સુરેન્દ્રનગર: સમઢિયાળા ગામે જમીન મુદ્દે બે દલિત ભાઈઓની હત્યા, અત્યાર સુધીમાં શું શું થયું?

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા, સમઢિયાળા, સુરેન્દ્રનગરથી
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન વિવાદ મુદ્દે બે સગા દલિત ભાઈની હત્યા કરી દેવાઈ હતી.
પરિવારજનોની તમામ માગ પોલીસ વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવી છે અને આથી પરિવારે મૃતદેહોને સ્વીકારી લીધા છે.
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં સમાધાન થયું છે.
પરિવારના સભ્યોને સ્વરક્ષણ માટે હથિયારનું લાઇસન્સ સહિતની જે માગણી હતી તે સ્વીકાર કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરથી બીબીસીના સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, "ચુડા સમઢિયાળા હત્યાકેસમાં પોલીસે 5 આરોપીને પકડી લીધા છે. જે 6 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે તે પૈકીના અમરાભાઈ હરસુરભાઈ ખાચર, જુલુભાઈ ઉર્ફે ઘુઘાભાઈ ખાચર, મંગળુભાઈ અમરુભાઈ ખાચર, ભીખુભાઈ ભોજાભાઈ ખાચર અને ભાણભાઈની પોલીસે ધરડકડ કરી લીધી છે. બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે."
આ હુમલામાં બે ભાઈઓનાં મોત થયાં છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો ઘટનાને પગલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવડા અને એસઆરપીની ટુકડીઓ ગાંધી હૉસ્પિટલમાં તહેનાત છે.
આખી ઘટનાએ રાજકીય રંગ પણ પકડ્યો છે. કૉંગ્રેસે ગુજરાતની ભાજપ સરકારને દલિતવિરોધી સરકાર હોવાનો આરોપ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખા મામલાની તપાસ માટે સરકારે એસઆઈટીની રચના કરી છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
બનાવ બુધવારનો છે. સાંજે 5-00 વાગ્યાના અરસામાં સમઢિયાળા ગામની સીમમાં આવેલા પોતાની માલિકીના ખેતરમાં કામ કરી રહેલા દલિત પરિવાર પર 12-15 માણસોએ હુમલો કર્યાની ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ મામલે પીડિતોએ આરોપીઓ વિરુદ્ધ પહેલા પણ હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ કરીને તેમની સામે પોલીસ રક્ષણ માગ્યું હતું.
પણ પોલીસે તેમની માગને નજરઅંદાજ કરી હતી. આ મામલે પોલીસે ચુડા પોલીસના બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધાં છે.
બુધવારે રાત્રે સરકારનાં કૅબિનેટમંત્રી ભાનુબહેન બાબરિયાએ ગાંધી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. ભાનુબહેન બાબરિયાએ આઇજી, કલેક્ટર સાથે પણ વાત કરી હતી અને ત્યારબાદ પીડિત પરિવારના લોકોને પણ મળ્યાં હતાં.

શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જમીન ખેડવા મામલે સુરેન્દ્રનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં આ હુમલો થયો છે. ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર આલજીભાઈ પરમાર અને મનજીભાઈ પરમાર જ્યારે તેમનું ખેતર ખેડતા હતા ત્યારે દસથી બાર જણાએ તલવાર અને ધારિયા સહિતનાં હથિયારોથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં આલજીભાઈ પરમાર અને મનજીભાઈ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત પરમાર પરિવારના અન્ય ચાર વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.
ઘાયલોને સુરેન્દ્રનગરની ટી. બી. હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, સારવાર દરમિયાન જ આલજીભાઈ અને મનજીભાઈનું મોત થયું હતું.
પીડિત પરિવારજનોનો આરોપ છે કે આરોપીઓ તેમને તેમની જમીન મામલે અવારનવાર ધમકીઓ આપતા હતા. તેમનો એવો પણ આરોપ છે કે તેઓ તેમની જમીન ગેરકાયદે પચાવી પાડવા માગતા હતા.
આ હુમલામાં જે મૃત્યુ પામ્યા છે તે આલજીભાઈ પરમારના દીકરા જયેશ પરમારે બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી.
જયેશ પરમાર આરોપ લગાવતા કહે છે, “70 વર્ષથી આ જમીન પર અમે ખેતી કરીએ છીએ. અમારી બાજુમાં રહેતા ઉચ્ચ જ્ઞાતિના લોકો તેના પર હક્ક જમાવવા માગે છે. તેમણે આ જમીનને પચાવી પાડવા તેમણે અમારા પર કેસો પણ કર્યા હતા પણ તેઓ ફાવ્યા નહોતા.”
“તેઓ તેથી અમને ધાક-ધમકી આપતા હતા, કારણ કે અમે બધા અમદાવાદ રહીએ છીએ. એટલે તેઓ જાણતા હતા કે અહીં કોઈ નથી, જેથી જમીન તેમને મળી શકે છે.”
“તેઓ ગઈ કાલે હથિયારોથી અમારા પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ અમારા પરિવારજનો તડપતા રહ્યા. અમારા પૈસા પણ લૂંટી ગયા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા પણ સારવાર દરમિયાન તેમનું મોત થયું. મારા કાકા પણ આ હુમલામાં ગંભીર ઈજા પામવાને કારણે ગુજરી ગયા છે.”

ઇમેજ સ્રોત, sachin pithva
જયેશ પરમારે માગ કરી છે કે આ હુમલાખોરોને પકડીને સખત સજા કરવામાં આવે.
જયેશ પરમાર કહે છે, “અમને ન્યાય જોઈએ છે. મારા પિતા જતા રહ્યા. મારા કાકા પણ ન રહ્યા. મારું આખું કુટુંબ બરબાદ થઈ ગયું. અમારી ઉંમર શું છે? અમારે આ દિવસો જોવાના આવ્યા. મારા કાકાના તો છોકરા પણ નાના છે. તેમના ઘરનું ગુજરાન કોણ ચલાવશે?

પીડિત પરિવારને અગાઉ પણ ‘આરોપીઓ તરફથી ધમકી’ મળી હતી

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA
પીડિત પરિવારનો આરોપ છે કે આરોપીઓ પહેલાં પણ તેમના પરિવારજનોને ધમકી આપતા હતા. પીડિત પરિવાર સમઢિયાળા ગામમાં રહેતો નહોતો. તેઓ ધંધારોજગાર અર્થે બહાર રહેતા હતા. તેથી તેઓ ગામમાં તેમની જમીન બીજાને ખેડવા માટે આપતા હતા.
પરંતુ, આરોપીઓએ તેમની જમીન પચાવી પાડવાની કોશિશ કરી હોવાનો આરોપ પીડિત પરિવારજનોએ મૂક્યો છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે આ ધમકીથી રક્ષણ મેળવવા માટે પીડિત પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.
જયેશ પોલીસ પર આરોપ લગાવતા કહે છે, “જ્યારે અમે આરોપીઓ સામે પોલીસ રક્ષણ મેળવવા માટે અરજી આપવા ચુડા પોલીસ સ્ટેશન ગયા તો ત્યાંના પીએસઆઈ અમને કહે કે આવું તો ચાલ્યા કરે. તમને કશું નહીં થાય. આવું કહીને અમને રવાના કરી દીધા.”
“પોલીસની મિલીભગતને કારણે જ મારા પિતા અને કાકાએ આજે જીવથી હાથ ધોવા પડ્યા છે.”
પોલીસની ગંભીર ભૂલ સામે આવતા રેન્જ આઈજી અશોકકુમારે ચુડા પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે, જેમણે પીડિત પરિવારની રજૂઆતોને ગંભીરતાથી લીધી નહોતી.

પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
સાત આરોપીઓની સામે નામજોગ અને અજાણ્યા એવા 12થી 15 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં કોનાં-કોનાં નામ છે?
- અમરાભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
- નાગભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
- જીલુભાઈ ઉર્ફે ઘુઘાભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
- મગળુભાઈ અમરાભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
- ભીખુભાઈ ખાચર, સુદામડા ગામ-સાયલા તાલુકો
- ભાણભાઈ, સમઢિયાળા, તાલુકો-ચુડા
- બીજા અજાણ્યા 12-15 માણસો
પોલીસે આરોપીઓ સામે આઈપીસી 302, 396, 307, 326, 325, 335, 427, 120 B, 506(2), 504, 143, 147, 148, 149 તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.
પોલીસે આ આરોપીઓ સામે ધમકી આપીને જમીન પચાવી પાડવાનો કારસો રચવાનો અને તે મામલે કાવતરું રચીને એકસંપ થઈને ફરિયાદી પર લાકડીઓ અને ધારિયા વડે જીવલેણ હુમલો કરવાનો તથા હત્યાનો અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો છે.
રેન્જ આઈજી અશોકકુમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “આ દુખદ ઘટના છે. જેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ચુડા પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે. પોલીસ વિભાગ બંને સામે કડક પગલાં લેશે. આરોપીઓને પકડીને તેમને કડક સજા થાય તે માટે અમે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટર એટલે કે પીપીની નિમણૂક કરીશું. જેથી આ કેસમાં આરોપીઓને છૂટવાનો કોઈ અવકાશ નહીં મળે.”
“પોલીસ પીડિત પરિવાર સાથે જ છે. અમે તેમણે કરેલી તમામ રજૂઆતોને ધ્યાને લઈને આગળની કાર્યવાહી કરીશું.”

આ મામલે રાજકારણ પણ ગરમાયું

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
સમઢિયાળીના દલિત પરિવારની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવાના મામલે બે દલિતની હત્યા મામલે રાજકારણ પણ ગરમાયું છે.
ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે, “ભાજપ સરકારે જાણીજોઈને બેધ્યાનપણુ દાખવ્યું છે. તેને કારણે જ નિર્દોષ દલિતોની અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને હત્યા કરી છે. ભૂમાફિયા વિરુદ્ધ વારંવાર પોલીસ રક્ષણ માગવા છતાં તેમને આપવામાં આવ્યું નથી.”
પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ સુરેન્દ્રનગરની હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે પણ હૉસ્પિટલના ડૉક્ટરો પર આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું કે મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરતી વખતે વીડિયોગ્રાફી કરવામાં આવે. પરંતુ તેમની માગ સ્વીકારાઈ નહોતી તેથી તેઓ ઉપવાસ પર બેસી ગયા હતા.
દરમિયાન દલિત આગેવાનો પણ આ ઘટનાના સમાચાર મળતાની સાથે જ હૉસ્પિટલોમાં ટોળે વળ્યા હતા.
કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આરોપ લગાવતા કહ્યું હતું કે ગુજરાત દલિત અત્યાચારોની રાજધાની બનવા જઈ રહ્યું છે.
તેમણે કહ્યું, “ગુજરાતમાં દલિતો જમીન ખેડી શકતા નથી અને તમે રામરાજ્યનાં બણગાં ફૂંકો છો?”














