દર્શન સોલંકી આપઘાત કેસ : IIT બૉમ્બેની તપાસ સમિતિના રિપોર્ટમાં કઈ વાત સામે આવી?

આઈઆઈટી બૉમ્બેમાં ગત મહિને આપઘાત કરી લેનારા ગુજરાતના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીના મામલે રચાયેલી સંસ્થાની તપાસ સમિતિમાં જાતિગત ભેદભાવના આરોપોને નકારી દેવાયા છે અને નબળા ગુણે દર્શનને 'ગંભીર' અસર કરી હોવાનું જણાવાયું છે.
તપાસ સમિતિએ 2 માર્ચે પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે દર્શનનાં બહેન સિવાય પૅનલ સામે રજૂ થયેલી કોઈ પણ વ્યક્તિએ દર્શન જાતિગત ભેદભાવનો સામનો કરી રહ્યા હોવાની વાત નહોતી કરી.
આપઘાત પાછળના કારણ તરફ સંકેત આપતાં રિપોર્ટમાં "કથળતા એકૅડેમિક પર્ફૉર્મન્સની નિરાશા"ની દર્શન પર 'ગંભીર' અસર પડી હોવાની વાત જણાવાઈ છે.
નોંધનીય છે કે ગત 12 ફેબ્રુઆરીએ આઈઆઈટી બૉમ્બેમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા અમદાવાદના દર્શન સોલંકીએ પોતાની સેમેસ્ટર ઍક્ઝામ પૂર્ણ થયાના એક દિવસ બાદ આપઘાત કરી લીધો હતો.
દર્શને હૉસ્ટેલના સાતમા માળેથી કૂદીને કથિત રીતે આપઘાત કરી લીધો હતો. પરિવારે આ ઘટના પાછળ જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો
આ મામલે આઈઆઈટી બૉમ્બેએ 12 સભ્યોની એક તપાસ સમિતિ રચી હતી. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રિપોર્ટની એક કૉપી કેન્દ્ર સરકારને પણ સોંપવામાં આવી છે. કૅમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર નંદકિશોર આ પૅનલની આગેવાની કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
અખબાર અનુસાર રિપોર્ટમાં જણાવાયું છે કે માત્ર દર્શનનાં બહેને 'જાતિગત ભેદભાવ'નો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું, "એમના ભાઈએ તેમને કહ્યું હતું કે 'આઈઆઈટી બૉમ્બેમાં કેટલાક વિદ્યાર્થીઓને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડે છે અને એમણે જાતે પણ એનો અનુભવ કર્યો છે.'"
રિપોર્ટમાં એવો ઉલ્લેખ પણ કરાયો છે કે 'આંબેડકર પેરિયાર ફૂલે સ્ટડી સર્કલ' અને 'આંબેડકરાઇટ સ્ટુડન્ટ્સ કલેક્ટિવ' દ્વારા તપાસ સમિતિ સમક્ષ કૅમ્પસમાં જાતિગત ભેદભાવ કરાતો હોવાની વાત કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, "એમાંથી કોઈ પણ ડીએસ (દર્શન સોલંકી)ને ક્યારેય નહોતાં મળ્યાં અને ડીએસ (દર્શન સોલંકી) જાતિગત ભેદવાનો સામનો કરી રહ્યા હોવાની એમને પ્રત્યક્ષ જાણકારી નહોતી."
તપાસના આ રિપોર્ટમાં જણાવાયું છે, "એટલે, ડીએસ (દર્શન સોલંકી)નાં બહેનના નિવેદન સિવાય, આઈઆઈટી બૉમ્બેમાં દર્શન સોલંકીને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા નથી."
તપાસ સમિતિ દ્વારા જાતિગત ભેદભાવની વાતને નકારી દેવાઈ છે અને એણે રિપોર્ટમાં દર્શન સોલંકીના એકૅડેમિક પર્ફૉર્મન્સની વિસ્તૃત માહિતી આપી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે એક વિષયને બાદ કરતાં તમામ વિષયોમાં દર્શનનું પ્રદર્શન 'ખૂબ નબળું' હતું અને ખાસ કરીને હેમંત સત્રના બીજા હાફમાં એમનું પ્રદર્શન કથળી ગયું હતું.
રિપોર્ટ અનુસાર, "એવું જણાય છે કે ડીએસ (દર્શન સોલંકી)ને લેક્ચરો સમજવામાં મુશ્કેલી પડી રહી હતી, જેની કદાચ એમના પર ગંભીર અસર થઈ હોય અને એમણે વર્ગ છોડવાનું શરૂ કરી દીધું હતું. એટલે કથળી રહેલા એકૅડેમિક પર્ફૉર્મન્સની નિરાશા એ મજબૂત કારણ જણાય છે, જેની ડીએસ (દર્શન સોલંકી) પર ગંભીર અસર પડી હોઈ શકે."

આ વચગાળાના રિપોર્ટમાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વચગાળાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "દર્શન સોલંકીનું વિવિધ વિષયોની પરીક્ષામાં પ્રદર્શન નબળું પડી રહ્યું હતું. ખાસ કરીને બીજા સેમેસ્ટરની પરીક્ષામાં. શક્ય છે કે અભ્યાસમાં નબળા દેખાવની અસર દર્શન પર ખૂબ જ ખરાબ પડી હોય. દર્શન પોતાના મિત્રો સાથેની વાતચીતમાં ઘણીવાર કહેતા હતા કે આઈઆઈટી બૉમ્બેમાંથી બી.ટેક.નો અભ્યાસ છોડી દેશે અને પોતાના શહેરમાં ક્યાંક એડમિશન લેશે."
રિપોર્ટમાં કહેવાયું છે કે દર્શન સોલંકીની બહેને કૅમ્પસમાં જાતિગત ભેદભાવની વાત કહી હતી, પરંતુ તેમના નિવેદન સિવાય આ વાતનો કોઈ સીધો પુરાવો નથી મળ્યો કે દર્શનને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
દર્શનના પિતા રમેશભાઈને રિપોર્ટની એક નકલ મળી છે, પરંતુ તેમણે આ રિપોર્ટને નકારી કાઢ્યો છે.
રમેશભાઈ સોલંકીએ ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારને જણાવ્યું હતું કે, "હું આ રિપોર્ટ સાથે સહમત નથી. આઈઆઈટી વહીવટીતંત્ર પહેલા દિવસથી જ આ પ્રકારે વિચારી રહ્યું હતું. હું એ આંતરિક સમિતિ પર વિશ્વાસ નથી કરતો જેમાં બહારની કોઈપણ વ્યક્તિ નથી. મારો દીકરો માત્ર એક જ વિષયમાં નાપાસ થયો હતો અને તેને લીધે એ આત્મહત્યા ન કરી શકે."
આઈઆઈટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહ જે અનામત શ્રેણીના બાળકો માટે કામ કરે છે, તેમણે પણ પૅનલમાં કોઈ બહારની વ્યક્તિ ન હોવા મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.
ધીરજ સિંહે ઇન્ડિયન એક્સ્પ્રેસને કહ્યું,"આઈઆઈટી બૉમ્બેની 12 સભ્યોની તપાસ સમિતિના તમામ લોકો કૅમ્પસના જ હતા. એમાંથી સાત સભ્યો પ્રોફેસર છે. જેવી અપેક્ષા હતી, તેવો જ રિપોર્ટ તેમણે આપ્યો છે. સમગ્ર આરોપ એક વ્યક્તિ પર લગાવી દેવામાં આવ્યો છે. "
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દર્શને તેમના પિતા અને કાકાને ક્યારેય જાતિગત ભેદભાવની વાત નહોતી કરી.
દર્શનનાં બહેન અને પિતા સાથે પણ તપાસ સમિતિએ વાત કરી હતી. રમેશભાઈ સોલંકીનું કહેવું છે કે તેમના દીકરાએ ડરને કારણે ક્યારેય જાતિગત ભેદભાવની વાત કરી નહીં હોય.
રમેશભાઈએ ઇન્ડિયન એક્સ્પ્રેસને કહ્યું છે, "એ એવી વાતથી ડરી ગયો હશે કે જો જાતિગત ભેદભાવની વાત કરીશ તો હું કૉલેજ બદલવાનું ન કહીં દઉં."

'અભ્યાસમાં નબળું પ્રદર્શન'

ઇમેજ સ્રોત, Getty Images
વચગાળાના અહેવાલ અનુસાર, દર્શનનાં બહેને જાતિગત ભેદભાવ સાથે જોડાયેલો કોઈ પુરાવો રજૂ કર્યો નહોતો. રિપોર્ટમાં દર્શન અને તેમની બહેનની વાતચીતનો સંદર્ભ આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, "કોમ્પ્યુટર અને અન્ય વિષયો સાથે જોડાયેલી દર્શનની જિજ્ઞાસા વિશે ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ હસી પડતા હતા."
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દર્શન ભણવામાં વધારે રસ નહોતા દર્શાવી રહ્યા અને તેઓ હૉસ્ટેલના રૂમમાં જ રહેવાનું પસંદ કરતા હતા.
દર્શનના એક મિત્રે જણાવ્યું છે કે સોલંકીને લૅક્ચર સમજવામાં મુશ્કેલી પડતી હતી. દર્શનથી પરીક્ષાની તૈયારી પણ પૂરી રીતે નહોતી થઈ શક્તિ. રિપોર્ટ અનુસાર દર્શને ગણિત વિષયને હિન્દીમાં સમજાવવા માટે કહ્યું હતું.
રિપોર્ટ અનુસાર દર્શન સોલંકી જાતીગત ભેદભાવ વિરુદ્ધ ક્યારેય એસસી/એસટી સેલ અથવા સ્ટુડન્ટ વૅલનેસ સૅન્ટર નહોતા ગયા અને તેમણે આઈઆઈટી બૉમ્બેના ઇમેલ પર ક્યારેય તેનાથી જોડાયેલી કોઈ ફરિયાદ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોલંકી અંતર્મુખી સ્વભાવના હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,"દર્શન શરૂઆતમાં કદાચ પોતાને અળગા થયેલાં અનુભવતા હતા. તેના ઘણાં કારણો હોઈ શકે છે. તેમાં જી-રૅન્કમાં અંતર, કૉમ્પ્યુટરનું જ્ઞાન અને ભાષકીય અડચણ હોઈ શકે. તેમના અળગા રહેવાનું કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું."
સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે, "12 ફેબ્રુઆરીએ બપોર પછી દર્શન પોતાની હૉસ્ટેલના વિંગ-મેટ્સ સાથે ખરીદી માટે જવાના હતા. દર્શનના પિતાએ એકાઉન્ટમાં થોડા નાણાં પણ ટ્રાન્સફર કર્યા હતા. સમિતિને એ બાબતની કોઈ માહિતી નથી કે છત પરથી છલાંગ લગાવતા પહેલાં પરિવાર સાથે ફોન પર શું વાત થઈ હતી. કૉલ ડિટેલ ઉપરાંત ફોન અને લૅપટૉપની ફૉરેન્સિક તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ ફાઇનલ રિપોર્ટ આવશે."

પરિવારે શો આરોપ લગાવ્યો હતો?

દર્શનના પરિવારજનોએ આપઘાતના પાછળ જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. દર્શનનાં મોટાં બહેન જાનવીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "શરૂઆતમાં તો બધું સારું રહ્યું હતું, પરંતુ જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ખબર પડી કે દર્શન દલિત છે એટલે તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર શરૂ થઈ ગયો હતો. તેને કોઈ પ્રકારની મદદ ન મળતી. ઘણા વિદ્યાર્થીઓ દલિત વિદ્યાર્થીઓ પ્રત્યે ઇર્ષ્યા રાખતા હતા."
"તેઓ ટોણાં મારતા કે તે (દર્શન) મફતમાં ભણવા આવી ગયો છે. અન્ય વિદ્યાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આઈઆઈટીમાં પ્રવેશ મેળવી નથી શકતા."
12 ફેબ્રુઆરીના દિવસે દર્શનના પિતા રમેશભાઈ ઉપર આઈઆઈટી-બૉમ્બેમાંથી ફોન આવ્યો હતો અને તેમને તાત્કાલિક મુંબઈ પહોંચી જવા માટે જણાવવામાં આવ્યું હતું. આ માટેની ફ્લાઇટની ટિકિટ પણ સંસ્થા દ્વારા બૂક કરાવી દેવામાં આવી હતી.
રમેશભાઈ તાબડતોબ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને માહિતી મળી હતી કે દર્શને સંસ્થાની ઇમારત પરથી ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. રમેશભાઈ પહોંચે તે પહેલાં પૉસ્ટમૉર્ટમ થઈ ગયું હતું.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દર્શનના પિતા રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું, "મને શંકા છે કે મારા દીકરા સાથે કોઈ અજુગતી ઘટના ઘટી છે. તેની સાથે જાતિગત ભેદભાવ થતા હતા, અને તેના કારણે જ તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે, જેની જાણ સંસ્થા અમને કરવા માંગતી નથી."
"અમને ન્યાય જોઈએ છે અને અમારે જાણવું છે કે દર્શનનું મૃત્યુ કેવી રીતે થયું હતું. હું ચોક્કસપણે માનું છું કે તેણે આત્મહત્યા તો નથી કરી."
તેમણે ઉમેર્યું હતું, "મારો દીકરો, જ્યારે ફોન પર મારી સાથે વાત કરતો, ત્યારે મને તેની વાતોમાં ખૂબ ઢીલાશ વર્તાતી હતી, એવું સતત લાગતું હતું કે એ મારાથી કંઇક છુપાવી રહ્યો છે, પરંતુ મને એ વાતનો અહેસાસ ન થયો કે તેની સાથે આ પ્રકારનું કંઈક થઈ રહ્યું છે."

તપાસ સમિતિનું તારણ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર, વિદ્યાર્થી, વૉર્ડન, કન્વીનર એસસીએસટી વિદ્યાર્થી સેલના સભ્ય અને સહ-કન્વીનર સહિત 12 સભ્યોની તપાસ સમિતિએ રિપોર્ટ જમા કરાવ્યો છે.
તપાસ સમિતિએ કુલ 79 જણાની ગવાહી મેળવી હતી અથવા તો પૂછપરછ કરી હતી. જેમાં તેમના 11 સહાધ્યાયીઓ, 7 ટિચિંગ આસિસ્ટન્ટ્સ, 9 કૉર્સ ઈન્સ્ટ્રક્ટર્સ, 2 મેન્ટર્સ, 11 મિત્રો (કેટલીક સી-વિંગની છોકરી સહિત), 4 પરિવારના સભ્યો વગેરેનો સમાવેશ થાય છે.
કમિટિએ વચગાળાનું તારણ કાઢ્યું છે તે આ પ્રમાણે છેઃ
- વિવિધ વિષયોમાં દર્શન સોલંકીએ મેળવેલા ગુણના આધારે સ્પષ્ટ થાય છે કે તેમનું પ્રદર્શન કથળતું જઈ રહ્યું હતું. તેમના ખરાબ થઈ રહેલા શૈક્ષણિક સત્રે દર્શન સોલંકીને ગંભિર અસર પહોંચાડી હોઈ શકે છે.
- દર્શન સોલંકીનાં બહેનના નિવેદનને બાદ કરતા દર્શન સોલંકીને આઈઆઈટી મુંબઈમાં જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હોય એવો કોઈ ચોક્કસ પુરાવો મળ્યો નથી. પદાર્થનું સેવન, અકસ્માત કે માનવવધની સંભાવનાઓ જણાતી નથી.
- કમિટિને ધ્યાને એ વાત પણ આવી હતી કે 12 ફેબ્રુઆરી 2023ના રોજ દર્શન સોલંકી તેમના વિંગના સહાધ્યાયીઓ સાથે ખરીદી માટે જેવાનું આયોજન કરી રહ્યા હતા. કેટલાક નાણા તેમના પિતાએ દર્શનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કમિટિ પાસે એ બાબતની કોઈ માહિતી નથી કે તેમણે તેમના પરિવાર સાથે વાત કરી અને જીવલેણ ઘટના બની તે વચ્ચેના સમયમાં શું થયુ હતું.
- કૉલ ડિટેલ, ફોન અને લેપટોપના ફોરેન્સિક એનાલિસિસ અને દર્શન સોલંકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની અનુપલબ્ધિમાં કમિટિ હાલમાં અંતિમ નિષ્કર્ષ સુધી આવી શક્તિ નથી કે દર્શન સોલંકીને આ દુર્ભાગ્યપુર્ણ આત્યંતિક પગલું ભરવા માટે કઈ બાબતે પ્રેરિત કર્યો હતો.
- વિવિધ સંભવિત પરિબળોની સમીક્ષાને અંતે જણાય છે કે આ દુર્ઘટના આપઘાતની ઘટના છે.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ ત્રણેક મહિના પહેલાં અમદાવાદના દર્શન સોલંકીને IIT-બૉમ્બેમાં કેમિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળ્યો હતો. 12 ફેબ્રુઆરીએ 18 વર્ષીય દર્શને હૉસ્ટેલની ઇમારતમાંથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
પરિવારજનોએ આ પાછળ જાતિગત ભેદભાવ કારણભૂત હોવાનો આરોપ લગાવ્યો હતો.
આપઘાતના બે દિવસ બાદ 14 ફેબ્રુઆરીએ આઇઆઇટી બૉમ્બે વહીવટી તંત્રએ એક નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં કહેવાયું કે, "મીડિયા રિપોર્ટ્સનું એમ કહેવું કે જાતિના ભેદભાવના લીધે વિદ્યાર્થીનું મૃત્યુ થયું, તે ખોટું છે. જ્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની ટિપ્પણી કરવી એ ખોટું છે. વિદ્યાર્થીએ ભેદભાવ સહન કર્યો છે તેવા કોઈ સંકેત હજુ સુધી નથી મળ્યા."
એ બાદ, 18 ફેબ્રુઆરીએ આઇઆઇટીના ડાયરેક્ટરો તરફથી એક આંતરિક ઇ-મેલ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે પવઈ પોલીસ આ આત્મહત્યાની તપાસ કરી રહી છે અને એની સાથે જ આઇઆઇટી બૉમ્બેએ પણ આ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી છે.
IIT-બૉમ્બેમાં ચાલતા 'આંબેડકર પેરિયાર ફૂલે સ્ટડી' સર્કલ નામના વિદ્યાર્થી સંગઠને સંસ્થાની ઉપર ગંભીર આરોપ મૂક્યા હતો.
સંગઠનનો દાવો છે કે તેણે આઈઆઈટી બૉમ્બેમાં સરવે કરાવ્યો છે, જેમાં અહીં અભ્યાસ કરતા એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ) અને એસટી (શિડ્યુલ્ડ ટ્રાઇબ) સમુદાયના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સહાયતા કે કાઉન્સેલિંગ મળતા નથી. આ અંગે સંસ્થાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પગલાં લેવામાં આવ્યાં નથી.
આઇઆઇટી બૉમ્બેમાં દર્શનના બૅન્ચમેટે નામ ન છાપવાની શરતે બીબીસી સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું, "દર્શને એક વાર કહેલું કે ઘરે તો તે સૌનો લાડકો છે, હવે તો એનાં સગાંઓ, ભાઈબહેન બધાં એનાં ખૂબ વખાણ પણ કરે છે. પરંતુ અહીં એને લોકો પસંદ નથી કરતા."
દર્શનને ઓળખતા એક વિદ્યાર્થીએ અમને જણાવ્યું હતું, "દર્શનના રૂમમેટે એની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, હૉસ્ટેલની વિંગમાં પણ લોકોનું એના પ્રત્યેનું વલણ કંઈ સારું નહોતું. એના લીધે તે ખૂબ પરેશાન હતો. એની ફરિયાદ એણે પોતાના મેન્ટરને પણ કરી હતી, ત્યાર બાદ એની વિંગનો માહોલ એના માટે વધારે ખરાબ થઈ ગયો."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














