ગુજરાતમાં એક મણ જીરુંના ભાવ 13,000 રૂપિયા સુધી કેવી રીતે પહોંચી ગયા?

જીરાંના ભાવમાં તેજી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતી રસોઈમાં સ્વાદ વધારનારા જીરાનો વઘાર આ વખતે ગુજરાતીઓ માટે મોંઘો સાબિત થશે, કેમ કે જીરુંનો ભાવ સાતમાં આસમાને પહોંચી ગયો છે. છૂટક બજારમાં જીરાનો ભાવ પ્રતિ કિલો 700 રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે કે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ભાવ પ્રતિ મણ 13 હજાર બોલાયો છે.

શુક્રવારે સવારે ઊંઝા માર્કેટિંગ યાર્ડ ખૂલ્યું ત્યારે જ જીરાનો સૌથી ઉંચો ભાવ પ્રતિ મણ 13 હજાર બોલાયો હતો, જ્યારે નીચો ભાવ 10 હજાર બોલાયો હતો. અહી એક વાત એ પણ નોંધનીય છે કે એક મહિના પહેલાં પ્રતિ મણ જીરાનો ભાવ 8 હજાર રૂપિયા હતો.

હાલમાં છૂટક બજારમાં જીરાનો ભાવ 700 રૂપિયાથી માંડીને 900 રૂપિયા પહોંચી ગયો છે.

આ પહેલાં એપ્રિલ માસમાં જીરાનો ભાવ ઊંઝા માર્કેટમાં પ્રતિ ક્વિન્ટલ 40 હજાર રૂપિયાની ઉપર બોલાયો હતો.

જાણકારોનું કહેવું છે કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે જીરાની ખેતીને ભયંકર નુકસાન થયું છે. જણાવી દઈએ કે ઊંઝા માર્કેટ જીરા માટે દુનિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ માનવામાં આવે છે.

જીરાના ભાવમાં ઉછાળાનું શું છે કારણ?

જાણકારોનું કહેવું છે કે ભાવમાં આવેલા ઉછાળાનું કારણ ડિમાન્ડ અને સપ્લાયમાં આવેલો ગૅપ છે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસિસ સ્ટૉક હોલ્ડર્સ FISSના ચૅરમૅન અશ્વિન નાયક બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે કે, “ગયા વર્ષે પણ પાક ઓછો હતો. તેમાં ચાર-પાંચ વર્ષના કૅરી-ફૉરવર્ડ સોદાઓ બાકી હતા. તેથી ભાવમાં ઉછાળો આવ્યો.”

ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા કમોસમી વરસાદને કારણે પણ જીરાના પાકને ઘણું નુકસાન થયું છે. જાણકારો તેને પણ જીરાના ભાવમાં આવેલા ઉછાળાનું એક કારણ ગણાવે છે.

અશ્વિન નાયક વધુમાં જણાવે છે, "ગયા વર્ષે સારો ભાવ મળ્યો એટલે અપેક્ષા હતી કે આ વર્ષે સારું વાવેતર થશે પરંતુ વાવેતરમાં નજીવો વધારો થયો."

"FISSને અપેક્ષા હતી કે ગુજરાત અને રાજસ્થાન મળીને 70 લાખ બેગ્સ જીરાની આવક થશે પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં માવઠું પડ્યું અને દસ લાખ બેગ્સની ઘટ પડી."

ગત વર્ષે જીરાનો ભાવ 250 રૂપિયાની આસપાસ હતો. એટલે આ વર્ષે છૂટક બજારમાં જીરાના ભાવમાં લગભગ 80 ટકાનો વધારો નોંધાયો છે.

જીરાંના ભાવમાં તેજી

સટ્ટા બજારમાં ફસાયું જીરું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કમોસમી વરસાદ, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધતી માગને કારણે જીરાની કિંમતમાં ભયંકર તેજી છે. NCDEX પર જીરાના ફ્યૂચરની કિંમત એપ્રિલ માસમાં ગત વર્ષના ફ્યૂચરની કિંમત કરતા 77 ટકા વધુ છે.

જાન્યુઆરીમાં જીરાનો ભાવ ઉછળ્યો હતો પરંતુ ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેનો ભાવ ફરી ગગડ્યો હતો કારણકે આશા હતી કે આ વર્ષે જીરાનો બંપર પાક આવશે. પરંતુ માર્ચ મહીનામાં ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા કમોસમી વરસાદને કારણે જીરાનો પાક ઘણે જગ્યાએ ધોવાઈ ગયો. તેને કારણે પાક ઓછો થવાની સંભાવનાને પગલે ફરી જીરાના ભાવો ઊંચકાયા.

એટલું જ નહીં સટ્ટાબજારમાં પ્રતિ દિવસ તેમાં ભયંકર ઉતાર-ચઢાવ જોવા મળતો હતો એટલે કે તેના ઇન્ટ્રા-ડે પ્રાઇઝ ઘણા વોલેટાઇલ હતા.

જાણકારો એમ પણ માને છે કે સટ્ટાબજારના સોદામાં જીરુ ફસાઈ ગયું છે તેને કારણે તેમાં ભયંકર તેજી જોવા મળી રહી છે. જાણકારો એમ પણ કહે છે કે કૃત્રિમ રીતે કેટલાક સટ્ટાખોરો જીરાના ભાવો વધારી રહ્યા છે.

કૉમોડિટી ઍક્સપર્ટ બિરેન વકીલે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું હતું, “જીરામાં સટ્ટો ચરમસીમા પર છે. ફૉરવર્ડ સોદા વધારે છે તેની સામે નિકાસ થઈ શકે તેવા જીરાનો માલ ઓછો છે.”

જીરા બજારમાં વિસ્ફોટક તેજીનું કારણ જણાવતા બિરેન વકીલ કહે છે, “આવક નથી અને ચીન તથા બાંગ્લાદેશના આયાતકારોની ઍક્ટિવ ખરીદી નિકળી છે. વાયદા બજાર કરતા ઓટીસી ફૉરવર્ડ વેપારોમાં લિકવિડીટી વધારે છે.”

બિરેન વકીલ વધુમાં કહે છે કે, “જીરાની તેજી પેરાબોલિક સ્વરૂપની તેજી છે. એટલે કે જે પ્રમાણે તેજી આવી તે પ્રમાણે તેજી પૂર્ણ થતા તેમાં કરેક્શન પણ એટલું જ તીવ્ર હશે.”

મસાલા બજારના જાણકારો જીરાને શ્રીમંત કૉમોડિટી ગણે છે. સાથે તેને રિસ્ક કૉમોડિટી પણ ગણે છે.

જે જીરું ઉગાડે છે તેમની ગણતરી જોખમ લેનારામાં થાય છે. એ જ પ્રકારે જે જીરાનો વ્યાપાર કરે છે અથવા તો નિકાસ કરે છે અથવા તો તેનો સ્ટૉક કરે છે તે તમામ રિસ્ક ટેકર કહેવાય છે.

જીરાંના ભાવમાં તેજી

જીરાની નિકાસ પર પણ પડશે અસર?

જીરાંના ભાવમાં તેજી

ઇમેજ સ્રોત, Getty Images

એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 સુધી જીરાની નિકાસમાં 17.80 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાણકારો કહે છે કે આ વર્ષે જીરુંના નિકાસ પર પણ ભાવ ઉછાળાની અસર પડશે.

ઊંઝા માર્કેટ યાર્ડના ચૅરમૅન દિનેશભાઈ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, “માલનું ઉત્પાદન ઓછું છે અને ડોમેસ્ટિક ડિમાંડ પણ વધારે છે તેને કારણે નિકાસ ઓછી થાય તેવી સંભાવના છે. વળી નિકાસના ભાવોમાં પણ જબ્બર ઉછાળો છે. વધારે ભાવને કારણે પણ નિકાસ ઓછી થઈ શકે છે.”

દિનેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાંથી અંદાજીત 2.80 લાખ મેટ્રિક ટન જીરાની નિકાસ થઈ હતી. પરંતુ આ વર્ષે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જ ત્રણ લાખ મેટ્રિક ટન થયું છે. તેથી સ્થાનિક માગને ધ્યાનમાં લેતા આ વર્ષે નિકાસ ઓછી થવાની સંભાવના છે.

ગત વખતે નિકાસ કરવામાં આવતા જીરાનો ભાવ 4 હજાર ડૉલર્સ પ્રતિ મેટ્રિક ટન મળતો હતો જે આ વર્ષે વધીને લગભગ બમણો એટલે કે 8 હજાર ડૉલર્સ પ્રતિ મેટ્રિક ટન મળે છે. કારણકે નિકાસ કરી શકાય તેવું ગુણવત્તા ધરાવતું જીરું બજારમાં ઘણું ઓછું છે.

આમ ભાવો વધારે હોવાના કારણે અને સ્થાનિક માગ વધારે હોવાને કારણે આ વર્ષે જીરાની નિકાસ પર પણ અસર પડે તેવો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

જીરાંના ભાવમાં તેજી

આખા વિશ્વને જીરું પૂરું પાડે છે ભારત

જીરાંના ભાવમાં તેજી

ઇમેજ સ્રોત, Getty Images

આમ તો જીરુંનું ઉત્પાદન ભારત ઉપરાંત તુર્કી, સીરિયા, અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ થાય છે.પણ ગયા વર્ષે ત્યાં બહુ પાક થયો નહોતો. સીરિયામાં અરાજકતા છે. અફધાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ ડેટા મળતા નથી. ઈરાન વિવિધ આંતરરાષ્ટ્રિય પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે.

તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે એનું તંત્ર ખોરવાયું છે. આ બધા સંજોગોને ધ્યાનમાં રાખીએ તો વિશ્વમાં જીરુંની જરૂરિયાત ભારત પર આધારિત છે. સીરિયા અને તુર્કી ભારતના જીરાના પ્રતિદ્વંદી છે પરંતુ આ બંને દેશોએ પોતાના જીરાના પ્રોડક્શન અને ઍક્સ્પોર્ટ ઘટાડી નાખ્યા છે. આ દેશોમાં છેલ્લાં ત્રણ વર્ષોથી જીરાનો પાક ઘટી રહ્યો છે.

તુર્કીએ જીરાના પાકને સિંચાઈ ધરાવતા પાકની યાદીમાંથી હઠાવી દીધો છે. જે ભારતના જીરું પકવતા ખેડૂતો માટે ફાયદાકારક છે. પણ જીરું એ વૈશ્વિક બજારમાં મહત્ત્વની કૉમોડિટી નથી એટલે કે જો તેના ભાવો વધે તો દુનિયાના દેશો તેને ખરીદવાનું બંધ કરી શકે છે.

દિનેશભાઈ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "છેલ્લા કેટલાક સમયથી ભારતના મસાલાની નિકાસ વધી રહી છે. પણ આ વર્ષે જીરાનું ઉત્પાદન ઓછું છે તેની સામે ધાણાનું જબ્બર ઉત્પાદન છે. એટલે જે ધાણા-જીરૂંનું કૉમ્બિનેશન મસાલામાં ઉપયોગ કરતા હોય તે આ વર્ષે ધાણાનો ઉપયોગ જીરું કરતા વધારે કરશે."

FISSના ચૅરમૅન અશ્વિન નાયકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, “ઈરાન, અફઘાનિસ્તાન, સીરિયા અને તુર્કીમાં જીરુંનો પાક જૂન દરમિયાન આવે છે પણ હાલ જે આંકડા મળી રહ્યા છે તે મુજબ આ દેશોમાં જીરાના વાવેતરના આંકડા બહુ સારા નથી. એટલે તેની અસર ભારતથી નિકાસ થતા જીરાની માગ વધશે, તેથી તેના ભાવ પણ વધશે.”

અશ્વિન નાયક વધુમાં કહે છે કે ભારતથી સમગ્ર વિશ્વમાં જીરાની નિકાસ થાય છે. અમેરિકા, યુરોપ, ચીન અને બાંગ્લાદેશમાં ભારતના જીરાની માગ વધુ છે. તેથી આ વર્ષે જીરાના નિકાસકારોને સારા ભાવ મળશે.

જીરાંના ભાવમાં તેજી

ઇમેજ સ્રોત, Getty Images

વ્યાપારીઓ અને ખેડૂતોના શું છે હાલ?

જીરાંના ભાવમાં તેજી

ઇમેજ સ્રોત, Getty Images

બજારમાં જીરાના ભાવની વોલેટિલીટી હોવાને કારણે કેટલાક ખેડૂતોને આ તેજીનો લાભ મળી નથી શક્યો. જ્યારે કેટલાક જાણકાર કહે છે કે જેમણે જીરાનું વાવેતર મોડું કર્યું હતું તેમને કમોસમી વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. જોકે કેટલાક જાણકાર એમ પણ કહે છે કે આ વખતે જીરાના ભાવમાં જે તેજી છે તે જોતાં ભલે ખેડૂતોનો પાક ઓછો ઊતર્યો હોય, તેમને ડબલ ભાવ મળ્યા છે તેથી નુકસાન સરભર થઈ ગયું છે.

ઊંઝાના જીરાના વ્યાપાર સાથે સંકળાયેલા વેપારી અને ખેડૂત ભાનુભાઈ મહારાજે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "જીરાના ભાવમાં હજુ તેજી આવી શકે છે કારણ કે માલની અછત છે. કમોસમી વરસાદને કારણે 10-15 લાખ બોરી માલ વેડફાઈ ગયો છે પણ તેને કારણે જે ભાવો વધ્યા છે તેનો ખેડૂતો અને વેપારીઓ એમ બંનેને લાભ મળી રહ્યો છે."

ભાનુભાઈ મહારાજે ઉમેર્યું હતું, "જીરું પકવતા ખેડૂતોને પ્રતિ 20 કિલો 7500 રૂપિયાથી 8000 રૂપિયા મળે અને જો 25 લાખનો માલ પાકે તો તેમાં 40 ટકા ખર્ચો બાદ કરો તો ખેડૂતોને 10 લાખ રૂપિયાનો સીધો નફો છે."

જીરું પકવતા ખેડૂત અને વેપારી રિતેશ જોશી પણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "જેનો પાક ભલે બગડી ગયો હોય અને નુકસાન થયું હોય પરંતુ માલ ઓછો પાકે તો પણ જે પ્રકારે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે તે જોતાં તેનું નુકસાન સરભર થઈ ગયું છે."

જોકે ઘણા ખેડૂતો એવા પણ છે જેમનો પાક ત્રણવાર પડેલા માવઠાંએ ધોઈ નાખ્યો છે અને તેમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીમાં સાવરકુંડલા અને ધારી તાલુકામાં કમોસમી વરસાદને કારણે ઊભા મોલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અમરેલીના ખેડૂત વિમલભાઈ રાંકે બીબીસી ગુજરાતીના સહયોગી ફારુખ કાદરી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ભારે વરસાદને કારણે તેમના ખેતરમાં જીરું અને ધાણાના પાકને ભયંકર નુકસાન થયું છે."

વિમલભાઈ રાંકે વધુમાં જણાવ્યું કે તેમણે ખુલ્લામાં પડેલાં તેમના પાકને બચાવવાની કોશિશ કરી પરંતુ કરા પડ્યા હોવાને કારણે તેને બચાવી નહોતા શક્યા.

(મૂળ આર્ટિકલ 18 એપ્રિલ, 2023ના રોજ છપાયો હતો, જેને અપડેટ કરવામાં આવ્યો છે.)

જીરાંના ભાવમાં તેજી
જીરાંના ભાવમાં તેજી