અમદાવાદ : તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની કરમકુંડળી, નોંધાયા છે ગૅંગરેપ સહિતના 12 ગુના

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં લોકોના ટોળા પર ગાડી ફેરવી દેવાના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો 'ગુનાહિત ઇતિહાસ' ચર્ચાનો વિષય બન્યો છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh/ANI

ઇમેજ કૅપ્શન, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં લોકોના ટોળા પર ગાડી ફેરવી દેવાના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો 'ગુનાહિત ઇતિહાસ' ચર્ચાનો વિષય બન્યો છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના અમદાવાદ ખાતે ઇસ્કોન બ્રિજ પર 20 જુલાઈએ સંખ્યાબંધ લોકો પર ‘પૂરપાટ ઝડપે’ જેગુઆર કાર ‘દોડાવી’ ‘ભયાનક અકસ્માતને અંજામ આપવાના’ કૃત્યના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

ઘટનામાં અન્ય વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં મદદ કરવા માટે ઊભેલા લોકો પૈકી નવનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના સામે આવ્યા બાદથી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો હતો.

પોલીસે કરેલી કાર્યવાહી અનુસાર અકસ્માતને પગલે એસજી હાઇવે – 02 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કારચાલક તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279, 337, 338, 304, 504, 506 (2), 114 તેમજ મોટર વિહિકલ ઍક્ટ અધિનિયમની કલમ 177, 184 અને 134 (b) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતનો આરોપી કારચાલક તથ્ય પટેલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અકસ્માતનો આરોપી કારચાલક તથ્ય પટેલ

ઘટના અંગે ‘દુ:ખ’ વ્યક્ત કરી રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં ઘટનાને ‘હચમચાવનારી અને આખા રાજ્યને શોકગ્રસ્ત બનાવનારી’ ગણાવી અને ‘પીડિતોને ઝડપી ન્યાય અપાવવાની’ પ્રતિબદ્ધતા દાખવી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેસ રાજ્ય સરકારની ‘પ્રાથમિકતા’ હોવાનું અને ‘બાપ-દીકરાને કાયદાનું ભાન કરાવવાની કાર્યવાહી થાય એવું સુનિશ્ચિત કરવાનો’ વિશ્વાસ અપાવ્યો હતો.

નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલ પર તથ્ય પટેલને અકસ્માતના સ્થળેથી ‘ભગાડી લઈ જવા માટે પબ્લિકના લોકોને ધાકધમકી આપવાનો, ગાળાગાળી કરવાનો અને ગન બતાવવાના’ આરોપ લગાવાયા હતા.

જે અંગે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે, “તથ્યને પબ્લિક મારી રહી હતી, મને કંઈ સમજ ન પડી તેથી હું ત્યાંથી તેને લઈને હૉસ્પિટલે આવી ગયો, તે લોહીલુહાણ હતો. મેં ગન નથી બતાવી, કોઈ બીજાએ આવું કર્યું હોય તો મને ખબર નથી.”

મીડિયામાં થઈ રહેલી ચર્ચા, રાજકીય પ્રતિક્રિયાઓ, પીડિત પરિવારોના આક્રંદને પગલે આ ઘટના ‘હાઇપ્રોફાઇલ કેસ’ બની ગઈ હતી.

અહીં નોંધનીય છે કે આ કેસની જેટલી ચર્ચા થઈ રહી છે એટલી જ ચર્ચા તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલનાં ‘ગુનાહિત બૅકગ્રાઉન્ડ’ અને ‘વૈભવી જીવનશૈલીની’ પણ થઈ રહી છે.

આ બાબતો અંગે વધુ માહિતી મેળવવા બીબીસી ગુજરાતીએ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.

ગ્રે લાઇન

કોણ છે પ્રજ્ઞેશ પટેલ?

ઇસ્કોન અકસ્માત કેસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતીને મળેલ જાણકારી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં પોલીસ ચોપડે પ્રજ્ઞેશ પટેલ સામે સામૂહિક બળાત્કાર, હત્યાની કોશિશ, હત્યા માટે કાવતરું ઘડવાના, જમીન પચાવી બરોબર વેચી નાખવા મામલે કુલ 12 ગુના નોંધાયેલા છે. જોકે પ્રજ્ઞેશના વકીલ અનુસાર તેઓ હાલ બધા જ કેસમાં જામીન પર છે.

પ્રજ્ઞેશ પટેલને આસપાસના વિસ્તારમાં ‘પ્રજ્ઞેશ ગોતા’ના નામે પણ ઓળખવામાં આવે છે.

એક સમયના ગોતાના રહેવાસી એ. એ. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રજ્ઞેશ પટેલ અંગે માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, "પ્રજ્ઞેશ ગોતા ગામના ભૂતપૂર્વ સરપંચ હર્ષદ પટેલનો મોટો દીકરો છે. એ પહેલાંથી રંગીન મિજાજનો હતો. કામધંધો કર્યા વગર ઉધાર લઈ જલસા કરવાની માનસિકતાવાળા પ્રજ્ઞેશથી એના પિતા પણ કંટાળી ગયા હતા."

"પ્રજ્ઞેશના પિતા જમીનદાર હતા. પુત્રના અવળા ધંધા બંધ કરાવવા તેમણે એક પેટ્રોલ પંપમાં તેને અઢી ટકાનો ભાગીદાર બનાવ્યો હતો. પરંતુ પહેલેથી રંગીન મિજાજવાળા પ્રજ્ઞેશને સીધાં કામ ફાવતાં નહોતાં. 1990ના દાયકામાં પેટ્રોલ પંપની પાસે આવેલા ઢાબે આવતા લોકોમાં જો કોઈ દારૂ પીધેલો જણાય તો એ પોલીસનો ડોળ કરી પૈસા પડાવતો. પરંતુ આને લઈને ક્યારેય તેના પર પોલીસ કેસ નહોતો થયો."

ઇસ્કોન અકસ્માત કેસ

ઇમેજ સ્રોત, ANI

ઑક્ટોબર, 2020માં સંદીપ પટેલ નામની વ્યક્તિએ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞેશ વિરુદ્ધ 3.71 કરોડ રૂપિયાની છેતરપિંડી કરાવી હતી.

ફરિયાદમાં નોંધાયેલ વિગતો અનુસાર અમેરિકામાં પેટ્રોલ પંપ અને હોટલનો ધંધો કરનાર સંદીપ વર્ષ 2018માં જમીન રોકાણ માટે પ્રજ્ઞેશને વાત કરી હતી.

જે માટે પ્રજ્ઞેશે જમીન બતાવી અને જલદી જ એ નૉન-ઍગ્રિકલ્ચર થઈ જવાનું જણાવી પ્લૉટિંગ મારફતે કરોડોની કમાણીની લાલચ આપી ચેક અને રોકડ રકમ તરીકે 3.71 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

ફરિયાદ અનુસાર ચુકવણીનો થોડો સમય પસાર થયા બાદ જમીન અંગે તપાસ કરાતાં એ કોઈ ખેડૂતના નામે હોવાનું જાણ થતાં આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી.

મળી રહેલ માહિતી અનુસાર પ્રજ્ઞેશ ગોતાનો ‘જમીન બતાવી લોકોના પૈસા પડાવવાનો ધંધો’ આજથી નહીં વર્ષ 2012થી ચાલી રહ્યો છે .

2012માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પ્રજ્ઞેશ ગોતા વિરુદ્ધ કાયદેસરની પહેલી ફરિયાદ નોંધાઈ હતી.

જેમાં ગોતામાં 3,600 રૂપિયે વારના ભાવે 39,920 વાર જમીનના પૈસા પડાવી લેવાયાનો આરોપ કરાયો હતો. જે અંગે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલુ છે.

ગ્રે લાઇન

‘મોંઘી કાર અને દારૂના શોખીન’

પ્રજ્ઞેશ પટેલ પર સામૂહિક બળાત્કાર સહિત 12 ગુના દાખલ થઈ ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પ્રજ્ઞેશ પટેલ પર સામૂહિક બળાત્કાર સહિત 12 ગુના દાખલ થઈ ચૂક્યા છે

મળેલ માહિતી અનુસાર ‘મોંઘી કાર અને દારૂ પીવાનો શોખીન પ્રજ્ઞેશ રોફ મારી દરેક વખત પોલીસના સકંજામાંથી છૂટી જતો.’

પરંતુ ઑક્ટોબર 2019માં એક પોલીસ કૉન્સ્ટબેલે તેને ‘કાયદાનું ભાન’ કરાવ્યું હતું.

આરોપ પ્રમાણે એ સમયે રાત્રિ દરમિયાન પ્રજ્ઞેશ અને તેના મિત્રો મર્સિડિઝ કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે જ નરેશ નામના એક કૉન્સ્ટેબલે ત્યાં પહોંચીને કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરી ત્યારે પ્રજ્ઞેશે ‘પોતે ખૂબ પહોંચેલો છે અને ખાખી વરદી ઉતરાવી દેશે’ એવું કહીને ધમકી આપ્યાનો આરોપ છે.

જે તેને દારૂનો નશો કર્યાનો કેસ નોંધી પોલીસ સોલા પોલીસ સ્ટેશનના લૉકઅપમાં આખી રાત રાખ્યો હતો.

આ ગુનામાંથી જામીન છૂટ્યા બાદ પણ તેણે ‘આવા ધંધા ચાલુ રાખ્યા.’

વર્ષ 2019માં હરજીવન પટેલ નામના એક ખેડૂતે સરખેજ પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞેશ ગોતા અને તેના સાથીદારો વિરુદ્ધ જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચર્યાનો આરોપ કરી કેસ કર્યો હતો.

આ કેસમાં આરોપ પ્રમાણે હરજીવન પટેલની જમીન પોતે 4.51 કરોડ રૂપિયામાં ખરીદી હોવાના બનાવટી દસ્તાવેજ પ્રજ્ઞેશે બનાવી લીધા હોવાનો આરોપ હતો.

આ સિવાય તેણે ગુજરાત હાઇકોર્ટના એક વકીલ સાથે મિત્રતા કરી, જમીનમાં રોકાણ કરાવવાના બહાને પૈસા પડાવી લઈ, ધમકી આપ્યાનો પણ કેસ નોંધાયો છે.

મળી રહેલ માહિતી અનુસાર એ સમયે પ્રજ્ઞેશ પોતે જમીન દલાલ હોવાનું કહેતો અને વૈભવી જીવનશૈલીનો દેખાડો કરતો. આમ કરીને તેણે વકીલ સાથે કૌટુંબિક સંબંધો સ્થાપી લીધા હતા.

ફરિયાદી વકીલ હર્ષ સુરતીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "સંબંધો સ્થાપિત કર્યા બાદ એ જુદા જુદા મિત્રોને લાવી તેમને જમીનના સોદામાં ભારે ફાયદો કરાવ્યાની વાત કરતો. એક વખત તેણે છારોડી-જગતપુર વિસ્તારમાં આવેલી એક જમીનમાં રોકાણ કરવાની વાત કરી. જે બાદ અમે કાગળ ચકાસીને 65 લાખ રૂપિયા આપી દીધા. પરંતુ જમીન ન આપતાં, મેં પૈસા પરત માગ્યા તો તેણે ધમકી આપી. જે અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી."

આ ઘટના બાદ પણ વકીલને વધુ ગભરાવવા માટે આરોપ પ્રમાણે મોડી રાત્રે તેમના ઘરે પહોંચીને ‘હત્યાની ધમકી’ આપી હતી. જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પરંતુ પ્રજ્ઞેશ જામીન પર છૂટી ગયો હતો.

વકીલ હર્ષ સુરતીનો આરોપ છે કે જામીન પર છૂટ્યા બાદ પ્રજ્ઞેશે તેમની હત્યા માટે ‘સોપારી’ આપી હતી.

તેઓ કહે છે કે પોતાની મેળે થોડીક તપાસ કરાયા બાદ આ બાબતમાં તથ્ય જણાતાં તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સપ્ટેમ્બર 2020માં આ બાબતે ફરિયાદ કરી હતી.

તેમણે આપેલી વિગતો અનુસાર આ કેસમાં ‘હત્યા માટે કૉન્ટ્રેક્ટ લેનાર’ તો પકડાઈ ગયો પરંતુ પોલીસ પ્રજ્ઞેશને આ કેસમાં પકડે એ પહેલાં તેની સામૂહિક બળાત્કારના કેસમાં ધરપકડ થઈ હતી.

બીબીસી ગુજરાતી

સામૂહિક બળાત્કાર અને એસિડ ઍટેકની ધમકીના આરોપ

ઓળખનારાના મતે પ્રજ્ઞેશ પટેલ પહેલાંથી 'છેતરપિંડી અને અવળા ધંધા'માં સપડાયેલો રહેતો

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ઓળખીતાના મતે પ્રજ્ઞેશ પટેલ પહેલાંથી 'છેતરપિંડી અને અવળા ધંધા'માં સપડાયેલો રહેતો

નવેમ્બર 2020માં પ્રજ્ઞેશ પટેલ અને તેના મિત્રો સામે એક મહિલાએ સામૂહિક બળાત્કારની ફરિયાદ કરી હતી.

રાજકોટનાં વતની આ મહિલા એ સમયે અમદાવાદમાં નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાએ પ્રજ્ઞેશ પટેલના વૈભવી જીવનના દેખાડા અંગે વાત કરતાં કહ્યું હતું કે, "કોરોના દરમિયાન મારી નોકરી છૂટી ગઈ, એ દરમિયાન હું પ્રજ્ઞેશના સંપર્કમાં આવી. એ પોતે મોંઘી કારમાં ફરતો. તેણે રાજકારણીઓ અને બિઝનેસમૅન સાથેના ફોટો બતાવી મને વાયદો કર્યો હતો કે એ મને નોકરી અપાવી દેશે."

"એણે પોતાના મિત્રો મોટી ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરતા હોવાનો દાવો કરી મુલાકાત કરાવી. અને ખાતરી આપી હતી કે એ મારી નોકરી પાકી કરાવી દેશે."

તેઓ કહે છે કે, "એ કોરોનાનો સમય હતો, એ સમયે ગુજરાતમાં ઇવેન્ટો પર પ્રતિબંધ હતો. આ વાતનો લાભ લઈને તેણે આબુમાં ઇવેન્ટ હોવાની વાત કરીને ત્યાં જઈને નોકરી પાકી કરવાનું કહ્યું. પરંતુ તેમણે ગુજરાતની સરહદ પાર કરતાં જ દારૂ પી લીધો. તે બાદ એક હોટલમાં રોકાઈને ઉદયપુર ઇવેન્ટ હોવાની વાત કરીને મને ત્યાં લઈ ગયા હતા."

મહિલાએ પોતાની ફરિયાદમાં આગળ કહ્યું હતું કે, "ઉદયપુર જઈને જ્યારે હું બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ ત્યારે તેમણે મારા ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી દીધો. એ બધા દારૂ પીતા હતા. અને હું પણ ઠંડું પીણી પીને સૂઈ ગઈ. પરંતુ સવારે ઊઠી ત્યારે હું નિર્વસ્ત્ર અવસ્થામાં હતી."

મહિલાનો આરોપ છે કે જ્યારે તેમણે પ્રજ્ઞેશ અને તેના મિત્રને પોલીસ ફરિયાદ કરવાની વાત કરી ત્યારે તેમણે મહિલાને નિર્વસ્ત્ર ફોટો અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. જે બાદ તેઓ ગભરાઈ ગયાં હતાં.

તેઓ કહે છે કે, "એ બાદ એ લોકો મને અલગ અલગ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજારતા, મને ગભરાવીને અમદાવાદના એક ફ્લૅટમાં બંધ કરી રાખીને પ્રજ્ઞેશ અને એના મિત્રો મારા પર વારંવાર બળાત્કાર ગુજારતા. એક વખત તક જોઈને હું ત્યાંતી નાસી છૂટી અને પ્રજ્ઞેશ અને તેના મિત્રો સામે સામૂહિક બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી. તે બાદ પ્રજ્ઞેશ જેલમાં ગયો હતો. અને મેં મારો જૂનો ફોન નંબર બંધ કરી દીધો હતો.”

મહિલાના આરોપો અનુસાર આટલું થયા બાદ પણ પ્રજ્ઞેશે તેમને ધમકી આપવાનું ચાલુ રાખ્યું. જૂન 2022માં ગાંધીનગરની એક રેસ્ટોરાં ખાતે પ્રજ્ઞેશે મહિલા પર ‘એસિડ ઍટેક’ કરાવવાની કોશિશ કરી હતી. આ બાબતે તેમણે ગાંધીનગર સૅક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

હવે, જ્યારે પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલ અને અકસ્માતને કારણે ફરી એક વાર ચર્ચામાં છે ત્યારે સરકાર પ્રજ્ઞેશ પટેલને કાયદાના શાસનનું ‘ભાન કરાવી’ પીડિતોને ન્યાય અપાવવામાં સફળ થાય છે કે કેમ એનો જવાબ તો સમય સાથે જ મળશે.

રેડ લાઇન
રેડ લાઇન