ગુજરાત ચૂંટણી : સૌરાષ્ટ્રના ખેડૂતોની કેવી દશા છે? ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા

- ગુજરાતમાં પહેલી અને પાંચ ડિસેમ્બરે અનુક્રમે પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન થશે
- આઠ ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે
- ગુજરાતમાં આ વખતે ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે
- ગુજરાતમાં કૉંગ્રેસ ખેડૂતોની સમસ્યા સહિત મોંઘવારીનો મુદ્દો પણ ઉઠાવી રહી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે અને પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે, એવામાં બીબીસીએ સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામડાંના ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે.
તાજેતરમાં લસણના ભાવ ગગડતા ખેડૂતોએ મફતમાં વહેંચવાનું શરૂ કરી દીધું હતું એવા અહેવાલ પ્રગટ થયા હતા.
ખરાબ આર્થિક સ્થિતિને પગલે ખેડૂતોની આત્મહત્યાના અહેવાલો પણ સમયાંતરે છપાતા રહે છે.એવામાં ગુજરાતમાં ખેડૂતોની હાલત શું છે?
સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ભ્રમણ કરતા અમારી પીઠ પાછળ ખેડૂતોએ ડ્રાઈવરને પૂછ્યું કે આમના આવવાનો શો ફાયદો? લોકો આવીને ફોટા પાડી અને પડાવી જાય છે, એનાથી અમારી હાલતમાં કોઈ સુધારો થતો નથી.
વીરવદરકા ગામમાં 75 વર્ષીય ખેડૂત મોહમ્મદભાઈના ઘેર પણ આવી જ વાત સાંભળવા મળી.
તેમની 20 વીઘા જમીન છે પણ ખેતી માટે પાણી ન મળવાને કારણે તેઓ વરસાદી ખેતી પર જ નભે છે.
તેમણે કારણ જણાવતા કહ્યું કે નહેર તૂટેલી હોવાથી અહીં સુધી પાણી નથી પહોંચતું.
તેઓ કહે છે, “વરસાદ ન પડે તો કાંઈ નથી પાકતું. વરસાદ પડે તો કપાસ, જુવાર, બાજરી થાય. કૅનાલ છે પણ તૂટેલી ફૂટેલી કૅનાલનું શું કરવાનું? કોઈ અધિકારી મદદ નથી કરતું. 2000 રૂપિયા મળતા હતા, પણ પાંચ-છ મહિનાથી એ પણ નથી મળતા. મર્યા વાંકે જીવે છે બધા ખેડૂતો.”
મોહમ્મદભાઈનાં પત્ની હસીનાબહેન કહે છે, દીકરીઓ આરોગ્યકર્મી તરીકે કામ કરે છે તેમાંથી ઘરખર્ચ નીકળે છે. વરસાદ પડે તો થોડોઘણો ખર્ચો નીકળે.
ખેડૂતોએ જણાવ્યું કે ડીઝલ, બિયારણ, દવાઓ, ખાતર વગેરેના ભાવો વધવાને કારણે, પાણી ન મળવાને કારણે તેમની હાલત એટલી ખરાબ છે કે યુવાનો ગામ છોડીને જઈ રહ્યા છે.
ખેડૂત દીપકદાન ગઢવી કહે છે, નોકરી નથી મળતી ત્યારે મારા જેવા ગામમાં અનેક યુવાનો છે, જેમને માત્ર કૃષિના આધારે કોઈ કન્યા પરણાવવા તૈયાર નથી. ખેતી એટલે મૂસીબત એવું માને છે બધા.
તેઓ ઉમેરે છે, ખેતીમાં પાણી નથી મળતું, પાકના ભાવ નથી આવતા, નિભાવણી મોંઘી એ સ્થિતિમાં ઘણી વખત તો આવક કરતાં ખર્ચ વધી જાય છે.
ગામડાંમાં પાણી પહોંચાડવા માટે સરકારે ઘણી યોજનાઓ બનાવી છે પણ લોકોનું કહેવું છે કે અનેક જગ્યાએ પાણી પહોંચવું જોઈએ ત્યાં નથી પહોંચ્યું અને તેના કારણમાં તેઓ નહેરની ખરાબ ગુણવત્તાને જવાબદાર ઠેરવે છે.

આ ગામમાં 13 વર્ષથી નર્મદાની પાણીની કૅનાલ તૂટેલીફૂટેલી હાલતમાં પડી છે એમ દીપકદાન કહે છે.
વીરવદરકાથી થોડે દૂર કોયબા ગામમાં સિંચાઈની સારી સ્થિતિ છે પરંતુ ખેડૂતો તેમની ઊપજના મળતા ભાવથી ખુશ નથી.
બજારમાં લસણના ભાવ એટલા ઓછા છે કે ગામના ખેડૂત રજનીભાઈએ 11 મહિનાથી ઘરમાં લસણ સંઘરી રાખ્યું છે. ઘણા ખેડૂતોએ લસણ મફતમાં વહેંચ્યું હતું.
રજનીભાઈ કહે છે કે લસણના ભાવ નક્કી નથી હોતા. આ વર્ષે 100-150 રૂપિયા ભાવ છે, ગત વર્ષે હજાર ઉપર હતો. એ પહેલાંના વર્ષે 2500 રૂપિયા સુધી ભાવ ગયો હતો.
ગામમાં ઘણા ખેડૂતોએ કહ્યું કે મોંઘવારી, ઊપજનો યોગ્ય ભાવ ન મળવો કે પછી અન્ય કોઈ પણ સમસ્યા હોય, તેમની હાલત દેશના અન્ય ખેડૂતોથી અલગ નથી.

ગુજરાત કિસાન સંગઠનના જેકે પટેલ કહે છે, પહેલાં અમે ટ્રેક્ટરથી લણણી કરતા હતા ત્યારે ડીઝલના ભાવ 65 રૂપિયા હતા. એ ભાવ આજે બમણા થઈ ગયા. એની સામે 2-3 વર્ષ પહેલાં અમને ડીએપી (ખાતર) 650 રૂપિયામાં મળતું હતું. આજે 1400 રૂપિયામાં મળે છે. આમ અમારો ખર્ચ બમણો થઈ ગયો અને સામે ઉત્પાદનના ભાવ ઘટી ગયા છે.
દ્વારકાના ઘસેડી ગામમાં ખેડૂતોએ જણાવ્યું કે પાંચ-છ વર્ષથી એટલો વરસાદ પડે છે કે પાણીપાણી થઈ જાય છે અને ખેતીને ભારે નુકસાન થાય છે.
ખેડૂત જેનસભા કહે છે, પહેલાં અમને વીમાના પૈસા મળતા હતા પરંતુ પ્રધાનમંત્રી વીમા યોજના ખતમ થઈ ગયા પછી ખેડૂત મજબૂર બની ગયો. મુખ્ય મંત્રી કિસાન યોજનાની એક મર્યાદા છે. તેમાં 33 ટકા વરસાદ પડે તો તમને 25 હજાર પ્રતિ હેક્ટર મળે.
અર્થશાસ્ત્રીઓ અને રાજનેતાઓ આ અંગે શું કહે તે જોવા માટે જુઓ આ વીડિયો અહેવાલ...





