કોરોના વાઇરસ : 'મારી નાનકડી દીકરીઓને હજી ખબર નથી કે તેમની મમ્મી કોવિડને લીધે મૃત્યુ પામી છે'

કોરોનાની મહામારી પહેલાં અલ્તુફ શમ્શી અને તેમનાં પત્ની રેહાબ, પોતાનાં બાળકો સાથે
ઇમેજ કૅપ્શન, કોરોનાની મહામારી પહેલાં અલ્તુફ શમ્શી અને તેમનાં પત્ની રેહાબ, પોતાનાં બાળકો સાથે

ભારતમાં કોવિડ-19ની બીજી વિનાશક લહેરે હજારો પરિવારોને પીડાના ગર્તમાં ધકેલી દીધા છે.

પ્રત્યેકની અગ્નિપરીક્ષા હકીકતની અવગણના, તૈયારીના અભાવ અને રસીકરણની કંગાળ નીતિને લીધે અસંખ્ય લોકોનાં મૃત્યુની કથા છે. અહીં અલ્તુફ શમ્શીની કથા પ્રસ્તુત છે. તેમણે બીબીસીનાવિકાસ પાંડે સાથે વાત કરી હતી.

એપ્રિલની શરૂઆતમાં અમે એક ખુશખુશાલ પરિવાર હતા. મારાં પત્ની રેહાબ અને હું અમારા ત્રીજા બાળકની પ્રતીક્ષા કરતાં હતાં.

અમારા ગાયનેકોલૉજિસ્ટે અમને 22 એપ્રિલ પહેલાં હૉસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપી હતી.

અમારું આયોજન હૉસ્પિટલમાં દાખલ થયાના બીજા જ દિવસે ડિલિવરી કરાવવાનું હતું, કારણ કે રેહાબની ગર્ભાવસ્થાનું 38મું સપ્તાહ ચાલતું હતું.

રેહાબે પ્રોટોકોલ અનુસાર કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, પણ તેનું રિઝલ્ટ પૉઝિટિવ આવ્યું હતું, જે અમારા માટે આઘાતજનક હતું.

હૉસ્પિટલમાં કોવિડ-પૉઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી એ અમે જાણતાં હતાં, પણ અમારા ગાયનેકોલૉજિસ્ટે રેહાબની ડિલિવરી મોકૂફ રાખવાનું સૂચન કર્યું હતું, કારણ કે થોડો સમય હતો. ડૉક્ટરે કહ્યું હતું કે અમારે રેહાબની કોવિડ સારવાર પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

થોડા દિવસ પછી રેહાબને બહુ તાવ ચડવા લાગ્યો હતો. ડૉક્ટરની સલાહ અનુસાર, 28 એપ્રિલે રેહાબને કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

બીજા દિવસે ડૉક્ટરે કહ્યું હતું કે રેહાબને આકરી દવાઓ આપવામાં આવી રહી છે તેથી તેના ગર્ભમાંનું બાળક ગુમાવવું પડશે.

એ સાંજે રેહાબની તબિયત વધુ બગડી હતી અને તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવા પડ્યાં હતાં. ડૉક્ટરોએ ઇમર્જન્સી સિઝેરિયન મારફત ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

હૉસ્પિટલે અમારી પાસે કેટલાક દસ્તાવેજો પર સહી કરાવી હતી. એ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું કે વધારે પડતું લોહી વહી જવાને કારણે રેહાબનું મૃત્યુ થવાની શક્યતા છે.

એ પરિસ્થિતિ ખડકની ધાર પરથી ભૂસકો મારીને સહીસલામત જમીન પર પહોંચવાની આશા રાખવા જેવી હતી.

line

ઉપરાઉપરી મુસીબતો

એપ્રિલ અને મે માસમાં દેશની તમામ હૉસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એપ્રિલ અને મે માસમાં દેશની તમામ હૉસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી હતી

અમે જે હૉસ્પિટલમાં હતા એ હૉસ્પિટલે મને બીજી હૉસ્પિટલમાં આઇસીયુ બેડ શોધી કાઢવા જણાવ્યું હતું, કારણ કે રેહાબને સર્જરી પછી ઇન્ક્યુબેટ કરવાં પડે એવી શક્યતા હતી અને તેમની સંપૂર્ણ કોવિડ સારવાર કરવી જરૂરી હતી. એ સારવાર આ હૉસ્પિટલ કરી શકે તેમ ન હતી.

એ તબક્કે મેં મારા સંતાનને બદલે રેહાબને બચાવી લેવાનું નક્કી કર્યું હતું.

હું સર્જરી માટે મારી જાતને તૈયાર કરતો હતો ત્યાં દુઃખદ સમાચાર આવ્યા હતા. મારા કોવિડ પૉઝિટિવ પિતાની સારવાર દિલ્હીની એક અન્ય હૉસ્પિટલમાં ચાલી રહી હતી અને તેમની હાલત વણસતી જતી હતી.

મારાં માતા પણ કોવિડ પૉઝિટિવ હતાં. તેમને હળવા ઓક્સિજન સપોર્ટ સાથે ઘરે સારવાર આપવામાં આવી રહી હતી. મારાં માતાને ખબર ન હતી કે તેમનાં પતિ અને પુત્રવધુ જીવન સામે જંગ લડી રહ્યાં છે.

મારું સમગ્ર વિશ્વ ફસડાઈ પડવાની અણી પર હતું. આઇસીયુ બેડ શોધવાની સાથેસાથે હું તેઓ ઝડપથી સાજાં થઈ જાય એવી પ્રાર્થના પણ કરતો હતો.

29 એપ્રિલે મારી દીકરીનો જન્મ થયો હતો. હૉસ્પિટલે રેહાબને કામચલાઉ આઇસીયુમાં શિફ્ટ કર્યાં હતાં, કારણ કે હું ક્યાંય આઇસીયુ બેડ શોધી શક્યો ન હતો.

હૉસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં નર્સો ન હતાં અને ત્યાં સુધીમાં તો હું પણ કોવિડ પૉઝિટિવ થઈ ગયો હતો, પણ મેં જોખમ લઈને રેહાબની પાસે રહેવાનો નિર્ણય કર્યો હતો.

મારે નર્સોને રેહાબની દવાઓ વિશે સતત યાદ કરાવવું પડતું હતું. તેઓ રેહાબને અન્ય હૉસ્પિટલમાં લઈ જવાનું સતત કહેતા હતા. મેં વૅન્ટિલેટર સાથેનો બેડ મેળવવા અથાગ પ્રયાસ કર્યા હતા.

આખરે મેં એક આઇસીયુ બેડ શોધી કાઢ્યો હતો, પણ રેહાબને ત્યાં લઈ જવા માટે લાઇફ સપોર્ટ યંત્રણાથી સજ્જ ઍમ્બુલન્સ ઉપલબ્ધ ન હતી.

રેહાબની સારવાર ચાલુ રાખવાની વિનંતી હું હૉસ્પિટલને કરતો રહ્યો હતો અને તેમણે રેહાબને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા.

line

ભૂલકાંના માસૂમ સવાલોનો કોઈ જવાબ ન મળ્યો

કોરોના વાઇરસની બીજી લહેરે ભારતમાં તબાહીનાં દૃશ્યો સર્જ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસની બીજી લહેરે ભારતમાં તબાહીનાં દૃશ્યો સર્જ્યાં હતાં

પહેલી મેનો દિવસ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. અનેક હૉસ્પિટલોમાંથી ઓક્સિજનની જોરદાર અછતની ફરિયાદો આવતી હતી.

રેહાબને દાખલ કર્યાં હતાં એ હૉસ્પિટલે જણાવ્યું હતું કે તેમને ત્યાં પણ ઓક્સિજન ખલાસ થવાનો છે. તેમણે મને ઓક્સિજન સીલિન્ડરોની વ્યવસ્થા કરવા કહ્યું હતું.

એ સાંજે મારા પિતાને દાખલ કર્યા હતા તે હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તેમની તબિયત ઝડપથી બગડી રહી છે. હું હૉસ્પિટલે પહોંચ્યો ત્યાં સુધીમાં મારા પિતા મૃત્યુ પામ્યા હતા.

હું સુન્ન થઈ ગયો હતો. રેહાબને સારવાર આપવામાં આવી રહી હતી એ હૉસ્પિટલમાંથી ઓક્સિજન માટે આવતા તાકીદના મૅસેજ વાંચતો હતો ત્યારે મારી નજર મારા પિતાના મૃતદેહ પર પણ હતી.

મારાં માતાની તબિયત સારી ન હતી અને સાત તથા પાંચ વર્ષની વયની મારી બે દીકરીઓ સવાલ કરતી હતી કે તેમની મમ્મી, તેમણે વચન આપ્યું હતું તેમ, એમની નવી બહેનને લઈને ઘરે પાછાં કેમ આવ્યાં નથી?

42 વર્ષથી જે વ્યક્તિ તમારી જીવનસાથી હતી તેમનું મૃત્યુ થયું છે એ મારી મમ્મીને જણાવવાનું મારા માટે બહુ મુશ્કેલ હતું. મારા પિતા પરિવારના રક્ષક હતા. તેમના અવસાનને કારણે હું વધારે નિઃસહાય થઈ ગયો હોઉં એવું લાગતું હતું.

મારા પિતાને દફન કર્યા પછી હું ઝડપભેર રેહાબ પાસે પહોંચ્યો ત્યારે મને જાણવા મળ્યું હતું કે રેહાબની હાલત પણ કથળી રહી છે.

એ પછીના 11 દિવસ હું આશા અને નિરાશાની વચ્ચે ઝૂલતો રહ્યો હતો. મને રોજ જણાવવામાં આવતું હતું કે રેહાબની હાલત થોડી સુધરી છે, પણ એ ગંભીર તો છે જ. બે દિવસ પછી તેમની કિડનીને સહાયની જરૂર પડી હતી એટલે તેમને ડાયાલિસીસ પર રાખવામાં આવ્યાં હતાં, પણ રેહાબનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ સુધરવાનું શરૂ થતાં મને વોર્ડમાંથી બહાર જવાનું જણાવવામાં આવ્યું હતું.

હૉસ્પિટલે મને જણાવ્યું હતું કે હું બે દિવસ પછી રેહાબને મળી શકીશ. બે દિવસ પછી રેહાબનો વૅન્ટિલેટર સપોર્ટ હઠાવી લેવાનું ડૉક્ટરોએ વિચાર્યું હતું.

line

અચાનક પત્નીને કોરોના ભરખી ગયો

અલ્તુફ જણાવે છે કે તેમની બાળકીઓને હજુ ખ્યાલ નથી કે તેમનાં માતાનું મૃત્યુ થયું છે
ઇમેજ કૅપ્શન, અલ્તુફ જણાવે છે કે તેમની બાળકીઓને હજુ ખ્યાલ નથી કે તેમનાં માતાનું મૃત્યુ થયું છે

મેં રેહાબ માટે જે પ્રાઇવેટ નર્સની વ્યવસ્થા કરી હતી તેમણે એ રાતે આઠેક વાગ્યાની આસપાસ મને જણાવ્યું હતું કે રેહાબની હાલત સ્થિર છે. હું મારાં માતા અને દીકરીઓની ખબર કાઢવા ઘરે ગયો હતો.

રાતે 11 વાગ્યે હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને તેમણે મને તત્કાળ હૉસ્પિટલે પહોંચવા જણાવ્યું હતું.

મારું હૃદય ફફડતું હતું. હું ઝડપભેર હૉસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં રેહાબ દુનિયા છોડી ચૂકી હતી.

હૉસ્પિટલના સ્ટાફે મને જણાવ્યું હતું કે રેહાબને "હૃદયસંબંધી સમસ્યા" સર્જાઈ હતી.

હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. હું મજબૂત થઈને પરિવારને સંભાળવાનો પ્રયાસ કરતો હતો.

મને આશા હતી કે હું મારાં પત્નીને બીજી સવારે મળીશ અને તેની સાથે વાતચીત કરીશ, પણ મારું જે વિશ્વ ધરાશયી થવાની અણી પર હતું, એ વેરવિખેર થઈ ગયું હતું.

હું એ પણ વિચારતો હતો કે મારી દીકરીઓનું એવું કઈ રીતે કહીશ કે તેમનાં મમ્મી ઘરે ક્યારેય પાછાં નહીં આવે?

મેં હજુ સુધી એ વાત તેમને કહી નથી. તેમને આવું કઈ રીતે જણાવવું એ મને ખબર નથી. દીકરીઓ મને રોજ રેહાબ વિશે પૂછે છે અને હું તેમને એમ જ કહું છું કે રેહાબ હજુ હૉસ્પિટલમાં છે.

મારી નવજાત દીકરીને સંભાળવામાં મારી બહેન મને મદદ કરે છે.

line

'જો રેહાબને રસી મળી હોત તો...'

ભારતમાં ગર્ભવતી મહિલાઓને હજુ સુધી કોરોના વૅક્સિન આપી શકાતી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ગર્ભવતી મહિલાઓને હજુ સુધી કોરોના વૅક્સિન આપી શકાતી નથી

રેહાબ માત્ર અદ્ભુત સ્ત્રી જ ન હતાં, પણ પ્રેમાળ માતા, બહેન, પુત્રી અને પુત્રવધુ પણ હતાં. એ નીડર અને આત્મવિશ્વાસસભર હતાં. એ કારણે જ મોત સામે જોરદાર જંગ લડ્યાં હતાં. હું મારી દીકરીઓનો પિતા તથા માતા બન્ને બનવાનો પ્રયાસ કરી રહ્યો છું, પણ રેહાબના જવાથી અમારા જીવનમાં જે ખાલીપો સર્જાયો છે એ હું ક્યારેય પૂરી શકીશ નહીં.

ક્યારેય હું વિચારું છું કે રેહાબને બચાવવા મેં વધારે પ્રયાસ કર્યા હોત તો? હું સારી હૉસ્પિટલ શોધી શક્યો હોત તો રેહાબ બચી ગયાં હોત?

આ સવાલોના જવાબ મેળવવા આસાન નથી, પણ હું સ્પષ્ટ માનું છું કે કોવિડ વૅક્સિન આસાનીથી ઉપલબ્ધ થાય તો રેહાબ જેવી અનેક મહિલાઓને બચાવી શકાય. રેહાબને વૅક્સિન આપી હોત તો તેઓ બચી ગયાં હોત, પણ તેના માટે કોઈ વૅક્સિન ઉપલબ્ધ ન હતી અને કોવિડના ગંભીર ચેપનું જોખમ હોય એવાં ગર્ભવતી મહિલાઓ માટે વૅક્સિનની મંજૂરી સરકારે હજુ આપી નથી.

મેં મારા જીવનની ચમકતી રોશની ગુમાવી દીધી છે અને હું જે યાતનામાંથી પસાર થયો છું એવું કોઈ બીજા સાથે થાય એ હું ઇચ્છતો નથી.

રેહાબ, આવજે. હું તને પેલે પાર જરૂર મળીશ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો