મહેસાણાના ગામમાં 'ધાર્મિક કાર્યક્રમમાં દલિતો માટે અલગ જમણવાર'નો વિવાદ શું છે?

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, મહેસાણા
"આજકાલ કૂતરાં બિલાડાને પણ લોકો ખોળામાં બેસાડીને જમાડે છે, અને અમારાથી એટલો ભેદભાવ છે કે સાર્વજનિક કાર્યક્રમમાં અમારો અલગ જમણવાર રાખવામાં આવ્યો છે. શું અમે જાનવરથી પણ જાય એવા છીએ."
આ શબ્દો 55 વર્ષના કાંતિભાઈ નાડીયાના છે. તેઓ દલિત છે અને ગામના એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમના સમાજ માટે આખા ગામથી અલગ જમણવાર રાખીને તેમના સમાજ સાથે ભેદભાવ થાય છે, તેવા આરોપો તેમણે કર્યાં છે.
વાત છે, મહેસાણાના ભટારીયા ગામની. ગામના રામજી તેમજ શિવ મંદિરમાં ફોટા અને મૂર્તીની પ્રતીષ્ઠા પૂજા સમયે જમણવાર માટે દલિતોને આમંત્રણ તો હતું, પરંતુ તેમનો દાવો છે કે આમંત્રણ સાથે નહીં અલગથી જમવાનું હતું, એટલે કે ગામના બીજા લોકો જ્યાં જમે છે, ત્યાં દલિતો ન જમી શકે.
આ પ્રકારના આરોપો આ ગામના દલિત સમાજના લોકોએ સવર્ણ સમાજના લોકો પર કર્યાં છે.
જ્યારે ગામના સવર્ણ વર્ગના લોકોએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, 'આ કાર્યક્રમમા બધાને જ આમંત્રણ હતું, તો અમુકે કહ્યું કે આ કાર્યક્રમ માત્ર પાટીદાર સમુદાયનો હતો.'
પાટીદાર સમાજના આગેવાને કહ્યું કે 'આ કાર્યક્રમમાં કોને બોલાવવા કોને નહીં તે આયોજકોનો મત છે.'
ભટારીયા ગામના આ સાર્વજનિક મંદિરમાં એક તરફ બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિનો અવાજ સંભળાય રહ્યો હતો, તો બીજી બાજુ દલિતો દ્વારા જય ભીમના નારા.
ગામની એક તરફ મંદિર તો, બીજી તરફ દલિત ફળિયું, એક તરફ તહેવાર જેવો માહોલ તો બીજી બાજુ વિરોધના સુર સંભળાઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ઉત્સવમાં ગામલોકો નવાંનવાં કપડાં પહેરીને સામેલ થયા હતા, તો બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી રહ્યું હતું.
ગામના મુખ્ય ગેટથી માંડીને લગભગ 200 મીટરના વિસ્તાર સુધી રંગીન મંડપ બંધાયો હતો. મંડપની બાજુમાં જ દલિત યુવાનોનું એક ટોળુ બેઠું હતું.

શું છે મામલો?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મે મહિનાની 14 અને15 તારીખના રોજ ભટારીયા ગામમાં પ્રતિષ્ઠા પૂજાની વિધિ હોવાથી આખા ગામ માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
13મી મેના રોજ ગામના સવર્ણ વર્ગના લોકોની એક મંડળી ગામનાં દલિત સરપંચ વિજયાબહેન પરમારના ઘરે ગયા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વિજયાબહેને કહ્યું હતું કે, "અમારી પાસે એ લોકો આવ્યા હતા, અને કહ્યું હતું કે 14 અને 15મી મેના રોજ કોઇએ રસોઇ કરવાની નથી, કારણ કે બધા લોકોનું જમવાનું પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "ગામના બીજા લોકોથી દૂર અમારો જમણવાર રાખેલો , જે વાત અમને ન ગમી અને પછી અમે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "ગામના સાર્વજનિક મંદિરના આ કાર્યક્રમમાં સરપંચને જ આમંત્રણ ન અપાયું, કારણ કે હું એક દલિત છું."
જો કે આ બે દિવસો દરમિયાન ગામના પાટીદાર, રાવળ, ઠાકોર, દેવીપૂજક વગેરે સમાજના લોકોની હાજરી જોવા મળી હતી.
આ ઘટના વિશે દલિત આગેવાનોને જાણ થતા, વૉટ્સઍપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી મૅસેજ વાઇરલ થયા અને ત્યારબાદ ઘણા લોકોને આ કાર્યક્રમ અને તેના પાછળના વિવાદ વિશે ખબર પડી હતી.

શું કહે છે દલિત સમુદાય?

જોકે અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ગામની મુલાકાત લીધી.
ગામના દલિત ફળિયામાં બે મંદિરો પણ છે, જેમાં સવર્ણવર્ગના લોકો નથી આવતા, જ્યારે ગામના મુખ્ય મંદિરમાં દલિત સમાજના લોકો જવાનું પસંદ નથી કરતા.
એક દલિત યુવાને કહ્યું, "અમને ત્યાં સુધી જવા જ ન દે તો શું કરવું? અમને થાય કે, જો તેમને ન ગમતું હોય તો, મંદિરમાં ન જવું જોઇએ."
આ ગામમાં દલિત સમુદાયમાં અનુસૂચિત જાતિની યાદીમાં આવતા નાડિયા, વણકરોનાં 50 જેટલાં મકાનો છે અને વાલ્મીકી સમુદાયનો એક પરિવાર રહે છે.
બીબીસીએ દલિત સમુદાયના અનેક લોકો સાથે વાત કરી. જેમ કે દલિત સમુદાયના આગેવાન કાંતિ નાડિયાએ જણાવ્યું કે, "અમારું પણ સ્વાભિમાન છે, અમે કેમ અલગ જમીએ, જ્યારે ગામનો સાર્વજનિક કાર્યક્રમ છે. આ કોઇ લગ્ન-પ્રસંગ કે બીજો કોઇ પ્રાઇવેટ અવસર થોડી છે કે, જેમાં તમે દલિતોને અલગ પાડી શકો. જેમ તેમનું ગામ છે, તેમ અમારું પણ ગામ છે."
કાંતિ નાડિયાની જેમ જ પૂર્વેશ પરમાર પણ ગામના આ તથાકથિત ભેદભાવવાળા વ્યવહારથી વ્યથિત છે.
તેઓ કહે છે કે, "આ ગામ છોડીને અમે બહાર જઇએ, તો અમારા માટે બધુ બરાબર છે, અમે બધા માટે સરખા છીએ, પણ જેવા અમે ગામમાં આવીએ કે તુરંત અમને યાદ અપાવવામાં આવે છે કે અમે દલિત છીએ."
"મંદિરના આ ભેદભાવવાળા કાર્યક્રમ બાદ હવે અમારી સહન કરવાની શક્તિ પૂરી થઇ ગઇ છે. હવે અમે સહન નહીં કરીએ."
આ ગામમાં ઘણા દલિત યુવાનો ગ્રેજ્યુએટ છે, તો ઘણા સરકારી કર્મચારીઓ પણ છે. એક નિવૃત્ત આઈ.એ.એસ અધિકારી પણ આ ગામના વતની છે. જો કે, તેમના પરિવારે આ ઘટના વિશે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
પરંતુ ઘણી મહિલાઓએ આ ભેદભાવની સામે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આશાબહેન વાઘેલા એક શિક્ષિકા છે, અને અમદાવાદમાં વસવાટ કરે છે. ભટારીયા તેમનું ગામ છે, અને હાલમાં તેઓ પોતાના ગામમાં આવ્યાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "અમારા હિન્દુ ધર્મમાં એવું કહેવાય કે બાળકીઓને જમાડીએ તો પુણ્ય મળે, પરંતુ આ પુણ્ય તેમને અમારી બાળકીઓને જમાડતા નથી મળતો, તેવું લાગે છે. કારણ કે આખા ગામની નાની છોકરીઓને પૂજામાં બોલાવી છે, માત્ર દલિત સમાજની છોકરીઓ જ ગેરહાજર રહી."
તેઓ વધુમાં કહે છે કે, "રોટલા કોના ઘરમાં નથી? શું અમે તેમના રોટલાના ભૂખ્યા છીએ? ના, અમને અમારું સન્માન વહાલું છે."

શું કહેવું છે ગામના સવર્ણ સમાજનું?

બીબીસી ગુજરાતીએ આ ગામના સવર્ણ સમાજના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાકે કહ્યું કે, આ કાર્યક્રમમા બધાને જ આમંત્રણ છે, તો અમુકે કહ્યું કે આ કાર્યક્રમ માત્ર પાટીદાર સમુદાયનો છે.
ગામના પાટીદાર સમુદાયના આગેવાન અને મંદિરના મુખ્ય વહીવટકર્તા, નટવરભાઇ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "આ કાર્યક્રમ તો પાટીદાર સમુદાયનો છે, તેમાં કોને બોલાવવા, કે કોને ન બોલાવવા તે અમારી મરજી પર આધારિત છે."
"અમે દલિત સમુદાયને આમંત્રણ આપ્યું જ નથી, તો તેમના માટે અલગ જમણવારની વ્યવસ્થાની વાત જ ક્યાંથી આવે."
જોકે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, "આ મંદિર સાર્વજનિક હોવાથી તેમાં કોઇ એક જ સમુદાયનો કાર્યક્રમ કેવી રીતે થઇ શકે?" તો તેમણે કહ્યું હતું કે, "મંદિરમાં બધા જ આવી શકે છે."
આ વિશે ગામની દૂધ મંડળીના મંત્રી હરગોવિંદભાઈ વાળંદ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
તેમણે કહ્યું કે, "હાલમાં તો એવું દેખાઇ રહ્યું છે કે, દલિત સમાજ સાથે ભેદભાવ થઇ રહ્યો છે, જે ન થવું જોઇએ, હું માનું છું કે આ ખોટું છે."

ફરિયાદ અને તેની તપાસ

આ અંગે દલિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં ફરીયાદ નોંધાવી છે.
સરપંચ વિજ્યાબહેન કહે છે કે, "દરેક જગ્યાએ અમને સમાન ન્યાય મળવો જોઇએ અને તે અમારો બંધારણીય અધિકાર છે, માટે અમે આ ભેદભાવ સામે ફરીયાદ કરી છે."
મહેસાણાના સંથાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એ. કે. વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "પ્રાથમિક તબક્કે તો એવું જણાય છે કે, આ કાર્યક્રમ પાટીદાર સમુદાયે કર્યો છે, અને આમંત્રણપત્રિકા પણ તેમણે જ મોકલાવી છે, માટે એ દિશામાં અમે તપાસ કરીશું."
આ મામલામાં હજી સુધી કોઇ એફઆઇઆર નોંધાઇ નથી.

દલિતો સાથે ભેદભાવના કેવા-કેવા આરોપો છે?

ગામના જ રહેવાસી 75 વર્ષના જીવાભાઇ નાડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી. તેમણે કહ્યું કે, "ગામનું જે રામજી મંદિર છે, તેમાં હું માત્ર ચૂંટણી સભાઓ સમયે જ ગયો છું, તે સિવાય મંદિરમાં જવાની અમને પરવાનગી નથી. પહેલાંથી જ અમને એક પછાત કોમ તરીકે તિરસ્કૃત કરવામાં આવ્યા છે."
તેઓ કહે છે કે, "ગામના કોઇ પણ સાર્વજનિક પ્રસંગો હોય તો, તેમાં ક્યારેય દલિતોને બોલાવવામાં આવતા નથી."
આવી જ રીતે ગામના કેટલાક લોકોએ દાવો કર્યો કે, આ ગામમાં વાળંદ, દલિત સમુદાયના વાળ કાપવાનો ઇન્કાર કરે છે.
આ વિશે દલિત સમુદાયના એક સ્થાનિક નેતા બળદેવ ચાવડા કહે છે કે, "જો વાળંદ દલિતના વાળ કાપે તો, બીજા સમાજના લોકો તેની પાસે ન આવે, માટે તે અમને દુકાનમાં પ્રવેશવા જ નથી દેતા. જેના કારણે અમારા સમાજના લોકોને બીજા શહેરમાં જઇને વાળ કપાવવા પડે છે."
દલિત સમુદાયનાં કિંજલ વાઘેલા 12માં ધોરણ સુધી ભણેલાં છે.
તે કહે છે કે, "અમે વર્ષોથી ગૌરીવ્રત અને વટસાવિત્રીનો ઉપવાસ કરીએ છીએ, અમને આજ સુધી ક્યારેય મંદિરમાં પૂજા કરવા દીધી નથી. મંદિરની બહાર જે વડ છે, અમે ત્યાં પૂજા કરીને અમારી પૂજા વિધિ પૂરી કરીએ છીએ.”
બીબીસી ગુજરાતી સાથે અગાઉના અહેવાલ માટે વાત કરતા દલિત કાર્યકર માર્ટીન મેકવાને જણાવ્યું હતું કે દલિત સમુદાય સાથે થતા ભેદભાવને લઈને નવસર્જન સંસ્થાએ વર્ષ 2010માં ગુજરાતનાં 1569 ગામડાંમાં દોઢ વર્ષના સંશોધનની કામગીરી બાદ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો.
આ રિપોર્ટ દેશવિદેશના નિષ્ણાતોની મદદથી તૈયાર કરી સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જોકે નિષ્ણાતોનું માનવું છે કે હજી સુધી ગુજરાત સરકારે તે રિપોર્ટ પર કોઈ કામ નથી કર્યું.
આ રિપોર્ટ વિશે માહિતી આપતા નવસર્જન સંસ્થાના સંસ્થાપક માર્ટીન મેકવાન બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "સર્વેના તારણ મુજબ લગભગ 90.2 ટકા ગામડાંમાં દલિતો માટે મંદિરપ્રવેશ બંધ હતો, તેવું જાણવા મળ્યું હતું, લગભગ 64 ટકા ગામડાંમાં સરપંચ જો દલિત હોય તો તેમને નીચે કોથળા પર બેસાડવામાં આવતા હતા, જ્યારે તેમના માટે પાણીનો ગ્લાસ અલગ રાખવામાં આવતો હતો. અને લગભગ 54 ટકા શાળાઓમાં દલિત વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવે છે તેવું તારણ આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. જોકે આવા અલગઅલગ 99 પ્રકારના ભેદભાવો વિશે આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું."
તેમણે કહ્યું કે તે વાતમાં કોઈ તથ્ય નથી કે દલિતોને મંદિરોમાં પ્રવેશ નથી કરવા દેતા. જો આવું હોય તો કેટલીય પોલીસ ફરીયાદો થઈ ચૂકી હોય, માટે હું એ વાત માનવા તૈયાર નથી કે દલિતોને મંદિર પ્રવેશ માટે પાબંદી છે.
જોકે તેમણે વધુમાં કહ્યું કે ધર્મપરિવર્તનના આ કાર્યક્રમ વિશે તેમને કોઈ માહિતી ન હોવાથી તેઓ આ અંગે વધુ કશું કહેવા માગતા નથી.














