‘સાબરમતીમાં કેમિકલ માત્ર છે, પાણી જ નથી’, નદીકિનારે વસેલાં ગામોની સમસ્યા

સાબરમતી નદી

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • ‘સૅન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ના રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી
  • સાબરમતીના પાણીમાં 292 મીલીગ્રામ બીઓડીનું પ્રમાણ, 3 મીલીગ્રામથી વધુ પ્રમાણ હોય એ નદી પ્રદૂષિત ગણાય
  • 52 સ્થળો પરથી નદીમાં ગટરનું પાણી અને ઔધ્યોગિક કચરો ઠલવાય છે : પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો ડ્રોન સર્વે
  • સાબરમતી નદીના પ્રદૂષણની સીધી જ અસર નદીકિનારે આવેલાં ગામોમાં અનુભવાઈ રહી છે.
  • કોઈ ગામનું પાણી લાલ થઈ ગયું છે તો કોઈ ગામમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓના પ્રમાણમાં વધારો નોંધાયો
બીબીસી ગુજરાતી

લગભગ 280 કરોડથી વધારાનો ખર્ચ, ગુજરાત હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીની ટકોર, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની લાલ આંખ અને અનેક કર્મશીલોની મહેનત બાદ પણ સાબરમતી નદી નિર્જિવ અવસ્થામાં જ રહેવા પામી છે. અમદાવાદમાં રહેતા લોકોને સાબરમતી નદી જોઈને ભલે ગર્વ અનુભવાતો હોય, વાસણા બૅરેજ બાદ આ નદી કાળા પાણીવાળું કેમિકલયુક્ત પાણીનું ‘નાળું’ માત્ર બની જાય છે.

લોકસભામાં તાજેતરમાં જ રજૂ કરાયેલા ‘સૅન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ (CPCB)ના રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીના બન્ને કાંઠે બનાવાયેલો રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ આ જ રિપોર્ટમાં બન્ને રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલા પાણીની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવાયા છે.

બીબીસી ગુજરાતી

દેશની બીજા નંબરની સૌથી પ્રદુષિત નદી

સાબરમતી નદી

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, સાબરમતી નદી

પ્રદૂષિત નદીની વ્યાખ્યા કરવામાં આવે તો કોઈ પણ નદીમાં બાયોકેમિકલ ઓક્સીજન ડિમાન્ડ એટલે કે બીઓડીનું પ્રમાણ એક લીટર દીઠ 3 મીલીગ્રામ કરતાં વધી જાય તો એ નદીને પ્રદૂષિત નદી ગણવામાં આવે છે.

સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર ગાંધીનગરના રાયસણથી અમદાવાદ જિલ્લાન વૌઠા સુધી સાબરમતીના પાણીમાં 292 મીલીગ્રામ બીઓડી જોવા મળ્યા છે. ભારતની સૌથી વધુ પ્રદૂષતિ નદી તામીલનાડુમાં આવેલી કોઉમ છે, જેમાં બીઓડીનું પ્રમાણે એક લીટર દીઠ 345 મીલીગ્રામ છે.

સાબરમતીને પુનર્જીવન આપવનો પ્રયાસ કરી રહેલી સંસ્થા ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’ (PSS)એ નદીને ચાર ભાગમાં વિભાજિત કરીને પ્રદૂષણનો અભ્યાસ કર્યો છે. સંસ્થાએ સાબરમતીને ધરોઈથી ગાંધીનગર, ગાંધીનગરથી રિવરફ્રન્ટ, રિવરફ્રન્ટથી વૌઠા અને વૌઠાથી દરિયા સુધી એમ ચાર ભાગમાં વહેંચી છે.

સાબરમતી નદીના પ્રદૂષણ મામલે કોર્ટ દ્વારા રચવામાં આવેલી જોઇન્ટ-ટાસ્ક ફોર્સ (JTF)ના સભ્ય અને પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિના જણાવ્યા અનુસાર "'નૉન-એધરિંગ ઇન્ડસ્ટ્રીઝ'ને બંધ કરાવાઈ હોવા છતાં જ્યાં ઉદ્યોગો બંધ કરાયા એ દાણીલીમડા વિસ્તારમાંથી પ્રવાહ (નદીના પાણીમાં ઠલવાતું પ્રદૂષણ) ચાલુ છે. બીજું, મેગા પાઇપલાઇન અને અજાણ્યા સ્રોતમાંથી ઠલવાતું ઔદ્યોગિક વપરાશવાળું, ગંદુ પાણી પણ ઠલવાઈ રહ્યું છે. જેનો અર્થ એવો થાય કે હજુ પણ ગેરકાયદે જોડાણ ચાલુ છે."

મે 2022થી ચાલી રહેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડ્રોન સર્વે અનુસાર હાલમાં 52 સ્થળો પરથી નદીમાં ગટરનું પાણી અને ઔધ્યોગિક કચરો ઠાલવવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

લોકોને અસર

સાબરમતી નદી

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, સાબરમતી નદી

સાબરમતીના કિનારે વસેલા ડુંગરી ગામના ભીખાભાઈ પટેલના ખેતરની જમીન લાલ થઈ ગઈ છે અને એમને ખેતઉત્પાદન માટે કેમિકલના છંટકાવમાં વધારો કરવો પડ્યો છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "લાલ રંગનું કેમિકલ ઘણી વખત અમારી જમીનની ઉપર દેખાવા લાગે છે અને ઊભો પાક ખરાબ થઈ જાય છે. એટલે દવાઓનો છંટકાવ વધારીને આ પાકને બચાવવો પડે છે. એમ છતાં અમારી જમીનની પેદાશ અડધી થઈ જાય છે અને આ સમસ્યા સતત ચાલુ છે. "

વૌઠાના ખેડૂત રણજિતભાઈ પરમાર જણાવે છે, "અમારા ગામ પાસેની સાબરમતીની નદીના પાણીમાં તમે ચારવાર ઊતરો તો લાલ રંગે રંગાઈ જાઓ. કેમ કે અહીં નદીમાં પાણી જ નથી. જે છે એ માત્રને માત્ર કેમિકલ છે. ગામમાં મોટા ભાગના લોકો ઘઉં વાવે છે અને કેમિકલવાળા પાણીથી જ કામ ચલાવવું પડે છે."

કંઈક આવી જ સમસ્યા દોળકા પાસેના ઈંગોલી ગામની છે. ગામ ખેતી પર નભે છે અને ખેતી માટે સાબરમતી નદી જ પાણીઓનો એક માત્ર સ્ત્રોત છે. વર્ષોથી અહીંના ખેડૂતો લાલ જણાતા સાબરમતીના પાણીથી ખેતી કરવા માટે મજબૂર હોવાનું ગામના ખેડૂત જિતન સમ્રાટ બીબીસી ગુજરાતીને જણાવે છે.

સાબરમતી નદી

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, સાબરમતી નદી

ના વતની હિંમત ચૌહાણ બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગામમાં છેલ્લાં બે વર્ષમાં ત્રણ લોકો કૅન્સરથી મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકોને ચામડીના રોગો પણ થઈ રહ્યા છે. " આવી જ રાવ ઈંગોલી ગામના લોકો પણ કરે છે.

સાબરમતી નદીના પ્રદૂષણની સીધી જ અસર નદીકિનારે આવેલાં ગામોના લોકોને થઈ રહી છે. કેટલાંક ગામની જમીન લાલ થઈ ગઈ છે તો કેટલાંક ગામોની જમીનમાં લાલાશ વધી છે તો ક્યાંક બોરવેલમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે. કૅન્સરના રોગોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

સાબરમતી નદી

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, સાબરમતી નદી

પર્યાવરણ સુરક્ષા સમિતિ નામની બિનસરકારી સંસ્થાના સાબરમતી નદીના પ્રદૂષણની સ્થિતિ પર પ્રકાશ પાડતા એક રિપોર્ટ અનુસાર, નદીમાં પ્રદૂષણનું પ્રમાણ 'ભયાનક રીતે ગંભીર' છે અને પાણીની ગુણવત્તાની સ્થિતિ અમદાવાદ અને સાબરમતી નદીકિનારે વસેલાં ગામોના લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.

રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે નદીના ભયાનક પ્રદૂષણની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર લોકોના સ્વાસ્થય અને પર્યાવરણ પર પડી રહી છે.

બીબીસી ગુજરાતી

પ્રદૂષણ દૂર કરવા માટેના પ્રયાસો

સાબરમતી નદી

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે સુઓમોટો નોટિસ લીધી હતી ત્યારે ધ્યાનમાં આવ્યું કે, સુએઝનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ નદીમાં ઠાલવવામાં આવે છે. ઉદ્યોગપતિઓ દ્વારા ઝેરી કેમિકલ પણ નદીમાં ઠાલવવામાં આવે છે.

હાઈકોર્ટે પોતાના એક આદેશમાં નોંધ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાના સીવેજ પ્લાન્ટ સારી રીતે કામ ન કરતા હોવાથી સાબરમતી નદી વધુ પ્રદૂષિત થાય છે. આદેશમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે આના લીધે સ્વાસ્થ્ય સામે પણ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

વૉટર ઍક્ટ, 1974 લાગુ હોવા છતાં નદીઓ પ્રદૂષિત છે તેને લઈને જાણીતા સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિએ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012માં સિવિલ રિટ પિટિશન ફાઇલ કરી હતી. 'પર્યાવરણ સુરક્ષા સમિતિ વિરુદ્ધ ભારત સરકાર'ના નામે ઓળખાતા એ કેસનો ચુકાદો 22 ફેબ્રુઆરી 2017ના રોજ આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર, ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી, જળસ્રોતો કે જમીનમાં પણ છોડી શકાય નહીં. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાયદા મુજબ ચાલવા જોઈએ. ચુકાદાના ત્રણ મહિનામાં કાયદા મુજબ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જવા જોઈએ.

પ્લાન્ટ જરૂરી હોવા છતાં ઊભા કરવામાં ન આવ્યા હોય તો ત્રણ વર્ષમાં પ્લાન્ટ તૈયાર કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. આ ઉપરાંત, અમલવારી ન થાય તેવા એકમોને કાયમી ધોરણે બંધ કરી દેવાનું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

સાબરમતી નદીમાં કેમિકલ ના જાય એ માટે ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિએશન, જીપીસીબી, જીઆઈડીસી, એએમસી જેવી સંસ્થાઓની મળીને મેગા ક્લિન ઍસોસિએશનની સ્થાપના કરી છે. ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી નદીમાં ભળતા કેમિકલ વગેરેના નિકાલ માટે નરોડાથી પીરાણા સુધી 27 કિલોમીટરની મેગાઈન બનાવવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે આ સંસ્થાને ઇન્ડસ્ટ્રીઝના ગેરકાયદેસર જોડાણોને દૂર કરવા પગલાં લેવાનો હુકમ કર્યો છે. જોકે હજી સુધી આ પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં પૅન્ડીંગ છે, અને આવનારા દિવસોમાં સાબરમતી નદીને વાસણા પછીના વિસ્તારમાં પણ સ્વચ્છ કરવાના પ્રયાસો થશે તેવી આશા ઘણા લોકો સેવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી