ઓરીનાં લક્ષણો શું છે, જાણો ઓરી વિશેના દસ સવાલોના જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગુલશનકુમાર વણકર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
દુનિયાએ ઓરીનો પ્રકોપ વારંવાર જોયો છે અને ભારત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી.
ઓરી એક સંક્રામક રોગ છે, અને માત્ર પૂર્ણ રસીકરણ દ્વારા જ તેને રોકી શકાય છે. પરંતુ જો ઓરી નીકળી હોય તો અથવા તેની ગંભીર આશંકા હોય તો આપણે શું કરવું જોઈએ?
લોકોના મનમાં એવા ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.
બીબીસીએ આ અહેવાલમાં એવા દસ સવાલોના જવાબ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જે ઓરી અંગે તમારા મનમાં પણ આવતા હોઈ શકે છે.
1. ઓરી શું છે?
ઓરી એક ચેપી રોગ છે જે 'પેરામાઇક્સોવાઇરસ' નામના વિષાણુથી ફેલાય છે.
જો ઓરીથી પીડિત વ્યક્તિને ઉધરસ કે છીંક આવે તો વ્યક્તિના થૂંકના કણોમાં વાઇરસ આવી જાય છે અને હવામાં ફેલાઈ જાય છે.
આ વાઈરસ કોઈ પણ સ્વસ્થ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. ઓરીનાં લક્ષણ સામાન્ય રીતે બીજા સપ્તાહની અંદર આવવાના શરૂ થાય છે.
ઓરીથી પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ઓરીનું સંક્રમણ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2. ઓરીનાં લક્ષણ શું છે?

બાળકોમાં તેની શરૂઆતના લક્ષણો અલગ-અલગ દેખાય છે. જેમ કે...
- શરદી અને તાવ
- ઉધરસ
- ગળામાં તકલીફ થવી
- શરીરમાં દુ:ખાવો થવો
- આંખમાં બળતરા થવી
- આંખો લાલ થઈ જવી
પાંચથી સાત દિવસ પછી ઓરીની અસર દેખાવાની શરૂ થાય છે અને શરીર પર લાલ ઓરી નીકળે છે.
કેટલીક વખત મોઢામાં સફેદ ડાઘ પણ દેખાય છે.
3. ઓરીના લક્ષણો દેખાય તો શું કરવું?

ઓરીનાં લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
બ્લડ ટેસ્ટથી ઓરીનું નિદાન થઈ શકે છે અને તરત જ ડૉક્ટરની સલાહ અનુસાર તેની દવા શરૂ કરવી જોઈએ.
ઘરગથ્થુ નુસખામાં ન ફસાવું જોઈએ કારણ કે આ બીમારી વધી શકે છે અને અંતે ન્યૂમોનિયામાં પણ પરિવર્તિત થઈ શકે છે.
4. ઓરી કોને થઈ શકે છે?
રસી ન લીધી હોય તેવાં બાળકોને ઓરીનો સૌથી વધારે ખતરો રહે છે.
ત્યારબાદ, ગર્ભવતીઓને પણ ઓરીથી સંક્રમિત થવાની વધારે સંભાવના હોય છે.
એ સિવાય કોઈ પણ વ્યક્તિને ઓરી થઈ શકે છેે જેમણે ઓરીની વૅક્સિન ન લીધી હોય.
5. ઓરીની રસી શું છે? કેટલો ડોઝ લેવો જોઈએ?
બાળકોને ઓરીની સાથે-સાથે રૂબેલાની રસી, જેને એમઆર વૅક્સિનના નામથી ઓળખાય છે. તેના બે ડોઝ દેવામાં આવે છે.
પ્રથમ ડોઝ જ્યારે બાળક નવથી 12 મહિનાની ઉંમરનું થાય અને બીજો ડોઝ જ્યારે બાળક 16થી 24 મહિનાનું થાય ત્યારે આપવાનો હોય છે.
6. જો બાળકને બાળપણમાં રસી આપવામાં આવી હોય તો શું ફરીથી રસી અપાવવી જોઈએ?
ના. જો તમે એક બાળક તરીકે રસીના બંને ડોઝ લીધા છે તો તમે જીવનભર ઓરીથી સુરક્ષિત થઈ જાઓ છો.
7. વિટામિન Aનો ડોઝ કેમ જરૂરી?
જે બાળકોમાં વિટામિન Aની ઊણપ હોય તેને ઓરીનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.
આ ઉપરાંત જ્યારે પણ ઓરીનો ચેપ લાગે ત્યારે શરીરમાં પ્રવાહીની અછત સર્જાય છે, જેના લીધે વિટામિન Aનું સ્તર ઘટી જાય છે.
એ જ કારણ છે કે ઓરીના રોગીઓને પૌષ્ટિક આહાર ચાલુ રખાવી, દિવસમાં વિટામિન Aની ગોળી પણ આપવામાં આવે છે. ડબલ્યુએચઓ અનુસાર તેનાથી મૃત્યુદરમાં ઘટાડો આવે છે.
8. લીમડાથી ઓરીમાં ખરેખર ફાયદો થાય?
ઓરીના સંક્રમણમાં હંમેશાં શરીર પર દાણા નીકળે છે અને તાવ આવે છે. આ ઉપરાંત ખંજવાળ પણ આવતી હોય છે.
એટલે સ્વાભાવિક રીતે પ્રથમ ઘરેલુ ઉપાય છે કે - નાહવાના પાણીમાં લીમડાનાં પાન નાખી દો.
મહારાષ્ટ્રના રોગ સર્વેક્ષણ અધિકારી ડૉક્ટર પ્રદીપ આવટે જણાવે છે, "આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. રોગ વાઇરલ છે અને લક્ષણના આધારે સારવાર કરવામાં આવે છે. પણ પરુ બનતું અટકાવવા લીમડાનાં પાનનો ઍન્ટીસેપ્ટિક, જંતુનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે."
9. ઓરી વૈશ્વિક મહામારી છે?
વર્તમાન સમયમાં ઓરી કોઈ વૈશ્વિક મહામારી નથી પણ કેટલાંય દેશોમાં તેનો પ્રકોપ જોવા મળે છે.
ડબલ્યુએચઓનું અનુમાન છે કે કોરોનાને કારણે લગભગ ચાર કરોડ બાળકો ઓરીની રસી લેવાથી વંચિત રહી ગયાં છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 2022માં કહ્યું હતું કે, "ઓરીથી બચવા માટે 95 ટકા વસતીના ટીકાકરણની જરૂર પડતી હોય છે પણ વર્તમાનમાં આ દર વિશ્વભરમાં 81 ટકા જ સુધી ઘટી ગયો છે."
આવી સ્થિતિમાં ઓરીનો પ્રકોપ વ્યાપક બની શકે એમ છે.
10. ઓરી કેટલી ખતરનાક છે?

ભૂતકાળમાં ઓરીનો પ્રકોપ દર બેથી ત્રણ વર્ષે થતો હતો અને વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોનાં મૃત્યુ નોંધાતાં હતાં.
વર્ષ 1963માં ઓરીની રસીની શોધ કરાઈ એ બાદ વિશ્વભરમાં રસીકરણનું અભિયાન શરૂ થયું હતું. જોકે, માત્ર 2021માં જ વિશ્વભરમાં ઓરીને લીધે 1 લાખ 28 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












