ગુજરાતમાં હિન્દુ મટીને બૌદ્ધ બનેલા દલિતોએ ધર્મપરિવર્તન માટે શું કારણો આપ્યાં?

ઇમેજ સ્રોત, pavan jaishwal
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદ જિલ્લાના ધોળકાના એક નાનકડા ગામમાં રહેતા ઉપેન્દ્રભાઈ ડાભી રિક્ષા ચલાવી પેટિયું રળે છે.
તેમનો દાવો છે કે દલિત હોવાને કારણે તેમને દરરોજ અનેક સ્થળે ભેદભાવનો સામનો કરવો પડે છે. પછી ભલે એ રિક્ષાના પેસેન્જર હોય કે ગામના ઉચ્ચવર્ગના લોકો. દરેક સ્તરે તેમને ભેદભાવ સામે ઝઝૂમવું પડતું હોવાની તેમની રાવ છે.
તેઓ દલિત તરીકે પોતાના અનુભવો અને ફરિયાદો અંગે કહે છે કે તેમની સાથે ભેદભાવ કરતા લોકો તેમને હરહંમેશ યાદ અપાવે છે કે તેઓ દલિત છે અને તેઓ તેમના જેવા નથી.
ડાભી કહે છે કે, "જો હું તેમના જેવો બની જ ન શકું તો મારે તેમના ધર્મ સાથે રહેવું જ નથી. એટલા માટે જ મેં હવે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે."
તેઓ કહે છે કે, "હું ચાલીસ વર્ષનો છું, આજ સુધી મેં મારા ગામના મંદિરનાં પગથિયાં નથી ચઢ્યાં. જો કોઈ મંદિરમાં જવાનો પ્રયત્ન કરે તો આજે પણ અમને તરત જ કહી દેવામાં આવે છે કે તમારે મંદિરમાં જવું નહીં. જો અમે વિરોધ કરીએ તો એવું કહેવામાં આવે છે કે અમે ગામની શાંતિ ભંગ કરી રહ્યા છીએ. હું ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે જો ભગવાનનાં દર્શન જ ન થઈ શકે, તો પછી ધર્મનું પાલન કેવી રીતે થાય, માટે મેં હિન્દુ ધર્મનો આજે ત્યાગ કર્યો છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે."
ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં ગુજરાતભરમાં ઉપેન્દ્રભાઈ જેવા મુખ્યત્વે દલિત સમુદાયોથી આવેલા અનેક લોકોએ બાબાસાહેબ આંબેડકરની 132મી જયંતીએ 14 એપ્રિલના દિવસે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
સ્વયં સૈનિક દળ (SSD) અને દલિત સમાજ માટે કામ કરતી બીજી સંસ્થાઓએ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં દેશભરથી બૌદ્ધ સાધુઓએ પણ ભાગ લીધો હતો.

ગુજરાતમાં કેમ દલિતો અંગીકાર કરી રહ્યા છે બૌદ્ધ ધર્મ?

ઇમેજ સ્રોત, pavan jaishwal
હજારોની સંખ્યામાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારા દલિતોમાંથી સંખ્યાબંધ લોકો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી. તેમને સવાલ કર્યો કે કેમ તેઓ હિન્દુ મટીને બૌદ્ધ તરીકે ઓળખાવવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિતેશ ડોડિયા કહે છે "હું એક કૉર્પોરેટ કંપનીમાં નોકરી કરું છું, મને આજ સુધી એક રૂમ મેળવવા માટે તકલીફ પડી રહી છે. કોઈ મને માત્ર એટલા માટે રૂમ નથી આપતું કે હું દલિત સમાજનો છું. બીજું કે જ્યારથી મારી કંપનીમાં ખબર પડી છે કે હું દલિત છું, ત્યારથી મારા સાથેનો અમુક લોકોનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે. હું માનું છું કે આ દરેક દલિત યુવાનની દશા છે, માટે આજે નહીં પણ આવનારા દિવસોમાં આ પરિસ્થિતિમાં બદલાવ ત્યારે જ શક્ય બનશે જ્યારે મારા જેવા અનેક લોકો બૌદ્ધ બનશે."
જયરાજ રોહિત કહે છે કે "મારા સમાજમાં લોકોને ગામડાંમાં હજી સુધી વાળંદ વાળ નથી કાપી આપતા કે લોકોને દૂધ-છાશ જેવી વસ્તુ પણ અનેક ગામડાંમાં માત્ર એટલા માટે નથી મળતી કે તેઓ દલિત છે. તો જો દલિત હોવું એટલો મોટો ગુનો બની ગયો છે, તો અમારે દલિત તરીકે કેમ જીવવું જોઈએ. આવા વિચારો આવ્યા બાદ મેં નક્કી કર્યું કે હવે મારે બુદ્ધની તરફ જવું છે અને એટલા માટે મેં આજે ધર્મપરિવર્તન કરી લીધું છે."

ઇમેજ સ્રોત, pavan jaishwal
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બૌદ્ધ ધર્મ વિશે એક થિસીસ સંદર્ભે રિસર્ચ કરનાર નિષ્ણાત જનોજ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, સામાન્ય રીતે ઘણા લોકો કાગળોની માયાજાળમાં પડતા નથી અને બૌદ્ધ ધર્મ તરફ જતા રહેતા હોય છે.
જનોજ પરમાર કહે છે, "હું પોતે એક રેશનાલિસ્ટ છું, પરંતુ હું બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરી રહ્યો છું. મેં જોયું છે કે હિન્દુ વર્ણ-વ્યવસ્થામાં જે રીતે દલિત સમાજ સાથે સતત ભેદભાવ થાય છે, તેનાથી નવી પેઢી કંટાળી ચૂકી છે અને તેઓ પોતાની સામાજિક સ્થિતિમાં બદલાવ ઇચ્છે છે. એટલા માટે અનેક લોકો હવે બૌદ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે."
પ્રવીણભાઈ મહેસાણાના વીસનગરના રહેવાસી છે. તેઓ કહે છે કે સરકારી કર્મચારી હોય કે પછી પ્રાઇવેટમાં નોકરી કરતા લોકો- દરેકને કોઈ ન કોઈ રીતે ભેદભાવનો સામનો કરવો પડે છે.
"આ તમામ અપમાન અમે સૌ વર્ષોથી સહન કરી રહ્યા છીએ, પરંતુ હવે થાય છે કે બહુ થઈ ગયું. છેલ્લા એક વર્ષથી આ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી, ગામડેગામડે આ કાર્યક્રમ વિશે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો હતો, અને આજે હજારોની સંખ્યામાં લોકો અહીં સુધી પોતાના ખર્ચે આવ્યા છે."
ધીરજ પરમારનું કહેવું છે કે, "હું વર્ષોથી જોઉં છું કે અમે અમારા ગામમાં દલિત સિવાય બીજા કોઈના ઘરે જઈ ન શકીએ. અમે તહેવારો પણ દલિતો વચ્ચે જ ઊજવી શકીએ, બીજા કોઈ ફળિયા તરફ જઈ ન શકીએ. ગામના મંદિરમાં અમને આજે પણ જવાની પરવાનગી નથી."
તેમણે વધુમાં કહ્યું, "હું પોતે અભ્યાસ કરું છું, હું શહેરની શાળામાં ભણું છું, ત્યા મારી સાથે કોઈ જ ભેદભાવ થતો નથી, અમે બધા મિત્રો સાથે રહીએ છીએ, પરંતુ ગામમાં આવું તો હું કોઈના ઘરે ન જઈ શકું તેવી પરિસ્થિતિ છે. તો આ પ્રકારના ભેદભાવના સમાધાન માટે બૌદ્ધ ધર્મ જ એકમાત્ર રસ્તો છે, તેવું મારું માનવું છે."
કાર્યક્રમમાં આવેલા કનુભાઈ કહે છે કે તેઓ પોતે કોઈ જ ધર્મમાં માનતા નથી, પરંતુ દલિત હોવાથી તેમને તકલીફોનો સામનો કરવો પડે છે.
તેઓ કહે છે, "હું પોતે શિક્ષક છું, મારા પરિવારમાં બધા ભણેલા છે, તેમ છતાંય હું દહેગામની કોઈ પણ સોસાયટીમાં મકાન લેવા જાઉં તો મને માત્ર એટલા માટે મકાન નથી મળતું કે હું દલિત સમુદાયનો છું, આ મારો જાત અનુભવ છે. હું આપને કહું છું કે તમે પણ જો પોતે દલિતની ઓળખાણ લઈ મકાન લેવા જશો તો તમને નહીં મળે."

દલિતો કેવી રીતે અપનાવે છે બૌદ્ધ ધર્મ?

ઇમેજ સ્રોત, ugc
નિયમ પ્રમાણે જે લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હોય તે લોકોએ દીક્ષા લેવાના એક મહિના પહેલાં કલેક્ટરને દીક્ષાના દિવસ અને સ્થળ વિશેની માહિતી આપવાની હોય છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સુરતના બૌદ્ધ સાધુ શ્રમનેર મહાનંદે કહ્યું કે, "દીક્ષા લેનાર તમામ લોકોને જણાવી દેવામાં આવ્યું હતું કે તેમણે પોતાની રીતે પોતાના વિસ્તારમાં કલેકટરને પત્ર લખીને માહિતી આપવાની રહેશે. દીક્ષા લઈ લીધા બાદ આ તેમણે કલેક્ટર કચેરીમાં ફોર્મ ‘ક’ પ્રમાણે કલેકટરને દીક્ષા લીધી છે, તેવી જાણ કરવાની હોય છે. દિવસ 30 સુધીમાં જો કલેક્ટર કોઈ વાંધો ન ઉઠાવે તો તે ધર્માંતરણ પૂર્ણ થયું હોય તેવું કહેવાય છે. ત્યારબાદ નામ કે અટક બદલવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે."

ઇમેજ સ્રોત, pavan jaishwal
ધર્માંતરણના આ કાર્યક્રમ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા શ્રમનેર મહાનંદે કહ્યું, "હજારોની સંખ્યામાં લોકોએ પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ તેનો ચોક્કસ આંકડો હજી સુધી કોઈની પાસે નથી. પણ એ ચોક્કસ છે કે રાજ્યનાં અનેક ગામડાંથી હજારોની સંખ્યામાં દલિત સમુદાયના લોકોએ બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "બાબા સાહેબ આંબેડકરે દિક્ષા લીધા બાદ દેશભરમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીને ભારત દેશને બૌદ્ધમય બનાવવાનો પ્રણ લીધો હતો. હું પોતે પણ એ માનું છું કે બૌદ્ધ ધર્મના રસ્તે ચાલનારા દરેક વ્યક્તિની આ જવાબદારી છે કે તેઓ ધમ્મનો પ્રચાર કરે. આજની આ ઘટના ગુજરાતમાં ઐતિહાસીક ઘટના છે, અને હજી આવનારા વર્ષોમાં વધારે લોકો બૌધ્ધ બને અને ગુજરાતમાં બૌધ્ધ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય તેવો અમારો પ્રયાસ છે. વર્ણ વ્યવસ્થામાં ફસાયેલા દલિતોને ભેદભાવ ભર્યા જીવનથી નીકળવા માટે બાબાસાહેબે આ એક માર્ગ સુચવ્યો છે.

ગુજરાતમાં દલિતો સાથે કેવા ભેદભાવ થાય છે?

ઇમેજ સ્રોત, pavan jaishwal
દલિત સમુદાય સાથે થતા ભેદભાવને લઈને નવસર્જન સંસ્થાએ વર્ષ 2010માં ગુજરાતનાં 1569 ગામડાંમાં દોઢ વર્ષના સંશોધનની કામગીરી બાદ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો.
આ રિપોર્ટ દેશવિદેશના નિષ્ણાતોની મદદથી તૈયાર કરી સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જોકે હજી સુધી ગુજરાત સરકારે તે રિપોર્ટ પર કોઈ કામ નથી કર્યું તેવું નિષ્ણાતોનું માનવું છે.
આ રિપોર્ટ વિશે માહિતી આપતા નવસર્જન સંસ્થાના સંસ્થાપક માર્ટીન મેકવાન બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "સર્વેના તારણ મુજબ લગભગ 90.2 ટકા ગામડાંમાં દલિતો માટે મંદિરપ્રવેશ બંધ હતો, તેવું જાણવા મળ્યું હતું, લગભગ 64 ટકા ગામડાંમાં સરપંચ જો દલિત હોય તો તેમને નીચે કોથળા પર બેસાડવામાં આવતા હતા, જ્યારે તેમના માટે પાણીનો ગ્લાસ અલગ રાખવામાં આવતો હતો. અને લગભગ 54 ટકા શાળાઓમાં દલિત વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવે છે તેવું તારણ આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. જોકે આવા અલગઅલગ 99 પ્રકારના ભેદભાવો વિશે આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું."

શું કહેવું છે ગુજરાત સરકારનું?

ઇમેજ સ્રોત, pavan jaishwal
આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સાથે વાત કરી.
તેમણે કહ્યું કે તે વાતમાં કોઈ તથ્ય નથી કે દલિતોને મંદિરોમાં પ્રવેશ નથી કરવા દેતા. જો આવું હોય તો કેટલીય પોલીસ ફરીયાદો થઈ ચૂકી હોય, માટે હું એ વાત માનવા તૈયાર નથી કે દલિતોને મંદિર પ્રવેશ માટે પાબંદી છે.
જોકે તેમણે વધુમાં કહ્યું કે ધર્મપરિવર્તનના આ કાર્યક્રમ વિશે તેમને કોઈ માહિતી ન હોવાથી તેઓ આ અંગે વધુ કશું કહેવા માગતા નથી.














