તમે કયા પ્રકારનું પાણી પીઓ છો? આરઓ અને વૉટર ફિલ્ટરનું પાણી પીવાથી શું થાય?

'બ્લેક વોટરના નામથી 8થી 9 પીએચ ધરાવતું પાણી બજારમાં મળવા લાગ્યું છે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'બ્લેક વોટરના નામથી 8થી 9 પીએચ ધરાવતું પાણી બજારમાં મળવા લાગ્યું છે'
    • લેેખક, લાક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી તામિલ

વિખ્યાત મિનરલ વૉટર બ્રાન્ડ બિસ્લેરીને તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ હસ્તગત કરશે તેવા સમાચાર થોડા દિવસ પહેલાં આવ્યા હતા. આ સમાચારને પગલે એ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કે, આપણે રોજબરોજ નળનું જે પાણી પીએ છીએ, તેના કરતાં મિનરલ વૉટર બહેતર છે કે કેમ.

કુદરતી સ્રોતોમાંથી મેળવવામાં આવતાં પીવાનાં પાણી ઉપરાંત પાણીના કેટલા પ્રકાર છે? પાણીનું સર્જન કેવી રીતે થાય છે? તે આપણા આરોગ્ય માટે કેટલું ઉપકારક છે?

હાઇડ્રોજનનાં બે અણુ અને એક ઑક્સિજન અણુ મળીને પાણીનો પરમાણુ બનાવે છે. આવા લાખો અણુઓ એક સાથે મળીને પાણીનું ટીપું બનાવે છે. પૃથ્વીના 71 ટકા હિસ્સામાં પાણી છે. તે પૈકીનું 96.5 ટકા સમુદ્રનું પાણી છે. પૃથ્વી પર માત્ર એક ટકા પાણી એવું છે, જેનો ઉપયોગ માનવ જરૂરિયાતો માટે થઈ શકે છે.

આ પૃથ્વી પર માનવજીવન પાણી વિના અશક્ય છે, કારણ કે શરીરમાં મેટાબૉલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા યોગ્ય રીતે થાય તે માટે પાણી ખૂબ જ જરૂરી છે. માનવ શરીર પણ 70 ટકા સુધી પાણીથી ભરેલું છે. આ બધું આપણે સામાન્ય વિજ્ઞાનનાં પુસ્તકોમાં ભણી ગયા છીએ.

પીવાના પાણીની વિશેષતા શું છે? તે પાણીમાં શું-શું હોવું જોઈએ? આપણે બધા જે મિનરલ વૉટર ખરીદીને પીએ છીએ તેમાં ખાસ શું છે? ખરેખર ક્યું પાણી સલામત છે? ચાલો, હવે આ સવાલોના જવાબ મેળવીએ.

બીબીસી ગુજરાતી

કેટલા પ્રકારનું પાણી ઉપલબ્ધ છે?

કુદરતી પાણીનો સામાન્ય રીતે કોઈ રંગ કે સ્વાદ હોતો નથી
ઇમેજ કૅપ્શન, કુદરતી પાણીનો સામાન્ય રીતે કોઈ રંગ કે સ્વાદ હોતો નથી

6.5થી 7.5ની વચ્ચેનું પીએચ મૂલ્ય ધરાવતું કોઈ પણ કુદરતી પાણી, સામાન્ય પાણી ગણાય છે. આ પાણીનો સામાન્ય રીતે કોઈ રંગ કે સ્વાદ હોતો નથી. તેનો ઉપયોગ પીવા માટે કરી શકાય છે.

રિવર્સ ઑસ્મોસિસ (આરઓ) પદ્ધતિના ઉપયોગ વડે પાણીમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે અને આરઓ વૉટર લાંબા સમયથી ઉપલબ્ધ છે.

પાણીમાં કેટલાંક તત્ત્વો કે ખનિજ ઉમેરવામાં આવે અથવા તેનું પ્રમાણ ઘટાડવામાં આવે તો તે શુદ્ધ પાણીને પૅકેજ્ડ વૉટર, ડિસ્ટિલ્ડ, મિનરલ વૉટર કહેવામાં આવે છે.

હવે બ્લૅક વૉટરના નામથી 8થી 9 પીએચ ધરાવતું પાણી પણ બજારમાં મળવા લાગ્યું છે, એવું કરીમનગરની સતવાહન યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગનાં વડા પ્રોફેસર વોદ્દીરાજુએ નમ્રતાએ બીબીસીને જણાવ્યું હતું.

નદીઓ, તળાવો, કૂવાઓ અને બોરવેલ્સનું પાણી ઓઝોનાઇઝ્ડ હોય છે
ઇમેજ કૅપ્શન, નદીઓ, તળાવો, કૂવાઓ અને બોરવેલ્સનું પાણી ઓઝોનાઇઝ્ડ હોય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું હતું “સામાન્ય પાણી નદીઓ, તળાવો, કૂવાઓ અને બોરવેલ્સમાં ઉપલબ્ધ હોય છે. તે ક્લોરિનેટેડ અથવા ઓઝોનાઇઝ્ડ છે. તેને સુરક્ષિત પાણીમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને સરકાર દ્વારા નળ અને ટૅન્કરથી લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. તેને સારું ગુણવત્તાયુક્ત પીવાનું પાણી કહી શકાય.”

આ પાણીને ઘરમાં આરઓ પ્રોસેસ મશીનનો ઉપયોગ કરીને ફરી ફિલ્ટર કરવામાં આવે છે. આમ કરવાથી પાણીમાંની અશુદ્ધિઓ દૂર થાય છે અને સારી ગુણવત્તાવાળું પાણી ઉપલબ્ધ થાય છે. તેને આરઓ અથવા પ્યોરિફાઇડ વૉટર કહેવામાં આવે છે.

આ પાણીનો સંગ્રહ કરીને, પ્લાસ્ટિક કે કાચની બૉટલો કે પ્લાસ્ટિકના પૅકેટમાં ભરવામાં આવે તો તેને પૅકેજ્ડ વૉટર કહેવાય છે. પાણીને ઉકાળીને તેમાંથી તમામ પ્રકારના ક્ષાર, ખનિજ તથા કાર્બનિક પદાર્થોને દૂર કરવામાં આવે અને તે પાણીને વરાળસ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે તેને ડિસ્ટિલ્ડ વૉટર કહેવામાં આવે છે.

“આ પાણી પીવાથી તમારી તરસ જરૂર છીપાય છે, પરંતુ તમારા શરીરને કોઈ મિનરલ્સ મળતાં નથી, કારણ કે અન્ય ઍલીમેન્ટ્સને કોઈ પ્રતિક્રિયા આપતું નથી. ડિસ્ટિલ્ડ વૉટરનો ઉપયોગ પ્રયોગશાળાઓ અને મશીનરીમાં કરવામાં આવે છે,” એવું પ્રોફેસર નમ્રતાએ કહ્યું હતું.

બીબીસી ગુજરાતી

મિનરલ વૉટર શું છે?

મિનરલ વોટરના નામે બોટલ્સ વોટર પીએ છીએ
ઇમેજ કૅપ્શન, મિનરલ વોટરના નામે બોટલ્સ વોટર પીએ છીએ

મિનરલ્સ વિનાનું પાણી માનવ શરીર માટે કોઈ કામનું નથી. આપણે મિનરલ વૉટરના નામે બૉટલ્ડ વૉટર પીએ છીએ. મિનરલ વૉટર એ પાણી છે, જે પૃથ્વીની અંદરની બાજુએ અથવા સપાટી પર ઉપલબ્ધ હોય છે.

તેમાં સોડિયમ, પોટેશિયમ, કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવાં ખનિજો હોય છે. તેમાં માનવ શરીરની જરૂરિયાત કરતાં વધુ કે ઓછાં ખનિજો હોય છે. આ પાણી તેના મૂળ સ્વરૂપમાં પીવાથી સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

તેથી બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ (બીઆઈએસ) પ્રમાણિત મિનરલ વૉટર પીવું જોઈએ. તેનાથી શરીરમાં પાચન માટે જરૂરી મિનરલ્સ સંતુલિત પ્રમાણમાં રહેશે.

પ્રોફેસર નમ્રતાના કહેવા મુજબ, “કેટલીક કંપનીઓ પ્લાસ્ટિક અથવા કાચની બૉટલમાં મિનરલ વૉટર વેચે છે. આપણા પૈકીના ઘણા લોકો મુસાફરી દરમિયાન એવું પાણી પીતા હોય છે, પરંતુ તેમાં બીઆઈએસ પ્રમાણિત ખનિજો છે કે નહીં તે ચકાસવું જોઇએ. તેની સાથે પાણીમાં ટીડીએસનું પ્રમાણ 500 મિલિગ્રામ પ્રતિ લિટરથી વધારે ન હોવું જોઈએ.”

બીબીસી ગુજરાતી

ટીડીએસ શું છે?

500થી વધુ ટીડીએસ ધરાવતા પાણીને હાર્ડ વોટર કહે છે
ઇમેજ કૅપ્શન, 500થી વધુ ટીડીએસ ધરાવતા પાણીને હાર્ડ વોટર કહે છે

ટીડીએસ એટલે ટોટલ ડિઝૉવ્લ્ડ સોલિડ્સ. ટીડીએસ પાણીની ગુણવત્તાના સંદર્ભ માટે વપરાતો શબ્દ છે. પીવાના ગુણવત્તાયુક્ત પાણીમાં ઓગળેલા કાર્બનિક ક્ષાર, કૅલ્શિયમ, પોટેશિયમ, મૅગ્નેશિયમ, સોડિયમ, બાયકાર્બોનેટ્સ, ક્લોરાઇડ્ઝ, સલ્ફાઇટ્સ અને ઓછી માત્રામાં કાર્બનિક પદાર્થ હોય છે.

એ ઉપરાંત તેમાં કૅડિમિયમ, સીસું અને નિકલ જેવી ધાતુ પણ અલ્પ પ્રમાણમાં હોય છે. આ બધા પદાર્થોની કુલ માત્રાને ટોટલ ડિઝોલ્વ્ડ સૉલિડ્ઝ કહેવામાં આવે છે. એક લીટર પાણીમાં તેનું પ્રમાણ 500 મિલિગ્રામથી વધારે હોવું ન જોઈએ. બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝના ધોરણ મુજબ, તે પ્રતિ લિટર 100 મિલિગ્રામથી ઓછું ન હોવું જોઈએ.

તેથી આપણે જે પાણી પીએ છીએ, તેમાં ટીડીએસનું પ્રમાણ 100 મિલિગ્રામથી ઓછું હોય તો તેનો અર્થ એવો થાય કે તેમાં જરૂરી ખનિજો નથી. 500થી વધુ ટીડીએસ ધરાવતા પાણીને હાર્ડ વોટર કહેવામાં આવે છે અને તેવું પાણી પીવાથી શરીર માટે કોઈ અર્થ સરતો નથી.

પીવાના પાણીમાં ટીડીએસનું પ્રમાણ 100થી 500ની વચ્ચે હોવું જોઈએ. આપણે જે પાણી પીએ છીએ તેમાં કેટલું ટીડીએસ છે તે જાણવાના મશીનો બજારમાં ઉપલબ્ધ છે.

બીબીસી ગુજરાતી

પાણીની ગુણવત્તા કેવી રીતે માપવામાં આવે છે?

'પાણીની ગુણવત્તા ચકાસવા માટે 60 ટેસ્ટ્સ કરવામાં આવે છે'
ઇમેજ કૅપ્શન, 'પાણીની ગુણવત્તા ચકાસવા માટે 60 ટેસ્ટ્સ કરવામાં આવે છે'

પાણીની ગુણવત્તા તથા તે પીવા યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે બીઆઈએસ ચોક્કસ પરીક્ષણ કરે છે, જેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ડ્રિંકિંગ વૉટર સ્પેસિફિકેશન-10500 કહેવામાં આવે છે.

પાણીની ગુણવત્તાના પરીક્ષણ કરતી સરકાર માન્ય લેબોરેટરીમાં વરિષ્ઠ જળ વિશ્લેષક તરીકે કામ કરતા બુદ્ધ રવિપ્રસાદે બીબીસીને જણાવ્યું હતું કે, “પાણીમાં અમુક પદાર્થો, તત્ત્વો કે ખનિજ હોઈ શકે છે, પરંતુ કાયમ હોય જ એવું જરૂરી નથી.”

તેમણે કહ્યું હતું કે, “પાણીની ગુણવત્તા ચકાસવા માટે 60 ટેસ્ટ્સ કરવામાં આવે છે. તેમાં કેમિકલ ટેસ્ટ તેમજ માઈક્રોબાયોલૉજી ટેસ્ટ્સનો સમાવેશ થાય છે. પીએચ, ટીડીએસ, કુલ ક્ષારતા, હાર્ડનેસ, મેટલ્સ વગેરે રાસાયણિક પરીક્ષણો દ્વારા નક્કી કરવામાં આવે છે. પાણીમાંના બૅક્ટેરિયા, ફૂગ, જંતુનાશક વગેરેના અવશેષોના પરીક્ષણ માટે માઈક્રોબાયોલૉજી ટેસ્ટ્સ કરવામાં આવે છે.”

રવિપ્રસાદે ઉમેર્યું હતું કે, “મુખ્ય પરીક્ષણોની વાત કરીએ તો પાણીમાં પીએચનું પ્રમાણ 6.5થી 7.5 સુધીનું હોવું જોઈએ, જ્યારે બાય-કાર્બોનાઈટ પ્રતિ લિટર 200 એમજી, કેલ્શિયમ પ્રતિ લિટર 75 એમજી, મેગ્નેશિયમ પ્રતિ લિટર 30 એમજી, નાઈટ્રેટ પ્રતિ લિટર 45 એમજી, ટોટલ આર્સેનિક પ્રતિ લિટર 0.01 એમજી, કૉપર પ્રતિ લિટર 0.05 એમજી, ક્લોરાઇડ્ઝ પ્રતિ લિટર 250 એમજી, સલ્ફેટ પ્રતિ લિટર 200 એમજી, ફ્લોરાઇડ પ્રતિ લિટર એક એમજી, આયર્ન પ્રતિ લિટર 0.3 એમજી, મર્ક્યુરી પ્રતિ લિટર 0.01 એમજી અને ઝિંક પ્રતિ લિટર 5 એમજી હોવું જોઈએ.”

બીબીસી ગુજરાતી

પાણીની ગુણવત્તામાં તફાવત હોય તો શું થાય?

પાણીને ઘરમાં આરઓ પ્રોસેસ મશીનનો ઉપયોગ કરીને ફરી ફિલ્ટર કરવામાં આવે છે
ઇમેજ કૅપ્શન, પાણીને ઘરમાં આરઓ પ્રોસેસ મશીનનો ઉપયોગ કરીને ફરી ફિલ્ટર કરવામાં આવે છે

પર્યાવરણ વિજ્ઞાનના નિવૃત્ત પ્રોફેસર ઈયુબી રેડ્ડીએ બીબીસીને જણાવ્યું હતું કે, “પાણી પીવાલાયક છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે અનેક પરીક્ષણ કરવામાં આવે છે.”

તેમણે કહ્યું હતું કે, “બીઆઈએસના ધારાધોરણ મુજબ, ફ્લોરાઇડનું પ્રમાણ એકથી વધુ હોય તો ડેન્ટલ ફ્લોરોસિસ થાય છે અને સોડિયમનું પ્રમાણ વધારે હોય તો બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય છે. ખેતરોમાં વપરાતું નાઇટ્રેટ પીવાના પાણી મારફત આપણા શરીરમાં જાય તો પણ સમસ્યા સર્જાય છે.”

“તેનાથી લોહીમાં ઑક્સિજનનો પુરવઠો ઘટે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ચક્કર આવે છે. તેને ‘બ્લુ બેબી સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. આર્સેનિકનું વધુ પ્રમાણ ત્વચા પર ફોલ્લીનું કારણ બની શકે છે. ઓછા કૅલ્શિયમથી હાડકાંની સમસ્યા સર્જાઈ શકે છે અને ઓછા ટીડીએસવાળું પાણી પીવાથી મજ્જાતંત્ર પર અસર થઈ શકે છે.”

તેમણે એ પણ જણાવ્યું હતું કે, “પાણીનો સ્વાદ સારો ન હોય, તેનો રંગ બદલાય અથવા તેમાં સ્ટ્રીક્સ જોવા મળે તો સમજી લેવું જોઈએ કે પાણીમાં કંઇક ગડબડ છે અને તે પીવાલાયક નથી. એવા પાણીનું પરીક્ષણ સરકાર માન્ય કે સરકારી લેબોરેટરીઝમાં તત્કાળ કરાવવું જોઈએ.”

બીબીસી ગુજરાતી

કોઈ પણ પ્રકારના પાણીને ઉકાળવાથી તે શુદ્ધ થઈ જાય?

"પાણીમાં પ્રદૂષણને કારણે 250 પ્રકારના રોગ થઈ શકે છે”
ઇમેજ કૅપ્શન, "પાણીમાં પ્રદૂષણને કારણે 250 પ્રકારના રોગ થઈ શકે છે”

પાણીને પીવાના વપરાશમાં લેતાં પહેલાંની મૂળભૂત સાવચેતીની વાત કરતાં યુઈબી રેડ્ડીએ કહ્યું હતું કે, “વરસાદનું પાણી, વાદળામાં હોય છે ત્યારે ડિસ્ટિલ્ડ વૉટર જેવું હોય છે. જમીન પર આવતાંની સાથે તેમાં પ્રદૂષણ ભળે છે. હવા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરેથી પ્રદૂષિત થતી હોય છે. એ પ્રદૂષણને સસ્પેન્ડેડ પાર્ટિકલ મેટર (એસપીએમ) કહેવામાં આવે છે. પાણીમાં પ્રદૂષણને કારણે 250 પ્રકારના રોગ થઈ શકે છે.”

“આરઓ દ્વારા પાણીનું શુદ્ધિકરણ પાણીમાંના પોષક તત્ત્વોને દૂર કરતું હોય છે. પાણીને વારંવાર ફિલ્ટર કરવું યોગ્ય નથી. રેફ્રિજરેટેડ પાણીમાં પણ બૅક્ટેરિયા ઝડપથી એકઠા થાય છે. પાણીની ગુણવત્તા વિશે ખાતરી ન હોય ત્યારે પાણી ઉકાળીને પીવું યોગ્ય છે.”

યુઈબી રેડ્ડીએ ઉમેર્યું હતું કે, “પાણીને ચોખ્ખાં કપડાંમાં ગાળીને, અલ્ટ્રા વાયોલેટ લાઈટ ફિલ્ટર્સના ઉપયોગ વડે પણ શુદ્ધ કરી શકાય છે.”

બીબીસી ગુજરાતી

બ્લૅક વૉટર કોના માટે ઉપયોગી છે?

બ્લેક વોટર

ઇમેજ સ્રોત, EVOCUS

ઇમેજ કૅપ્શન, 'બ્લેક વોટર પીવાથી શરીરમાં આલ્કલાઈન સમસ્યા સર્જાઈ શકે છે'

તાજેતરનાં વર્ષોમાં બ્લૅક વૉટર કે આલ્કલાઇન વૉટર લોકપ્રિય બન્યું છે. આ પાણીનો ઉપયોગ મોટાભાગે ક્રિકેટરો અને મૂવી સેલિબ્રિટીઝ કરે છે. સારી ગુણવત્તાવાળા પાણીનું પીએચ સાતની આસપાસ હોય છે, પરંતુ ડાયેટિશિયન સુનિતા વિશાખાના જણાવ્યા મુજબ, “બ્લૅક વૉટરમાં તેનું પ્રમાણ આઠથી નવ પીએચનું હોય છે.”

સુનિતા વિશાખાએ કહ્યું હતું કે, “આપણે ભલે ગમે તે ખાઈએ, પણ શરીરમાં એસિડનું ઉત્પાદન થતું જ હોય છે. તેને સંતુલિત કરવા માટે ઉચ્ચ આલ્કલાઇન ગુણધર્મોવાળું બ્લૅક વૉટર ઉપયોગી સાબિત થાય છે અને તેનાથી વ્યક્તિ સક્રિય રહે છે.”

“જોકે, જેઓ આકરી મહેનત ન કરતા હોય તેમના માટે આ પાણી પીવાથી સમસ્યા સર્જાઈ શકે છે. શરીર સક્રિય ન હોય તો બ્લૅક વૉટર પીવાથી શરીરમાં આલ્કલાઇન સમસ્યા સર્જાઈ શકે છે. બ્લૅક વૉટરમાં કેટલાંક મિનરલ સૉલ્ટ્સ પણ ઉમેરવામાં આવે છે. વધારે પડતું બ્લૅક વૉટર પીવું પણ સારું નથી.”

બીબીસી ગુજરાતી

‘દરેક ઘર માટે પીવાનું પાણી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં જળ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં જળ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો

શરીરને મહત્વપૂર્ણ ઊર્જા પૂરી પાડતા જળ સંસાધનો દેશમાં ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જે પાણી ઉપલબ્ધ છે તે પણ ઓછું સલામત છે. તેથી કેન્દ્ર સરકારે દરેક ઘરમાં પીવાનું સલામત પાણી પૂરું પાડવા માટે કેટલીક યોજનાઓ શરૂ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની 15 ઑગસ્ટે જળ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ મિશન હેઠળ 2024 સુધીમાં દેશના ગ્રામ્ય વિસ્તારોમાંના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સમાન ભાગીદારી સાથે આ યોજનાનો અમલ કરી રહી છે.

કેન્દ્ર સરકારે 2021ની પહેલી ઑક્ટોબરથી ‘અમૃત અર્બન 2.0’ મિશનનો પ્રારંભ કર્યો હતો. આ મિશનનો હેતુ દેશના તમામ શહેરોમાં પીવાનું પાણી પૂરું પાડવાનો છે. આ મિશન 2025-26 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રના આવાસ તથા શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે ત્યારે દેશના તમામ નાગરિકોને જળસ્રોત સંરક્ષણ તથા રિસાયક્લિંગ દ્વારા સારું પાણી પૂરું પાડવામાં આવશે.

બીજી તરફ એશિયન ડેવલપમેન્ટ બૅન્કના અનુમાન અનુસાર, 2030 સુધીમાં દેશમાં પાણીની તંગીનું પ્રમાણ 50 સુધીનું થઈ જશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી