેમણે ગુનેગારોને ફાંસી આપવાની માગ કરી હતી.

ત્યારે ચાચકા ગામમાંથી પણ રોનક નામના એક યુવાનનું મૃત્યુ થયું છે.

મૃતકના ઘરના આંગણામાં મહિલાઓ છાજિયાં લેતી હૈયાફાટ રૂદન કરી રહી હતી. મહિલાઓના આંસુઓ રોકાતા નહોતા. પુરુષો ગળે નાખેલા ખેસથી આંસુઓ લૂછતા નજરે પડતા હતા.

સ્થાનિક વિજય પટેલ બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવા સાથે વાત કરતા ભાવુક થયા.

વિજય પટેલે કહ્યું કે , "તે ચા પીવા ગયો હતો, અકસ્માત થયો તો મદદ કરવા ગયો અને પોતેજ ગાડીની અડફેટે આવીને મૃત્યુ પામ્યો."

જ્યારે તેના કાકા અલ્પેશભાઈએ કહ્યું કે, "તે પરમદિવસે અમદાવાદ ગયો હતો અને તેના બીજા જ દિવસે આ અકસ્માત થયો. અમને તેના મોબાઇલમાંથી ફોન આવ્યો અને અમે તાત્કાલિક અહીંયાથી નીકળા."

તેમણે અકસ્માત સર્જનારાની સંપત્તિ જપ્ત કરવાની માગ કરી. વિજય પટેલે કહ્યું "સરકારાના ધારાધોરણો મુજબ સહાય આપી છે. પણ સહાયનો અર્થ શું? જેના દીકરાની કાંધ પિતા ઉપાડે એને એ વીતે એ ખબર પડે બીજા કોઈને ખબર ન પડે."

"તાત્કાલિક ધોરણે સરકારે સંસદમાં કાયદો બનાવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે સંપત્તિ જપ્ત કરવી પડે. સંપત્તિ જપ્ત થશે તો જ આવી ઘટના દેશમાં રોકાશે."

બીબીસી ગુજરાતી

આરોપીને કડક સજાની માગ

અમદાવાદ ઈસ્કોન અકસ્માત

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, મૃતક ધર્મેન્દ્રસિંહના પરિવારજનો

અકસ્માતમાં ચાચકા ગામના મૃતક રોનકના કાકા અલ્પેશ ભાઈએ બીબીસીના સહયોગી પત્રકાર સચીન પિઠવા સાથે વાત કરી.

અલ્પેશ ભાઈએ રોષ ઠાલવતા કહ્યું. "અકસ્માત કરીને તો પાછા ધમકી આપવા આવે છે કે આવા માણસો છે તોયે સરકારને કંઈ કરવું નથી. સરકાર સમક્ષ એક જ અમારી રજૂઆત છે કે બેફામ ગાડી ચલાવતા આ ડ્રાઈવરને કડકમાં કડક સજા આપવામાં આવે. "

ત્યારે ચુડા ગામે અકસ્માતમાં મૃત્યુ પામનાર ઘરના એકના એક કમાનાર ધર્મેન્દ્રસિંહના પિતરાઈ પ્રવીણસિંહે બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાને જણાવ્યું કે "મૃતકને નાની દીકરી છે. પરિવારનો સમગ્ર આધાર મૃતક ધર્મેન્દ્રસિંહ પર જ હતો.કારણ કે પરિવારમાંથી કમાનારા માત્ર તેઓ એક જ હતા. માત્ર વળતર આપવું એ પૂરતું નથી. "

પ્રવીણસિંહે ઉમેર્યું. "સરકારને એ કહેવા માગીએ છે કે આ અકસ્માત કરવાવાળા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે. નવ-નવ લોકોને મારી નાખ્યા, ચાર-ચાર લાખ રૂપિયા આપીને સંતોષ માની લે એમ થોડું ચાલે કડક સજા કરવી જોઈએ."

"ફાંસીની સજા આપો તો પણ ઓછી કહેવાય. નવ-નવ લોકોને મારી નાખે એ કેવો ગુનો કહેવાય. એકની એક દીકરી છે. નાની દીકરી છે. કમાનાર મુખ્ય વ્યક્તિ જ જતી રહી. અને તેને સરકાર ચાર લાખ રૂપિયા આપીને સંતોષ માની લે કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ હું માન્ય નથી રાખતો."

બીબીસી ગુજરાતી

તથ્ય પટેલ ત્રણ દિવસના રિમાન્ડ પર

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે જેગુઆર કારની અળફેટે નવ લોકોનાં મૃત્યુના આરોપી તથ્ય પટેલ અને પિતાની ધરપકડ કરી લેવાઈ હતી. શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. તો, તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

બીબીસી ગુજરાતી

કેવી રીતે અકસ્માત સર્જાયો હતો?

અમદાવાદ ઈક્કોન અકસ્માત

ઇમેજ સ્રોત, ANI

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત ગુરુવારે મોડી રાત્રે ‘પૂરપાટ ઝડપે’ દોડતી જેગુઆર કાર ફરી વળતાં નવ લોકોનાં કરુણ મૃત્યુ નીપજ્યાં છે. ‘ભયાનક અકસ્માત’માં ઈજાગ્રસ્ત થયેલા 13 લોકોને સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ખસેડાયા હતા.

ઘટના બાદ જેગુઆર કારના ‘ચાલક’ તથ્ય પટેલને અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેતુ રખાયા હતા. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બાદમાં 20 વર્ષીય ચાલક તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.

એસજી હાઇવે – 02 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કરાયેલ એફઆઇઆરમાં નોંધાયેલ વિગતો અનુસાર ચાલક તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279, 337, 338, 304, 504, 506 (2), 114 તેમજ મોટર વિહિકલ ઍક્ટ અધિનિયમની કલમ 177, 184 અને 134 (b) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલ પર તથ્ય પટેલને અકસ્માતના સ્થળેથી ‘ભગાડી લઈ જવા માટે પબ્લિકના લોકોને ધાકધમકી આપવાનો, ગાળાગાળી કરવાનો અને ગન બતાવવાના’ આરોપ લગાવાયા હતા.

જે અંગે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે, “તથ્યને પબ્લિક મારી રહી હતી, મને કંઈ સમજ ન પડી તેથી હું ત્યાંથી તેને લઈને હૉસ્પિટલે આવી ગયો, તે લોહીલુહાણ હતો. મેં ગન નથી બતાવી, કોઈ બીજાએ આવું કર્યું હોય તો મને ખબર નથી.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી