ગુજરાતમાં સોમવારથી વૉક-ઇન વૅક્સિનેશન, જાણો કેવી રીતે મળશે ડોઝ - TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે સોમવારથી 18થી 44 વર્ષની વયજૂથના નાગરિકોને રસીકરણ કેન્દ્રો ઉપર વૉક-ઇન રસી મળશે, તેવી જાહેરાત કરી છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શુક્રવારે કોર ગ્રૂપના સભ્યોની એક બેઠક મળી હતી, જેમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને એસએમએસ ઉપર સ્લૉટ મેળવ્યા હોય તેમને વૅક્સિનેશનમાં પ્રાથમિકતા અપાશે. સોમવારથી વૉક-ઇન વૅક્સિનેશન બપોરે ત્રણ વાગ્યા પછીથી શરૂ થશે.
રાજ્યના તમામ વૅક્સિનેશન કેન્દ્રો પર રસી લેનારનું રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને વૅક્સિનની ઉપલબ્ધતા હશે, ત્યાર સુધઈ અપાશે.
આ પહેલાં ફ્રન્ટલાઇન વર્કર્સના કૌશલ્યવર્ધન માટે છ કૉર્ષ લૉન્ચ કરતી વેળાએ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તા. 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસેથી દરેક નાગરિકને નિઃશુલ્ક અને વૉક-ઇન વૅક્સિન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં બે કરોડ 15 લાખ વૅક્સિનના ડોઝ આપીને ગુજરાત દેશભરમાં અગ્રેસર છે.

વડા પ્રધાન મોદી સત્તામાં રહેવાનો અધિકાર ગુમાવી ચુક્યા છે : કપિલ સિબલ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે ફરી એક વાર વડા પ્રધાન મોદી પર કોરોનાની બીજી લહેર સમયે મિસમૅનેજમૅન્ટનો આરોપ મૂકી તેમની આકરી ટીકા કરી છે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી કોરોનાની બીજી લહેર જેવા સંકટના સમયે લોકોનો સાથ ન આપ્યો, જે કારણે વડા પ્રધાન સત્તા પર રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી ચુક્યા છે. તેમાં કોઈ બેમત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેક્કન હેરાલ્ડના એક અહેવાલ પ્રમાણે સમાચાર એજન્સી પીટીઆઈ સાથેના એક ઇન્ટર્વ્યૂમાં કપિલ સિબલે આ વાત કહી હતી.
કપિલ સિબલે આ વાત કરતાં આગળ કહ્યું હતું કે, "વિશ્વાસપાત્ર વિકલ્પના અભાવની સ્થિતિમાં તેમણે પોતાનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે તેવું વિચારીને પોતાની ફરજ બજાવવામાં નહોતું ચૂકવાનું."

PM મોદીએ કેમ કહ્યું કે હજુ કોરોના વાઇરસથી સાવધાન રહેવાની જરૂર છે?

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતવણી આપતા કહ્યું છે કે કોરોનાવાઇરસ હજુ ગયો નથી, તે આપણી વચ્ચે જ છે અને સ્વરૂપ બદલે છે એટલે "હજુ પણ સાવચેત રહેવા"ની જરૂર છે.
એનડીટીવીના રિપોર્ટ મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક લાખ ફ્રન્ટલાઇન વર્કર્સના કોરોનાસંબંધિત જ્ઞાનવર્ધન માટેના છ કોર્ષને લોન્ચ કરતી વેળાએ આ વાત કહી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું, "સતત સ્વરૂપ બદલતો વાઇરસ આપણાં માટે કેવા પડકાર ઊભા કરી શકે છે, તે આપણે બીજી લહેર વખતે જોયું છે. આવનારા પડકારોને પહોંચી વળવા માટે આપણે વધુ તૈયારીઓ કરવાની જરૂર છે."
દેશભરમાં 111 કેન્દ્ર ઉપર આરોગ્યક્ષેત્રના કર્મચારીઓ માટે આ છ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્ષોમાં ઘરે સારવારની, મૂળભૂત સારવારની, ઍડ્વાન્સ સારવારની, સૅમ્પલ એકઠા કરવાની તથા મેડિકલ સાધનોને ઑપરેટ કરવાની તાલીમ વગેરેનો સમાવેશ થાય છે.
'પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના 3.0' હેઠળ આ યોજના લોન્ચ કરવામાં આવી છે અને તેના માટે સરકાર દ્વારા રૂ. 276 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્યક્ષેત્રે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખીને આ તાલીમ આપવામાં આવી રહી છે.

સ્વિસ બૅન્કોમાં ભારતીયોનું ઐતિહાસિક ટોચે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓએ વર્ષ 2020માં સ્વિસ બૅન્કમાં ખૂબ પૈસા જમા કરાવ્યા છે.
આ પૈસા ભારતસ્થિત બ્રાન્ચો અને અને અન્ય નાણાકીય સંસ્થાનો મારફતે મોકલવામાં આવ્યાં છે. સ્વિત્ઝરલૅન્ડની કેન્દ્રીય બૅન્કે ગુરુવારે વાર્ષિક ડેટા જાહેર કર્યો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ આ આંકડાઓને ટાંકીને કહ્યું છે કે વર્ષ 2020માં સ્વિસ બૅન્કોમાં ભારતીયોનં નાણું વધીને 20,700 કરોડથી વધારે થઈ ગયું છે.
વર્ષ 2019ના અંતમાં સ્વિસ બૅકોમાં ભારતીયોનું નાણું 6,625 કરોડ રૂપિયા હતું. પાછલા બે વર્ષમાં એમાં ઘટાડો જોવા મળ્યો હતો પણ 2020માં એમાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા 13 વર્ષોમાં થયેલો આ સૌથી મોટો વધારો છે.

કોરોનાની બીજી લહેરથી 2 લાખ કરોડનું નુકસાન - આરબીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસની બીજી લહેરને પગલે 2 લાખ કરોડ રૂપિયાનું આઉટપુટ નુકસાન થયું હોવાનું રિઝર્વ બૅન્કનું કહેવું છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અનુસાર રિઝર્વ બૅન્ક દ્વારા એક સરવે કરાયો હતો અને રિપોર્ટ પણ તૈયાર કરાયો છે.
આ સરવેમાં આ જંગી નુકસાનનું અનુમાન બાંધવામાં આવ્યું છે. જોકે કહેવાયું છે કે આ વેલ્યૂ એડિશનમાં નુકસાન છે એટલે તેને જીડીપી સાથે સીધો સંબંધ નથી. પણ તેને કારણે જીડીપીનું અનુમાન ઘટાડી ફરીથી નવું પ્રોજેક્શન કરવામાં આવ્યું છે.
સૌથી અગત્યની વાત એ છે કે રિપોર્ટ અનુસાર રસીકરણ ધીમું રહેતા બીજી લહેરમાં નુકસાન વધ્યું છે. જો ત્રીજી લહેર પહેલાં પૂરતું રસીકરણ નહીં થાય તો હજુ વધુ મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
રિપોર્ટ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એમ.ડી. પાત્રા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

મમતા બેનરજી જે નંદીગ્રામ બેઠકથી હાર્યાં તેની પુનઃમતગણતરીનો મામલો કોર્ટમાં

ઇમેજ સ્રોત, SANJAY DAS
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી તેમના હરીફ સુવેંદુ અધિકારી સામે હારી ગયાં હતાં. જોકે ખૂબ જ નજીવા અંતરથી તેમની હાર થઈ હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ગત રોજ આ મામલે કોલકાત્તા હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ થઈ હતી. જેની આજે સુનાવણી છે.
અત્રે નોંધવું કે મમતા બેનરજીનો દાવો હતો કે મતગણતરીમાં ગેરરીતિ થઈ છે.
આ બેઠક મમતા બેનરજી માટે પ્રતિષ્ઠાનો જંગ હતી આથી તેનું વિવાદિત પરિણામ ઘણું ચર્ચાસ્પદ રહ્યું છે.

'જેલમાં મેહુલ ચોક્સીની તબિયત બગડી રહી છે'

ઇમેજ સ્રોત, Getty Images
14 હજાર કરોડના પીએનબી કૌભાંડના આરોપી બિઝનેસમૅન મેહુલ ચોક્સીની તબિયત દિવસે દિવસે બગડી રહી હોવાની તેમના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે.
'ન્યૂઝ 18'ના રિપોર્ટ મુજબ મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે ડોમિનિકાની મૅજિસ્ટ્રેટ કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા છે પણ તેમની તબિયત સારી ન હોવાથી તેઓ હૉસ્પિટલમાં જ રહેશે.
બીજી તરફ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભારતના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેઓ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે સક્રિય છે અને શક્ય છે કે ટૂંક સમયમાં તેમને પ્રત્યર્પણ મારફતે ભારત લાવી દેવામાં આવશે.

'રસી મેળવનારા આરોગ્યકર્મીઓમાંથી 92 ટકાને કોરોનાના હળવા લક્ષણો'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એક નવા સરવેમાં જોવા મળ્યું છે કે જે આરોગ્યકર્મીઓએ કોરોનાની રસી લીધી હતી અને કોરોના થયો હતો તે પૈકી 92 ટકાને કોરોનાના હળવા લક્ષણો રહ્યાં જ્યારે માત્ર 1 ટકા આરોગ્યકર્મીઓને જ આઈસીયુમાં સારવારની જરૂર પડી હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે ફૉર્ટિસ હૅલ્થકેર દ્વારા આ સરવે કરાયો હતો અને એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
તેમાં જોવા મળ્યું કે જેમણે રસી લીધી હતી તેમાંથી જેમને કોરોના થયો તેમાંના 92 ટકા લોકો ઘરે જ સારવારથી સાજા થઈ ગયા અને તેમને હળવા લક્ષણો હતા.
આ સરવેમાં 16000 હેલ્થ વર્કર્સને તેમાં સામેલ કરાયાં હતાં અને તેમણે રસીના બંને ડોઝ લીધા હતા. આમાંથી માત્ર 6 ટકાને જ કોરોનાનું સંક્રમણ થયું હતું. અને તેમાંથી 92 ટકાને સામાન્ય સંક્રમણ હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













