પાટણ : દલિત 'બાળકે બૉલ આપવાની ના પાડતાં' પિતા પર તલવારથી હુમલો, અંગૂઠો કાપી નાખ્યો

- લેેખક, સાગર પટેલ અને પરેશ પઢિયાર
- પદ, અમદાવાદ અને પાટણથી
પાટણ જિલ્લાના કાકોશી ગામમાં કથિત દલિત અત્યાચારની ઘટના ઘટી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગામમાં રહેતા કીર્તિભાઈ વણકર (ઉમર વર્ષ 36) પર સવર્ણોએ કથિત જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનામાં કીર્તિભાઈ વણકરના હાથનો અંગૂઠો કપાઈ ગયો છે અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ મામલે પોલીસે સાત લોકો વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ ઘટનાના પીડિતની હાલ અમદાવાદની એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
4 જૂને બનેલા આ બનાવ અંગે વિગતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પીડિત કીર્તિભાઈ વણકર જણાવે છે, "મારો આઠ વર્ષનો છોકરો રુદ્ર સાંજે હાઇસ્કૂલમાં મૅચ જોવા ગયો હતો, જ્યાં આરોપી કુલદીપસિંહ અને એના મિત્રો ક્રિકેટ રમી રહ્યા હતા. એ વખતે બૉલ મારા પુત્ર રુદ્ર પાસે બૉલ આવતાં એમણે બૉલ આપવાનું કહ્યું પણ એણે (રુદ્રએ) બૉલ ના આપતાં કુલદીપસિંહ એને 'જમીનમાં ગોદી નાખવા'ની ધમકી આપી અને એને થાપ મારી હતી."

આ ઘટનાને પગલે કીર્તિભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓ સાથે વાતચીત બાદ સમાધાન કરી લીધું હતું. જોકે, થોડા સમય બાદ તેમને કોઈ અજાણ્યા નંબર પર ફોન આવ્યો હતો.
આ અંગે વાત કરતાં કીર્તિભાઈ કહે છે, "ફોનમાં અમે ક્યાં છીએ અંગે પૂછવામાં આવ્યું અને આઠથી દસ માણસો ધસી આવ્યા. અમને ખ્યાલ આવી ગયો કે એ લોકો ઝઘડો કરવા માટે જ આવ્યા હતા એટલે અમે એમને સમજાવીને સમાધાન કર્યું. જોકે, એ બાદ સાડા છ- સાત વાગ્યાની આસપાસ 30થી 40 જણ, પોલીસની નંબરપ્લેટવાળી બે ખાનગી ગાડીઓ સહિત પાંચ ગાડીઓ ભરીને આવ્યા. હું ચાની લારીએ બેઠો હતો ત્યાં તલવાર અને ચાકુથી મારા પર હુમલો કરી દીધો."
"પેટ પર મને વાર કર્યો અને એમાં બચાવ કરતાં મારા હાથનો અંગૂઠો કપાઈ ગયો. હાથ ઉપર તલવાર મારી અને પગ ઉપર ચાકુ મારી છે. આ ઉપરાંત મૂઢ માર પણ માર્યો છે. "

'જાનથી મારી નાખવાની ધમકી'

હુમલા બાદ કીર્તિભાઈને એમના મિત્ર સ્કૂટર પર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જોકે, પોલીસે તેમને સીધા જ હૉસ્પિટલ જવાની સલાહ આપી હતી.
સરકારી દવાખાને પ્રાથમિક સારવાર લીધા બાદ પીડિતને પાલનુપર ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે એમને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદમાં એક ખાનગી હૉસ્પિટલમાં પીડિતના અંગૂઠાને ફરીથી જોડવાની સર્જરી કરવામાં આવી છે. હજુ અન્ય માઇક્રોસર્જરી પણ કરવામાં આવશે એવું હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું છે.
આ સમગ્ર મામલે પીડિતના ભાઈ ધીરજભાઈ વણકરે કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ધનપુરા ગામના કુલદીપસિંહ, રાજુ ઉર્ફે રાજદીપ દરબાર, ચકુભા લક્ષ્મણજી, મહેન્દ્રસિંહ અને મામવાડા ગામના સિદ્ધરાજસિંહ, જસવંતસિંહ સહિત સાત ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ધીરજભાઈના જણાવ્યા અનુસાર 'જાતિવાચક શબ્દો ઉચ્ચારીને 'ગરમી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી' પણ આપવામાં આવી છે.
સિદ્ધપુરના ડીવાયએસપી કે. કે. પંડ્યાએ જણાવ્યું છે, "આ મામલે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ઍટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધી આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. "

હત્યા કરવાના પ્રયાસની કલમ ના ઉમેરાઈ : જિજ્ઞેશ મેવાણી

પોલીસે આ ઘટનામાં ઇન્ડિયન પીનલ કૉડ 147, 148, 149, 326, 323, 506(2), 294(બી) ઉપરાંત ગુજરાત પોલીસ ઍક્ટ – 135 અને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયિમ મુજબ 3(1)(આર, 3(1)(એસ), 3(2)(વી) અંતર્ગત ગુનો નોંધ્યો છે.
જોકે, આ મામલે હત્યાના પ્રયાસ કરવા જેવી ગંભીર કલમો ના ઉમેરાતાં કૉંગ્રેસના ધારાસભ્ય અને દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી નારાજગી વ્યક્ત કરી છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મેવાણીએ જણાવ્યું, "કીર્તિભાઈના આઠ વર્ષના પુત્ર રુદ્રએ દડો આપવાની ના પાડી એવી નાની બાબતમાં સામાધન થયું હોવા છતાં આવો કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. હજુ સુધી આ મામલે ગુનો કરવાના ષડ્યંત્રની કલમ 120(બી) અને હત્યા કરવાના પ્રયાસની કલમ 307 દાખલ કરાઈ નથી. જે અંગે હું રાજ્યના ડીજીપીને પણ મળવાનો છું. સમગ્ર મામલે 48 કલાકનો સમય આપીએ છીએ. જો આ ઘટનામાં આરોપીઓની દરપકડ કરવામાં નહીં આવે તો પાટણ બંધનું એલાન આપીશું."















