અમેરિકન ડ્રીમ : ગેરકાયદે અમેરિકા જવાનું એ સપનું જેનો દુ:ખદ અંત 1300 કિમી દૂર આવ્યો

મેક્સિકોના સાન માર્કોસ એટેક્સિલાપનની શેરીઓમાંથી મિસેલ, યોવાની અને જૈરની અંતિમયાત્રા નીકળી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિલ ગ્રાન્ટ
    • પદ, બીબીસી ન્યૂઝ
લાઇન
  • ત્રણ યુવાનો અમેરિકાના ટૅક્સાસ જવા માગતા હતા, એક સારી નોકરીની શોધમાં
  • અમેરિકાના પ્રવાસ દરમિયાન અધવચ્ચે જ તેમનાં મૃત્યુ થઈ ગયાં
  • તેમના મૃતદેહો તેમના ઘરથી આશરે 1300 કિલોમિટર દૂર ટૅક્સાસના સેન એન્ટોનિયોમાં એક ટ્રકમાં મળી આવ્યા
  • ગામે ત્રણ યુવાનો ગુમાવ્યા છતાં અમેરિકાનો જવાનો આ સિલસિલો કેમ નહીં અટકે?
લાઇન

ઓલિવરનું ઘર મૅક્સિકોના સેન માર્કોસ એટેક્સકિલાપનમાં છે. ઘરની બહાર હવા સાથે ધુમોડો ભળેલો હતો અને એમાં ધૂપ જેવી સુંગધ આવી રહી હતી.

બે માળના સાધારણ ઘરના આંગણમાં અહીં ત્રણ ભાઈઓ મિસેલ, યોવાની અન જૈરની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

ફૂલો વચ્ચે ત્રણ પિતરાઈ ભાઈઓની તસવીરો મૂકેલી હતી. તેમના ચહેરા બતાવતા હતા કે થોડાં અઠવાડિયાં પહેલાં જ્યારે તેઓ અમેરિકાના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે તેઓ કેટલા યુવાન હતા.

મિસેલ અને યોવાની માત્ર 16 વર્ષના હતા, જ્યારે જૈરની ઉંમર 20 વર્ષની હતી.

મૃત્યુ માટે તેમની ઉંમર ખૂબ નાની હતી. તેમના મૃતદેહો તેમના ઘરથી આશરે 1300 કિલોમિટર દૂર ટૅક્સાસના સેન ઍન્ટોનિયોમાં એક ટ્રકમાં મળી આવ્યા હતા જ્યાં ન તો ઑક્સિજન હતો, ન પાણી.

આ મૃતદેહો એ માઇગ્રન્ટ્સના હતા જેઓ ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ લોકો મુખ્યત્વે હોન્ડુરાસ ગ્વાતેમાલા, અને એલ સેલ્વાડોરના હતા. માનવતસ્કરોના થકી આ લોકો અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સેન માર્કોસ એટેક્સકિલાપનમાં રહેતી દરેક વ્યક્તિ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને પરિવારને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચી હતી.

બે મૃતક ભાઈઓનાં માતા યોલાન્દા કહે છે, "એક રીતે હવે હું થોડી શાંત પડી છું કેમ કે મને તેમની ખૂબ ચિંતા થતી હતી."

"મને ખબર છે કે હું હવે તેમને ક્યારેય નહીં જોઈ શકું. હવે મારી પાસે એક જગ્યા તો છે જ્યાં હું તેમની માટે રડી શકું અને તેમના માટે ફૂલો લાલી શકે."

અહીં કેટલાક લોકો માંસ કાપી રહ્યા હતા. તે માંસ શ્રદ્ધાંજલિ પાઠવવા આવેલા લોકોને પીરસવાનું હતું. એને સ્થાનિક ખેડૂતોએ દાન કર્યું હતું.

મહિલાઓએ પૉર્કને તીખાશ સાથે બાફ્યું હતું. આ ખોરાક એવા લોકો માટે હતો જેમને રાહતની ખૂબ જરૂર હતી.

આ બધાં કામોની વચ્ચે અને અંતિમવિધિ સંબંધિત કેટલીક ક્રિયા પણ સંપન્ન થઈ હતી.

line

કોણ હતા યુવાનો?

મિસેલ, યોવાની અને જૈરનું યુનાઇટેડ સ્ટેટ્સ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું
ઇમેજ કૅપ્શન, મૃતક યુવાનો

આ ત્રણેય મૃત યુવાનો ઊજળા ભવિષ્યની શોધમાં અમેરિકાના ટૅક્સાસ જવા માગતા હતા અને એમાં તેમનો ભેટો માનવતસ્કરોને સાથે થઈ ગયો હતો.

ટૅક્સાસના ઑસ્ટિનમાં જઈને તેઓ પૈસા કમાવા માગતા હતા અને એ પૈસા ઘરે મોકલવા માગતા હતા.

સારું જીવન તેમનો ઉદ્દેશ હતો અને એ તેમની જન્મભૂમિમાં શક્ય નહોતું. આ એ કહાણી છે જેને વેરાક્રુઝના પહાડોમાં રહેતા લોકો સારી રીતે સમજે છે.

યોલાન્દા કહે છે, "અમને ખબર હતી કે ખતરો છે. પરંતુ તેમણે એવા કેટલાય લોકોને જોયા હતા જેઓ આ રીતે અમેરિકા પહોંચ્યા હતા. તેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી અને એટલે તેમને વધારે પ્રોત્સાહન મળ્યું હતું."

"તેમણે યોજનાઓ બનાવી હતી. તેઓ ઘર બનાવવા માગતા હતા, વેપાર શરૂ કરવા માગતા હતા. "

line

મૅક્સિકોની કમાણી કરતાં વધારે કમાવવા અમેરિકાનો રસ્તો

જૂતા બનાવનાર અને મિસેલ, જૈર અને યોવાનીના પિતરાઇ ભાઇ ટોમસ વેલેન્સિયાએ પણ આ જ સફર કરવાનું વિચાર્યું, પરંતુ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો

સેન માર્કોસ એટેક્સકિલાપન શહેરના મોટા ભાગના લોકો જૂતાં બનાવવાનું કામ કરે છે.

મૃતક ભાઈઓના એક પિતરાઈ ટૉમસ વેલેન્સિયા કહે છે, "અમે દિવસ દરમિયાન 80 જોડી જૂતાં બનાવી લઈએ છીએ અને જૂતામાં સોલ લગાડવા માટે ઍર મશીનનો ઉપયોગ કરીએ છીએ."

આ કામમાં તેઓ અઠવાડિયાના 600થી 800 મૅક્સિકન પેસો કમાઈ લે છે જે અમેરિકન ડૉલર પ્રમાણે 150થી 205ની વચ્ચે થાય છે.

ઓછી આવકના કારણે લોકો અમેરિકા જવા આવું જોખમ ઉઠાવતા હોય છે. આવો વિચાર અહીં લગભગ દરેકના મનમાં આવે છે.

ટૉમસના મનમાં પણ આ વિચાર આવ્યો હતો. પરંતુ લગ્નના એક વર્ષ બાદ તેમણે જોયું કે રસ્તામાં જ તેમના પરિવારના કેટલાક લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ જોઈને તેમણે મૅક્સિકોમાં જ રહેવાનું નક્કી કર્યું હતું.

આ પરિવારો પાસે જૂતાંનાં કારખાનાં છે, સાથે જ તેઓ ખેતી અને પશુપાલન કરે છે. છતાં અમેરિકામાં જે પગાર મળે છે તેની સામે અહીંની આવક કંઈ જ નથી.

અમે જુઆન વેલેન્સિયા સાથે વાત કરી. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે પણ એક સમયે તેઓ જૂતાં બનાવતા હતા . આંખોની રોશની ગુમાવ્યા બાદ તેમણે એ કામ છોડી દીધું હતું.

તેઓ કહે છે, "જો જેવું છે એવું જ ચાલતું રહ્યું તો થોડા સમયમાં અમારું ગામ ભૂતિયા ગામ બની જશે. અહીં માત્ર વૃદ્ધો રહેશે અને યુવાનો જતા રહેશે."

તેઓ માને છે કે જ્યાં સુધી વિસ્તારમાં મોટી કંપનીઓ નહીં સ્થાપવામાં આવે ત્યાં સુધી યુવાનોને અમેરિકા સ્થળાંતર કરતાં રોકી શકાશે નહીં.

તેમના જણાવ્યા અનુસાર કોરોનાની મહામારી દરમિયાન અહીંની સ્થિતિ ભારે કથળી ગઈ હતી.

વેલેન્સિયાનો 26 વર્ષીય દીકરો અમેરિકા જવાના રસ્તે નીકળ્યો છે. કેટલાય દિવસથી એના કોઈ સમાચાર નથી.

તેઓ કહે છે, "મને ચિંતા નથી. પણ હાલ જે થયું તેના વિશે વિચાર તો આવે જ છે. જો હું એમ કહું કે મને ચિંતા નથી તો હું ખોટું બોલતો હોઈશ."

line

'દરેકનું નસીબ એક જેવું હોતું નથી'

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, JOHN MOORE/GETTY IMAGES

મિસેલના પિતા જેરાર્ડો ઓલિવેર્સ માટે આ કોઈ ચોંકાવનારી વાત નહોતી.

તેઓ દાવો કરે છે કે તેમના દીકરાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ તેનાથી બીજા લોકો અમેરિકા જવાનો પ્રયાસ નહીં કરે એવું નથી.

તેઓ એવું પણ નથી માનતા કે હવેથી લોકોએ આવું કરતાં અટકી જવું જોઈએ.

તેઓ કહે છે, "યુવાનોએ પોતાનાં સપનાં પૂરાં કરવા જોઈએ. માત્ર ઇશ્વર આપણું ભવિષ્ય જાણે છે. માત્ર તેમને જ ખબર છે કે કોઈ ઘટના કે વસ્તુ કે મનુષ્યનો અંત કેવી રીતે આવે છે. બધા માટે અંત આવો જ હોય એવું જરૂરી નથી. દરેકનું પોતાનું નસીબ હોય છે."

અમારી વાતચીત ચાલતી હતી એ દરમિયાન બાકીના બધા લોકોએ જમી લીધું. ચર્ચની ઘંટડીઓ વાગી અને મૃતક યુવાનોના પરિવારજનો તથા મિત્રોએ ત્રણેયની શબપેટીઓ પોતાના ખભે ઊઠાવી લીધી.

શહેરમાં તેમની અંતિમયાત્રા નીકળી અને લોકોએ ધાર્મિક ગીતો ગાયા. લોકોની આંખોમાં આંસુ હતા.

લોકોના મનમાં એવો વિચાર હતો કે કદાચ નસીબ સારા થયા હોત તો ત્રણેય યુવાનો ટૅક્સાસ પહોંચી ગયા હોત. પોતાના ગામમાં તેમની દફનવિધિ થવાને બદલે તેઓ કામ શોધી રહ્યા હોત.

દફનવિધિ બાદ લોકોને બ્રાન્ડી અને બીયરની બૉટલો આપવામાં હતી. ત્યાંના લોકો ભાવનાત્મક રીતે ભાંગી ગયા હોવાથી સ્ટ્રૉંગ પીણું પીવે છે.

એક યુવાનના કાકા ઑસ્કરે તેમના મોબાઇલ ફોન પર એક વીડિયો વગાડ્યો. એ છેલ્લી વાતચીત હતી જેમાં પરિવારે તેમની યાત્રા દરમિયાન છેલ્લી વખત વાત કરી હતી.

વીડિયોમાં તેઓ ઉત્તર મૅક્સિકોમાં આવેલી એક સસ્તી હોટલના ટ્વીન બેડ પર સૂતા જોવા મળ્યા હતા.

ગરમી હોવાના કારણે તેમણે શર્ટ પહેર્યો ન હતો, તેઓ હસી રહ્યા હતા

એ વીડિયો બાદ થોડા સમયમાં જ જૈર, યોવાની અને મિસેલને એ ટ્રકમાં બેસી ગયા હતા, જ્યાં તેમનાં પણ સપનાં અન્ય 50 લોકો સાથે હંમેશાં માટે ખતમ થઈ ગયાં હતાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન