ઈરાન રાષ્ટ્રપતિપદની ચૂંટણી : કટ્ટરપંથી ઇબ્રાહીમ રઈસી આગળ, ભારતને કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, વિશાલ શુક્લા
- પદ, બીબીસી સંવાદદાતા
શિયા મુસ્લિમ બહુમતીવાળા દેશ ઈરાનમાં ચૂંટણી થઈ રહી છે. 18 જૂને મતદાન છે અને જીતનારા ઉમેદવાર રાષ્ટ્રપતિ બનતા ઑગસ્ટ મહિનામાં કામકાજ સંભાળશે.
ઈરાનની આ ચૂંટણીમાં લોકતાંત્રિક સુધારો, પશ્ચિમી દેશો સાથે તકરાર અને ખરાબ અર્થવ્યવસ્થા વગેરે મહત્ત્વના મુદ્દાઓ છે.
તો જાણીએ કેવી ઈરાનની સ્થિતિ કેવી છે અને કેવા છે મુદ્દાઓ.
ચૂંટણી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, AFP, REUTERS
ઈરાનમાં દર ચાર વર્ષમાં ફ્રાન્સિસી ચૂંટણીપ્રક્રિયા પ્રમાણે ચૂંટણી થાય છે. પહેલા તબક્કાના મતદાનમાં જો કોઈ ઉમેદવારને 50 ટકાથી વધુ મત ન મળે, બીજા તબક્કામાં સૌથી વધુ મત મેળવનારા બે ઉમેદવારો માટે મત નાખવાના હોય છે.
વર્તમાન રાષ્ટ્રપતિ હસન રૂહાની 2017માં બીજી વાર ચૂંટાયા બાદ પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. બંધારણ પ્રમાણે તેઓ ત્રીજી વાર ખુરશી મેળવવા માટે ચૂંટણી ન લડી શકે.
ઈરાનમાં એક દશકથી વધુ સમય વિતાવનારા રાકેશ ભટ્ટ કહે છે, "ઈરાનના ઇસ્લામી ગણરાજ્યની નિયતીના સર્વેસર્વા ત્યાંના ધર્મગુરુ હોય છે, જેને રાહબર, પથપ્રદર્શક કે સર્વોચ્ચ નેતાની ઉપાધિથી સંબોધિત કરાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયાનો દાયરો બહુ સીમિત છે. ઈરાનમાં જે લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊતરવા માગતા હોય તેને પહેલાં આવેદન આપવું પડે છે. પછી ઈરાનમાં ગાર્જિયન કાઉન્સિંલ નામની એક સંસ્થા નક્કી કરે છે કે કયા ઉમેદવારો ચૂંટણી લડશે. ગાર્જિયન કાઉન્સિંલની બાગડોર પણ સર્વોચ્ચ નેતાના હાથમાં હોય છે."
ઈરાનમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતનારા ઉમેદવારની નિમણૂક પર સર્વોચ્ચ નેતાના સહી હોય છે. ઈરાનના રાષ્ટ્રપતિ ગાર્જિયન કાઉન્સિંલની અધ્યક્ષતા તો કરે છે, પણ તેને નિયંત્રિત નથી કરતા. ઈરાનની તમામ નીતિઓમાં ગાર્જિયન કાઉન્સિંલની દખલ હોય છે.
ચૂંટણીની પારદર્શિતા પર રાકેશ કહે છે, "કેટલાક દેશોને બાદ કરતાં દુનિયાના મોટા ભાગના દેશો પોતાની શાસનપદ્ધતિને લોકતાંત્રિક કહેવડાવવાનું પસંદ કરે છે. ઈરાન પણ તેમાં અપવાદ નથી. પણ સત્તાની પસંદગી ચૂંટણીથી કરાવવાથી જ કોઈ દેશને લોકતાંત્રિક માની લેવામાં આવે તો શું આપણે ઉત્તર કોરિયાને લોકતાંત્રિક દેશોની શ્રેણીમાં રાખી શકીએ? ક્યારેય નહીં. લોકતંત્રનું અસલી સ્વરૂપ દેશની સંસ્થાઓની સ્વાયત્તતા અને સત્તાને સવાલ પૂછવાની આઝાદી હોય છે, જેનો ઈરાનમાં અભાવ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આ વખતે કોણ-કોણ ચૂંટણી લડી રહ્યા છે?
પહેલાંની જેમ આ વખતે પણ 600થી વધુ લોકોએ ઉમેદવારી માટે નામાંકનપત્ર ભર્યું છે. પણ ગાર્જિયન કાઉન્સિંલે માત્ર સાત ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી આપી છે.
તો આ સાતમાંથી બે ઉમેદવારોએ પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં છે. એકમાત્ર સુધારાવાદી ઉમેદવાર મોહસીન મેહરઅલીઝાદેએ 16 જૂને પોતાની ઉમેદવારી પાછી ખેંચી, તો કટ્ટરપંથી ઉમેદવાર અલી રઝા ઝાકાનીએ અન્ય કટ્ટરપંથી ઉમેદવાર ઇબ્રાહીમ રઈસીના સમર્થનમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી.
મેદાનમાં હવે પાંચ ઉમેદવાર છે-
ઇબ્રાહીમ રઈસી, કટ્ટરપંથી નેતા અને ઈરાનના મુખ્ય ન્યાયાધીશ
મોહસીન રેઝાઈ, IRGCના પૂર્વ કમાન્ડર ઈન ચીફ
સઈદી જલીલી, 2015ના પરમાણુ ડીલના એક નેગોશિએટર, સિક્યૉરિટી કાઉન્સિંલના સભ્ય
અબ્દુલનસર હિમ્મતી, ઈરાની સેન્ટ્રલ બૅન્કના પૂર્વ પ્રમુખ
આમિર હુસૈન ગાઝીઝાદે હાશમી, સંસદમાં ડેપ્યુટી સ્પીકર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પશ્ચિમી દેશો સાથેના સંબંધની વાત કરવામાં આવે તો ઈરાનની રાજનીતિમાં 'ઉદારવાદી' એને માનવામાં આવે છે, જે 'ઓછા રૂઢિવાદી' હોય. સામાજિક આઝાદી અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને જેનો મત વધુ 'ઉદારવાદી' હોય તેને 'સુધારાવાદી' કહેવાય છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિ-કૂટનીતિના જાણકાર અને મધ્ય-પૂર્વ મામલા પર વિશેષ પક્કડ ધરાવતા કમર આગા કહે છે, "ઈરાનનું રાજકારણે એક વળાંક લીધો છે. અહીંનું લોકતંત્ર ભારત-બ્રિટન જેવું તો નથી. મતદાન પણ ઓછું થાય છે. અત્યાર સુધીમાં દર ચાર-આઠ વર્ષમાં કટ્ટરપંથીઓ અને ઉદારવાદીઓ વચ્ચે ખુરશીની અદલાબદલી થતી જોવા મળતી હતી, પણ આ વખતે કટ્ટરપંથી ઉમેદવારની જીત નક્કી લાગી રહી છે."
બીબીસી ફારસી સેવાના કસરા નાઝી કહે છે, "ઓછા કટ્ટરપંથી ઉમેદવારોને રેસમાંથી બહાર કરવાના પગલાએ ઈરાની ચૂંટણીને એક વ્યક્તિ માટે લાભદાયી બનાવી દીધી છે. તેનાથી ચૂંટાયેલા ઉમેદવારોમાં સૌથી વધુ કટ્ટરપંથી ઇબ્રાહીમ રઈસીની જીત નક્કી થઈ ગઈ છે. ચૂંટણી પહેલાં લાગી રહ્યું છે કે પરિણામોની બધી વ્યવસ્થા કરી દેવાઈ છે."

રઈસીની જીત કેમ પાક્કી માનવામાં આવે છે?
ઇબ્રાહીમ રઈસીએ 2017માં હસન રૂહાની સામે ચૂંટણી લડી હતી, જેમાં તેઓ હાર્યા હતા. એ ચૂંટણીમાં રૂહાનીએ ચેતવણી આપી હતી કે 'જો રઈસી ચૂંટણી જીતે તો ઈરાનીઓ પર કટ્ટરપંથી ઇસ્લામિક પ્રતિબંધો લાદશે.'
આ ચૂંટણીમાં સૌથી વધુ કટ્ટરપંથી ઉમેદવાર હોવાને કારણે તેઓ સૌથી વધુ લોકપ્રિય વિકલ્પ ગણાવાઈ રહ્યા છે. તેનો સંકેત એ રીતે પણ મળે છે કે ગાર્જિયન કાઉન્સિંલે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં સુધારાવાદી ઉમેદવારોને ચૂંટણી લડવાથી રોક્યા છે.
કસરા નાઝી કહે છે, "રિવૉલ્યુશનરી ગાર્ડ સમર્થક ફારસ ન્યૂઝ એજન્સીનો 'વિશ્વાસપાત્ર' ઓપનિયન પૉલ કહે છે કે આ વખતે 53 ટકા મતદાન થશે અને રઈસીને 72 ટકા મત મળશે. તેમની સામે કન્ઝર્વેટિવ મતનું વહેંચાવું બહુ મુશ્કેલ છે. રઈસી મૌલવીઓના એ નાના એવા સમૂહનો ભાગ છે, જેમણે 1988માં તત્કાલીન સુપ્રીમ લીટર આયતુલ્લાહ રૂહોલ્લાહ ખોમૈનીના આદેશ પર ઈરાન-ઇરાક યુદ્ધ બાદ બંદી બનાવાયેલા હજારો રાજદ્વારી કેદીઓને મારવાના આદેશ પર સહી કરી હતી. ત્યારે તેઓ તેહરાનમાં ઇસ્લામિક રિવૉલ્યુશન કોર્ટમાં એક પ્રૉસિક્યુટરના હોદ્દા પર હતા. બાદમાં અમેરિકાએ રઈસી પર પ્રતિબંધ લાદી દીધો હતો."
બ્રિટન માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, માર્યા ગયેલા કેદીઓની સંખ્યા પાંચ હજારથી વધુ હતી. રાકેશ ભટ્ટ કહે છે કે રઈસીના કટ્ટરપણા અંગે ઈરાનમાં પ્રચલિત વાત છે કે તેમની કલમ માત્ર ફાંસી લખવાનું જાણે છે.
આ વખતે ઈરાનમાં ચૂંટણી બહિષ્કારની વાતો પણ ખૂબ થઈ રહી છે. નબળી અર્થવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા અને દેશ પર લાગેલા અનેક પ્રતિબંધોને કારણે ઘણા મતદારોનો ચૂંટણીથી મોહભંગ થયો છે.
બીબીસી ફારસી સેવાના પોરિયા મહરૂયન કહે છે, "ગત ચૂંટણીમાં ઓછા મતદાનનો ફાયદો કટ્ટરપંથીઓ અને રૂઢિવાદીઓને થયો હતો. સરકાર સાથે સંબંધિત ઈરાની સ્ટુડન્ટ્સ પૉલિંગ એજન્સી (ISPA) અનુસાર, આ વખતે માત્ર 36 ટકા મતદાન થશે અને પૉલમાં રઈસી સૌથી વધુ લોકપ્રિય ઉમેદવાર ગણાવાઈ રહ્યા છે."
રાકેશ ભટ્ટ કહે છે કે ભલે સમાજના કેટલાક ભાગોમાં ચૂંટણી બહિષ્કારનો ચુપચાપ પ્રચાર થતો હોય, પણ ગ્રામીણ સમાજમાં આ પ્રકારના પ્રચારને નજરઅંદાજ કરાય છે. 2017માં ચૂંટણીમાં અહીં 42 ટકા મતદાન થયું હતું, જે ઈરાની ઇતિહાસના કોઈ પણ ચૂંટણીમાં થયેલું સૌથી ઓછું મતદાન હતું.

આ વખતે કયા મુદ્દા પર ચૂંટણી લડાઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
હસન રૂહાનીના પહેલા કાર્યકાળમાં 2015માં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી પરમાણુ ડીલને તેમની મોટી સફળતા ગણાવી હતી, પણ વિપક્ષો અનુસાર, તેઓ તેનો લાભ ન ઉઠાવી શક્યા.
2018માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે અમેરિકાને ડીલમાંથી બહાર કાઢીને ઘણા પ્રતિબંધ લાદ્યા તો ધીરેધીરે સુધારાની રાહ પર વધી રહેલી ઈરાની અર્થવ્યવસ્થાને જોરદાર ઝટકો લાગ્યો. આ ચૂંટણીમાં સૌથી વધુ વાત એ બે મુદ્દા થઈ રહી છે.
ચૂંટણીના બહિષ્કારનું અભિયાન ચલાવી રહેલા લોકો લોકતાંત્રિક આઝાદીની વાત કરે છે, કેમ કે અહીં સરકારવિરોધી પ્રદર્શનો પર ડંડાનું જોર ચાલે છે.
2017થી 2019 વચ્ચે અહીં થયેલા વિરોધપ્રદર્શનોમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. નવેમ્બર 2019માં પેટ્રોલના ભાવ વધતા વિરોધ માટે 100થી વધુ શહેરોમાં લોકો રસ્તા પર આવ્યા હતા.
સત્તાધારીઓને ખુરશી પરથી દૂર કરવાની માગ થઈ હતી. ઍમન્સ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, થોડા જ દિવસોમાં 300થી વધુ પ્રદર્શનકારીઓ સુરક્ષાબળોના હાથે માર્યા ગયા હતા.
પોરિઆ મહરૂયન કહે છે, "જો બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ નેગોશિયેશન શરૂ થવાની આશા જાગી છે, પણ મોટા ભાગના કટ્ટરપંથીઓ માને છે કે અમેરિકા સાથે વાતચીતનું કોઈ પરિણામ નહીં આવે. તો સુધારાવાદી અમેરિકા સાથે વાતચીત, FATF જેવી આંતરરાષ્ટ્રીય એન્ટી-મની લૉન્ડરિંગ ઑર્ગેનાઇઝેશન જોઈન કરવા, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ સાથે સંબંધ સુધારવાની વકીલાત કરે છે. બીજી તરફ, ચૂંટણીનો બહિષ્કાર કરનારાને લાગે છે કે આગામી રાષ્ટ્રપતિ કોઈ પણ બને, તેમની પાસે સુધારા કરવાની બહુ તકો નહીં હોય."
અમેરિકન થિન્કટેન્ક કાઉન્સિંલ ઑફ ફૉરેન રિલેશન્સ અનુસાર, "2017થી ઈરાનનું અર્થતંત્ર વધ્યું નથી અને 2020માં આ પાંચ ટકા ઘટ્યું છે. કોરોના સંક્રમણ અને તેને કારણે થયેલાં મોતમાં પણ ઈરાન અન્ય બધા ખાડી દેશોમાંથી સૌથી આગળ છે. રઈસીને 82 વર્ષના ખામનેઈના ઉત્તરાધિકારી માનવામાં આવે છે અને તેઓ પસંદગીના ઉમેદવાર પણ છે, પણ જીતતા તેઓ શાસન પર વધુ વફાદાર સાબિત થશે અને તેમની પાસે તાકાત ઓછી જ હશે."

ઈરાન ચૂંટણીની મધ્ય-પૂર્વ, અમેરિકા અને ભારત પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલના જવાબમાં રાકેશ ભટ્ટ કહે છે, "ચોક્કસ રીતે ઈરાનમાં કોઈ પણ ફેરફારની અસર મધ્ય-પૂર્વના દેશો પર હંમેશાં પડે છે. સાથે જ આ પશ્ચિમી દુનિયા અને ખાસ કરીને અમેરિકાની નીતિઓને પ્રભાવિત કરે છે."
"મધ્ય-પૂર્વમાં ઈરાનનો વધતો પ્રભાવ આપણે એ વાતથી પણ જાણી શકીએ કે બે મોટા દેશો- સાઉદી અરેબિયા અને ઇજિપ્તને છોડીને ઈરાન તમામ આરબ દેશો સાથે મિત્રતાના સંબંધો રાખ્યા છે. ઈરાનમાં કટ્ટરપંથી રાષ્ટ્રપતિ ચૂંટાતા યમનમાં ઈરાની પ્રૉક્સી સમૂહ અંસારુલ્લાહને ઈરાનથી વધુ સૈન્ય અને આર્થિક સહાય મળશે, જે સાઉદી અરેબિયા માટે શુભસંકેત તો નહીં માનવામાં આવે. તો પેલેસ્ટાઇની વિસ્તારોમાં હમાસ અને ઇસ્લામિક જેહાદ જેવાં સંગઠનોને મજૂબતી મળશે, જેનાથી ઇઝરાયલની ચિંતા વધે એ પણ સ્વાભાવિક છે."
તેઓ કહે છે, "ઈરાનમાં કટ્ટરપંથી રાષ્ટ્રપતિના હાથમાં સત્તા આવવું એ ઇરાક અને સીરિયામાં ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સનું પ્રભુત્વ પહેલાંથી વધુ થવા સમાન છે, જેનો પ્રભાવ અમેરિકાને પણ પરેશાન કરશે અને જેનું ચીન અને રશિયા સ્વાગત કરશે."
"ઈરાનનો ચીન સાથેનો 25 વર્ષનો સામરિક કરાર અને ઈરાની સૈન્યની પ્રગતિને કારણે મધ્ય-પૂર્વમાં અમેરિકાએ પોતાનાં હિતોની રક્ષા માટે નવા સંદર્ભે નીતિ-નિર્ધારણ કરવું પડશે. આ બદલાયેલા પરિવેશમાં સૈન્ય વર્ચસ્વ જ એકમાત્ર વિકલ્પ ન માની શકાય."
ભારત-ઈરાન સંબંધોના સવાલ પર રાકેશ કહે છે, "મધ્ય-પૂર્વ જ નહીં, દક્ષિણ એશિયામાં આવેલા પોતાના પડોશી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઈરાનની મિત્રતાની ન માત્ર અમેરિકા, પણ ભારત પર પણ અસર કરશે."
"ઈરાનમાં કટ્ટરપંથી સત્તાના આગવાનની છાયા ભારત પણ ચોક્કસ પડતી દેખાઈ રહી છે. ચીનથી વધતી પ્રગાઢતા અને ઇસ્લામી ઉસૂલો પરત્વેની પ્રતિબદ્ધતા ઈરાનને વર્તમાન ભારતીય નીતિઓનું પ્રશંસક તો નહીં બનાવે. આમ તો ઇસ્લામી ઈરાન ભારતને પોતાના મિત્રના રૂપમાં જુએ છે, પણ ભારતનો અમેરિકા પ્રત્યેનો વધુ પડતો ઝોક ઈરાનની કટ્ટર સત્તાને ખટકશે જ."

ચૂંટણી પરિણામોનું શું મહત્ત્વ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ચૂંટણી પરિણામો અંગે કમર આગા કહે છે, "કટ્ટરપંથી અને રૂઢિવાદી નેતાઓની જીતનું મહત્ત્વ એ છે કે ઈરાન રેઝિસ્ટેન્ટ ઇકૉનૉમી તરફ વધશે. રેઝિસ્ટેન્ટ ઇકૉનૉમી એટલે કે પોતાની જરૂરિયાતોની ચીજો જાતે તૈયાર કરવી. એવામાં પશ્ચિમી દેશોથી પ્રતિબંધ હઠાવવાની આશા પણ વધુ નહીં રહે."
"જોકે ઈરાન પોતાના પડોશી દેશો કરતાં કેટલોક વિકસિક અને ઔદ્યોગિક દેશ છે, પણ યુરોપ સાથેના સંબંધોમાં કોઈ ખાસ આશા નથી. ઈરાનનું અમેરિકા સાથે પરિમાણુ ડીલમાં પાછા ફરવું સંભવતઃ એ વાત પર નિર્ભર કરે છે કે તેને કેટલા તેલની નિકાસ પર મંજૂરી મળે છે. ઘણા પ્રતિબંધો હોવાને કારણે વિકલ્પ પણ વધુ નહીં હોય."
કમર આગા એ પણ કહે છે કે જો કટ્ટરપંથી જીતે તો ઈરાનનો સામાજિક બદલાવ ઉદારવાદ તરફ નહીં વધે. તેમની નજરમાં કોઈ વિપક્ષી નેતા આજની તારીખે પડકારજનક લાગતો નથી. તેઓ કહે છે કે જો સમય કોઈને આવા નેતા બનાવી દે તો અલગ વાત છે.
કસરા નાઝી કહે છે કે રઈસીનું રાષ્ટ્રપતિ બનવું ઘણા ઈરાનીઓ અને માનવાધિકાર કાર્યકરો માટે ચિંતાનો વિષય હશે.
પોરિઆ મહરૂયન કહે છે કે 1997થી ઈરાનની ચૂંટણી કટ્ટરપંથીઓ અને સુધારાવાદીઓ વચ્ચે પોલરાઇઝ્ડ થઈને રહી છે. એવામાં ઈરાનના રાજનીતિક તંત્રને વૈધાનિકતા આપવા માટે મોટી સંખ્યામાં મતદાન જરૂરી છે.
તો રાકેશ ભટ્ટ કહે છે, "ઈરાની સમાજનું ચરિત્ર ઉગ્ર ક્યારેય રહ્યું નથી. ભલે ત્યાંની સત્તા પોતાની હઠધર્મિતાને આ સમાજમાં પણ જોવા માગતી હોય. ઇસ્લામી ક્રાંતિ બાદ ઈરાનમાં નરમપંથી અને કટ્ટરપંથી સરકારો રહી, પણ તેમની રહબરિયત (પથપ્રદર્શક) એક કટ્ટર ધર્મગુરુના માધ્યમથી થાય છે, આથી કોઈ પણ રાષ્ટ્રપતિમાં એ સાહસ ન હોઈ શકે, જે લોકોના મત પ્રત્યે વફાદારી કરી શકે."

શું ઈરાનને કટ્ટર વલણ જ માફક આવે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
અમેરિકા સાથે વિખવાદ હોય, તુર્કી સાથે પ્રતિદ્રંદ્વિતા હોય, સાઉદી અરેબિયા સાથે ઝઘડો હોય કે ઇઝરાયલનો વિરોધ હોય... ઈરાનના સૂર હંમેશાં કટ્ટરપંથી જૂથમાં જોવા મળે છે. લાંબા સમય સુધી આ રણનીતિમાં કામ કર્યા છતાં પણ તેઓ ઉદારવાદી વલણ કેમ અપનાવવા નથી માગતા?
આ સવાલના જવાબમાં કમર આગા કહે છે, "ઈરાનમાં ધર્મગુરુનું શાસન છે અને આપણે દુનિયાના ઘણા દેશોમાં જોયું છે કે ઇસ્લામી તાકતોનું સત્તામાં આવવાથી તેમનો ઉદારવાદી શક્તિઓ સાથે સંઘર્ષ થાય છે. સાઉદી અરેબિયા પણ તેનું ઉદારહણ છે."
"ઉદાહરણ એ વાતનાં પણ છે કે કેવી રીતે ફન્ડામેન્ટલિઝમ અને રૂઢિવાદી નીતિઓથી આર્થિક સમસ્યા પેદા થાય છે."
કમર આગા કહે છે, "ઈરાનમાં ફારસી રાષ્ટ્રવાદનાં મૂળ બહુ ઊંડાં છે, જેને ધાર્મિક રાષ્ટ્રવાદ સાથે ખૂબ પ્રમોટ કરાયા છે. તેમની અંદર પોતાની હજારો વર્ષો જૂની સભ્યતા પર ગર્વની ભાવના છે. ત્યાં નવરોઝ આજે પણ પોતાના અસલી સ્વરૂપમાં મનાવવામાં આવે છે."
અમેરિકા સાથે ડીલમાં ઈરાનના પાછા આવવાના કૂટનીતિક પ્રયાસો તો શરૂ થઈ જ ગયા છે. હવે આ ચૂંટણીથી એ નક્કી થઈ જશે કે કમસે કમ આગામી ચાર વર્ષ ઈરાનમાં શું થવાનું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













