અમેરિકા - ડીંગુચા : એક ડાઇપરથી ડીંગુચાના પરિવારના મૃતદેહોનું રહસ્ય કેવી રીતે ખૂલ્યું?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમે સાત યુવાનો ઝડપથી ચાલી શકતા હતા, એટલે અમેરિકા-કૅનેડા બૉર્ડર માઇનસ 35 ડિગ્રીની ઠંડીમાં પણ ઝડપથી પાર કરી શકીએ એમ હતા પણ જગદીશભાઈના પરિવારમાં બાળકો હતાં. કદાચ તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને એટલે પાછળ રહી ગયા, ફસાઈ ગયા."

અમદાવાદ પોલીસ ડીંગુચાના પરિવારના મૃત્યુ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

ઇમેજ સ્રોત, KARTIK JANI

ઇમેજ કૅપ્શન, અમદાવાદ પોલીસ ડીંગુચાના પરિવારના મૃત્યુ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

ગત વર્ષે કૅનેડા સરહદ પરથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલો ગુજરાતી પટેલ પરિવાર કાતિલ ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ પામ્યો હતો. એ પરિવાર સાથે આવો જ જોખમી પ્રવાસ ખેડી રહેલા વર્શિલ ધોબી નામના એક યુવાને ઉપરની વાત કરી છે. વર્શિલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા કેસની તપાસમાં સંબંધિત નિવેદન આપ્યું છે.

ગુજરાતના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ગત વર્ષે મળી આવ્યા હતા અને આ કેસમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

આ તપાસમાં આવા કેટલાય ચોંકાવનારા ખુલાસા કરાયા છે. ગુજરાતી પટેલ પરિવાર કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યો, ડાઈપરથી એ મૃત્યુનું રહસ્ય કઈ રીતે ઉકેલાયું, મૃત્યુની પરિવારને કઈ રીતે જાણ કરાઈ, એવા સવાલોના જવાબ આ તપામાંથી મળ્યા છે, જે અહીં રજૂ કરાઈ રહ્યા છે.

line

અડધો કલાકમાં પાર કરી શકાતો વિસ્તાર આટલો જોખમી કઈ રીતે બની ગયો?

કૅનેડા

ઇમેજ સ્રોત, RCMP MANITOBA

કલોલના ડીંગુચા ગામના જગદીશ પટેલ (39 વર્ષ), વૈશાલી પટેલ (37 વર્ષ) અને તેમનાં બાળકો વિહાંગી (11 વર્ષ) અને ધાર્મિક (ત્રણ વર્ષ)નાં મૃતદેહો ગત વર્ષે 19 જાન્યુઆરીએ અમેરિક-કૅનેડા સરહદ પરથી મળી આવ્યા હતા.

આ પરિવાર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો કથિત પ્રયાસ કરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી આપનાર વર્શિલ હાલ અમેરિકામાં છે. જગદીશ પટેલના પરિવારે વર્શિલ ઉપરાંત અન્ય છ વિદ્યાર્થીઓ સાથે 16 જાન્યુઆરી 2022ના રોજ કૅનેડાથી અમેરિકા જવા માટેનો પ્રવાસ શરૂ કર્યો હતો.

પટેલ પરિવાર સિવાયના આ લોકો સ્ટુડન્ટ વિઝા પર કૅનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી કથિતપણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે વર્શિલ ઉપરાંત યશ પટેલ, અર્પિત પટેલ, સમીત પટેલ, મહેશ પટેલ, પ્રિન્સ ચૌધરી નામના યુવાનો તેમજ પ્રિયંકા ચૌધરી નામની એક યુવતી પણ પ્રવાસ ખેડી રહ્યાં હતાં

સામાન્ય રીતે માત્ર અડધો કલાકમાં પાર કરી શકાતો આ વિસ્તાર બરફવર્ષા દરમિયાન ભારે જોખમી બની જતો હોય છે અને પોલીસના જણાવ્યા અનુસાર એ દિવસે બરફવર્ષાને લીધે જ પટેલ પરિવાર રસ્તો ભૂલી ગયો હતો.

લાઇન

-35 ડિગ્રીમાં ઠરી ગયો હતો ગુજરાતી પરિવાર, શું થયું હતું એ દિવસે?

લાઇન

ગત વર્ષે 19 જાન્યુઆરીએ કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા હતા.

ડીંગુચાનો આ પરિવાર ગુજરાતથી કૅનેડા ગયો હતો અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશના પ્રયાસ કરી રહ્યો હતો. એ વખતે -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ઠંડી હવાથી ઠરી જવાથી તમામનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

મનિતોબા રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)નાં આસિસ્ટન્ટ કમિશનર જેન મૅકલેચીએ પત્રકારપરિષદમાં જણાવ્યું હતું, "હું જે વાત આપને જણાવવા જઈ રહી છું તે ઘણા માટે સાંભળવી ખૂબ જ કપરી સાબિત થશે." તેમણે આ ઘટનાને 'સંપૂર્ણ અને દિલ તોડનારી દુ:ખદાયક ઘટના' ગણાવી હતી.

જ્યાંથી આ ચારેય મૃતદેહો આ વિસ્તાર એક કુખ્યાત બૉર્ડર ક્રોસિંગ સાઇટ છે.

મૅકલેચીએ જણાવ્યું કે આ સમૂહ "બરફના તોફાનમાં કોઈ પણ મદદ વગર અંતહિન મેદાનમાં ઠંડી, ઘોર અંધકાર અને હવાનો સામનો કરી રહ્યો હતો."

ડીંગુચા ગામ એન.આર.આઈ.ના ગામ તરીકે ઓળખાય છે. ગામમાં મુખ્યત્વે પાટીદાર સમાજના લોકો રહે છે અને લગભગ ઘરેથી એક કરતાં વધુ વ્યક્તિ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, કૅનેડા કે યુરોપના કોઈ દેશમાં સ્થાયી થઈ છે.

લાઇન

આ કેસમાં પોલીસ યોગેશ પટેલ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું હતું કે યોગેશ પટેલે અમદાવાદના એક એજન્ટ સાથે ફોન પર વાત કરી મૃતક જગદીશ પટેલનો પરિવાર કેવી રીતે મૃત્યુ પામ્યો હતો તે અંગે વાત કરી હતી.

પોલીસે આ વાતચીતના કૉલ રેકર્ડિંગ મેળવ્યા હતા તેના આધારે ફરિયાદ નોંધાઈ હતી. નામ ન આપવાની શરતે પોલીસ તરફથી મળેલી જાણકારી અનુસાર યોગેશે પોલીસને જણાવ્યું છે કે તેમણે પ્રિયંકા ચૌધરી, પ્રિન્સ ચૌધરી અને અર્પિત પટેલને બનાવટી માર્કશીટ, દસ્તાવેજો વેગેરેની મદદથી કૅનેડા મોકલ્યાં હતાં. તેમજ તેમની સાથે કામ કરતા ભાવેશ પટેલે અન્ય ચાર વિદ્યાર્થીઓ યશ, વર્શિલ, સમીત અને મહેશને મોકલ્યા હતા.

જોકે હજી સુધી પોલીસને એ જાણવા નથી મળ્યું કે જગદીશ પટેલના પરિવારને કૅનેડા મોકલનારા લોકો કોણ હતા. આ અંગેની તપાસ હાલ ચાલી રહી છે.

તપાસ અધિકારી સુથારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઑડિયોના આધારે અમે વર્શિલના પિતાનો સંપર્ક કર્યો, તેમની મદદથી વર્શિલનો સંપર્ક થયો અને તેમણે અમેરિકાથી એક ઇમેઇલ મોકલીને આખી વાતની જાણ કરી હતી."

line

ડાઇપરથી કઈ રીતે ખૂલ્યું મૃત્યુનું રહસ્ય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડીંગુચાના પટેલ પરિવારના મૃત્યુની ઘટનાની તપાસ ગુજરાત સીઆઈડી ક્રાઇમ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, જેના તપાસ અધિકારી ભાવિન સુથારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "વર્શિલે ઇમેઇલ મારફતે આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ સાત લોકો જ્યારે અમેરિકાની હદમાં પહોંચ્યા તો ત્યાં હોમલૅન્ડ પોલીસે તેમને પકડી લીધા હતા અને વર્શિલની બૅગની તપાસ કરતાં તેમાં ડાઇપર જોવાં મળ્યાં હતાં."

"પોલીસે તેમને જ્યારે આ ડાઇપર વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તે જગદીશભાઈના પરિવારના છે, જે પાછળ રહી ગયો છે. ત્યારબાદ અમેરિકન અને કૅનેડિયન પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી અને તે પરિવારના થીજી ગયેલા મૃતદેહો તેમને અમેરિકન બૉર્ડરની ખૂબ નજીક મળ્યા હતા."

જગદીશભાઈ પોતે ગાંધીનગરના કલોલમાં રહેતા હતા અને તેમની દુકાનની બાજુમાં એક ધોબીની દુકાન હતી. વર્શિલ એ ધોબીનો પુત્ર અને જગદીશ પટેલને પહેલાં ઓળખતો હોવાથી તેમનો થોડો સામાન એણે પોતાની પાસે રાખ્યો હતો. એ જ સામાનમાં ડાઇપર પણ હતાં.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે ડીંગુચા જેવા ગામમાં દરેક બીજી વ્યક્તિ કાં તો પોતે એજન્ટ છે અથવા તો એવા એજન્ટને સારી રીતે ઓળખે છે જે આવી રીતે લોકોને ભારતથી અમેરિકા મોકલે છે.

જોકે હજી સુધી ડીંગુચા ગામથી કોઈ પણ એજન્ટની ધરપકડ થઈ નથી, પરંતુ આવી કોઈ ધરપકડ થવાની શક્યતાઓ પોલીસે નકારી નથી.

જગદીશભાઈના પરિવારે 12મી જાન્યુઆરીએ ભારત છોડ્યું હતું અને 14મી જાન્યુઆરીએ તેઓ કૅનેડા પહોંચી ગયાં હતાં. 19મી જાન્યુઆરી આ પરિવારના મૃતદેહો મળ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જ્યારે તેઓ કૅનેડા પહોંચ્યાં ત્યારે ફેનિલ પટેલ નામની એક વ્યક્તિ તેમને ઍરપૉર્ટ લેવા આવી હતી. ફેનિલ પટેલ ભાવેશ પટેલના સંપર્કમાં હતા. આ લોકોને એક મકાનમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે આ સાત વિદ્યાર્થીઓ ત્યાં પહેલેથી જ હાજર હતાં.

પોલીસ તપાસ પ્રમાણે આ તમામ લોકોને બે ગાડીઓમાં બહાર લઈ જવામાં આવ્યા હતા. એક ગાડી ફેનિલ ચલાવી રહ્યા હતા, જ્યારે બીજી ગાડી બિટ્ટુ પાજી નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. આ તમામ લોકોને માનિટોબા બૉર્ડર સુધી લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમણે એકલા જવાનું હતું.

line

વૅનકુવર બૉર્ડરનો ઉપયોગ કેમ ન કર્યો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સહિત અન્ય સ્થળોએથી ગેરકાયદેસર રીતે કૅનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતા મોટા ભાગના લોકો વાનકુવર બૉર્ડરનો ઉપયોગ કરતા હોય છે.

જોકે ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં આ બૉર્ડર પર ખૂબ લાંબી લાઈન હોવાને કારણે ફેનિલ અને બિટ્ટુ પાજીએ આ 11 લોકોને વૅનકુવરની જગ્યાએ માનિટોબા બૉર્ડરથી મોકલવાનું નક્કી કર્યું હતું.

બીજી મળતી માહિતી પ્રમાણે વૅનકુવર બૉર્ડર પાર કરવા માટે ફેનિલ અને બિટ્ટુને દસ હજાર યુએસ ડૉલરનો ખર્ચ કરવો પડ્યો હોત, જ્યારે માનિસોટા બૉર્ડરથી તેઓ આ લોકોને આશરે છ-સાત હજાર યુએસ ડૉલરના ખર્ચે આગળ મોકલી શક્યા હતા.

પોલીસે આ મામલે હજી સુધી યોગેશ પટેલ, ભાવેશ પટેલ અને દશરથ ચૌધરી નામના એક ત્રીજા એજન્ટની ધરપકડ કરી છે.

દશરથ ચૌધરી એક સબ-એજન્ટ છે, જે ભાવેશ માટે કામ કરે છે. પ્રિયંકા અને પ્રિન્સ સૌપ્રથમ તેમના સંપર્કમાં આવ્યાં હતાં.

તે ઉપરાંત પોલીસે જગદીશભાઈના મોટા ભાઈ મહેન્દ્રભાઈ પટેલની પણ પૂછપરછ કરી છે.

પોલીસે આ કેસમાં ફેનિલ પટેલ અને બિટ્ટુ પાજીના નામ આરોપી તરીકે નોંધ્યાં છે, જ્યારે હજી બીજા અનેક એજન્ટ અને હ્યુમન ટ્રાફિકરનાં નામ તપાસ દરમિયાન બહાર આવી શકે છે. પોલીસે પકડેલા તમામ આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

વર્શિલના પિતા પંકજ ધોબીએ પોલીસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે ભાવેશ પટેલને 60 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાં તેમણે માર્કશીટ, આઈઈએલટીએસ સ્કોર સહિત તમામ ડૉક્યુમૅન્ટ, પ્રવાસનો ખર્ચ, ત્યાં રહેવાનો ખર્ચ અને બૉર્ડર સુધી પહોંચાડવાનો ચાર્જ લીધો હતો.

જોકે પંકજભાઈને આ સિવાય આ કેસ વિશે બીજી કંઈ ખબર ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે મૃતક જગદીશભાઈના પરિવારે આ હેતુ માટે કુલ કેટલો ખર્ચ કર્યો હતો અને તેમણે કોને કેવી રીતે પેસા આપ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન