ચોમાસું 2023 : આ વર્ષે ચોમાસા પર ખતરાનાં વાદળો, ગુજરાતમાં પડશે ઓછો વરસાદ

ભારતમાં આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે તથા કયાં રાજ્યોમાં કેવો વરસાદ થશે તે મામલે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પૂર્વાનુમાન જાહેર કર્યું છે.
એજન્સીનું કહેવું કે ભારતમાં આ વર્ષે વરસાદ ઓછો થવાની સંભાવના દેખાઈ રહી છે. લાંબા ગાળાની સરેરાશ અનુસાર ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
ભારતના આગામી ચોમાસા પર અલ નીનોની અસર વર્તાવાની શક્યતા છે તથા એ સિવાયનાં પરિબળો પણ ચોમાસા પર અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.
પૂર્વાનુમાનમાં ગુજરાતમાં પણ આ વર્ષના ચોમાસામાં ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સ્કાયમેટે આ ચોમાસાની સિઝન (જૂનથી સપ્ટેમ્બર) સુધીમાં લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે 94% વરસાદ થવાની સંભાવના છે. એટલે કે સામાન્ય સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં આ વર્ષે ઓછો વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
સ્કાયમેટનું કહેવું છે કે જ્યાં કૃષિ ઉત્પાદન સૌથી વધારે થાય છે તે રાજ્યો જેવાં કે, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આગામી ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
ભૌગોલિક વિસ્તારોને લઈને વાત કરીએ તો સ્કાયમેટનું અનુમાન છે કે ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભવાના દેખાઈ રહી છે.
દેશમાં છેલ્લાં ચાર વર્ષોથી ચોમાસા દરમિયાન સારો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સ્કાયમેટનું અનુમાન છે કે આ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચોમાસાના મુખ્ય ગણાતા બે મહિનાઓ જુલાઈ અને ઑગસ્ટમાં અપૂરતો વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થાય છે એટલે કે જૂન મહિનામાં વરસાદના દિવસો ઓછા રહે છે. જેથી જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે.
સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે રાજ્યમાં બે મહિનામાં ઓછો વરસાદ પડશે તો સરેરાશ વરસાદ પણ ઘટનાની સંભાવના છે.

ચોમાસા પર અલ નીનોની કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્કાયમેટે 4 જાન્યુઆરી 2023ના રોજ કરેલા પૂર્વાનુમાનમાં પણ કહ્યું હતું કે આ વર્ષે સરેરાશ કરતાં ઓછા વરસાદની સંભાવના છે અને ફરી જાહેર કરેલા પૂર્વાનુમાનમાં પણ આ જ વાત કહી છે.
સ્કાયમેટના મૅનેજિંગ ડાયરેક્ટર જતિન સિંહે એક નિવેદનમાં કહ્યું, 'છેલ્લાં 4 વર્ષોથી લા નીનાને કારણે સતત સામાન્ય કે સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની સંભાવના વધતી જઈ રહી છે. અલ નીનો સર્જાવાને કારણે આ વર્ષે ભારતમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના છે'
સ્કાયમેટનું કહેવું છે કે આ વર્ષે ચોમાસાના 4 મહિનામાં સરેરાશ 816.5 મિલીમિટર વરસાદ થવાની સંભાવના છે. જે સામાન્ય સરેરાશ 868.8 મિલીમિટર કરતાં ઓછો છે.
સ્કાયમેટનું કહેવું છે કે અલ નીનો સિવાય બીજાં પરિબળો પણ છે જે ભારતના ચોમાસા પર અસર કરી શકે છે. ઇન્ડિય ઓશન ડાઇપોલ (IOD) જો પૉઝિટીવ રહે તો તે ભારતના ચોમાસા પર અલ નીનોની પડનારી નકારાત્મક અસરને ઓછી કરી શકે છે. આઈઓડી હાલ ન્યૂટ્રલ છે અને ચોમાસાની શરૂઆતમાં જે મધ્યમ સકારાત્મક બનવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે જો આઇઓડી વધારે પૉઝિટિવ થાય તો ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થઈ શકે છે.

ચોમાસાના કયા મહિનામાં કેટલો વરસાદ?
ભારતમાં સતત ચાર ચોમાસાં સારાં ગયાં બાદ હવે આવતા ચોમાસામાં ઓછા વરસાદની સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે.
1. જૂન મહિનામાં કેટલો વરસાદ થશે?
- 70 ટકા એવી સંભાવના છે કે સામાન્ય વરસાદ થશે.
- 10 ટકા એવી સંભાવના છે કે વધારે વરસાદ થશે.
- 20 ટકા એવી સંભાવના છે કે સામાન્ય કરતા ઓછો વરસાદ થશે.
જૂન મહિનામાં લાંબા ગાળાની સરેરાશની તુલનામાં દેશભરમાં 99% વરસાદ થઈ શકે છે. એટલે કે 165.3 મિલીમિટર વરસાદની સંભાવના છે.
2. જુલાઈ મહિનામાં કેટલો વરસાદ થશે?
- 50 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે.
- 20 ટકા સંભાવના સામાન્ય કરતાં વધારે વરસાદની છે.
- 30 ટકા સંભાવના સામાન્ય કરતા ઓછા વરસાદની છે.
જુલાઈ મહિનામાં લાંબા ગાળાની સંભાવનાની તુલનામાં 95% વરસાદ થઈ શકે છે, એટલે કે 280.5 મિલીમિટર વરસાદ પડવાની શક્યતા છે.
3. ઑગસ્ટ મહિનામાં કેટલો વરસાદ થશે?
- 20 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે.
- 20 ટકા સંભાવના વધારે વરસાદની છે.
- 60 ટકા સંભાવના ઓછા વરસાદની છે.
ઑગસ્ટ મહિનામાં લાંબા ગાળાની સરેરાશની તુલનામાં 92% વરસાદ થવાની સંભાવના છે, એટલે કે 254.9 મિલીમિટર વરસાદ પડવાનું અનુમાન છે.
4. સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ થશે?
- 20 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે.
- 10 ટકા સંભાવના વધારે વરસાદની છે.
- 70 ટકા સંભાવના સામાન્ય કરતાં ઓછા વરસાદની છે.
સપ્ટેમ્બર મહિનામાં લાંબા ગાળાની સરેરાશ મુજબ 90 ટકા વરસાદ થવાની સંભાવના છે, એટલે કે 167.9 મિલીમિટર વરસાદ પડવાની શક્યતા છે.
ભારતમાં દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર ખેતીનો આધાર હોય છે. જૂનથી સપ્ટેમ્બર એટલે કે આ ચાર મહિનાના ગાળામાં આખા વર્ષની સરેરાશનો લગભગ 70 ટકા વરસાદ પડતો હોય છે. ગુજરાતમાં આ ચોમાસા દરમિયાન જ મોટાભાગનો વરસાદ પડતો હોય છે.
ભારતનો હવામાન વિભાગ પણ એપ્રિલ મહિનામાં ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરશે.

અલ નીનો એટલે શું અને તે ભારતના ચોમાસાને કેવી રીતે અસર કરે છે?

અલ નીનો અને લા નીનાની આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે.
સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતા ઘણો વધારો થાય છે. 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયામાં સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે.
અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે.
અલ નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી હઠીને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા હોય છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે આંકડા દર્શાવે છે કે જ્યારે અલ નીનોની સ્થિતિ હોય છે ત્યારે ભારતમાં દુકાળ પડવાની 60 ટકા જેટલી સંભાવના હોય છે. જ્યારે 30 ટકા ઓછો વરસાદ તથા 10 ટકા સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે.
સરળ રીતે સમજીએ તો અલ નીનોની સ્થિતિમાં ભારતના ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ઓછો થવાની શક્યતા રહેલી હોય છે. જો ઉનાળામાં જ અલ નીનોની સ્થિતિ શરૂ થઈ જાય તો ભારતમાં ઓછો વરસાદ થવાની સંભાવના વધી જાય છે.















