પોરબંદર : જેતપુરના ઉદ્યોગોનું પાણી દરિયામાં ઠાલવવાની સરકારી યોજના વિવાદિત કેમ બની રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતના પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકારે પોતાના એક 'વિકાસલક્ષી' નિર્ણયને લઈને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજકોટના જેતપુરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં વપરાતા પાણીનો નિકાલ ઊંડા દરિયાઈ વિસ્તારમાં કરવા માટે 638 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
પોરબંદરના લોકોનું કહેવું છે કે જેતપુરના ઔદ્યોગિક એકમોનું અશુદ્ધ પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની આ યોજના છે.
જેનાથી ન માત્ર દરિયાઈ જીવસૃષ્ટિ પરંતુ ખેતી અને માછીમારી જેવી પ્રવૃત્તિઓ પર પણ ખૂબ માઠી અસર પડશે.
જોકે, આ અંગે રાજ્ય સરકારના એક મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જેતપુરના ઔદ્યોગિક એકમોના પાણીના નિકાલ માટે તૈયાર થઈ રહેલ આ યોજના અંતર્ગત માત્ર અશુદ્ધિમુક્ત કરેલ પાણી (યોગ્ય ટ્રીટમેન્ટ બાદ) દરિયામાં ઊંડે છોડવામાં આવશે. તેનાથી પર્યાવરણ કે પોરબંદરના સ્થાનિકોને કોઈ નુકસાન નહીં થાય.
તેમણે આ વાતની પુષ્ટિ કરી છે કે રાજ્ય સરકારની વિચારણા હેઠળનો આ પ્રોજેક્ટ પોરબંદરના દરિયાકાંઠેથી અંદર તરફ તૈયાર કરવાની યોજના છે.
આ સિવાય રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પણ આ પ્રોજેક્ટ અંગેની ટૅન્ડરપ્રક્રિયા ચાલી રહી હોવાની વાત કરી હતી.
સ્થાનિકોનો દાવો છે ગાંધીની જન્મભૂમિ હોવાનું બહુમાન ધરાવનાર આ રમણીય શહેર અને તેના રહેવાસીઓનું ભવિષ્ય રાજ્ય સરકારના આ નિર્ણયથી ભારે જોખમમાં મુકાઈ જવાનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક માછીમારો અને આગેવાનોની ફરિયાદ છે કે રાજ્ય સરકારના અવિચારી, આડેધડ 'વિકાસ'ના નિર્ણયો પોરબંદરના અસ્તિત્વ માટે અભિશાપ બની શકે છે.
સ્થાનિકોનો તર્ક છે કે જો અશુદ્ધિમુક્ત કર્યા બાદ પણ પાણી દરિયામાં ઠાલવવાનું હોય તો તે પાણી ઉદ્યોગોને, ખેડૂતોને કેમ ફરી વાર ઉપયોગમાં લેવાનું જણાવવામાં નથી આવતું? કેમ પાણી આસપાસની નદીઓમાં ઠાલવી દેવામાં નથી આવતું અને કેમ દરિયામાં ઊંડે છોડવા માટે સાત અબજનો ખર્ચ કરવા માટે પણ સરકાર રાજી થઈ ગઈ છે?
આ સમગ્ર બાબત અંગે ઊંડાણસર તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાત કરી હતી.

શું છે સમગ્ર મામલો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાત સરકાર દ્વારા 15 ઑક્ટોબર, 2020ના રોજ રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક શહેર જેતપુરમાં ઔદ્યોગિક એકમોના ગંદા પાણીનો નિકાલ દરિયાના ઊંડાણમાં કરવા માટે ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
આ ટૅન્ડર બહાર પાડવાનું અને તેના કામની સોંપણી કરવાની જવાબદારી ગુજરાત સરકારની ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને જ આપવામાં આવી હતી.
પોરબંદરના સ્થાનિક માછીમારો અને આસપાસના વિસ્તારના લોકો જણાવે છે કે ગુજરાત સરકાર ઔદ્યોગિક એકમોનું ગંદું-કેમિકલવાળું પાણી પોરબંદરના દરિયાકિનારે છોડી તેમની રોજીરોટી અને જીવન પર મોટો ખતરો ઊભો કરી રહી છે.
જોકે, સરકારના પ્રતિનિધિઓ અને જેતપુરના ઔદ્યોગિક એકમોના સંચાલકો આ વાત સાથે સંમત નથી થતા.

'પાણી ચોખ્ખું જ હોય તો ખેતીમાં કેમ નથી વાપરતા?'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પોરબંદર માછીમાર બોટ ઍસોસિયેશનના પ્રમુખ નરસીભાઈ જુંગી આ સમગ્ર પ્રોજેક્ટને 'વિકાસ' નહીં પરંતુ પોરબંદરના 'સર્વનાશ' તરફનું પગલું ગણાવે છે.
નરસીભાઈ કહે છે કે, "પ્રસ્તાવિત યોજના પ્રમાણે સરકારનો દાવો છે કે તેઓ જેતપુરના ઉદ્યોગોનું પાણી યોગ્ય રીતે અશુદ્ધિમુક્ત કરીને દરિયામાં ઠાલવશે. પરંતુ અહીં પ્રશ્ન એ થય છે કે જો પાણી સ્વચ્છ જ કરવું હોય તો પછી આવા અશુદ્ધિઓથી મુક્ત પાણીને દરિયામાં ઠાલવવાની શી જરૂરિયાત છે?"
તેઓ સરકારને વેધક પ્રશ્ન પૂછતાં કહે છે કે, શું કામ સરકાર આ 'શુદ્ધ' પાણી ખેતીમાં નથી વાપરતી? કેમ ઉદ્યોગોને ફરીથી આ જ પાણી ઉપયોગમાં લેવાની ફરજ નથી પાડવામાં આવતી?
નરસીભાઈ કહે છે કે, "સરકાર પાસે આ રજૂઆતો અમે કરી છે. અમને હજુ સુધી તેનો કોઈ જવાબ નથી મળ્યો. આ બાબતે સરકારનું મૌન સૂચક છે કે આ યોજનામાં બધું ઠીક નથી."

'મનુષ્યો જ નહીં જીવસૃષ્ટિ માટે પણ ઘાતક નીવડશે આ યોજના'

ઇમેજ સ્રોત, Getty Images
પોરબંદરના સ્થાનિક આગેવાન અને ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ યોજનાના વિરોધમાં સ્થાનિકોના પડખે ઊભા છે.
તેઓ આ યોજનાને 'સંવેદનશીલ' અને 'પ્રગતિલક્ષી' હોવાનો દાવો કરતી ગુજરાત સરકારનું 'અસંવેદનશીલ' અને 'અધોગતિલક્ષી' પગલું ગણાવે છે.
અર્જુન મોઢવાડિયા કહે છે કે, "ગુજરાત સરકાર પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કોઈ કાર્યવાહી કરી શકી નથી. તેથી જે તે વિસ્તારની નદીઓ અને ભૂગર્ભ જળસ્તરની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ છે. હવે જ્યારે સરકાર સ્થાનિક સ્તરે ત્યાં કોઈ નિયંત્રણ નથી રાખી શકતી તે કારણે તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પોરબંદર નિર્મળ દરિયામાં ઔદ્યોગિક એકમોની ગંદકી ઠાલવવાના બદઇરાદા સાથે યોજના ઘડી છે. જે અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ."
તેઓ કહે છે કે, "ઔદ્યોગિક એકમોનું ગંદું પાણી દરિયામાં છોડવાના કારણે ન માત્ર માછલીઓનાં મૃત્યુ થવાના કારણે માછીમારોની રોજગારી છીનવાશે. પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિ પર પણ મોટું સંકટ આવી પડશે. સમુદ્રની જીવસૃષ્ટિ, તેની સમગ્ર ઇકૉલૉજી પર આ પગલાની અફર અસરો થશે."
અર્જુન મોઢવાડિયાના મત પ્રમાણે માત્ર દરિયાની નજીકના વિસ્તારો જ નહીં. પરંતુ જે જિલ્લા કે તાલુકામાંથી આ યોજના માટેની પાઇપલાઇન પસાર થશે ત્યાં પણ પ્રદૂષણનું સ્તર વધવાનો ભય ઊભો થશે.

પહેલાં કુદરત હવે સરકાર બની દયાહીન?

ઇમેજ સ્રોત, Getty Images
અખિલ ગુજરાત માછીમાર ઍસોસિયેશનના પ્રમુખ ગોપાલ ફોફંડીના મતે જેતપુરના ઔદ્યોગિક એકમોનું ગંદું પાણી દરિયામાં ઠાલવવાની સરકારની યોજના માછીમારો માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે.
તેઓ કહે છે કે, "પહેલાંથી ગુજરાતના માછીમારો પાછલાં દોઢ વર્ષથી કોરોના અને મંદીનો માર ભોગવી રહ્યા છે. થોડી રાહત થવાનું લાગ્યું ત્યારે કુદરતનો કેર બનીને વાવાઝોડું ત્રાટકી ગયું. અને હવે સરકારની આ યોજનાથી માછીમારો ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાયા છે."
ગોપાલ ફોફંડીના મતે ગુજરાતના દરિયાકાંઠા પર પ્રત્યક્ષપણે ત્રણ લાખ માછીમારોના પરિવાર નભે છે.
તેઓ કહે છે કે, "પહેલાંથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે ઔદ્યોગિકીકરણને કારણે દરિયામાં પ્રદૂષણનું પ્રમાણ અતિશય વધી ગયું છે. તેથી પહેલાંની સરખામણીમાં માછીમારોને ત્રણ ગણા દિવસો સુધી માછીમારી કરવી પડે છે. કારણ કે માછલી દરિયાકાંઠેથી વધુને વધુ દૂર જવા લાગી છે."
"આવી પરિસ્થિતિમાં માછીમારો માંડમાંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યાં સરકાર દ્વારા દરિયામાં વધુ પ્રદૂષણ ઠાલવવાની આ યોજનાથી માછીમારો ભયમાં છે. જો આ યોજના અમલમાં મુકાશે તો અમને ભય છે કે અમારી રોજીરોટી બિલકુલ બંધ થઈ જશે. પહેલાંથી મુશ્કેલી અને દેવામાં ઘેરાયેલો ગુજરાતનો માછીમાર વર્ગ વધુ સંકટગ્રસ્ત બની જશે."
ફોફંડી કહે છે કે જો સરકાર તમામ અશુદ્ધિઓ પાણીમાંથી દૂર જ કરી નાખવાની હોય તો પછી આટલો ખર્ચ કરી દરિયામાં પાણી વેડફી દેવાનો શો અર્થ? આ વાતનો તર્ક સમજાતો નથી.

દરિયામાં પાણી છોડવાથી કોઈ નુકસાન નહીં થાય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
સાડીઉદ્યોગ માટે પ્રખ્યાત રાજકોટનું જેતપુર શહેર ભાદર નદીના પ્રદૂષણની ચર્ચાઓ બાદ આ વિવાદને લઈને ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જેતપુર ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના પ્રમુખ જેંતીભાઈ રામોલીયા આ વિવાદ અંગે વાત કરતાં જણાવે છે કે, "જેતપુરમાં 1400 યુનિટ આવેલા છે. સરકારની આ યોજનાનો અમને સૌને લાભ થવાનો છે. આ યોજનાથી સ્થાનિક પ્રદૂષણનું લેવલ ઘટશે. અને અંતે ઉદ્યોગોને ફાયદો થશે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો આ પાણીથી જેતપુરની આસપાસ ઠલવવાથી પ્રદૂષણ થતું હોય તો દરિયાની અંદર ઠલવાવાથી કેવી રીતે પ્રદૂષણ નહીં થાય?
તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, "અમે તમામ પાણી યોગ્ય ટ્રીટમેન્ટ બાદ દરિયામાં જતી પાઇપલાઇનમાં જવા દઈશું. જેથી પ્રદૂષણનો કોઈ પ્રશ્ન નહીં ઊભો થાય."
તેમજ તેમણે દાવો કર્યો કે જેતપુરના ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતાં પાણીમાં કોઈ કેમિકલ હોતું નથી. તેથી પ્રદૂષણની સંભાવના જ નથી રહેતી.
તેમના આ દાવા સામે જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને વળતો પ્રશ્ન પુછ્યો કે તો શું કામ આવું પ્રદૂષણમુક્ત પાણી ઉદ્યોગો જાતે ફરીથી નથી વાપરી લેતા? શું કામ તે ખેતી માટે નથી આપી દેવાતું? આ પાણીના નિકાલ માટે કેમ દરિયાને વિકલ્પ સ્વરૂપે જોવામાં આવી રહ્યો છે? શું કામ આ 'શુદ્ધ' પાણી સ્થાનિક નદીમાં નથી છોડી દેવાતું?
તો આ પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે, "આવી રીતે પ્રોસેસ થયેલા પાણીમાં TDS (ટોટલ ડિઝોલ્વ સૉલિડ)નું ખૂબ વધારે પ્રમાણ હોય છે. જે 2000-3000 TDS સુધી જઈ શકે. આવા પાણીને ફરીથી ઉદ્યોગમાં ઉપયોગમાં ન લઈ શકાય. અને તેને નદીમાં છોડવાની પરવાનગી સરકાર ન આપે."
રામોલીયા આગળ જણાવે છે, "દરિયામાં અગાઉથી TDSનું પ્રમાણ 50 હજાર કરતાં પણ વધુ હોય છે. તેથી દરિયામાં ઊંડે, કિનારાથી દૂર જો આવા વધુ TDSવાળા પાણીનું નિકાલ કરવામાં આવે તો તેનાથી કોઈ પર્યાવરણીય અસર પેદા નહીં થાય."
તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત દરિયામાં 12 કિલોમીટર અંદર પાણી ઠાલવવામાં આવશે. જેની કિનારે રહેતા લોકો પર કોઈ અસર નહીં થાય.
જોકે, અહીં એ વાત આશ્ચર્ચજનક લાગે છે કે સરકાર અને ઔદ્યોગિક એકમોને જે પાણી નદી માટે અને તેની આસપાસ રહેતા લોકો માટે પ્રદૂષણયુક્ત લાગે છે તે જ પાણી દરિયા માટે અને તેના પર નભતા લોકો માટે કઈ રીતે બિલકુલ સુરક્ષિત બની જતું હશે? આ વાતનો તર્ક સમજાતો નથી.
મહત્ત્વની વાત તો એ છે કે જેતપુરના ઉદ્યોગોને ભાદર નદી અને તેના પર બંધાયેલા બંધોના પાણીની કથળતી જતી સ્થિતિ માટે અવારનવાર જવાબદાર ઠેરવવામાં આવે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વર્ષ 2018માં ભાદર-2 ડૅમનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં વરસાદની ઋતુમાં સમગ્ર ડૅમના પાણી ઉપર ફીણ જોવા મળી રહ્યું હતું. આ ફીણ આસપાસ ઊડી રહ્યું હોવાનું પણ વીડિયોમાં જોઈ શકાતું હતું.
અહેવાલમાં કેટલાક સ્થાનિકોએ દાવો કર્યો હતો કે દર વર્ષે સ્થાનિક સાડી ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગો દ્વારા નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. જે કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે.
જોકે, ઇન્ડસ્ટ્રીના ઍસોસિયેશનના પ્રતિનિધિએ આ આરોપો ફગાવી કાઢ્યા હતા. અને પોતે તમામ પાણી ખેડૂતોને આપતા હોવાની વાત કરી હતી.
નોંધનીય છે કે આ વિસ્તારના એકમો દ્વારા દરરોજ 1.25 કરોડ લિટર પાણી છોડવામાં આવે છે.

સરકારના મંત્રીને પણ નથી ખબર દરિયામાં જ કેમ ઠલવાશે આ પાણી

ઇમેજ સ્રોત, Jayesh Radadiya/FB
જેતપુરના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ખાદ્યાન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતોના કૅબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા આ પ્રોજેક્ટને પોતાના મતવિસ્તારના ઉદ્યોગો અને ત્યાંની પ્રજા માટે હિતકારી ગણાવે છે.
તેઓ કહે છે કે, "આ પ્રોજેક્ટની મદદથી જેતપુરની આસપાસની નદીઓ સ્વચ્છ બનશે. જેના કારણે ઉદ્યોગો અને પ્રજા સુખાકારી તરફ દોરવાશે."
જ્યારે જયેશ રાદડીયાને પૂછવામાં આવ્યું કે, આવું કેવી રીતે બની શકે કે જે પાણીથી નદીમાં પ્રદૂષણ થતું હોય તે જ પાણી દરિયામાં છોડવાથી કોઈ પ્રદૂષણ નહીં થાય.
તો આ પશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું તમામ પાણી યોગ્ય પ્રોસેસિંગ બાદ જ દરિયામાં છોડવામાં આવશે.
જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને પુછ્યું કે જો આવી રીતે અશુદ્ધિઓથી મુક્ત થયેલ પાણી છોડવા માટે કેમ સરકાર આવો મોટો ખર્ચ કરીને દરિયામાં પાણી છોડવાની વ્યવસ્થા કરી રહી છે? નજીકની નદીમાં જ આ 'શુદ્ધ' પાણી કેમ નથી છોડી દેવાતું?
તો આના જવાબમાં ધારાસભ્ય જયેશ રાદડીયા જણાવે છે કે આ વિશે તેમને ઝાઝી ખબર નથી. કે કેમ નદીમાં જ આ પાણી નથી છોડી દેવાતું.
તેઓ કહે છે કે આ અંગે ઇન્ડસ્ટ્રીની કોઈ નિષ્ણાત વ્યક્તિ જ યોગ્ય માહિતી આપી શકશે.
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગમંત્રી જવાહર ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી મેળવવા માટે પર્યાવરણમંત્રીનો સંપર્ક કરો. તેઓ આ અંગે વધુ માહિતી આપી શકશે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને સ્થાનિક માછીમારો દ્વારા આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવી છે? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "ના, આવી કોઈ ફરિયાદ મારા ધ્યાને આવી નથી."
જ્યારે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના કમિશનર અને ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ચૅરમૅન IAS રાહુલ ગુપ્તા અને ધનંજય દ્વિવેદી સાથે આ પ્રોજેક્ટ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ એકબીજાના વિભાગ પાસે આ પ્રોજેક્ટની જવાબદારી હોવાની વાત કરી જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો.

પર્યાવરણના નિષ્ણાતોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પર્યાવરણક્ષેત્રે કામ કરતાં કાર્યકર રોહિત પ્રજાપતિ ગુજરાત સરકારના આ પ્રોજેક્ટને દિશાહિન અને વિનાશક ગણાવે છે.
તેઓ કહે છે કે, "મુદ્દો ઔદ્યોગિક એકમોનું પાણી ક્યાં ઠાલવવું એનો નથી. પરંતુ તે પાણી યોગ્ય પ્રક્રિયા વડે ચોખ્ખું કરવામાં આવે છે કે કેમ? તે છે. સરકાર ઉદ્યોગો આવા માપદંડો જાળવે તેને બદલે દરિયામાં ઊંડે પાણી નાખીને આ એકમોના પ્રદૂષણને છુપાવવા માટે કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે."
"આવું અવિચારી પગલું ભરવાથી ન માત્ર દરિયાઈ જીવસૃષ્ટિ પરંતુ દરિયાકિનારે રહેતા અને સી-ફૂડ ખાતાં લોકોના સ્વાસ્થ્ય પણ જોખમાશે."
હાલ નદીઓ મારફતે જે ગંદું પાણી આપણા દરિયામાં પહોંચી રહ્યું છે તેનાથી તો પર્યાવરણ થોડા ઘણા અંશે બચી રહ્યું છે. પરંતુ જો આવી યોજનાઓ સક્રિય થવા લાગશે તો પર્યાવરણ પર અફર અસરો સર્જાશે.

શું હોય છે TDS?

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર TDS એટલે પાણીમાં ભળી ગયેલાં તત્ત્વોનું પ્રમાણ દર્શાવતું એક માપ.
TDSમાં ઑર્ગેનિક સોલ્ટ અને ઑર્ગેનિક કેમિકલ પણ હોય છે. જે પૈકી કેટલાક ફાયદાકારક તો કેટલાક મનુષ્યના સ્વાસ્થ્ય માટે ભારે નુકસાનકારક પણ હોય છે.
પાણીમાં રહેલા ઇનૉર્ગેનિક તત્ત્વોમાં કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પૉટેશિયમ, આર્યન, લેડ અને આર્સેનિક જેવાં તત્ત્વો સામેલ હોય છે.
જ્યારે ડિઝોલ્વ્ડ ઑર્ગેનિક મેટરમાં કાર્બોનેટ, બાયકાર્બોનેટ, નાઇટ્રેટ, સલ્ફેટ અને ક્લોરાઇડ વગેરેનાં સંયોજનો સામેલ હોય છે.
ઘણી વખત તેમાં હાઇડ્રોકાર્બન, જંતુનાશકો, હ્યુમિક એસિડ જેવી ઔદ્યોગિક અશુદ્ધિઓ પણ હોય છે.
પાણીમાં રહેલાં આ તત્ત્વો પૈકી કેટલાંક શરીર માટે ફાયદાકારક હોય છે તો કેટલાંકનું વધુ પ્રમાણ પાણીને પીવાયોગ્ય રહેવા દેતા નથી.
ભારતમાં બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના માપદંડો પ્રમાણે પીવાના પાણીમાં TDSનું પ્રમાણ 500 મિલિગ્રામ પ્રતિ લીટર કરતાં વધુ ન હોવું જોઈએ.

ભારતમાં શું છે વૉટર ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ વૉટર ઑર્ગેનાઇઝેશનના એક અભ્યાસ પ્રમાણે હાલ ભારતમાં અશુદ્ધ પાણીના શુદ્ધિકરણ માટે હાલ અલગ કોઈ નિયમો કે ગાઇડલાઇન નથી.
હાલ અમુક પ્રવર્તમાન પર્યાવરણસંબંધી કાયદાઓ અને નીતિઓના આધારે વૉટર ટ્રીટમેન્ટના માપદંડો ઘડવામાં આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે સમગ્ર ભારતમાં ઘરેલુ વપરાશ ઉપરાંત 13,468 મિલિયન લિટર વેસ્ટ વૉટર ઉદ્યોગો દ્વારા છોડવામાં આવે છે. જે પૈકી માત્ર 60 ટકા જ ટ્રીટ કરવામાં આવે છે.
નાના ઉદ્યોગો દ્વારા ક્લસ્ટર બનાવાઈને કૉમન વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે છે.
નોંધનીય છે કે પરંપરાગત ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો ખર્ચ ઘણો વધુ થતો હોય છે અને તેમાં જટિલ પ્રકારની સેવાઓ પૂરી પાડતા નિષ્ણાતોની જરૂર પડે છે.
માત્ર ઘરેલુ વપરાશના ગંદા પાણીને ટ્રીટ કરવા માટે ભારતે 7,560 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ છે.
આની સરખામણીમાં ઔદ્યોગિક પ્રદૂષિત પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કેટલી મોંઘી હોઈ શકે તે સમજી શકાય છે.
રિપોર્ટ અનુસાર ઘણી વખત ખરાબ ડિઝાઇન, ખરાબ મેન્ટેનન્સ, વીજળીની સમસ્યા, ટેક્નિકલ મૅનપાવરનો અભાવના કારણે આપણા દેશમાં વૉટર ટ્રીટમેન્ટ માટેની ફૅસિલિટી મોટા ભાગે બંધ જ રહે છે.
આવી પરિસ્થિતિમાં જો દરિયામાં આવું પાણી છોડવામાં આવે તો પર્યાવરણસંબંધી કેવા જટિલ પ્રશ્નોનો સામનો કરવો પડે,તેની કલ્પના પણ મુશ્કેલ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















